Last Update : 02-July-2012, Monday

 

જુંદાલની ધરપકડમાં અમેરિકાની જાસૂસી સંસ્થાઓની મહત્ત્વની ભૂમિકા

અબુ જુંદાલના નિશાન ઉપર ભારતમાં રહેલાં અમેરિકન અને ઈઝરાયલી સંસ્થાનો પણ હોવાથી અમેરિકી જાસૂસી સંસ્થાઓએ તેને પકડવામાં ભારે મદદ કરી હતી

આતંકવાદી અબુ હમઝાની ધરપકડ કરીને ભારતના જાસૂસી તંત્રે બહુ મોટું પરાક્રમ કરી દેખાડયું છે, પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે સાઉદી અરેબિયામાં છૂપાયેલા અબુ હમઝાને શોધી કાઢીને તેને ભારત મોકલવામાં અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓએ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઈ.સ. ૨૦૦૬માં ઔરંગાબાદમાં શસ્ત્રોનો જે જથ્થો પકડાયો તેના માસ્ટર માઈન્ડ ઝૈબુદ્દીન અનસારી અને ૨૬/૧૧ના મુંબઈ હુમલા વખતે કરાચીના કન્ટ્રોલ રૃમમાં રહીને આતંકવાદીઓને માર્ગદર્શન આપનારા અબુ જુંદાલ વચ્ચે કોઈ ફરક નથી તેનો ખ્યાલ આવતાં ભારતની જાસૂસી સંસ્થાઓને ત્રણ વર્ષ સમય લાગ્યો હતો. આ વાતની જાણ થયા પછી પણ અબુ જુંદાલની ધરપકડ કરવા માટે તેમણે એક વર્ષની રાહ જોવી પડી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં સાઉદી અરેબિયાની સરકાર ઉપરાંત અમેરિકાની એજન્સીઓનો પણ નક્કર ફાળો હતો.
ઈ.સ. ૨૦૦૬માં ઔરંગાબાદમાં આરડીએક્સ, એકે-૪૭ રાઈફલ્સ અને ગ્રેનેડનો જે જથ્થો પકડાયો તેનો મુખ્ય આરોપી ઝૈબુદ્દીન અનસારી મહારાષ્ટ્રની પોલીસના ચોપડે ભાગેડુ આરોપી હતો. તે ભારતમાંથી છટકીને બાંગ્લાદેશ પહોંચી ગયો હતો અને ત્યાંથી તે પાકિસ્તાની જાસૂસી સંસ્થાઓની મદદથી પાકિસ્તાનમાં પ્રવેશીને ત્યાં સ્થિર થયો હતો. ભારતમાં કોઈ પણ પાકિસ્તાની ત્રાસવાદીની ધરપકડ કરવામાં આવે ત્યારે તેઓ અનસારીનો ઉલ્લેખ અચૂક કરતા અને કહેતા કે તે હવે લશ્કરે તોઈબાનો માનીતો બની ગયો છે. મુંબઈ ઉપરનો ૨૬/૧૧નો હુમલો થયો ત્યારે કરાચીના કન્ટ્રોલ રૃમમાં રહેલો અબુ જુંદાલ નામનો ત્રાસવાદી હેન્ડલર હિન્દીમાં આતંકવાદીઓને સૂચના આપતો હતો. આ અબુ જુંદાલ મુંબઈની ભૂગોળનો જાણકાર હોવાનું સ્પષ્ટ જણાતું હતું. વળી તેની ભાષામાં પણ મુંબઈની ભાષાની છાંટ વર્તાતી હતી. તેના આધારે ભારતની એજન્સીઓને શંકા ગઈ હતી કે અબુ જુંદાલ મૂળ ભારતનો છે, પણ તેની ઓળખ કરવામાં તેમને સફળતા મળી નહોતી.
ભારતની જાસૂસી સંસ્થાઓ આદિલ ઉર્ફે અજમલ નામના ત્રાસવાદીના ફોનને આંતરી રહી હતી. તેની યોજના દિલ્હીની કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ત્રાસવાદી હુમલો કરવાની હતી. ભારતની પોલીસે બિહારમાં મધુબની ખાતેથી તેની ધરપકડ કરી હતી. અજમલ કરાચીમાં એક ત્રાસવાદીના સતત સંપર્કમાં હતો, જેને તે અબુ જુંદાલ તરીકે ઓળખતો હતો. આ નામ સાંભળી ભારતની ગુપ્તચર સંસ્થાઓ સતર્ક થઈ ગઈ, કારણ કે અજમલ કસાબે પણ પોતાના કબૂલાતનામામાં જણાવ્યું હતું કે તેમને કરાચીના કન્ટ્રોલ રૃમમાં રહેલો અબુ જુંદાલ નામનો ઈસમ માર્ગદર્શન આપતો હતો. ભારતની જાસૂસી સંસ્થાઓએ આ બધી માહિતી અમેરિકાની જાસૂસી સંસ્થાને પહોંચાડી દીધી, જેમણે અબુ જુંદાલનો ખરો પરિચય કરાવવામાં અને તેના સુધી પહોંચવામાં ભારતની જાસૂસી સંસ્થાઓને દરેક તબક્કે મદદ કરી હતી.
ઈ.સ. ૨૦૦૯માં ભારતની જાસૂસી સંસ્થા 'રો'ના હાથમાં અત્યંત મહત્ત્વની બાતમી આવી કે ઔરંગાબાદના આરોપી ઝૈબુદ્દીન અનસારીને હવે પાકિસ્તાનનો પાસપોર્ટ મળી ગયો છે, જેમાં તેનું નામ રિયાસત અલી લખવામાં આવ્યું છે. ભારતની જાસૂસી સંસ્થાએ આ માહિતી પણ અમેરિકી જાસૂસી સંસ્થાને મોકલી આપી હતી. અમેરિકાની જાસૂસી સંસ્થાઓ દ્વારા આ રિયાસત અલીનો ભૂતકાળ ઉથલાવવામાં આવ્યો ત્યારે તેમને જાણવા મળ્યું કે આ રિયાસત અલી જ અબુ જુંદાલ છે, જે અજમલ કસાબ સહિતના ત્રાસવાદીઓનો હેન્ડલર છે. આ રીતે ભારતની જાસૂસી સંસ્થા સમક્ષ આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. હવે આ ત્રાસવાદીને કેવી રીતે પકડવો તેનો વિચાર કરવાનો હતો.
અમેરિકાની જાસૂસી સંસ્થાએ પાકિસ્તાનમાં રહેલા રિયાસત અલીની હિલચાલ ઉપર ઈ.સ. ૨૦૦૯ની સાલથી નજર રાખવાનું શરૃ કરી દીધું હતું. અમેરિકાની જાસૂસી સંસ્થાને ખ્યાલ આવ્યો કે અનસારી જે ત્રાસવાદીઓની ભરતી કરતો હતો તેને ભારતમાં રહેલા અમેરિકી અને ઈઝરાયલી સ્થાનકો ઉપર ત્રાટકવાની ખાસ પ્રેરણા કરતો હતો. આ કારણે અમેરિકાની જાસૂસી સંસ્થાએ અનસારી ફરતો ગાળિયો મજબૂત બનાવી દીધો હતો. ભારતની અને અમેરિકાની જાસૂસી સંસ્થાઓએ મળીને નક્કી કર્યું હતું કે આ મામલામાં તેઓ પાકિસ્તાનની મદદ લેવાના નથી. આ કારણે તેઓ અનસારી પાકિસ્તાન છોડીને બીજા દેશમાં જાય તેની રાહ જોઈ રહ્યા હતા.
આ બાજુ અબુ જુંદાલને પકડવા માટે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બહાર પાડી દેવામાં આવી હતી. તે પાકિસ્તાન છોડીને જાય તો તેની જાણ કરવા માટે એર પોર્ટ ઉપર પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે લશ્કરે તોઈબાનો વિશ્વાસ જીતી લીધો હોવાથી તેને અનેક મહત્ત્વની કામગીરીઓ સોંપવામાં આવી રહી હતી. એક વખત તેને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવેલા લશ્કરે તોઈબાના કમાન્ડર ઝાકીઉર રહેમાન લખવીને મળવા માટે લઈ જવામાં આવ્યો અને પછી તેને સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યો હતો.
ગયા વર્ષના એપ્રિલ મહિનાની ૨૬મી તારીખે તે પાકિસ્તાનથી સાઉદી અરેબિયા જવા નીકળ્યો હતો. અબુ જુંદાલને સાઉદીમાં ભારતીય અને પાકિસ્તાની મૂળના મુસ્લિમોની જિહાદમાં ભરતી કરવાનું અને ફાળો ઉઘરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. અમેરિકાના સાઉદી અરેબિયા સાથે ગાઢ રાજદ્વારી સંબંધો હોવાથી અબુ જુંદાલની ગતિવિધિઓની માહિતી મેળવવામાં સાઉદીના સત્તાવાળાઓ તરફથી તમામ સહકાર આપવામાં આવ્યો હતો.
સાઉદીના સત્તાવાળાઓએ અમેરિકાની જાસૂસી સંસ્થાને જણાવી દીધું હતું કે જો અબુ જુંદાલ પાસે પાકિસ્તાની પાસપોર્ટ હશે તો તેને ઈમિગ્રેશનમાં અટકાવી શકાશે નહીં. સાઉદી આવવા માટે અબુ જુંદાલે એવું કારણ આપ્યું હતું કે તે સાઉદી ભાગાદારો સાથે નાનકડો ધંધો શરૃ કરવા માંગે છે.
સાઉદીના સત્તાવાળાઓએ એક મહિના સુધી જુંદાલ ઉપર ધ્યાન રાખ્યું પણ તે ધંધાની પ્રવૃત્તિઓને બદલે ત્રાસવાદીઓની ભરતી કરવાની પ્રવૃત્તિ કરતો જોવા મળ્યો હતો. આ વાતની ખાતરી થતાં જ સાઉદી સત્તાવાળાઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ગયા મે મહિનામાં તેની અટકાયત કરીને તેની જાણ ભારતના સત્તાવાળાઓને કરવામાં આવી હતી અને તેની વધુ વિગતો માંગવામાં આવી હતી. પાકિસ્તાનને જ્યારે અબુ જુંદાલની ધરપકડના સમાચાર મળ્યા ત્યારે તેણે સાઉદીના સત્તાવાળાઓનો સંપર્ક સાધીને કહ્યું કે તે પાકિસ્તાનનો નાગરિક હોવાથી તેની સોંપણી પાકિસ્તાનને જ કરવી જોઈએ. હવે ભારતના ગુપ્તચર તંત્ર ઉપર એવું સાબિત કરવાની જવાબદારી આવી ગઈ કે અબુ જુંદાલ ભારતનો જ છે. તેમણે ચાલાકીથી અબુ જુંદાલના પિતાના લોહીના નમૂના મેળવ્યા અને તેની ડીએનએ ટેસ્ટ કરાવી તેનો રિપોર્ટ સાઉદી અરેબિયા મોકલી આપ્યો. આ ડીએનએનો રિપોર્ટ અબુ જુંદાલના રિપોર્ટ સાથે મળતો આવ્યો એટલે સાબિત થયું કે અબુ જુંદાલ ભારતનો જ નાગરિક છે.
સાઉદીના સત્તાવાળાઓ ઉપર પાકિસ્તાનનું પ્રચંડ દબાણ હતું કે અબુ જુંદાલને કોઈ સંયોગોમાં ભારત મોકલવો નહીં. સાઉદી અરેબિયા પણ મુસ્લિમ દેશ હોવાથી એક તબક્કે તેમણે પાકિસ્તાનના દબાણમાં આવી જઈને ભારતને એવી ઓફર કરી હતી કે ભારતના તપાસકર્તાઓ સાઉદી આવીને જુંદાલની પૂછપરછ કરી શકે છે, પણ તેને ભારતને સોંપી શકાય તેમ નથી. ભારતે આ ઓફર ફગાવી દીધી. આ દરમિયાન અમેરિકાની જાસૂસી સંસ્થાઓ દ્વારા સાઉદી ઉપર દબાણ વધારવામાં આવ્યું કે તેમણે અબુ જુંદાલની સોંપણી ભારતને કરવી જોઈએ. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે એ મતલબની સમજૂતી કરવામાં આવી હતી કે જો એકબીજાના દેશના ગુનેગારો તેમના દેશમાં આવે તો તેની સોંપણી કરવી જોઈએ. આ સમજૂતીના આધારે જૂન મહિનાના પ્રારંભમાં સાઉદી અરેબિયા અબુ જુંદાલનો કબજો ભારતને આપવામાં સંમત થયું હતું.
તરત જ ભારતના સત્તાવાળાઓ દ્વારા ઝૈબુદ્દીન અનસારીના નામની ટેમ્પરરી ટ્રાવેલ પરમિટ બનાવીને સાઉદીના સત્તાવાળાઓને સુપરત કરવામાં આવી હતી. અબુ જુંદાલ જ્યારે ભારતમાં હતો ત્યારે તેની પાસે આ જ નામનો પાસપોર્ટ હતો. સાઉદીના સત્તાવાળાઓ દ્વારા તારીખ ૨૧મી જૂને જૂને અબુને રિયાદથી દિલ્હી જતા વિમાનમાં ચડાવી દેવામાં આવ્યો હતો. તેની ઉપર નજર રાખવા ભારતના જાસૂસો પણ સાથે હતા. અબુ જુંદાલ જેવો દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતર્યો કે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન એટલી ગુપ્તતા સાથે પાર પાડવામાં આવ્યું હતું કે ભારતના વિદેશ ખાતાને પણ તેની ગંધ આવવા દેવામાં આવી નહોતી.
ઝૈબુદ્દીન અનસારી ઉર્ફે અબુ જુંદાલ ઉર્ફે રિયાસત અલી ઉર્ફે અબુ હમઝા અત્યાર સુધીની પૂછપરછમાં જે માહિતી આપી રહ્યો છે તેના કારણે મુંબઈ ઉપરના ૨૬/૧૧ના આતંકવાદી હુમલાની અને બીજા પણ ત્રાસવાદી કારસ્તાનોની મહત્ત્વની ખૂટતી કડીઓ બહાર આવી રહી છે.
તેને કારણે ૨૬/૧૧ના હુમલામાં પાકિસ્તાનના લશ્કરની અને આઈએસઆઈની ભૂમિકાના પણ મજબૂત પુરાવાઓ મળે છે. હવે અબુ જુંદાલની સામે ફૂલપ્રૂફ કેસ બનાવવાની જરૃર છે, કારણ કે તે અદાલતમાં ફરી જઈ શકે છે. ભારતની જાસૂસી સંસ્થાઓ જે રીતે અબુ જુંદાલની ધરપકડ કરવામાં સફળ થઈ તે રીતે ભારતની તપાસ સંસ્થાઓ તેની સામેનો કેસ પુરવાર કરવામાં સફળ થાય એ પણ બહુ ઔજરૃરી છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved