Last Update : 26-June-2012, Tuesday

 

આતંકવાદી અબુ હમઝા પાસે અનેક કોયડાઓના જવાબો છે

મુંબઈ શહેર ઉપર ૨૬/૧૧/૨૦૦૮ના થયેલા ત્રાસવાદી હુમલામાં જે ભારતીય ત્રાસવાદીની સંડોવણી હતી તેની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે

મુંબઈ શહેર ઉપર તા. ૨૬/૧૧/૨૦૦૮ના રોજ જે આંતકવાદી હુમલો થયો તેમાં ટોચના સ્તરે કામ કરતો કોઈ ત્રાસવાદી ભારતમાં જન્મેલો હતો અને ભારતની ભાષાઓ પણ જાણતો હતો. આ ત્રાસવાદીએ પાકિસ્તાનથી આવેલા અન્ય ત્રાસવાદીઓને હિન્દી ભાષા ઉપરાંત મુંબઈ શહેરની ભૂગોળનું પણ જ્ઞાાન આપ્યું હતું. આજ દિન સુધી આ ત્રાસવાદી આપણી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો, પણ છેવટે તેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. આ ત્રાસવાદીનું અસલી નામ સૈયદ ઝાબીઉદ્દીન છે, પણ ૨૬/૧૧ ની ચાર્જશીટમાં તેનો ઉલ્લેખ અબુ હમઝા તરીકે કરેલો છે. અગાઉ આ ત્રાસવાદીને પોલીસ અબુ જિન્દાલના નામે પણ ઓળખતી હતી. ત્રાસવાદીની ધરપકડ સાઉદી અરેબિયાની સરકારે કરીને તેને દિલ્હી મોકલી આપવામાં આવ્યો હોવાનું પણ કહેવાય છે. આ ત્રાસવાદીની ધરપકડ ૨૬/૧૧ની તપાસમાં જે અનેક ખૂટતી કડીઓ છે તેના જવાબ આ કેસનું સંશોધન કરનારા અધિકારીઓને મળી રહેશે એવી આશા જન્મી છે.
ઈ.સ. ૨૦૦૮ની ૨૬મી નવેમ્બરે મુંબઈ શહેર ઉપર જે ત્રાસવાદી હુમલો થયો તેમાં ભાગ લેનારા તમામ ત્રાસવાદીઓને માત્ર તેમની ભૂમિકા પૂરતી જ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત આ ત્રાસવાદીઓને હેન્ડલ કરી રહેલા પાકિસ્તાનમાં રહેલા કમાન્ડરોને પણ આ કાવતરાંની પૂરેપૂરી માહિતી આપવામાં આવી નહોતી. લશ્કરે તોઈબાના જે ગણ્યાગાંઠયા ત્રાસવાદીઓને ૨૬/૧૧ ના હુમલાની સંપૂર્ણ માહિતી હતી તેમાં અબુ હમઝાનો પણ સમાવેશ થાય છે. આ કાવતરું ઘડવામાં અને તેને અંજામ આપવામાં અબુ હમઝાની સાથે મુઝ્ઝામિલ ભાટ, ઝાકિઉર રહેમાન લખવી, મેજર સમીર અલી અને મેજર ઈકબાલનો સમાવેશ થતો હતો, જેઓ તમામ પાકિસ્તાન નાગરિકો છે. માત્ર અબુ હમઝા જ ભારતનો નાગરિક છે. એમ કહેવાય છે કે અબુ હમઝાની માતા મહારાષ્ટ્રના બીડ જિલ્લાની રહેવાસી છે, પણ અબુ પોતાનો મોટા ભાગનો સમય પાકિસ્તાનમાં જ ગાળતો હતો. મહારાષ્ટ્રમાં લશ્કરે તોઈબાના અડ્ડાઓ ઊભા કરવાની જવાબદારી તેને સોંપવામાં આવી હતી.
મુંબઈ ઉપરના ત્રાસવાદી હુમલામાં કોઈ ભારતીય નાગરિકનો હાથ હોવાનો પોલીસે સતત ઈનકાર કર્યો હતો. અબુ હમઝાની ધરપકડ સાથે આ દાવો જૂઠો સાબિત થાય છે. અબુ હમઝાને મુંબઈની ભૂગોળનો બરાબર ખ્યાલ હતો. તેને જે બિલ્ડિંગો ઉપર ત્રાસવાદીઓ ત્રાટક્યા તેની ડિઝાઈનનો પણ સારો અભ્યાસ હતો. તાજ હોટેલમાં ત્રાટકેલા ત્રાસવાદીઓ ક્યા રસ્તેથી છટકી શકે તેની માહિતી પણ તેણે ત્રાસવાદીઓને આપી હતી. આ માટે અબુ હમઝા અગાઉ તાજ હોટેલમાં આવીને રોકાઈ ગયો હોવાની પણ સંભાવના છે. પાકિસ્તાનના અમેરિકન જાસૂસ ડેવિડ હેડલીએ પણ તેના એકરારનામામાં જણાવ્યું હતું કે ૨૬/૧૧ ના હુમલામાં કોઈ ભારતીય ત્રાસવાદી પણ સામેલ છે.
મુંબઈ ઉપર હુમલો કરનારા ત્રાસવાદીઓ તેમના પાકિસ્તાનમાં રહેલા બોસ સાથે હિન્દીમાં વાત કરતા હતા. આ વાતચીત સાંભળી ભારતના તપાસકર્તાઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા જે ટેપ રેકોર્ડ કરવામાં આવી છે, તેમાં સંભળાય છે કે ''યહ તો સિર્ફ ટ્રેઈલર હૈ, અસલી ફિલ્મ બાકી હૈ.'' આ અવાજ અબુ હમઝાનો હતો. તેણે મુંબઈ ઉપર હુમલો કરનારા ત્રાસવાદીઓને આ સંદેશો મિડીયાને આપવાની સૂચના આપી હતી. ત્રાસવાદીઓ સાથેની વાતચીતમાં તે વારંવાર 'પ્રશાસન' શબ્દ વાપરતો હતો. ઉર્દુમાં આવો કોઈ શબ્દ નથી. આ હિન્દી શબ્દના ઉપયોગને કારણે તપાસકર્તાઓને શંકા ગઈ હતી કે આ ત્રાસવાદીઓમાં કોઈ ભારતીય ચહેરો પણ છે.
સૈયદ ઝૈબુદ્દીન અનસારી ઉર્ફે અબુ હમઝા ઉર્ફે અબુ જિન્દાલ અત્યારે માત્ર ૩૦ વર્ષનો છે. તે મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો રહેવાસી છે. બીડની આઈટીઆઈમાં તેણે ડિપ્લોમાં મેળવ્યો છે. ઈ.સ. ૨૦૦૨માં ગુજરાતમાં કોમી રમખાણો થયાં તેના પ્રત્યાઘાતના રૃપમાં તે ત્રાસવાદી બન્યો હતો. શરૃઆતમાં તે સ્ટુન્ડ્રસ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમી)નો સભ્યો હતો, જેની ઉપર હવે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ તે ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય બન્યો હતો. છેવટે તે લશ્કરે તોઈબાનો સભ્ય બની ગયો હતો. લશ્કરે તોઈબામાં તેની ઝડપ તરક્કી થઈ હતી અને જોતજોતમાં તે કમાન્ડરના હોદ્દા સુધી પહોંચી ગયો હતો. તેને ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
અબુ હમઝા પહેલવહેલો ઈ.સ. ૨૦૦૬માં ઔરંગાબાદમાં શસ્ત્રોનો જથ્થો પકડાયો ત્યારે ચિત્રમાં આવ્યો હતો. પોલીસે ઔરંગાબાદમાંથી ૧૩ કિલોગ્રામ આરડીએક્સ ઉપરાંત છ એકે-૪૭ રાઈફલો અને ૫૦ ગ્રેનેડો પકડી પાડયા હતા. આ શસ્ત્રો જે વાહનમાં ખડકવામાં આવ્યા હતા, તેમાં અબુ હમઝા પણ હતો, પણ તે પોલીસને હાથતાળી આપીને છટકી જવામાં સફળ રહ્યો હતો. ઈ.સ. ૨૦૦૬ની સાલમાં મુંબઈ લોકલ ટ્રેનોમાં જે બોમ્બ ધડાકા થયા તેમાં પણ તેનો હાથ હતો. ત્યાર બાદ તે ભારતમાંથી બાંગ્લાદેશના રસ્તે છટકીને પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. ભારતના મુસ્લિમ યુવાનોને પાકિસ્તાનમાં લઈ જઈને શસ્ત્રોની તાલીમ આપવાનું જે નેટવર્ક ચાલે છે, તેમાં અબુ હમઝા જોડાયેલો હતો. ઈ.સ. ૨૦૦૮માં મુંબઈ ઉપર જે ત્રાસવાદી હુમલો થયો તેનું કરાચીમાં રહીને જેમણે સંચાલન કર્યું હતું તેમાં અબુ હમઝાનો પણ શમાવેશ થતો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડનારા ત્રાસવાદીઓમાં પણ તેનો સમાવેશ થતો હતો.
ભારતના તપાસકર્તાઓ હજી એ બાબતમાં અવઢવમાં છે કે અબુ હમઝા અને અબુ જિન્દાલ એક જ વ્યક્તિ છે કે અલગ ? અબુ જિન્દાલ મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો છે અને તેની માતા ભારતીય છે. અબુ જિન્દાલ ઔરંગાબાદમાં શસ્ત્રો પકડાયા તેના કેસમાં સંજોવાયેલો છે. અબુ જિન્દાલ ઈ.સ. ૨૦૦૬માં મુંબઈની લોકલ ટ્રેનોમાં બ્લાસ્ટ થયા અને આશરે ૧૦૦ લોકોના જીવ ગયા એ કેસનો પણ આરોપી છે. બીજી બાજુ અબુ હમઝા મુંબઈના ત્રાસવાદી હુમલામાં સંડોવાયેલો છે. તેણે ત્રાસવાદીઓને હિન્દી ભાષા તાલીમ આપી હતી અને મુંબઈની ભૂગોળનું પણ જ્ઞાાન આપ્યું હતું. ત્રાસવાદીઓને તે કરાચીમાં બેઠા બેઠા સૂચનાઓ પણ આપતો હતો. ઈ.સ. ૨૦૦૫માં બેંગ્લોરની ઈન્ડિયન ઈન્સિટટયુટ ઓફ સાયન્સ ઉપર જે ત્રાસાવાદી હુમલો થયો તેમાં પણ અબુ હમઝાની સંડોવણી હતી. આ હુમલામાં પકડાઈ ગયેલા એક ત્રાસવાદીએ એવું નિવેદન આપ્યું હતું કે અબુ હમઝા પાકિસ્તાનનો નાગરિક છે. આ નિવેદનના આધારે પોલીસ એમ સમજતી હતી કે અબુ હમઝા અને અબુ જિન્દાલ અલગ અલગ વ્યક્તિ છે. વળી આપણી પોલીસ એમ પણ માનતી હતી કે ૨૬/૧૧ ના હુમલામાં પાકિસ્તાને ભારતમાં જન્મેલા કોઈ ત્રાસવાદીને સામેલ કર્યા નહોતા. આ કારણે પોલીસની માન્યતા એવી હતી કે અબુ જિન્દાલ અને અબુ હમઝા અલગ છે, પણ આ માન્યતા ખોટી હોવાનું હવે જણાઈ રહ્યું છે.
ઈ.સ. ૨૦૦૫ની ૨૮મી ડિસેમ્બરે બેંગ્લોરની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સમાં ત્રાસવાદી હુમલો થયો હતો. પાકિસ્તાનમાં તાલીમ પામેલા એક ત્રાસવાદીએ આડેધડ ગોળીબાર કરીને એક પ્રોફેસરની હત્યા કરી નાંખી હતી. શહાબુદ્દીન અહમદ નામના આ ત્રાસવાદીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી મળેલી માહિતીના આધારે બીજા પાંચ ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રાસવાદીઓએ આપેલી માહિતી મુજબ અબુ હમઝા પણ આ કાવતરામાં સામેલ હતો, પણ પાકિસ્તાનનો રહેવાસી હતો. હવે એવું લાગે છે કે શહાબુદ્દી અહમદે ભારતની પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અબુ હમઝા બાબતમાં ખોટી માહિતી આપી હતી.
પાકિસ્તાને ૨૬/૧૧ના મુંબઈ ઉપર જે ત્રાસવાદી હુમલો કરાવ્યો તેની અનેક વિગતો બાબતમાં આપણી પોલીસ હજી અંધારામાં છે, કારણ કે આ હુમલાના તમામ આયોજકો પાકિસ્તાનના છે અને ભારતની તપાસ એજન્સીઓ તેમના સુધી પહોંચી શકતી નથી. અબુ હમઝાની પૂછપરછમાં આવી અનેક ખૂટતી કડીઓ હાથમાં આવે એવી સંભાવના ઉજળી છે. ૨૬/૧૧ના હુમલામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની સંડોવણી બાબતમાં હજી આપણી પાસે કોઈ નક્કર પુરાવા નથી. ડેવિડ હેડલીના સાથી તવ્વાહુર રાણાની પણ ૨૬/૧૧ના હુમલામાં સંડોવણી હોવાનું માનવામાં આવે છે. અમેરિકાની અદાલતે તો તવ્વાહુર રાણાને આ આરોપમાંથી મુક્ત કર્યો છે, પણ હેડલીનું એકરારનામું કહે છે કે, ૨૬/૧૧ના હુમલાખોરોને રાણાએ શાબાશી આપી હતી. અબુ હમઝાની પૂછપરછમાં રાણાની સચ્ચાઈ પણ બહાર આવશે.
મુંબઈ ઉપરના ત્રાસવાદી હુમલામાં સાજીદ મીર નામનો ત્રાસવાદી પણ સંડોવાયેલો હતો. પાકિસ્તાનના સત્તાવાળાઓ કહે છે કે આ નામની કોઈ વ્યક્તિ જ અસ્તિત્વમાં નથી. ભારતના જાસૂસો પાસે નક્કર માહિતી છે કે સાજીદ મીરને કરાચીમાં જ ક્યાંક સંતાડી રાખવામાં આવ્યો છે. આ સાજીદ મીરને અનેક દેશોની પોલીસ શોધી રહી છે.
સાજીદ મીર અબુ હમઝાનો સાથી ગણાય છે. અબુ હમઝાની પૂછપરછમાં આ સાજીદ મીર બાબતમાં પણ સચ્ચાઈ જાણવા મળશે. દિલ્હીની પોલીસની જાળમાં એક મોટો મગરમચ્છ આવી ગયો છે, પણ તેની ક્રેડિટ દિલ્હીની પોલીસને આપવી કે સાઉદી અરેબિયાની સરકારને આપવી એ સ્પષ્ટ થતું નથી. ભારતમાં જન્મેલા ભારતનો એક નાગરિક ભારતની પ્રજા સામે જંગે ચડે એવું વાતાવરણ આપણા દેશમાં કેવી રીતે પેદા થયું તેનું આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૃર છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved