Last Update : 24-June-2012, Sunday

 

મુંબઈના મંત્રાલયમાં ઇરાદાપૂર્વક આગ લગાડવામાં આવી હતી ?

આગનો પ્રારંભ ચોથા માળે આવેલી શહેરી વિકાસ ખાતાની ઓફિસમાંથી થયો હતો, જેમાં ૨૫થી ૩૦ જમીન કૌભાંડોને લગતી ફાઇલો સંઘરવામાં આવી હતી

મુંબઈમાં આવેલા મંત્રાલયની ગણના શહેરની સૌથી પ્રતિષ્ઠિત ઇમારતો પૈકી કરવામાં આવે છે. આ મંત્રાલય મહારાષ્ટ્ર સરકારનું હેડ ક્વાટર્સ છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણથી માંડીને તમામ પ્રધાનોની અને તેમના સચિવોની ઓફિસ આ ભવ્ય ઇમારતમાં આવેલી છે. મહારાષ્ટ્રના જે ઉત્તમ વહીવટી ભેજાઓ છે, તેઓ આ ઓફિસોમાં બેસીને પોતાનું કામ કરે છે. આ મંત્રાલયમાં તમામ આધુનિક યંત્રણાઓથી સજ્જ ડિઝાસ્ટર કંટ્રોલ રૃમ બનાવવામાં આવ્યો હતો, જેની જવાબદારી આખા મહારાષ્ટ્રમાં ક્યાંય આપત્તિ આવી પડે તો મદદ કરવાની હતી. મંત્રાલયમાં ગુરૃવારે લાગેલી ભેદી આગમાં આ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૃમ અને તેની બધી સામગ્રી ખાક થઈ ગઈ તેની સાથે મહારાષ્ટ્ર સરકારની આબરૃનો પણ ધુમાડો થઈ ગયો હતો. જે સરકાર પોતાની વડી કચેરીને આગથી ન બચાવી શકી એ રાજ્યની રક્ષા કેવી રીતે કરી શકે ? મહારાષ્ટ્રમાં જમીનોને લગતા 'આદર્શ' સહિતના એટલા બધા કૌભાંડો ચાલી રહ્યા છે કે આ કૌભાંડોના પુરાવાઓનો નાશ કરવા કોઈ જાણભેદુએ આગ લગાવી હોય તેવી પણ સંભાવના રહે છે. આગને કારણે મહારાષ્ટ્ર સરકારની વહીવટી પોકળતા પણ છત્તી થઈ ગઈ છે.
મંત્રાલયમાં લાગેલી આ આગ ઇરાદાપૂર્વક આવી હતી એવી શંકા જવાનું મુખ્ય કારણ એ છે કે આગનો પ્રારંભ ચોથા માળે આવેલી શહેરી વિકાસ ખાતાની ઓફિસમાં થયો હતો. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રમાં રિયલ એસ્ટેટના કોઈ પણ મોટા પ્રોજેક્ટને મંજૂરી આ કચેરીમાંથી જ કરવામાં આવે છે અને તેને લગતા દસ્તાવેજોનો સંગ્રહ પણ આ કચેરીમાં જ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા દાયકામાં જમીનને લગતા જે ૨૫થી ૩૦ મહાકૌભાંડોની ફરિયાદ કરવામાં આવી છે, તેની તમામ ફાઇલો આ દફતરમાં રાખવામાં આવી હતી. મંત્રાલયમાં આગ લાગી કે તરત જ સીબીઆઇએ ઉતાવળે ખુલાસો કર્યો હતો કે, 'આદર્શ'ને લગતા તમામ દસ્તાવેજો તેમની પાસે સલામત છે, પણ આ કૌભાંડની તપાસ હજી પૂરી નથી થઈ ત્યારે સીબીઆઇએ આવો ખુલાસો કરવાની કોઈ જરૃર નહોતી. સીબીઆઇનો આ ખુલાસો પણ શંકા ઉપજાવે તેવો છે. આ કૌભાંડની તપાસમાં ભવિષ્યમાં કોઈ દસ્તાવેજો માગવાાં આવે ત્યારે તે આગમાં ખતમ થઈ ગયા હોવાનો જવાબ મળી શકે છે.
મહારાષ્ટ્રના મંત્રાલયમાં જેટલાં કમ્પ્યુટરો લગાડવામાં આવેલા છે એ બધા એક સર્વર સાથે જોડાયેલા છે. આ સર્વરમાં તમામ કોમ્પ્યુટરના ડેટાનું બેક-અપ લેવામાં આવે છે. ગુરુવારની આગમાં આ સર્વર પણ નાશ પામ્યું છે. મહારાષ્ટ્રમાં પૃથ્વીરાજ ચૌહાણ જ્યારથી મુખ્યપ્રધાન બન્યા ત્યારથી તેમણે જમીનોની બાબતમાં બિલ્ડર લોબીના હાથા બનવાનો ઇન્કાર કર્યો હતો. બિલ્ડરોના મોટા પ્રોજેક્ટોની અનેક ફાઇલોની મંજૂરી અટકાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત આગલા મુખ્યપ્રધાનોના કાર્યકાળ દરમિયાન જે બધા જમીનોને લગતા કૌભાંડો થયા હતા તેની ફાઇલો પણ રિ-ઓપન કરવામાં આવી હતી. અમુક બિલ્ડરો સામે બાંધકામના નિયમોના ભંગને લગતા કેસો પણ કરવામાં આવ્યા હતા. આ કેસોના કારણે શહેરના કેટલાક બિલ્ડરો અને રાજકારણીઓ સકંજામાં આવી જાય તેમ હતું. તેમણે જાણીજોઈને આગ લગાવી હોય તેવું પણ બની શકે છે.
મંત્રાલયમાં જે આગ લાગી તેનો પ્રારંભ આશરે ૨.૪૦ કલાકે ચોથા માળના કોર્નર પર આવેલા સર્વર રૃમમાં થયો હતો. આ રૃમની બાજુમાં આવેલી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ ધડાકો સાંભળ્યો હતો અને થોડીવારમાં ધુમાડના ગોટેગોટા તેમની ઓફિસમાં પ્રવેશ્યા હતા. ચોથા માળ ઉપર કામ કરતા કર્મચારીઓને લાગ્યું કે આ નાનકડી આગ છે અને થોડીવારમાં કાબૂમાં આવી જશે. એટલે તેમણે પોતાનું કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. મંત્રાલયના પાંચમા માળે કામ કરતા કર્મચારીઓને તો ખબર પણ નહોતી કે ચોથા માળે આગ લાગી છે. થોડીવારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને બધા કર્મચારીઓમાં નાસભાગ ચાલુ થઈ ગઈ હતી. ત્યાં સુધીમાં આગ પાંચમા, છઠ્ઠા અને સાતમા માળે ફેલાઈ ચૂકી હતી. મંત્રાલયમાં આગની ચેતવણી માટે જે યંત્રણા ઉભી કરવામાં આવી હતી એ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. મંત્રાલયની ટેરેસમાં ફરકતા રાષ્ટ્રધ્વજને જાહેર બાંધકામ ખાતાના કર્મચારીઓએ જાનના જોખમે બચાવી ન લીધો હોત તો એ પણ આગમાં ખાક થઈ ગયો હોત. મંત્રાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું ત્યારબાદ પહેલી વખત આ રાષ્ટ્રધ્વજને બિલ્ડીંગ ઉપરથી નીચે ઉતારી લેવામાં આવ્યો છે.
આજથી બે વર્ષ અગાઉ મુંબઈના ફાયરબ્રિગેડ વિભાગે મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે, મંત્રાલયમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ બરાબર કામ કરી રહી નથી. આ ફાઇલ મંત્રાલયમાં ધૂળ ખાતી પડી રહી હતી. હવે આ ફાઇલ પણ આગમાં ખાક થઈ ગઈ છે. ફાયર બ્રિગેડના હેવાલમાં જણાવવામાં આવ્યું હતુ ંકે, મંત્રાલયમાં ફાયર સેફ્ટી બાબતમાં ૩૨ પ્રકારની બેદરકારી સેવવામાં આવી રહી છે. આ બિલ્ડીંગમાં આગ સામે લડવાના પર્યાપ્ત સ્પ્રિન્કલર્સ, ફાયર ફાઇટર્સ અને સ્મોક ડિટેક્ટર્સ નહોતા. મકાનમાં વીજળીના ઉપકરણોની યોગ્ય રીતે જાળવણી ન થતી હોવાથી ગમે ત્યારે શોર્ટસર્કિટ થઈ શકે તેમ હતું. મંત્રાલયમાં બધા પ્રધાનોની અને તેમના સચિવોની કેબિનો લાકડાની બનાવવામાં આવી હતી. મકાનના પેસેજમાં લાકડાના જૂના ફર્નિચરોનો અને નકામા કાગળોનો ઢગલો કરવામાં આવ્યો હતો, જે ગમે ત્યારે સળગી ઉઠે તેમ હતો. આ જ્વલનશીલ પદાર્થોને કારણે ગુરૃવારની આગ ઝડપથી આખા મંત્રાલયમાં ફેલાઈ ગઈ હતી.
ફાયર બ્રિગેડ દ્વારા મંત્રાલય બાબતમાં જે હેવાલ તૈયાર કરવામાં આવ્યો તે મહારાષ્ટ્ર સરકારને ઇ.સ. ૨૦૧૦ની સાલમાં સુપરત કરવામાં આવ્યો હતો. મુંબઈના અખબારોમાં તેની નોંધ પણ લેવામાં આવી હતી, પણ મહારાષ્ટ્ર સરકારે આ ચેતવણી ગંભીરતાથી લીધી નહોતી. મંત્રાલયના બિલ્ડીંગમાં આગ સામે લડવા માટે જે પાઇપલાઇન નાખવામાં આવી હતી એ પણ કટાઈ ગઈ હતી. મંત્રાલયમાં પ્રવેશ કરવાના અને બહાર નીકળવાના રસ્તામાં પણ જ્વલનશીલ કાગળો અને ફર્નિચરનો ખડકલો કરવામાં આવ્યો હતો. મંત્રાલયમાંથી બહાર નીકળવાના મુખ્ય દરવાજા બહાર વાહનોનું આડેધડ પાર્કિંગ કરવામાં આવ્યું હતું, જેને કારણે ફાયર બ્રિગેડને લોકોને બચાવવામાં પણ મુશ્કેલી પડી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ જ્યારે મંત્રાલય તરફ ધસી રહી હતી ત્યારે તેમને આ વાહનો ખસેડવામાં અમૂલ્ય સમય વેડફાયો હતો. મંત્રાલયમાં ક્યાંય પણ ધૂમાડો દેખાય અથવા અચાનક ગરમી વધી જાય તો સ્વયંસંચાલિત સાઇરન સિસ્ટમ બેસાડવામાં આવી હતી. આ સિસ્ટમ બગડી ગઈ હતી તેનું સમારકામ કરાવવાની તસદી પણ રાજ્ય સરકારે લીધી નહોતી. શહેરની કોઈ પણ બિલ્ડીંગમાં આગ લાગે ત્યારે તેનો વહીવટ કરતી સોસાયટીના પદાધિકારીઓ સામે બેદરકારીનો કેસ કરવામાં આવે છે. મંત્રાલયની આગ માટે કોની સામે કેસ કરવામાં આવશે એ જોવાનું રહે છે.
મંત્રાલયમાં આગ લાગી ત્યારે ટોચના અધિકારીઓ એટલા બેબાકળા બની ગયા છે કે તેમણે ગભરાટમાં આવીને બધી એજન્સીને ફોન કરીને મદદ માગવા માંડી હતી. તેમણે નૌકાદળના અધિકારીઓને ફોન કરીને તેમને હેલિકોપ્ટર મોકલવાની વિનંતી કરી હતી. આ હેલિકોપ્ટરોનો ઉપયોગ પાણી છાંટવા માટે નહોતો કરવામાં આવ્યો પણ આગ ક્યાં ફેલાઈ છે તેનું હવાઈ નિરીક્ષણ કરવા માટે કરવામાં આવ્યો હતો, જેની કોઈ આવશ્યકતા નહોતી. હકીકતમાં હેલિકોપ્ટરની પાંખોના ફફડાટને કારણે આગને ફેલાવવામાં મદદ મળી હતી.
આગ લાગી ત્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ મંત્રાલયમાં નહોતા પણ બહાર હતા. આગના સમાચાર મળતાં જ તેમણે મંત્રાલય જઈને પરિસ્થિતિની જાતમાહિતી મેળવવાનો આગ્રહ રાખ્યો હતો. એક બાજુ પોલીસ આગને જોવા આવેલા ટોળાંને કાબુમાં રાખવાની જહેમત કરી હતી. ત્યાં મુખ્યપ્રધાનના કાફલાનું આગમન થયું હતું. પોલીસ કર્મચારીઓ તેમને સુરક્ષા આપવામાં લાગી ગયા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ કે. શંકરનારાયણને પણ આગના સ્થળની મુલાકાત લેવાની જીદ પકડી હતી. તેમના સ્ટાફની અને પોલીસની સલાહ માનીને તેમણે પોતાની જીદ પકડી મૂકી હતી. દુર્ઘટનાના અવસરને પણ આપણા નેતાઓ પ્રસિદ્ધિનો અવસર બનાવવામાં સંકોચ અનુભવતા નથી.
કોઈ પણ કુદરતી કે માનવ સર્જીત દુર્ઘટના બને એ પછી તેની તપાસનો ઓર્ડર આપવામાં આવતો હોય છે. એમ મંત્રાલયની આગની તપાસ કરવાનો પણ આદેશ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા આપવામાં આવ્યો છે. આ તપાસ કઈ એજન્સી દ્વારા કરવામાં આવશે તેનો ફોડ મુખ્યપ્રધાને પાડયો નથી. આ તપાસની શરતો બાબતમાં પણ ફોડ પાડવામાં આવ્યો નથી. મહારાષ્ટ્રના વિપક્ષી નેતા એકનાથ ખડસેએ માગણી કરી છે કે, આ તપાસ સીબીઆઇ કે સીઆઇડી જેવી સંસ્થા પાસે કરાવવાના બદલે વિદેશની એવી એજન્સી પાસે કરાવવામા આવેેે કે જેમાં આગ બાબતના નિષ્ણાતોનો સમાવેશ થતો હોય. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કહે છે કે મંત્રાલયની ફાઇલોના ૩.૫૦ કરોડ પાના સ્કેન કરીને કોમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં સ્ટોર કરવામાં આવ્યા છે. જો કે આ હાર્ડડિસ્ક જ આગમાં બચી હોય તેવી સંભાવના ઓછી છે. મંત્રાલયની આગ ઉપરથી પ્રેરણા લઈને તમામ સરકારી ઓફિસોમા ડેટા સ્ટોર કરવા માટે ફાયરપ્રુફ ટેકનોલોજી અપનાવવાની જરૃર વર્તાઈ રહી છે
- સુપાર્શ્વ મહેતા
Share |
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved