Last Update : 22-June-2012, Friday

 

આઈઆઈટીની નવી પ્રવેશપદ્ધતિ સામે ઉહાપોહ શા માટે ?

આઈઆઈટી અને અન્ય સરકારી એન્જિનિયરીંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે હવે સ્કૂલમાં સરખું ભણવું પડશે અને બોર્ડની પરીક્ષામાં પણ સારો દેખાવ કરવો પડશે

આઈઆઈટીની ગણના ભારતની નહીં પણ વિશ્વની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા તરીકે થાય છે. આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા પાસ કરવી એ પણ સ્ટેટસનું સિમ્બોલ ગણાય છે. આઈઆઈટી-જીની પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે દેશમાં ચાલતા અનેક કોચીંગ ક્લાસો કરોડો રૃપિયાની કમાણી કરે છે. કોટા અને હૈદરાબાદમાં ચાલતા અમુક કોચીંગ કલાસો આઈઆઈટી-જીમાં પાસ થવાની ગેરન્ટી આપતા કોચીંગ ક્લાસોમાં ભણવા દેશના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ આવે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૩-૧૪થી આ પ્રવેશ પદ્ધતિમાં ઘરખમ ફેરફારો કરવામાં આવ્યા છે તેનો આઈઆઈટીના વગદાર વર્તુળોમાંથી જ વિરોધ થઈ રહ્યો છે. આઈઆઈટી-કાનપુરે તો આ નવી પદ્ધતિમાં અપનાવવાને બદલે પોતાની જૂની પદ્ધતિ જ ચાલુ રાખવાની ધોષણા કરી દીધી છે. આ નવી પદ્ધતિમાં એવું શું છે, જેનો આટલો બધો વિરોધ થઈ રહ્યો છે ?
કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયે જાહેર કર્યું છે કે ઈ.સ.૨૦૧૩થી ભારતની બધી સરકારી એન્જિનિયરીંગ કોલેજોની પ્રવેશ પરીક્ષા એક સાથે લેવામાં આવશે, જેમાં આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈઆઈટી અને અન્ય ઈજનેરી સંસ્થાઓનો સમાવેસ થઈ જાય છે. દેશની તમામ આઈઆઈટી કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે માત્ર જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (જી)નાં પરિણામો ઉપર આધાર રાખવાને બદલે હવે વિદ્યાર્થીના હાયર સેકન્ડરી પરીક્ષાના ૫૦ ટકા માર્ક્સ ગણતરીમાં લેવામાં આવશે અને ૫૦ ટકા માર્ક્સ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામના ગણવામાં આવશે. કેન્દ્રના માનવ સંસાધન ખાતાંના પ્રધાન કપિલ સિબ્બલનું માનવું છે કે બારમાં ધોરણના માર્ક્સ એન્જિનિયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે ગણતરીમાં લેવાના હોવાથી આ પરીક્ષાનું મહત્વ વધી જશે અને વિદ્યાર્થીઓ અત્યારે કોચીંગ ક્લાસો પાછળ જે આંધળા ખર્ચાઓ કરે છે તે પણ ઓછા થશે. વળી જે વિદ્યાર્થીઓ આ કોચીંગ ક્લાસો ભરી નથી શકતા તેમને પણ તેમની ગુણવત્તાને આધારે આઈઆઈટી જેવી કોલેજોમાં ભણવાની તક મળશે. જોકે આઈઆઈટીનાં અમુક વગદાર તત્વો માને છે કે બારમાં ધોરણના પરિણામને આધારે એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ આપવાનો હોવાથી આઈઆઈટીની ગુણવત્તા ઉપર તેની અસર પડશે અને નબળા વિદ્યાર્થીઓ પણ તેમાં આસાનીથી પ્રવેશ મેળવી શકશે.
પહેલી વાત એ કે એન્જિનિયરીંગ કોલેજોની જોઈન્ટ કાઉન્સિલે આઈઆઈટી તેમજ અન્ય કોલેજોમાં પ્રવેશ માટે જે પદ્ધતિ અપનાવી છે, તેનો અભ્યાસ કરવા માટે પણ કોચીંગ કલાસ ભરવા પડે તેવું છે. ઈ.સ. ૨૦૧૩થી એન્જિનિયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે એક નહીં પણ બે પ્રવેશ પરીક્ષાઓ એક જ દિવસે આપવાની રહેશે. તેમાંની એક જી-મેઈન તરીકે ઓળખાશે અને બીજી જી-એડવાન્સ્ડ તરીકે ઓળખાશે. તે પૈકી જી-મેઈનનો ઢાંચો અત્યારની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (જી) જેવો, એટલે કે હેતુલક્ષી સવાલોનો જ હશે. જી-એડવાન્સ્ડ પરીક્ષાનો ઢાંચો હજી નક્કી કરવામાં આવ્યો નથી. આ બે પરીક્ષાઓ ઉપરાંત ત્રીજી સ્થાનિક હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષા ગણતરીમાં લેવામાં આવશે. આ પરીક્ષાના પરસન્ટેજ નહીં પણ પર્સન્ટાઈલના આધારે પ્રવેશ પ્રક્રિયામાં ગણતરી કરવામાં આવશે. તેમાં પણ આઈઆઈટીમાં પ્રવેશ માટે એક પદ્ધતિ અપનાવવામાં આવશે અને અન્ય એન્જિનિયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે બીજી પદ્ધતિ અપનાવવામાં આવશે. હવે રાજ્યના સ્તરે એન્જિનિયરીંગ કોલેજોમાં લેવામાં આવતી પરીક્ષાઓના સ્થાને તમામ વિદ્યાર્થીઓએ આ કેન્દ્રવર્તી પરીક્ષાઓ જ આપવાની રહેશે.
આઈઆઈટીમાં પ્રવેશ માટે ૫૦ ટકા માર્ક્સ જી-મેઈન પરીક્ષાના અને ૫૦ ટકા હાયર સેકન્ડરી બોર્ડના પર્સન્ટાઈલના આધારે ગણવામાં આવશે. જોકે તેના આધારે પ્રવેશ નહીં આપવામાં આવે પણ માત્ર મેરિટ લિસ્ટ જ તૈયાર કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટમાં આઈઆઈટીમાં જેટલી બેઠકો હશે તેના કરતાં આશરે પાંચ ગણા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. પછી આ મેરિટ લિસ્ટમાંથી જેટલા વિદ્યાર્થીઓ જી-એડવાન્સ્ડ પરીક્ષાના આધારે ટોચ ઉપર હોય તેમને મેરિટ મુજબ ફાઈનલ પ્રવેશ આપવામાં આવશે. આ રીતે આઈઆઈટીના મેરિટ લિસ્ટમાં આવવા માટે જી-મેઈન અને હાયર સેકન્ડરી પરીક્ષાનું મહત્વ રહેશે, પણ ફાઈનલ પ્રવેશ તો જી-એડવાન્સ્ડના આધારે જ આપવામાં આવશે.
દેશમાં આઈઆઈટી સિવાય સરકારી ફંડ મેળવતી જેટલી એન્જિનિયરીંગ કોલેજો છે તેમાં પ્રવેશ પરીક્ષા માટે ૪૦ ટકા માર્ક્સ બારમા ધોરણના પર્સન્ટાઈલના આધારે, ૩૦ ટકા માર્ક્સ જી-મેઈનના આધારે અને ૩૦ ટકા માર્ક્સ જી-એડવાન્સ્ડના આધારે ગણવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો ૬૦ ટકા 'જી' ના આધારે ગણવામાં આવશે અને ૪૦ ટકા બારમાં ધોરણની પરીક્ષાના આધારે ગણવામાં આવશે. તેની અસર એ થશે કે આઈઆઈટી અથવા બીજી ઈજનેરી કોલેજોમાં પ્રવેશ મેળવવા ઉત્સુક વિદ્યાર્થીઓ અત્યારે સ્કૂલના અભ્યાસની અને બોર્ડની પરીક્ષાઓની જે ઉપેક્ષા કરે છે એ તેઓ હવે કરી શકશે નહીં. તેમણે સ્કૂલમાં પણ મન દઈને ભણવું પડશે અને બોર્ડની પરીક્ષામાં માર્ક્સ લાવવા પડશે. કેવળ આઈઆઈટી-જીનાં પરિણામને આધારે તેઓ હવે કોઈ એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
કેન્દ્રના માનવ સંસાધન ખાતાંના પ્રધાન કપિલ સિબ્બલ કહે છે કે આજદિન સુધી આઈઆઈટીની છાપ સમાજના ભદ્ર વર્ગની એન્જિનિયરીંગ કોલેજ તરીકેની હતી, કારણ કે આઈઆઈટી-જીની પરીક્ષા પાસ કરવા માટે કોચીંગ ક્લાસ પાછળ લખલૂટ ખર્ચાઓ કરવા પડે છે. આ કોચીંગ ક્લાસો શહેરોમાં જ ચાલતા હોય છે અને શ્રીમંત વિદ્યાર્થીઓને જ પરવડે તેવા હોય છે. ગામડામાં રહેતા ગરીબ પણ તેજસ્વી વિદ્યાર્થીઓ આ કોચીંગ ક્લાસની ફી ભરી ન શકતા હોવાને કારણે તેમની માટે આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા અત્યંત કઠિન કાર્ય બની ગયું છે. આ કારણે આઈઆઈટીમાં મોટા ભાગના શહેરોના વિદ્યાર્થીઓ જ જોવા મળે છે. હવે આઈઆઈટીના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે ૫૦ ટકા માર્ક્સ સ્થાનિક બોર્ડના ગણવાના હોવાથી ગામડામાં રહેતા ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પણ આઈઆઈટીમાં પ્રવેશ મેળવવો સહેલો થઈ પડશે. વળી બારમાં ધોરણનો અભ્યાસ તો સ્કૂલોમાં કરાવવામાં આવતો હોવાથી વિદ્યાર્થીઓના કોચીંગ ક્લાસના ખર્ચાઓ પણ ઓછા થશે.
વળી બારમાં ધોરણનો અભ્યાસ તો સ્કૂલોમાં કરાવવામાં આવતો હોવાથી વિદ્યાર્થીઓના કોચીંગ ક્લાસના ખર્ચાઓ પણ ઓછા થશે. આઈઆઈટીમાં પ્રવેશનો અંતિમ નિર્ણય તો જી-એડવાન્સ્ડના રિઝલ્ટના આધારે થવાનો હોવાથી વિદ્યાર્થીએ તેની તૈયારી પણ કરવાની રહેશે.
આઈઆઈટીની સેનેટના અને ફેકલ્ટીના સભ્યો કહે છે કે બારમાં ધોરણની પરીક્ષામાં બોર્ડ તરફથી વિદ્યાર્થીઓને છૂટથી માર્ક્સ આપી દેવામાં આવતા હોવાથી નબળા વિદ્યાર્થીઓ પણ આઈઆઈટીમાં પ્રવેશ મેળવી લેશે, જેને કારણે આઈઆઈટીની ગુણવત્તા કથળી જશે. તેમનું કહેવું એમ છે કે અમુક રાજ્ય બોર્ડમાં વિદ્યાર્થીઓને છૂટથી માર્ક્સ ઘડવૈયાઓ દ્વારા આ ભિન્નતા ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ કારણે જ માર્ક્સની ગણતરીમાં બારમાં ધોરણમાં પરસન્ટેજ નહીં પણ પર્સન્ટાઈલ ગણતરીના લેવામાં આવશે. કોઈ વિદ્યાર્થીના પરસન્ટેજ કદાચ વધુ હોઈ શકે, પણ તેના પર્સન્ટાઈલ તો સમગ્ર પરીક્ષકોમાં તેના સ્થાનના આધારે જ નક્કી થતા હોવાથી તેમાં કોઈ ગરબડનો સ્થાન નથી. વળી આઈઆઈટીમાં પ્રવેશનો અંતિમ નિર્ણય તો જી-એડવાન્સ્ડના આધારે જ કરવાનો હોવાથી નબળા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લેશે એવો ભય પણ અસ્થાને છે. હકીકતમાં આઈઆઈટીની ગુણવત્તાને જાળવી રાખવા માટે જ આઈઆઈટીને પોતાનું અલગ મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પરવાનગી ઈ.સ. ૨૦૧૫ સુધી આપવામાં આવી છે. ઈ.સ. ૨૦૧૫થી દેશની તમામ એન્જિનિયરીંગ કોલેજોમાં સમાન ધોરણે જ પ્રવેશ આપવામાં આવશે.
આઈઆઈટીમાં પ્રવેશ માટેની નવી પદ્ધતિનો સેનેટ એપલ્ટીના સભ્યો વિરોધ કરી રહ્યા છે તેની પાછળ આઈઆઈટીના કરિક્યુલમની પોકળતા પણ બહાર આવી જાય છે. હકીકતમાં આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા એટલી કઠિન છે કે તેમાં દેશના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓ જ ચળાઈને ઉત્તિર્ણ થાય છે. આ વિદ્યાર્થીઓ માટે આઈઆઈટી કાંઈ પુરૃષાર્થ ન કરે તો પણ તેમની ગુણવત્તા ઊંચી જ રહેવાની છે. ચેતન ભગતની 'ફાઈવ પોઈન્ટ સમવન' નામની નવલકથા વાંચીને ખ્યાલ આવે છે કે આઈઆઈટીના અભ્યાસક્રમમાં કે અભ્યાસપદ્ધતિમા ંએવું કાંઈ નથી કે જેનાથી વિદ્યાર્થીની સૃજનાત્મક શક્તિઓનો કે નવી શોધખોળ કરવાની શક્તિઓનો વિકાસ થાય છે. આ શિક્ષણ પદ્ધતિમાં તો હકીકતમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીની ટેલન્ટ પણ દબાઈ જાય છે અને તેને પણ ગોખણપટ્ટી કરીને પાસ થવાની ફરજ પાડવામાં આવે છે. જો આઈઆઈટીની શિક્ષણ પદ્ધતિમાં તાકાત હોય તો તેમણે સાધારણ અથવા નબળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને તેમને હોંશિયાર બનાવી આપવા જોઈએ, જે સંભવિત જ નથી.
આઈઆઈટીના સ્નાતકો તૈયાર કરવા માટે આપણી સરકાર દ્વારા કરદાતાઓના પૈસામાંથી દર વર્ષે અબજો રૃપિયાનો વ્યય કરવામાં આવે છે. આ વ્યય કર્યા પછી જે એન્જિનિયરો તૈયાર થાય છે તેઓ ક્યાં તો મલ્ટિનેશનલ કંપનીઓ અથવા વિદેશી કંપનીઓના લાભાર્થે જ ચાલતી હોય તેવું લાગે છે. જો આઈઆઈટીનો કોઈ સ્નાતક મલ્ટિનેશનલ કંપનીમાં જોડાય તો એ કંપની પાસેથી વિદ્યાર્થીને એન્જિનિયર બનાવવા પાછળ સરકારે જે કોઈ ખર્ચ કર્યો હોય તે વસૂલ કરવો જોઈએ. આઈઆઈટીની પ્રવેશ પદ્ધતિની જેમ તેના શિક્ષણના ઢાંચામાં પણ પરિવર્તન કરવાની આવશ્યકતા છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved