Last Update : 04-July-2012,Wednesday

 

હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના ઉત્થાન અને પતનની કથા

પહેલાં સફળતાનો નશો અને પછી શરાબનો નશો આ મહાન કલાકારના જીવનને અસ્તવ્યસ્ત કરવામાં નિમિત્ત બન્યો હતો

હિન્દી ફિલ્મોનો સુપરસ્ટાર રાજેશ ખન્નાની તબિયત અત્યંત ગંભીર છે. ટીવીની ચેનલો ઉપર રાજેશ ખન્નાની જીવનઝરમર આવી રહી છે અને તે એક કલકાર તરીકે કેટલો મહાન હતો તેની જથ્થાબંધ ઝલકો જોવા મળી રહી છે. આ ઝલકો જોઈને લાગે છેકે ન્યુઝ ચેનલો વચ્ચે રાજેશ ખન્નાને જીવતેજીવત શ્રદ્ધાંજલિ આપવાની હોડ જામી છે. આજે બોલિવૂડના બાદશાહ તરીકે શાહરૃખ ખાનને નવાજવામાં આવે છે અને અમિતાભ બચ્ચનનું વર્ણન સુપરસ્ટાર તરીકે કરવામાં આવે છે, પણ જે લોકપ્રિયતા રાજેશ ખન્નાએ તેના જમાનામાં હાંસલ કરી હતી તેની સામે આજે બિગ બીએ કે શાહરૃખ ખાને હાંસલ કરેલી લોકપ્રિયતા અત્યંત ફિક્ક જણાય છે. રાજેશ ખન્ના માટે તેના ચાહકોના દિલમાં જે ઘેલછા હતી તેવી ઘેલછાનો આજે સર્વથા અભાવ જણાય છે. આવી ટોચની લોકપ્રિયતા હાંસલ કર્યા પછી રાજેશ ખન્ના તેની અંગત જિંદગીમાં સરિયામ નિષ્ફળતાને વર્યો હતો. તેનું લગ્ન જીવન નિષ્ફળ ગયું હતું અને શરાબના રવાડે ચડીને તેણે પોતાના આરોગ્યને પણ ભારે હાનિ પહોંચાડી હતી.
હિન્દી ફિલ્મોની દુનિયામાં રાજેશ ખન્નાનો પણ એક યુગ હતો. જ્યારે દેવ આનંદ, દિલીપ કુમાર અને રાજ કપૂરની ત્રિપુટીનો જાદુ યુવા પેઢીમાં ઓસરી રહ્યો હતો ત્યારે બોલિવૂડના તખ્તા ઉપર રાજેશ ખન્નાનું આગમન થયું. રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ 'આખરી ખત' ઈ.સ. ૧૯૬૬માં રિલીઝ થઈ પણ તેની ભાગ્યે જ કોઈએ નોંધ લીધી હતી. ઈ.સ. ૧૯૬૭માં તેણે 'રાઝ' ફિલ્મમાં બબીતા સાથે કામ કર્યું ત્યારે તેની નોંધ લેવામાં આવી. ઈ.સ. ૧૯૬૯માં શર્મિલા ટાગોર સાથે 'આરાધના' ફિલ્મ રિલીઝ થતાં જ રાજેશ ખન્ના રાતોરાત સ્ટાર બની ગયો.
એક જમાનામાં મુંબઈની નહીં પણ ભારતભરની યુવતીઓ રાજેશ ખન્ના પાછલ પાગલ હતી. તેઓ પોતાના લોહીથી પત્ર લખીને રાજેશ ખન્નાને લગ્ન માટેના પ્રસ્તાવ મોકલતી હતી. આ યુવતીઓ રાજેશ ખન્નાની કાર જે રસ્તા ઉપરથી પસાર થવાની હોય ત્યાં પોતાના હૃદયના ધબકારની ઝલક મેળવવા લાઈનબંધ ઊભી રહેતી. રાજેશ ખન્નાની કાર પસાર થાય ત્યારે તેને 'કીસ' કરવા આ યુવતીઓ પડાપડી કરતી. એક વખત રાજેશ ખન્ના અને મુમતાઝ એક ફિલ્મના શૂટીંગ માટે ચેન્નાઈ ગયા હતા. ત્યાં હોટેલમાં રાતે બાર વાગ્યે ૬૦૦ યુવતીઓ રાજેશ ખન્નાના 'દર્શન' કરવા લાઈનમાં ઊભી હતી. તેમનાથી બચવા રાજેશ ખન્નાને પોલીસ પ્રોટેક્શન હેઠળ હોટેલમાં લઈ જવો પડયો હતો. અનેક યુવતીઓએ તો રાજેશ ખન્નાની તસવીર સાથે લગ્ન કરીને સંતોષ માન્યો હતો.
કચકડાના પડદા ઉપર રોમેન્ટિક લવરની છાપ ધરાવતા રાજેશ ખન્ના અંગત જિંદગીમાં પણ સુંદર યુવતીઓનો દીવાનો હતો. બોલિવૂડમાં તેની છાપ 'કાસાનોવા' તરીકેની હતી. હિન્દી ફિલ્મોમાં આગમન થતાં જ તે મોડેલ, ફેશન ડિઝાઈનર અને અભિનેત્રી અંજુ મહેન્દ્રુના પ્રેમમાં પડયો. તેઓ સાત વર્ષ સાથે રહ્યા અને પછી છૂટા પડી ગયા. છૂટા પડયા પછી ૧૭ વર્ષ સુધી તેમણે એકબીજા સાથે વાત નહોતી કરી.
રાજેશ ખન્નાના ડિમ્પલ સાથેના લગ્ન પણ કોઈ પરીકથા જેવા રોમાંચક હતા. રાજ કપૂરની 'બોબી' ફિલ્મનું શૂટીંગ થયું ત્યારે ડિમ્પલની ઉંમર માંડ ૧૫ વર્ષની હતી અને તે સ્કૂલમાં ભણતી હતી. એ વખતની બધી કુંવારી કન્યાઓની જેમ રાજેશ ખન્ના તેના મનનો માણીગર હતો. એક વખત તે પ્લેનમાં પ્રવાસ કરી રહી હતી ત્યારે રાજેશ ખન્ના તેની બાજુની સીટ ઉપર ગોઠવાઈ ગયો હતો. ડિમ્પલના હૃદયના ધબકારા વધી ગયા હતા. ટૂંક સમયમાં રાજેશ ખન્નાએ ડિમ્પલને પ્રપોઝ કર્યું ત્યારે તે માની નહોતી શકી કે તે સુપરસ્ટારની પત્ની બનવાની છે.
'બોબી' ફિલ્મ રિલીઝ થઈ તેના છ મહિના પહેલાં ૧૬ વર્ષની ડિમ્પલ કાપડિયા ૩૦ વર્ષના રાજેશ ખન્નાના પ્રેમમાં પડી અને આંધળુકિયા કરીને ઈ.સ. ૧૯૭૩માં તેને પરણી. ડિમ્પલ સાથેના લગ્ન પછી પણ સુંદર યુવતીઓ રાજેશ ખન્નાની જિંદગીમાં આવતી રહી અને રાજેશ ખન્ના આ યુવતીઓ સાથે રોમાન્સ કરતો રહ્યો. તેને કારણે ડિમ્પલ અને રાજેશ ખન્ના વચ્ચે ઝઘડાઓ ચાલ્યા કરતા. આ દરમિયાન ડિમ્પલને ટ્વિન્કલ અને રિન્કી નામની બે ખૂબસુરત પુત્રીઓ થઈ. ઈ.સ. ૧૯૮૪માં સતત ઝઘડાઓથી ત્રાસેલી ડિમ્પલ રાજેશ ખન્નાને છોડીને બે પુત્રીઓને સાથે લઈને અલગ રહેવા જતી રહી. ભારે મુશ્કેલીઓનો સામનો કરીને ડિમ્પલે એકલે હાથે બંને પુત્રીઓને ઉછેર કર્યો.
ડિમ્પલ સાથે છૂટા પડયા પછી પણ રાજેશ ખન્નાનો 'કાસાનોવા' જેવો ઈશ્કી મિજાજ બદલાયો નહીં. તેણે પોતાની ફિલ્મોની હીરોઈનો સાથે ઈશ્ક લડાવવાનું ચાલુ જ રાખ્યું. મુમતાઝ અને ટીના મુનિમ જેવી અભિનેત્રીઓ સાથેના રાજેશ ખન્નાના રોમાન્સની ચર્ચા બોલિવૂડમાં કાયમ ચાલતી હતી. મુમતાઝ મયૂર વાધવાણીને પરણીને અમેરિકા જતી રહી અને ટીના મુનિમ અનિલ અંબાણીને પરણીને સેટલ થઈ ગઈ ત્યારે આશીર્વાદ બંગલામાં 'કાકા' એકલા થઈ ગયા. એકલતા દૂર કરવા સુપરસ્ટાર શરાબના નશામાં ખોવાઈ ગયો.
ઈ.સ. ૧૯૬૯ અને ૧૯૭૨ વચ્ચે રાજેશ ખન્નાની એક પછી એક ૧૬ ફિલ્મો હીટ ગઈ હતી. તેમાં બાવર્ચી, આનંદ, અમર પ્રેમ, કટી પતંગ, આપકી કસમ વગેરેનો સમાવેશ થતો હતો. સફળતા અને લોકપ્રિયતાનો નશો રાજેશ ખન્નાના દિમાગ ઉપર બરાબરનો સવાર થઈ ગયો હતો. તેના વ્યક્તિત્વમાં ઘમંડ આવી ગયું હતું. રાજેશ ખન્નાએ પોતાના નિર્માતા અને દિગ્દર્શકો સાથે પણ તોછડાઈથી વર્તન કરવા માંડયું હતું. યશ ચોપરા જેવા નામાંકિત નિર્માતાનું પણ અપમાન કરીને રાજેશ ખન્નાએ અવિચારીપણે તેમની સાથેના સંબંધો બગાડી નાંખ્યા.
અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નહોતું, તો રાજેશ ખન્નાનું ક્યાંથી ટકે? ઈ.સ. ૧૯૭૦ના દાયકામાં અમિતાભ બચ્ચનનું હિન્દી ફિલ્મોમાં આગમન થયું. ઝંઝીર ફિલ્મની સફળતા સાથે તે 'એન્ગ્રી યંગ મેન'ની ભૂમિકામાં જામવા લાગ્યો અને યંગિસ્તાનનો ચાહીતો બની ગયો. આ દરમિયાન જ રાજેશ ખન્નાનું પતન શરૃ થયું. તેની એક પછી એક સાત ફિલ્મો ફ્લોપ ગઈ. નિર્માતાઓ રાજેશ ખન્નાથી દૂર ભાગવા લાગ્યા. હતાશામાં ગરકાવ થયેલો રાજેશ ખન્ના શરાબના નશામાં વધુને વધુ ડૂબવા લાગ્યો. વધુ પડતા શરાબને કારણે તેના લીવરને નુકશાન થઈ ગયું.
રાજેશ ખન્નાની એક ફિલ્મમાં 'જિંદગી, એક સફર, હૈ સુહાના; યહાં કલ ક્યા હો, કિસને જાના' ગીત અત્યંત લોકપ્રિય થયું હતું. રાજેશ ખન્નાએ જ્યારે જિંદગીની સફર શરૃ કરી ત્યારે તે સફર ખરેખર સુહાની હતી. તેમાં આવતી કાલે શું થવાનું છે, તેની રાજેશ ખન્નાને પણ ખબર નહોતી. રાજેશ ખન્ના 'આનંદ' ફિલ્મમાં એક યાદગાર ડાયલોગ બોલ્યો હતો ઃ ''બાબુ મોશાય! જિંદગી કી ડોર ઉપર વાલે કે હાથ મેં હૈ. ઉસે ન આપ બદલ શકતે હૈ, ન હમ. હમ સબ રંગમંચ કી કઠપૂતલિયાં હૈ.'' આ ડાયલોગ તેની જિંદગીને પણ લાગુ પડે છે.
ફિલ્મોદ્યોગમાંથી લગભગ ફેંકાઈ ગયા પછી રાજેશ ખન્નાએ રાજકારણમાં પણ હાથ અજમાવી જોયો. ઈ.સ. ૧૯૯૨માં તે કોંગ્રેસની ટિકિટ ઉપર લોકસભાની ચૂટણી લડયો અને જીત્યો પણ ખરો. રાજેશ ખન્નાનો સાથ છોડી ગયેલી પત્ની ડિમ્પલ ગઈગુજરી ભુલીને તેની ચૂંટણી સભાઓમાં તેની સાથે દેખાતી હતી. રાજેશ ખન્ના ઈ.સ. ૧૯૯૨ થી ૧૯૯૬ દરમિયાન લોકસભામાં સંસદસભ્ય પણ રહ્યો. બીજા ફિલ્મી સિતારાઓની જેમ રાજકારણમાં તેને ફાવટ આવી નહીં. ઈ.સ. ૧૯૯૬માં તેને બીજી વાર ટિકિટ મળી પણ તે હારી ગયો. આજે પણ રાજેશ ખન્ના કહેવા પૂરતો રાજકારણમાં છે. રાજકારણીઓ જ્યારે જરૃર પડે ત્યારે તેની લોકપ્રિયતાને વટાવી ખાય છે.
રાજેશ ખન્નામાં હવે પહેલા જેવી તાજગી અને જુવાની રહી નહોતી. તબિયતથી તે લથડી ગયો હતો. તેના ચહેરા ઉપર કરચલીઓ દેખાઈ રહી હતી. તેને 'એ' ગ્રેડની ફિલ્મો મળવાની બિલકુલ બંધ થઈ ગઈ હતી. તેમ છતાં તેણે માનભેર નિવૃત્તિ સ્વીકારી લેવાની બદલે 'બી' અને 'સી' ગ્રેડની ફિલ્મોમાં જે ભૂમિકા મળે તે સ્વીકારીને કામ કરવાનું ચાલુ રાખ્યું. છેક ૬૬ વર્ષની ઉંમરે 'વફા' ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન સાથે બેડરૃમના હોટ દ્રશ્યો ભજવીને રાજેશ ખન્નાએ બતાડી આપ્યું કે તે આજે પણ 'કાસાનોવા' છે. તાજેતરમાં ૬૯ વર્ષની ઉંમરે રાજેશ ખન્નાએ એક પંખાની જાહેરાતમાં કામ કરીને બતાવી આપ્યું કે તે હજી પણ પોતાની જાતને જુવાન માને છે અને નિવૃત્ત થયા તૈયાર નથી.
યુવાનીના દિવસોમાં રાજેશ ખન્નાએ જે અનિયમિત જીવન ગુજાર્યું અને શરાબનું સેવન કર્યું તેને કારણે તેની તબિયતને સુધારી ન શકાય તેવું નુકસાન થઈ ગયું છે. રાજેશ ખન્ના અત્યારે મરણ પથારીએ છે ત્યારે તેને છોડી ગયેલી પત્ની ડિમ્પલ જ ખડે પગે તેની સેવા કરી રહી છે. રાજેશ ખન્નાનો જમાઈ અક્ષય કુમાર પણ તેની સેવામાં હાજર છે. ઈ.સ. ૧૯૭૦ના દાયકાના સુપરસ્ટારને આજના યુવક યુવતીઓ માત્ર નામથી ઓળખે છે. એ સમયે જે પેઢી રાજેશ ખન્ના પાછળ પાગલ હતી, તેઓ હવે ૫૦ની ઉંમર વટાવી ગયા છે. તેઓ રાજેશ ખન્નાના સમાચાર ટીવી ઉપર જોઈને પોતાના જમાનાની યાદ તાજી કરી લે છે. આ કારણે લીલાવતી હોસ્પિટલમાં રાજેશ ખન્નાની ખબર કાઢવા મુલાકાતીઓની લાઈન લાગતી નથી. બોલિવૂડના બહુ ઓછા સિતારાઓ રાજેશ ખન્નાને યાદ કરે છે, કારણ કે તેઓ ઉગતા સૂરજની પૂજા કરવાને ટેવાયેલા છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved