Last Update : 19-June-2012, Tuesday

 

ગ્રીસની ચૂંટણી આખી દુનિયા માટે કેમ મહત્ત્વની છે ?

ગ્રીસમાં તાજેતરની ચૂંટણીઓમાં જે પક્ષને બહુમતી મળી છે તે કરકસરથી અર્થતંત્રને કટોકટીમાંથી બહાર લાવવામાં માને છે

યુરોપમાં આવેલા નાનકડા દેશ ગ્રીસમાં આ રવિવારે જે ચૂંટણીઓ થઈ તેના ઉપર માત્ર યુરોપના દેશોની જ નહીં પણ આખી દુનિયાની નજર મંડાયેલી હતી. યુરોઝોનમાં વર્તમાનમાં જે કટોકટી ચાલી રહી છે તેના મૂળમાં ગ્રીસનું દેવાળિયું અર્થતંત્ર છે. ગ્રીસને આર્થિક પેકેજ આપવાને કારણે યુરોપના અન્ય દેશોમાં પણ કચવાટનું વાતાવરણ હતું. યુરોઝોનની કટોકટીને કારણે ભારતનો આર્થિક વિકાસ દર પણ ધીમો પડી રહ્યો છે. ઈ.સ. ૨૦૧૨ ના પ્રથમ ત્રણ મહિનાનો ભારતનો વિકાસ દર ૫.૩ ટકા જેટલો નીચો ઉતરી ગયો તેને કારણે યુપીએ સરકાર ચિંતામાં પડી ગઈ છે. ગ્રીસની ચૂંટણીમાં ન્યુ ડેમોક્રેસી પક્ષને પાતળી બહુમતી મળી તેને કારણે યુરોપના દેશોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આ પક્ષ કરકસર કરીને પણ આર્થિક મંદીમાંથી બહાર આવવામાં અને યુરોપિયન સંઘમાં રહેવામાં માને છે.
ભારતના રૃપિયાની સરખામણીએ ડોલરનો ભાવો વધી રહ્યા છે, તેના મૂળમાં પણ ગ્રીસની અને યુરોપની કટોકટી છે. યુરોપના અર્થતંત્રમાં મંદીની અસર જણાતા અમેરિકાના રોકાણકારો યુરોપમાં પોતાનું રોકાણ સમેટીને પાછા અમેરિકા ભણી વળી રહ્યા હોવાને કારણે યુરોની સરખામણીએ ડોલરનો ભાવ વધે છે, જેને કારણે રૃપિયાની સરખામણીએ પણ ડોલર મોંઘો બને છે. જો ગ્રીસ યુરોપિયન સંઘમાંથી બહાર નીકળી જાય તો ડોલર વધુ મોંઘો થાય અને ભારતના અર્થતંત્ર ઉપર પણ તેની અસર થાય તેમ છે. યુરોપિયન સંગને ટકાવી રાખવા માટે ગ્રીસ કરકસર કરીને ખર્ચાઓ ઉપર કાબૂ રાખે એ જરૃરી છે. ગ્રીસમાં જે નવી સરકાર બનશે એ કરકસરનાં પગલાંઓમાં સહકાર આપશે, એમ માનવામાં આવે છે.
ગયા મહિને ગ્રીસમાં જે ચૂંટણીઓ થઈ તેમાં રૃઢિચુસ્ત ન્યુ ડેમોક્રેસી અને સમાજવાદી પક્ષને બદલે ઉદામવાદી પક્ષનો વિજય થયો હતો. આ પક્ષ કરકસર કરવાની વિરૃદ્ધમાં હતો. આ પક્ષે માર્ચ મહિનામાં ગ્રીસને યુરોપના દેશો દ્વારા જે લોન આપવામાં આવી હતી, તેની શરતોને ભંગ કરવાની હાકલ કરી હતી, જેને પગલે ગ્રીસમાં ફરીથી ચૂંટણીઓ કરાવવામાં આવી હતી. માર્ચ મહિનામાં યુરોપના દેશો દ્વારા ગ્રીસને જે અબજો યુરોની લોન આપવામાં આવી તેમાં સરકારી ખર્ચાઓમાં અને પેન્શનમાં જબરદસ્ત કાપ મૂકવાની શરતો કરવામાં આવી હતી, જેને કારણે ગ્રીસમાં મંદીનું અને હતાશાનું મોજું ફરી વળ્યું હતું. આ કારણે પ્રજાએ રૃઢિચુસ્ત અને સમાજવાદી પક્ષોને જકારો આપ્યો હતો. જો ઉદામવાદી પક્ષની ઈચ્છા મુજબ લોનની શરતોનો ભંગ કરવામાં આવે તો ગ્રીસને યુરોઝોનમાંથી બહાર કાઢવું પડે, જેના વ્યાપક પ્રત્યાઘાતો પડે એમ હતું.
યુરોઝોનમાંથી કોઈ દેશને બહાર કાઢવો હોય તો તેના માટે નિયમો અને પદ્ધતિ નથી. જો ગ્રીસ યુરોઝોનમાંથી બહાર નીકળવા માંગતું હોય તો તેણે પોતાના દેશમાં યુરોનો વિનિયમ બંધ કરવો પડે અને પોતાની જૂની કરન્સી 'દ્રાચમા' છાપવાની ચાલુ કરવી પડે. આ કરન્સીની અગાઉ જેટલી કિંમત હતી તેના કરતાં હવે અડધી કિંમત પણ ગણાય તેમ નથી. તેને કારણે ગ્રીસમાં ફુગાવો વધી જાય અને ગ્રીક પ્રજાની ખરીદ શક્તિમાં ઘરખમ ઘટાડો થાય તેમ છે. ગ્રીસ જો યુરોપિયન સંઘમાંથી બહાર આવી જાય તો તેનું ઉત્પાદન પણ ઘટી જાય અને બેકારીમાં વધારો થાય તેમ છે. ગ્રીસના ૨૦ ટકા લોકો અત્યારે પણ બેકારીની પીડા ભોગવી રહ્યા છે. આ પીડામાં વધારો થાય એ તેમને પાલવે તેમ નથી.
જો ગ્રીસ યુરોઝોનમાંથી બહાર નીકળીને પોતાની કરન્સી છાપવાનું ચાલુ કરે તો ગ્રીસના લોકોએ યુરોપમાંથી માલ ખરીદવા માટે યુરો ચૂકવવા પડે, જે તેમને પ્રમાણમાં મોંઘા પડે, જેને કારણે મોંઘવારી પણ વધી જાય તેમ છે. આખા યુરોપના અર્થતંત્રનું જે કદ છે તે પૈકી ગ્રીસનાં અર્થતંત્રનું કદ માંડ બે ટકા જેટલું છે, પણ જો ગ્રીસ યુરોપિયન સંઘમાંથી બહાર નીકળી જાય તો બીજા ત્રણ દેશો લાઈનમાં ઊભા છે.
આ દેશોમાં ઈટાલી, સ્પેન અને પોર્ટુગલનો સમાવેશ થાય છે. આ દેશોનું અર્થતંત્ર પણ સંકટમાં છે અને તેઓ પણ ગ્રીસ જેવું પેકેજ માંગી રહ્યા છે. જો યુરોપની બેન્કો આ બધા દેશોને અબજો યુરોની લોન આપ્યા કરે તો તેઓ પોતે નબળી પડી જાય અને લેહમેન બ્રધર્સની જેમ તેમણે પણ દેવાળું કાઢવું પડે. આવું બને તો રોકાણકારો જર્મની જેવા દેશોમાં અથવા યુરોપની બહાર ચાલ્યા જાય તેવો પણ ભય રહે છે.
ગ્રીસ પછી હવે સ્પેનમાં પણ મંદીના વાદળો ઘેરાયાં છે અને તેણે પણ ગ્રીસની જેમ બેઈલ આઉટ પેકેજ માંગ્યું છે. સ્પેનમાં બેન્કો નબળી પડી રહી હોવાથી લોન મોંઘી થઈ રહી છે અને પ્રોપર્ટી માર્કેટ ભાંગી પડવાના આરે છે. ગયા અઠવાડિયે યુરોપના ૧૭ દેશોના નાણાં પ્રધાનોએ ભેગા મળીને સ્પેનને ૧૦૦ અબજ યુરોની લોન આપવાનો નિર્ણય કર્યો હતો. આ લોન સામે આકરી શરતો પણ લાદવામાં આવશે, જેમ સરકારી ખર્ચાઓમાં કાપ મૂકવાની અને પેન્શનમાં ઘટાડો કરવાની શરતો મુખ્ય હશે.
મે મહિનામાં ગ્રીસમાં ચૂંટણી થઈ તેમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. તેમાં ઉદામવાદી સાઈઝીરા પાર્ટીનો બીજો ક્રમાંક આવ્યો હતો. તેમણે તો યુરોપના દેશો દ્વારા લાદવામાં આવેલી શરતો ફગાવી દેવાની હાકલ કરી હતી. વર્તમાન ચૂંટણીમાં જે ન્યુ ડેમોક્રસી પક્ષનો પ્રથમ ક્રમાંક આવ્યો છે તેમણે આ શરતો ફગાવી દેવાને બદલે તેમાં ફેરફાર કરવાનું પ્રજાને વચન આપ્યું છે. આ પક્ષની જીત થઈ છે તેનો અર્થ એટલો જ થાય છે કે ગ્રીસની પ્રજા અમુક અંશે કરકસર કરવાનું સ્વીકારીને પણ યુરોપિયન સંઘમાં રહેવા માંગે છે.
સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર નામની એજન્સી કહે છે કે ગ્રીસ યુરોપિયન સંઘમાંથી બહાર નીકળી જાય તેવી સંભાવના હજી ત્રણમાં એક જેટલી છે. જોકે આ એજન્સી કહે છે કે ગ્રીસ યુરોપિયન સંઘનો ત્યાગ કરે તો તેનો અર્થ એવો નથી થતો કે તેનું ઉદાહરણ લઈને બીજા દેશો પણ તેના માર્ગે જશે. તેને બદલે ગ્રીસની અવદશા જોઈને અન્ય યુરોપિય દેશો તેના માર્ગે જતાં અટકી જાય તેવું પણ બની શકે છે. અત્યારે યુરોપના કોઈ દેશોમાં એવી સરકાર નથી, જેઓ દેવું કરીને જલસા કરવામાં અને યુરોઝોનની બહાર નીકળી જવામાં માનતી હતી.
ગ્રીસમાં યુરોઝોનમાંથી બહાર નીકળવાના મતની સરકાર આવી તેનો અર્થ એવો નથી થતો કે ગ્રીસ આર્થિક કટોકટીમાંથી બહાર આવી ગયું છે. ગ્રીસમાં તાજેતરમાં જે ચૂંટણીઓ થઈ એ યુરોઝોનમાં રહેવું કે ન રહેવું એ બાબતના જનમત જેવી હતી. તેમાં માત્ર ૪૦ ટકા મતદારોએ જ એવા પક્ષોને મત આપ્યો છે, જેઓ યુરોઝોનમાં રહેવાના અને કરકસર કરવાના મતના હતા. ઉદામવાદી સાઈઝીરા પક્ષના પ્રમુખ એલેક્સીસ સીપ્રાસ તો લોનની શરતોનો ધજાગરો કરીને યુરોઝોનમાંથી બહાર નીકળી જવાની વકીલાત કરે છે. તેમને ૨૭ ટકા લોકોના મતો મળ્યા છે. જે પક્ષને બહુમતી મળી છે એ પક્ષના અધ્યક્ષ એન્ટોની સમારસ કહે છે કે તેઓ બધા પક્ષોને ભેગા કરીને સર્વસંમતિથી સરકાર ચલાવવા માંગે છે, પણ સીપ્રાસ એ માટે બિલકુલ તૈયાર નથી. તેમને લાગે છે કે આ સરકાર થોડા જ મહિનાઓ ટકવાની છે. આ સરકાર કરકસરનાં પગલાંઓને કારણે અળખામણી થઈ જશે તેને પગલે ગ્રીસમાં ફરીથી ચૂંટણીઓ થશે અને ઉદામવાદી સાઈઝીરા પક્ષને બહુમતી મળશે એવો તેમને વિશ્વાસ છે.
ગ્રીસમાં ન્યુ ડેમોક્રસી પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, માટે તેણે સમાજવાદી પક્ષ સાથે મળીને ગઠબંધન સરકાર ચલાવવાની છે. આ બે પક્ષો આશરે ૩૦ વર્ષથી ગ્રીસમાં રાજ કરી રહ્યા છે અને ગ્રીસની અવદશા માટે મહદંશે તેમની ખોટી આર્થિક નીતિઓ જવાબદાર છે. આ બે પક્ષો ભેગા મળીને સરકાર ચલાવશે તેથી ગ્રીસની પ્રજાનું દળદર ફીટે એમ લાગતું નથી. આ પક્ષોએ જ ગ્રીસની પ્રજાને દેવું કરીને જલસા કરવાની આદત પાડી છે. હવે આ પક્ષો કરકસરની વાત કરે છે કે વાત પ્રજાને હજમ થતી નથી. ગ્રીસ એ અમેરિકા નથી, જે દેવું કરીને જલસા કરે તો પણ દુનિયાના બધા દેશો તેમને માલ આપ્યા જ કરે અને તેના ડોલરનો પોતાના દેશમાં સંગ્રહ કર્યા કરે.
મેક્સિકોમાં જી-૨૦ ના દેશોની સાતમી શિખર પરિષદ ભરાઈ રહી છે, જેમાં ભાગ લેવા ભારતના વડા પ્રધાન ડો. મનમોહન સિંહ અને આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહલુવાલિયા પણ ગયા છે. તેમણે પત્રકારો સમક્ષ કહ્યું છે કે જો ગ્રીસનું અર્થતંત્ર ભાંગી પડશે તો તેના જાગતિક પ્રત્યાઘાતો પડશે. ગ્રીસનું અર્થતંત્ર ભલે નાનું હોય, પણ તે જો ભાંગી પડે તો તેની ચિનગારી જેવી અસર થાય અને ભંગાણના આરે આવી ઊભેલા અન્ય યુરોપિયન અર્થતંત્રો ઉપર પણ તેની અસર થાય તેમ છે. જો ઈટાલીનું અને સ્પેનનું અર્થતંત્ર પણ ભાંગી પડે તો તેમને કોણ ટેકો આપશે ? યુરોપના દેશોએ જ્યારે યુનિયન બનાવ્યું ત્યારે તેમણે આ પ્રકારની આફતની ભાગ્યે જ કલ્પના કરી હશે.
ઈ.સ. ૨૦૦૮માં અમેરિકાની બેન્કીંગ સિસ્ટમની કટોકટીને કારણે જગતમાં ભારે મંદી આવી હતી. આ મંદીની અસરમાંથી આપણે માંડ બહાર આવ્યા છીએ.
હવે જો ગ્રીસ, સ્પેન, ઈટાલી અને પોર્ટુગલ જેવા દેશોની દેવાળિયા નીતિને કારણે યુરોપમાં કટોકટી પેદા થશે તો સમગ્ર વિશ્વના દેશો ઉપર તેના છાંટા ઉડશે. જાગતિકરણને કારણે હવે દુનિયા નાનાં ગામડાં જેવી બની ગઈ છે. ભારતમાં પેટ્રોલના ભાવો વધે છે તેનો સંબંધ ગ્રીસની મંદી સાથે છે. આ કારણે આપણે ગ્રીસની મંદીની ચિંતા કરવી પડે છે અને યુરોઝોનના ભવિષ્ય બાબતમાં પણ ચિંતન કરવું પડે છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved