Last Update : 30-June-2012, Saturday

 

મહેશ ભૂપતિ અને લિયાન્ડર પેસ વચ્ચેના ઝઘડાના મૂળ બહુ ઊંડાં છે

લંડન ઓલિમ્પિક્સના ટાંકણે ભારતના ટોચના બે ટેનિસ ખેલાડીઓ વચ્ચે જે અંટસ બહાર આવી તેના મૂળમાં બે માંધાતાઓ વચ્ચે અહંકારની ટકરામણ છે

રાજકારણમાં અને રમતગમતમાં કાયમી મિત્રતા કે કાયમી શત્રુતા હોતી નથી. ભારતના ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ અને લિયાન્ડર પેસ એક વખતે એકબીજા સાથે એટલી આત્મીયતા ધરાવતા હતા કે લોકો તેમને 'કપલ' તરીકે ઓળખતા હતા. આજે તેમના વચ્ચે એવી અંટસ પડી ગઈ છે કે દેશના હિત ખાતર તેઓ ઓલિમ્પિક્સમાં સાથે રમવા પણ તૈયાર ન થતાં ભારતે ડબલ્સમાં એકને બદલે બે ટીમો મોકલવી પડશે. કોઈ બે ખેલાડીઓના અંગત ઝઘડાને કારણે ભારતે બે ટીમો મોકલવી પડે તેવો આ કદાચ પહેલો કિસ્સો હશે. હવે એવું પણ બની શકે કે ઓલિમ્પિક્સની ડબલ્સમાં ભારતની આ બંને ટીમો સામસામે ટકરાઈ જાય. એ વખતે ભારતના દર્શકોને કઈ ટીમને ટેકો આપવો તેની ખબર નહીં પડે.
ટેનિસની રમતમાં મહેશ ભૂપતિ અને લિયાન્ડર પેસની મૈત્રી જેમ જૂની છે તેમ તેમની નફરત પણ બહુ જૂની છે. ઈ.સ. ૧૯૯૬ ની ડેવિસ કપમાં ભારત હોલેન્ડ સામે રમતું હતું. ડબલ્સમાં ભારતે હોલેન્ડને હરાવતાં તે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયું ત્યારે આ જીતના શિલ્પી પેસ અને ભૂપતિ એકબીજાને એવી રીતે વળગી પડયા હતા કે એક મહિલા ખેલાડીએ કટાક્ષમાં પૂછ્યું હતું કે તમે એકબીજાને પરણેલા તો નથી ને ? આવી ગાઢ દોસ્તી કઈ રીતે નફરતમાં બદલાઈ ગઈ તેનો ઈતિહાસ છે. ઈ.સ. ૧૯૯૦ ના દાયકમાં ભારતનું અર્થતંત્ર મુક્તિનો સ્વાદ ચાખી રહ્યું હતું. આ દાયકામાં લોકપ્રિય ખેલાડીઓ જાહેરખબરનું સબળ માધય્મ બનવા લાગ્યા અને મલ્ટિનેશનલ કંપનીઓ તેમને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવા લાગી. આ દાયકામાં બોલે તેના બોર વેચાય તેવી હાલત હતી. લિયાન્ડર પેસ અત્યંત બોલકણો હતો, જ્યારે મહેશ ભૂપતિ શરમાળ હતો. લિયાન્ડર પેસનો કોઈ પત્રકાર ઈન્ટરવ્યૂ તો તેને ખૂબ મસાલો મળતો, પણ મહેશ ભૂપતિ પાસે કોઈ વાત કઢાવતા નાકે દમ આવી જતો. આ કારણે રૃપિયા કમાવાની રેસમાં મહેશ ભૂપતિ કરતાં લિયાન્ડર પેસ ઝડપથી આગળ નીકળી ગયો. આટલાન્ટામાં પેસને કાસ્યચંન્દ્રક મળ્યો ત્યારે તેને ૩૩ લાખ ડોલરનું ઈનામ મળ્યું હતું. જોકે મહેશ ભૂપતિને તેની કોઈ ચિંતા નહોતી. તે તો ટેનિસ રમીને તેનો આનંદ માણતો હતો.
પેસ અને ભૂપતિ વચ્ચે પહેલી વખત મતભેદ થયો એ તેમના કોચ બાબતમાં હતો. કોચ એનરિકો પેપર્નોનો પક્ષપાત હંમેશા પેસ પ્રત્યે હતો. એક તબક્કે પેસને લાગ્યું કે હવે પેપર્નો કોચ તરીકે બહુ કામનો નથી પણ તેનો ઉપયોગ મેનેજર તરીકે કરી શકાય તેમ છે. મહેશ ભૂપતિ પેપર્નોને કોચ તરીકે ચાલુ રાખવા માંગતો હતો. આ બે ખેલાડીઓ વચ્ચેના મતભેદની ખાઈને પહોળી બનાવવાનું કાર્ય તેમના બંનેના પિતાશ્રીઓએ કર્યું. તેમણે આ બાબતમાં જાહેરમાં જે નિવેદનો કર્યા તેને કારણે તેમની વચ્ચેનું મનદુઃખ બિનજરૃરી રીતે વધી ગયું. મહેશ ભૂપતિને એમ લાગતું હતું કે તેણે હંમેશા લિયાન્ડર પેસના પડછાયામાં જીવવું પડે છે. તે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ સાબિત કરવા માંગતો હતો. આ કારણે તેમની વચ્ચે સૂક્ષ્મ ઘર્ષણ વધી રહ્યું હતું. તેમ છતાં તેમણે ટીમ તરીકે રમવાનું ચાલુ રાખ્યું, કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.
આ દરમિયાન તેમના જીવનમાં એક સ્ત્રી આવી. આ સ્ત્રી સાથે ભૂપતિ અને પેસ આશરે ૧૨ વર્ષ સુધી સાથે ફરતાં જોવા મળતા હતા. તેને કારણે મિડીયામાં તેમની બાબતમાં જાતજાતની સ્ટોરીઓ વાંચવા મળતી હતી. આ સ્ત્રીને કારણે પણ તેમની વચ્ચે સ્પર્ધા પેદા થઈ હોય તેવું બની શકે છે. આ દરમિયાન ભૂપતિ ગ્લોબોસ્પોર્ટ્સ નામની વિદેશી મેનેજમેન્ટ ફર્મ સાથે સંકળાયો. ભારતનું ટેનિસ એસોસિયેશન ગ્લોબો સ્પોર્ટ્સને એક હરીફ એસોસિયેશન તરીકે જોતું હતું. લિયાન્ડર પેસ હંમેશા ભારતીય ટેનિસ એસોસિયેશનનો માનીતો રહ્યો છે. ભૂપતિના ગ્લોબોસ્પોર્ટ્સ સાથેના જોડાણને કારણે પણ તેમના બે વચ્ચે અંતર વધતું ગયું. જોકે ઈન્ડિયન ટેનિસ એસોસિયેશનમાં લિયાન્ડર પેસની જે વગ હતી તેને કારણે અન્ય ટેનિસ ખેલાડીઓ સખત નારાજ હતા, જેની પેસને કદાચ જાણ નહોતી. ડેવિસ કપની સ્પર્ધાને તેઓ પેસની અંગત જાગીર સમજતા હતા. ડેવિસ કપ માટે ખેલાડીઓની પસંદગીમાં પણ પેસની મનમાની ચાલતી હતી. આ કારણે ઈ.સ. ૨૦૦૮ના ડેવિસ કપ પહેલાં ખેલાડીઓએ બળવો કર્યો હતો. તાજેતરમાં ભૂપતિએ અને બોપન્નાએ લિયાન્ડર પેસ સાથે ઓલિમ્પિક્સમાં જોડી બનાવવાનો ઈનકાર કર્યો એ પણ આ બળવાનો જ ભાગ હતો. પેસ અને ભૂપતિ વચ્ચેના સંબંધો હવે પોઈન્ટ ઓફ નો રિટર્નની હદે વણસી ગયા છે.
મહેશ ભૂપતિએ અને લિયાન્ડર પેસ આજથી બે વર્ષ અગાઉ ભારતને ઓલિમ્પિક્સમાં મેડલ અપાવવાના ઈરાદાથી ફરીથી સાથે રમવાનો સંકલ્પ કર્યો હતો. ઈ.સ. ૨૦૧૧માં તેઓ ડબલ્સમાં સાથે રમીને ચેન્નાઈ ઓપન સ્પર્ધા જીતી ગયા અને પછી ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલ સુધી પણ પહોંચી ગયા. પરંતુ અગાઉ તેમની વચ્ચે જે ટયૂનીંગ હતું તેનો અભાવ ટેનિસ કોર્ટ ઉપર સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. મહેશ ભૂપતિના મગજમાં વર્ષોથી પેસ સામે જે ધિક્કાર તીવ્રતા ધારણ કરી રહ્યો હતો તેને વ્યક્ત કરવાની તક તેને ઓલિમ્પિક્સના ટાંકણે જ મળી હતી. કદાચ મહેશ ભૂપતિ લિયાન્ડર પેસને પાઠ ભણાવવા માંગતો હતો અને તેને આ તક યોગ્ય લાગી હતી.
મહેશ ભૂપતિની જેમ રોહન બોપન્નાને પેસ સામે વાંધો હતો કે ગયાં વર્ષે ડેવિસ કપમાં ઉઝબેકિસ્તાન સામેની મેચમાં બોપન્નાને પડતો મૂક્યો હતો. વળી ઓલિમ્પિક્સમાં બોપન્નાની ઈચ્છા મહેશ ભૂપતિ સાથે જોડીમાં રમવાની હતી. આ કારણે પણ તેણે પેસ સાથે રમવાનો ઈનકાર કરી દીધો હતો. ભારતના ટેનિસ વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતા પેસ માટે આ જેવુંતેવું અપમાન નહોતું. ભૂપતિએ અને બોપન્નાએ પેસ સાથે રમવાનો ઈનકાર કરી દીધો તેને કારણે ઈન્ડિયન ટેનિસ એસોસિયેશન સમક્ષ ભૂપતિ અને બોપન્નાની જોડી બનાવ્યા વિના કોઈ વિકલ્પ બચ્યો નહોતો. ભારત વતી જો ભૂપતિ અને બોપન્ના ડબલ્સમાં રમવાના હોય તો પેસ માટે ઓલિમ્પિક્સમાં કોઈ જગ્યા જ નહોતી રહેતી. પેસ માટે જગ્યા બનાવવા માટે જ ભારત તરફથી બે જોડીઓ ઓલિમ્પિક્સમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો.
મહેશ ભૂપતિ જેમ બોપન્નાની સાથે ડબલ્સ રમવા ઈચ્છતો હતો તેમ તે મિક્સ્ડ ડબલ્સ સાનિયા મિર્ઝા સાથે રમવા માંગતો હતો. મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝાની જોડી વચ્ચે અદ્ભૂત ટયૂનીંગ છે અને તેઓ ભારતને ચન્દ્ર મેળવી આપવાની ક્ષમતા પણ ધરાવે છે. અત્યારે વિમ્બલડનમાં પણ પોતે સાથે રમી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. મહેશ ભૂપતિની જેમ લિયાન્ડર પેસની ઈચ્છા પણ ઓલિમ્પિક્સની મિક્સ્ડ ડબલ્સમાં સાનિયા સાથે રમવાની હતી. લિયાન્ડર પેસે ડબલ્સમાં જુનિયર ગણાતા વિષ્ણુ વર્ધન સાથે રમવાની બાબતમાં પોતાની નારાજગી બતાવી દીધી હતી. લિયાન્ડર પેસે એવી શરત કરી હતી કે જો મિક્સ્ડ ડબલ્સમાં તેની સાનિયા સાથે જોડી બનાવવામાં આવશે તો જ તે ડબલ્સમાં વિશ્વ ટેનિસમાં ૨૦૭મી રેન્ક ધરાવતા વિષ્ણુ વર્ધન સાથે રમવા તૈયાર થશે. લિયાન્ડર પેસની આ માંગણી રીસાઈ ગયેલાં બાળક જેવી હતી. ઓલિમ્પિક્સમાં ડબલ્સમાં ભારત વતી રમવા માટે તેને સાનિયા નામની લોલીપોપ જોઈતી હતી. ભારતીય ટેનિસ એસોસિયેશને આ નાદાન માંગણી સ્વીકારી લીધી, કારણ કે તેઓ કોઈ પણ સંયોગોમાં નારાજ થયેલા પેસને મનાવી લેવા માંગતા હતા. પેસને મનાવવા સાનિયાનો રમકડાંની જેમ ઉપયોગ થયો. સાનિયાનએ આ ઓફર દેશહિતમાં સ્વીકારી લીધી પણ પત્ર લખીને પોતાનો રોષ ઠાલવ્યો. સાનિયા સાથે મિક્સ્ડ ડબલ્સમાં રમવાની બાંયધારી મળી એટલે જે પેસ અગાઉ વિષ્ણુ વર્ધન માટે રમવા તૈયાર નહોતો એ 'દેશહિતમાં' રમવા માટે તૈયાર થઈ ગયો.
જે રીતે મહેશ ભૂપતિએ અને રોહન બોપન્નાએ લિયાન્ડર પેસ સાથે જોડીમાં રમવાની ના પાડી દીધી તેમ સાનિયા મિર્ઝા પણ ના પાડીને પેસને અને ભારતીય ટેનિસ એસોસિયેશનને મુસીબતમાં મૂકી શકતી હતી, પણ તેણે વ્યક્તિગત અહંકારને કોરાણે મૂકીને દેશના હિતમાં પેસ સાથે રમવાની વાત સ્વીકારી લીધી હતી. તેમ છતાં તેને એ વાતનો રંજ રહી ગયો કે સ્ત્રી છે અને દેશભક્તિમાં માને છે માટે તેનો ઉપયોગ પેસને રીઝવવા માટે કરવામાં આવ્યો. તેણે પણ લખીને આ બાબતમાં પોતાની વરાળ ઠાલવી, પણ તેથી કોઈને ફરક પડવાનો નથી.
કોઈ ખેલાડી ભલે ગમે એટલો મહાન હોય, તે જે રમતને કારણે મહાન બન્યો છે, તેના કરતાં મહાન તે હોઈ શકે નહીં.
મહેશ ભૂપતિએ અને રોહન બોપન્નાએ જે ક્યું તે વ્યક્તિગત મજબૂરીને કારણે કર્યું હતું, કારણ કે જે ખેલાડી સાથે ટયૂનીંગ ન થતું હોય તેની સાથે રમીને તેઓ દેશની કોઈ સેવા કરી શકે એ શક્ય નહોતું. જ્યારે આ ટોચના બે ખેલાડીઓએ પેસ સાથે રમવનો ઈનકાર કર્યો ત્યારે પેસે ઓલિમ્પિક્સમાંથી ખસી જવું જોઈતું હતું અને ભારતીય ટેનિસ એસોસિયેશને પણ આ પરિસ્થિતિ સ્વીકારી લેવી જોઈતી હતી.
તેને બદલે ગમે તે થાય, પેસને ઓલિમ્પિક્સમાં રમાડવો જોઈએ, એવી મનોદશાને કારણે તેમણે સાનિયા મિર્ઝાના સ્વમાનનો ભોગ લેવો પડયો હતો. ખેલાડીનું સ્વમાન હણી લઈને તેને ઓલિમ્પિક્સમાં ભારત વતી રમવાની ફરજ પાડવી તેમાં પણ ખેલદિલી નથી. કોઈપણ રમતના ખેલાડીઓ વ્યક્તિગત અહંકારને બાજુએ રાખીને દેશના હિતમાં અને રમતના હિતમાં રમતા શીખશે તો જ આ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ ફરી નહીં બને.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

પાંચ ભાષામાં અમદાવાદ દર્શન કરાવું છું
ગામનું પાદર છોડાવે કોમ્પિટિટીવ એક્ઝામ
યુ ટ્યુબની સામેે ચોખા લઈ બેસી જાઓ અને સાંભળો વ્રત કથાઓ
મોન્સૂન મેડિટેશન એટલે ન ઘરના કે ન ઘાટના
રંગોથી શરીરની ખામીઓ ઢાંકી શકાય છે
યંગસ્ટર્સમાં જૂના ટેટુને કવર અપ કરવાનો ક્રેઝ
હાર્ડ એકસરસાઈઝ બીમારી નોતરે છે
 

Gujarat Samachar glamour

કરિના લગ્ન પછી પણ નામ નહીં બદલે
મોના સંિહ સ્ત્રીઓને સશક્ત બનવા પ્રેરે છે
વિવેક અગ્નિહોત્રી નક્સલ મુદ્દા પર ફિલ્મ નિર્માણ કરે છે
‘જિસ્મ-૨’નો અનસેન્સર્ડ પ્રોમો ઈન્ટરનેટ પર લીક
JLoની ગાયકી-ટીમના સભ્યોના પાસપોર્ટો ચોરાયા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved