Last Update : 20-June-2012, Wednesday

 

ભારતના નવા નાણા પ્રધાને વિકટ સમસ્યાઓનો સામનો કરવો પડશે

ભારતની આર્થિક નીતિઓ આપણી સરકાર નક્કી નથી કરતી પણ વિશ્વ બેન્ક અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ જેવી એજન્સીઓના નિર્દેશ મુજબ આપણી નીતિઓ નક્કી થાય છે

રાયસીના હિલના રાષ્ટ્રપતિ ભવનમાં બિરાજમાન થવાની રેસ હવે લગભગ ખતમ થઇ ગઇ છે. યુપીએના ઉમેદવાર પ્રણવ મુખરજીને આ ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળશે એ નક્કી થઇ ગયું છે. હવે જોવાનું એ રહે છે કે પ્રણવ મુખરજી આ હોદ્દા ઉપર સર્વસંમતિથી ચૂંટાઇ આવે છે કે વિપક્ષો તેમની સામે કોઇ ઉમેદવાર ઊભો રાખવામાં સફળ થાય છે. વિપક્ષો જે કોઇ ઉમેદવારને ઊભો રાખશે તેણે હારવા માટે જ આ જંગ લડવાનો રહેશે. આ કારણે જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આ જંગથી બહાર નીકળી ગયા છે અને પી.એ. સંગમા બહાર નીકળવાની તૈયારીમાં છે. પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનતાં જે કેન્દ્રીય પ્રધાન મંડળમાં નાણાં પ્રધાનની ખુરશી ખાલી પડવાની છે. આર્થિક મંદીનો ઓછાયો જ્યારે દેશ-દુનિયા ઉપર મંડરાઇ રહ્યો છે ત્યારે કેન્દ્રના નાણાં પ્રધાનનું પદ સૌથી મહત્ત્વનું બની રહે છે. આ કાંટાળો તાજ પોતાના શિર ઉપર ધારણ કરવા આશરે અડધો ડઝન મૂરતિયાઓ મેદાનમાં છે. વડાપ્રધાન મનમોહન સિંહ આ પકી કોઇ પણ એકના શિર ઉપર કળશ ઢોળવાને બદલે થોડા સમય સુધી નાણાં ખાતું પોતાના હાથમાં રાખીને અપેક્ષિત સુધારાઓ કરી લે તેવું પણ બની શકે છે.
ટૂંક સમયમાં પ્રણવ મુખરજી નાણાં પ્રધાન તરીકે પોતાનું રાજીનામું આપશે અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝંપલાવી દેશે. યુપીએમાં સંકટમોચક તરીકે પ્રણવ મુખરજીની જગ્યા તો તાત્કાલિક નહીં ભરી શકાય, પણ નાણાં પ્રધાન તરીકે તેમની ખાલી જગ્યાએ કોઇને બેસાડવા જ પડશે. આ હોદ્દા માટે જેમનાં નામોની ચર્ચા ચાલી રહી છે, તેમાં ગ્રામીણ વિકાસ ખાતાંના પ્રધાન જયરામ રમેશ ટોચ ઉપર છે. ૫૮ વર્ષના જયરામ રમેશની લાયકાત એ છે કે તેઓ એમઆઇટીના સ્નાતક છે અને અર્થશાસ્ત્રના નિષ્ણાત છે. તેનાથી પણ મોટી લાયકાત એ છે કે તેઓ નેહરુ-ગાંધી પરિવારના વફાદાર હોવાની છાપ ધરાવે છે. જયરામ રમેશ જ્યારે વન અને પર્યાવરણ ખાતાંના પ્રધાન હતા ત્યારે તેમણે ઉદ્યોગપતિઓની પાવરફુલ લોબી સામે બાથ ભિડીને અનેક પ્રોજેક્ટોને અટકાવી દીધા હતા. જયરામ રમેશમાં યુપીએના સાથી પક્ષોને અને વિપક્ષોને પણ સાથે લઇને ચાલવાની આવડત છે. તેઓ આર્થિક સુધારાઓમાં માને છે. એક વખત તેઓ રિટેઇલમાં એફડીઆઇના વિરોધી હતા, પણ હવે આ બાબતમાં તેમનું વલણ બદલાયું છે. પ્રણવ બાબુના છેલ્લાં બજેટે એવી છાપ ઊભી કરી હતી કે તેઓ આર્થિક સુધારાઓની ગાડી રિવર્સમાં લઇ જવા માંગે છે. આ છાપને કારણે ઉદ્યોગપતિઓ નારાજ થઇ ગયા હતા. જયરામ રમેશ આ છાપ બદલી નાંખવા ચાહે છે. જયરામ રમેશ ઈંધણ માટે આપવામાં આવતી સબસિડીઓ કાપવાના મતના છે, જે વિશ્વ બેન્ક અને આઇએમએફને ભાવે તેવી વાત છે. જયરામ રમેશનું ઉધાર પાસું એ છે કે પર્યાવરણના પ્રધાન તરીકે તેમણે ઈન્ફ્રાસ્ટ્રકચરના અને માઇનીંગના અનેક પ્રોજેક્ટો અટકાવ્યા હતા. હવે તેઓ આ છાપ બદલવા તત્પર છે.
નાણાં પ્રધાન તરીકે પ્રણવ મુખરજી પછી પ્રધાન મંડળમાં જો કોઇ સૌથી વધુ અનુભવી ઉમેદવાર હોય તો તે પી. ચિદમ્બરમ છે. યુપીએ-૧માં દેશના નાણાં પ્રધાન તરીકેની જવાબદારી તેમણે જ સંભાળી હતી. ઇ.સ. ૨૦૦૮માં દુનિયામાં જ્યારે આર્થિક મંદીનું મોજું આવ્યું ત્યારે આ મંદીના પ્રભાવથી બચાવી લેવાનો યશ ચિદમ્બરમને આપવામાં આવે છે. પી. ચિદમ્બરમની મુખ્ય લાયકાત એ છે કે તેઓ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ તેમ જ યુપીએ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીનો પણ વિશ્વાસ ધરાવે છે. ચાર વર્ષ અગાઉ તેમને નાણાં ખાતાંમાંથી ખસેડીને ગૃહ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા તો પણ તેમનું દિલ નાણાં ખાતામાં જ ચોંટેલું છે. આ વાતને પ્રગટ કરવામાં તેઓ સંકોચ અનુભવતા નથી. પી. ચિદમ્બરમ નાણાં પ્રધાન તરીકે ખૂબ જ ઝીણું કાંતવા માટે જાણીતા છે. તેમની ગણતરીઓ આબાદ હોય છે. તેઓ આર્થિક સુધારામાં માને છે અને ઉદ્યોગપતિઓમાં તેમ જ શેર બ્રોકરોમાં પ્રિય છે. ચિદમ્બરમનું ઉધાર પાસું એ છે કે તેમના પરિવારનો પગ ૨-જી કૌભાંડના કુંડાળામાં પડી ગયો છે. આ મુદ્દે વિપક્ષે તેમનું રાજીનામું માંગ્યું હતું અને સંસદમાં તેમનો બહિષ્કાર પણ કર્યો હતો. સુબ્રમણ્યમ સ્વામી તેમને જેલમાં પહોંચાડવા આતુર છે. ચિદમ્બરમ સામે ચૂંટણીમાં ગેરરીતિઓ બાબતનો કેસ પણ ચાલી રહ્યો છે. આ વિવાદો તેમને નડી જાય તેવા છે.
કેન્દ્રના નાણાં પ્રધાન તરીકે જે નામોની વિચારણા ચાલી રહી છે તેમાં વડાપ્રધાનના આર્થિક સલાહકાર ૮૦ વર્ષના સી. રંગરાજનનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. તેઓ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના એક અત્યંત વિશ્વાસુ સાથીદાર છે. ઈ.સ. ૧૯૯૨તી ૧૯૯૭ દરમિયાન તેઓ રિઝર્વ બેન્કના ગવર્નર રહ્યા હતા. સરકારમાં રહીને અને સરકારની બહાર રહીને તેમણે અનેક જવાબદારીઓ નિભાવી છે. વર્તમાનમાં તેઓ વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના અધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા છે. સી. રંગરાજન એક નિવડેલા અર્થશાસ્ત્રી છે અને તેઓ પ્રસિધ્ધિથી દૂર રહેવામાં માને છે. તેઓ આર્થિક સુધારાઓમાં માને છે અને ડિઝલ ઉપરની સબસિડી ક્રમશઃ નાબુદ કરવાના મતના છે. રિટેઇલમાં અને નાગરિક ઉડ્ડયનમાં વિદેશી મૂડીરોકાણની તેઓ તરફેણ કરે છે, પણ એ માટે દેશમાં સર્વસંમતિ બનાવવી જોઇએ એવું તેઓ માને છે. સી. રંગરાજનનું નબળું પાસું એ છે કે રાજકારણની રમતમાં તેમનો અનુભવ મર્યાદિત છે. લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે નાણાં પ્રધાન તરીકે રાજકારણના દાવપેચ રમવાની અને પ્રજાને રીઝાવવાની બાબતમાં તેઓ ઉણા ઉતરે એવું મનાય છે. જોકે બિનરાજકીય નાણાં પ્રધાન તરીકે તેઓ આકરા નિર્ણયો પણ લઇ શકે છે. સી. રંગરાજનને બેકસીટ ડ્રાઇવીંગ કરવા દેવું કે અર્થતંત્રનું સુકાન તેમના હાથમાં સોંપવું તેનો નિર્ણય વડાપ્રધાને કરવાનો છે.
આયોજન પંચના વર્તમાન ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના સ્નાતક છે. ઈ.સ. ૧૯૯૦ના દાયકાથી ભારતની આર્થિક નીતિઓ ઉપર તેમનો પ્રભાવ એક અથવા બીજી રીતે રહ્યો છે. વર્તમાનમાં જી-૨૦ દેશોની જે શિખર પરિષદ મેક્સિકોમાં ચાલી રહી છે, તેમાં વડાપ્રધાનની ટીમના મુખ્ય સલાહકાર તરીકે તેઓ સાથે ગયા છે. આહલુવાલિયાની છાપ કટ્ટર મૂડીવાદી તરીકેની છે. તેમનું ચાલે તો તેઓ આવતી કાલે વોલ-માર્ટ જેવી કંપનીઓને ભારતમાં સુપરમાર્કેટો ખોલવાની પરવાનગી આપી દે. વીમાના ક્ષેત્રમાં પણ ૧૦૦ ટકા વિદેશી મૂડીરોકાણના તેઓ હિમાયતી છે.
ઈ.સ. ૨૦૦૯માં જ્યારે યુપીએ-૨ની સરકાર ચૂંટાઇને આવી ત્યારે મોન્ટેક સિંહ નાણાં પ્રધાનપદના મુખ્ય દાવેદાર હતા, પણ તેમના કોઇ રાજકીય મૂળ ન હોવાને કારણે તેમણે પીછેહઠ કરવી પડી હતી. મોન્ટેક સિંહ નાણાં પ્રધાન બને તો તૃણમૂલ કોંગ્રેસ જેવા સાથી પક્ષો નારાજ થાય તેવી પણ સંભાવના છે, કારણ કે તેમની છાપ ગરીબવિરોધી છે. તાજેતરમાં દેશના નાગરિકો રોજના માત્ર ૩૨ રૃપિયામાં પોતાનું ગુજરાન ચલાવી શકે છે, એવું વિધાન કરવા બદલ તેઓ આકરી ટીકાનો ભોગ બન્યા છે. આ વિધાનને તેઓ આજ સુધી વળગી રહ્યા છે અને તેનું પ્રતિપાદન પણ કરી રહ્યા છે. ડિઝલ અને રાંધણ ગેસ ઉપરની સબસિડી સંપૂર્ણપણે નાબૂદ કરવી જોઇએ, એમ તેઓ માને છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આહલુવાલિયાને નાણાં પ્રધાન બનાવવા એ મોટો જુગાર જ હશે.
કેન્દ્રના ઉદ્યોગ પ્રધાન આનંદ શર્મા વકીલમાંથી રાજકારણી બનેલા છે અને તેઓ નાણાં પ્રધાન બનવાની ખ્વાહિશ ધરાવે છે. ૫૯ વર્ષના આનંદ શર્માની યોગ્યતા એ છે કે તેઓ સુધારાતરફી છે અને ગાંધી પરિવારનો વિશ્વાસ ધરાવે છે. ઉદ્યોગ પ્રધાન તરીકે ભારતની નિકાસને વેગ અપાવવાનો યશ તેમના ફાળે જાય છે. આનંદ શર્માના આગ્રહથી મલ્ટીબ્રાન્ડ રિટેઇલમાં વિદેશી રોકાણની મંજૂરી આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લઇ લીધો હતો, પણ વિપક્ષોના તેમ જ સાથી પક્ષોના વિરોધને કારણે આ નિર્ણય બદલવાની સરકારને ફરજ પડી હતી. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પણ વિદેશી કંપનીઓને મોકળું મેદાન આપવાની તેઓ તરફેણ કરી રહ્યા છે. આનંદ શર્મા રાજકીય દ્રષ્ટિએ હેવીવેઇટ નથી, પણ ઉદ્યોગ જગતમાં સારી વગ ધરાવે છે. તેઓ જો નાણાં પ્રધાન બનશે તો ઉદ્યોગપતિઓ ખુશ થશે, પણ ગરીબો દુઃખી થશે.
જાગતીકરણ અને ઉદારીકરણને કારણે આર્થિક નીતિઓની બાબતમાં આપણે સાર્વભૌમ નથી રહ્યા.
બ્રિટન અને અમેરિકા જેવી મહાસત્તાઓ તેમ જ વિશ્વ બેન્ક અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ જેવી નાણાં સંસ્થાઓ આપણી આર્થિક નીતિઓ નક્કી કરે છે. આ નીતિઓ દેશની પ્રજાના અહિતમાં અને મલ્ટીનેશનલ કંપનીઓના હિતમાં હોય છે. જે નાણાં પ્રધાન આ આંતરરાષ્ટ્રીય પરિબળોના નિર્દેશ મુજબ કામ કરવા તૈયાર થાય તેને જ વડાપ્રધાન આ મહત્વના કાર્ય માટે પસંદ કરી શકે છે.
ભારતના વડાપ્રધાન કુશળ અર્થશાસ્ત્રી છે તો પણ તેમના નેતૃત્વ હેઠળ દેશમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને હવે વિકાસ પણ ધીમો પડી ગયો છે. જે અર્થશાસ્ત્રી મોંઘવારીને અંકુશમાં લઇ ન શકે, એ અર્થશાસ્ત્રી ભારત જેવા દેશ માટે કામનો નથી, જ્યાં ૪૦ ટકાથી વધુ પ્રજા ગરીબી રેખાની નીચે જીવી રહી છે. ગાંધીજીએ કહ્યું હતું કેમ દેશના સૌથી છેવાડાના માણસની ચિંતા કરે તેવો કોઇ અર્થશાસ્ત્રી નાણાં પ્રધાન બને એ હાલમાં તો સંભવિત જણાતું નથી.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved