Last Update : 17-June-2012,Sunday

 

રાષ્ટ્રપતિની ચૂંટણીનું અંકગણિત ઃ મુલાયમસિંહ કિંગમેકરની ભૂમિકામાં

રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પૂરી થાય તે પછી કેન્દ્રમાં પણ ઉથલપાથલ શરૃ થાય અને કદાચ ઇ.સ. ૨૦૧૪ પહેલાં આપણને નવા વડા પ્રધાન જોવા મળે તેવું પણ બની શકે છે

ભારતના ૧૩મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યુપીએ તરફથી નાણાં પ્રધાન પ્રણવ મુખરજીની ઉમેદવારી લગભગ નક્કી ગણાતી હતી ત્યાં જ મમતા બેનરજીએ અને મુલાયમસિંહ યાદવે પોતાના ઉમેદવાર તરીકે એ.પી.જે. કલામને જાહેર કરીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે.
અંકગણિતની દ્રષ્ટિએ જો મમતા અને મુલાયમ સાથે રહે અને કલામને એનડીએનો ટેકો પણ મળી રહે તો યુપીએનું નાક કાપીને વિરોધ પક્ષો રાયસીના રોડમાં પોતાના રાષ્ટ્રપતિને બેસાડી શકે તેમ છે. મુલાયમ સિંહ યાદવ સાથેની બેઠક પછી મમતા ગળું ફૂલાવીને કહી રહ્યાં છે કે કલામ તેમના ઉમેદવાર છે, પણ મુલાયમસિંહ યાદવે પ્રણવ મુખર્જીને ટેકો આપી દીધો છે. તે પહેલા એસપીના પ્રવકતા મોહન સિંહે કહ્યું છે કે મુલાયમ સિંહ એનડીએના ઉમેદવારને ટેકો નહીં આપે. તેનો અર્થ થાય છે, મમતા અને મુલાયમ સાથે નથી. દેશના રાજકારણમાં આજે એવી પરિસ્થિતિ પેદા થઈ કે મુલાયમ જેને ધારે તેને રાષ્ટ્રપતિ બનાવી શકે તેમ છે. ભારતના રાષ્ટ્રપતિપદ માટેના મતદારોની કુલ સંખ્યા ૪,૮૯૬ સભ્યોની છે. તેમાંના ૭૭૬ લોકસભાના અને રાજ્યસભાના સંસદસભ્યો છે અને ૪,૧૨૦ વિધાનસભ્યો છે. દરેક સંસદસભ્યના વોટની કિંમત ૭૦૮ની છે, પણ વિધાનસભ્યોના વોટની કિંમત દરેક રાજ્યે બદલાય છે. કોઈ પણ રાજ્યના વિધાનસભ્યના મતની કિંમત નક્કી કરવા માટે રાજ્યની વસતિને વિધાનસભ્યોની સંખ્યાથી અને પછી હજારથી ભાગવામાં આવે છે. આ રીતે ઉત્તર પ્રદેશના વિધાનસભ્યના વોટની કિંમત ૨૦૮ છે, પણ સિક્કીમના વિધાનસભ્યના વોટની કિંમત માત્ર સાત છે. આ રીતે ગણતરી કરતાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ ૧૦,૯૮,૮૮૨ મતો પડવાના છે. તેના ૫૦ ટકા એટલે કે ઓછામાં ઓછા ૫,૪૯,૪૪૨ મતો જેને મળે તેને જ વિજેતા ઘોષિત કરી શકાય છે. આ મેજીક ફિગર સુધી પહોંચે તેઓ જ રાષ્ટ્રપતિ ભવનના ભાડૂત બની શકે છે.
યુપીએના ઘટક દળો પૈકી કોંગ્રેસ પાસે કુલ મતના ૩,૩૧,૮૫૫ અથવા ૩૦.૩ ટકા જેટલા વોટ છે. યુપીએના તમામ સાથી પક્ષોના મતનો સરવાળો કરવામાં આવે તો તેમની પાસે ૧૧.૦૩ ટકા મત છે. આ સરવાળામાં ડીએમકે અને મમતા બેનરજીના ટીએમસીનો પણ સમાવેશ થઈ જાય છે. આ રીતે યુપીએનો સરવાળો ૪૧.૩૩ ટકા ઉપર પહોંચે છે. મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટી યુપીએ સરકારને બહારથી ટેકો આપે છે. તેની પાસે કુલ ૬.૩૪ ટકા મત છે, પણ આ મત અત્યંત મહત્ત્વના છે. મુલાયમસિંહ યાદવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યુપીએના ઉમેદવારને ટેકો આપવાનું નક્કી કરતા યુપીએનો સરવાળો ૪૭.૪૧ ઉપર પહોંચી ગયો છે. તેમાં નાના પક્ષોના ત્રણેક ટકા મતો મળે તો યુપીએનો ઉમેદવાર રાષ્ટ્રપતિ ભવનમાં બિરાજમાન થઈ શકે છે. જો મમતા અને મુલાયમ યુપીએના ઉમેદવારને ટેકો ન આપે તો પરિસ્થિતિ પલટાઈ જાય તેમ છે.
જો મમતા બેનરજી યુપીએના ઉમેદવારને ટેકો આપવાનો ઈનકાર કરે, પણ મુલાયમ સિંહ યાદવે યુપીએની પડખે ઊભા રહેવાનું નક્કી કરતા પરિસ્થિતિ યુપીએની તરફેણમાં છે. માયાવતીના બહુજન સમાજ પક્ષ પાસે ૪૩,૩૪૯ અથવા ૩.૯૮ ટકા મત છે. જો મમતા બેનરજી યુપીએમાંથી નીકળી જાય, પણ માયાવતીએ પણ યુપીએનો સાથ આપવાનું જાહેર કરતાં મમતાને કારણે થયેલું નુકસાન સરભર થઈ શકે છે. યુપીએ માઈનસ ટીએમસી, પ્લસ બીએસપીના મતોનો આંકડો ૪,૫૫,૪૯૧ ઉપર પહોંચી જાય છે. તેમાં જો ડાબેરી પક્ષોના ૪.૭ ટકા મતો ઉમેરવામાં આવે તો યુપીએના ઉમેદવાર ૫૦ ટકાનો મેજીક ફિગર હાંસલ કરી શકે છે. આ કારણે જ પ્રણવ મુખરજી યુપીએના ઉમેદવારને ડાબેરી પક્ષોનો ટેકો મળી રહે એ માટે કોશિશ કરી રહ્યા છેે.
એનડીએના બધા ઘટક પક્ષો ભેગા થાય તો પણ તેમની પાસે ૩,૦૪,૭૮૫ અથવા ૨૮ ટકા મત થાય છે. તેમાં પણ ભાજપના એકલાના તો ૨,૨૩,૮૮૫ મત છે.
એનડીએ જો મમતા અને મુલાયમને સાથે લઈ શકે તો તેમના મતનો સરવાળો ૪,૨૧,૬૪૬ અથવા ૩૮.૩ ટકા ઉપર જ પહોંચે છે. તેમાં જો માયાવતી, જયલલિતા અને નવીન પટનાઇકનો ટેકો મળે તો તેઓ ૫૦ ટકા સુધી પહોંચી શકે છે.
ત્રીજા મોરચાની વાત કરીએ તો તેમાં યુપીએ અને એનડીએ સિવાયના પક્ષો આવે છે. તેમાં ડાબેરીઓ ઉપરાંત બીએસપી, એસપી, અન્ના ડીએમકે, બીજુ જનતા દળ, રાષ્ટ્રીય જનતા દળ વગેરે પક્ષો આવે છે.
આ બધા પક્ષોના મતનો સરવાળો કરીએ તો તેમની પાસે ૨,૬૨,૪૦૮ અથવા તો ૨૪ ટકા જેટલા મતો છે. તે ઉપરાંત છ ટકા મતો તો નાના પક્ષો પાસે છે. આ મતો જે મોરચાની તરફેણમાં પડે તેના રાષ્ટ્રપતિ બની શકે છે. જોકે આ ૨૪ ટકા મતો સંગઠિત નથી. તેમની હાલત જેમની પાસે લાઠી, તેમની પાસે ભેંસ જેવી છે. જે મોરચો આ જૂથના પક્ષોને પોતાની તરફ ખેંચવામાં સફળ થશે, તેની તરફ તેઓ ઢળી શકે છે. જો કોઈ સર્વસંમત ઉમેદવાર નહીં ઉપસી આવે તો આ પક્ષોના મતની કિંમત એકદમ વધી જવાની છે.
યુપીએ જો પોતાના ઉમેદવારને રાષ્ટ્રપતિ ભવનમાં બિરાજમાન કરવો હશે તો તેમણે એક બાજુએ મુલાયમને અને બીજી બાજુએ માયાવતીને પોતાના હાથમાં રાખવા પડશે. મુલાયમ સિંહ યાદવ અને માયાવતી ભલે ઉત્તર પ્રદેશમાં કટ્ટર શત્રુતા ધરાવતા હોય તો પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ એક જ બાજુએ આવી શકે છે. મમતા બેનરજી યુપીએ સરકારનો જ એક ભાગ હોવા છતાં યુપીએના વિરોધી ઉમેદવારને જીતાડવાનો પુરૃષાર્થ કરી રહી છે. ડાબેરીઓ જો યુપીએના ઉમેદવારને ટેકો ન આપવાનો નિર્ણય કરે તો તેઓ એનડીએના ઉમેદવારને ટેકો આપી શકે છે.
મમતાએ જાહેર કર્યું છે કે કલામ તેમના ઉમેદવાર છે. કલામની ઉમેદવારીને જો જયલલિતા પણ ટેકો આપે તો મમતા, માયાવતી, જયલલિતા અને મુલાયમને આપણે એક પંગતમાં જોઈ શકીએ તેમ બની શકે છે.
મુલાયમસિંહ યાદવ અત્યારે કિંગમેકરની ભૂમિકામાં છે અને બંને ગઠબંધનો તેમના ટેકા માટે દાવ લગાવી રહ્યા છે. કોંગ્રેસના પ્રવકતાએ એવો દાવો કર્યો છે કે મુલાયમ યુપીએની સાથે છે, જ્યારે મમતા બેનરજીનો દાવો છે કે મુલાયમ તેમની સાથે છે.
મુલાયમ, મમતા અને એનડીએ મળીને અબ્દુલ કલામને ફરીથી રાષ્ટ્રપતિ બનાવવા મહાભારત ખેલી રહ્યા છે, પણ અબ્દુલ કલામે હજી પોતાની ઉમેદવારી બાબતમાં કોઈ નિર્ણય કર્યો નથી. આ બાજુ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે અબ્દુલ કલામને પોતાના ઘરે લંચ માટે બોલાવ્યા છે. નીતિશ કુમારનો પક્ષ જેડી(યુ) એનડીએનો ઘટક પક્ષ હોવાથી આ ચાલને મહત્ત્વની ગણવામાં આવી રહી છે. એનડીએ દ્વારા હજી તેમના સત્તાવાર ઉમેદવાર તરીકે કલામની ઘોષણા કરવામાં નથી આવી, પણ કલામ માટે ટેકો પ્રાપ્ત કરવા ભાજપના નેતાઓ પણ તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ વ્યૂહરચનાના ભાગરૃપે જ લાલકૃષ્ણ અડવાણીએ તાજેતરમાં જયલલિતાની મુલાકાત લીધી હતી. અબ્દુલ કલામને જ્યારે ભરોસો બેસશે કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવાની સંભાવના ઉજ્જ્વળ છે, ત્યારે જ તેઓ જંગમાં ઝંપલાવવા સંમત થશે.
રાષ્ટ્રપતિની ચૂંટણી નિમિત્તે દેશના રાજકારણમાં અંદરખાને ચાલી રહેલા પ્રવાહો પણ સપાટી ઉપર આવી ગયા છે. મમતા બેનરજીએ કોંગ્રેસના બે સંભવિત ઉમેદવારોને નકારી કાઢ્યા તેને પગલે યુપીએની તિરાડ બહાર આવી ગઈ છે. જો મમતા બેનરજી, મુલાયમ સિંહ યાદવ, માયાવતી, જયલલિતા અને નવીન પટનાઈક મળીને એનડીએના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવી શકે તો તેઓ ભેગા મળીને યુપીએની સરકારને ઉથલાવીને એનડીએની સરકારને પણ દિલ્હીમાં સ્થાપિત કરી શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પૂરી થાય તે પછી કેન્દ્રમાં પણ ઉથલપાથલ શરૃ થાય અને કદાચ ઇ.સ. ૨૦૧૪ પહેલાં આપણને નવા વડા પ્રધાન જોવા મળે તેવું પણ બની શકે છે.
મમતા બેનરજી તેમનાં રાજકીય નાટકો માટે જાણીતાં છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કોંગ્રેસના સંભવિત બે ઉમેદવારોને નકારી કાઢીને તેમણે પોતાના ત્રણ ઉમેદવારોને આગળ કર્યા હતા. તેમાંના એક તો વર્તમાન વડા પ્રધાન મનમોહનસિંહ હતા.
મમતાએ કોના કહેવાથી મનમોહનના નામની ભલામણ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે કરી એ રહસ્યના આવરણમાં વિંટળાયેલો કોયડો છે. યુપીએ તરફથી રાષ્ટ્રપતિપદના ઉમેદવારની ઘોષણા કરવામાં આવતા તેની સાથે આ યુદ્ધ વધુ રસપ્રદ તબક્કામાં પ્રવેશ્યું છે. થોભો, રાહ જુઓ અને તમાશો જુઓ !
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ચોકલેટી શાહિદનું ‘આવજો To એવરીબડી’
એક નવો કોર્સ તે પણ ‘આતંકવાદ વિરોઘી’
૮૦ આર્ટિસ્ટ વચ્ચે એક ક્રિએટિવ મિશન
બચ્ચાપાર્ટીનું શોપંિગ એટલે પેરેન્ટસ માટે માથાનો દુઃખાવો
બનાવો તમારી આગવી સ્ટાઈલ
 

Gujarat Samachar glamour

કેટરીના બની ‘મિસ પરફેક્ટનિસ્ટ’
૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાં ‘રાઉડી
જેક્વેલિન સ્ટન્ટ કરશે
‘હિરોઈન’ બાદ કરીના ‘બ્રેક’ લેશે નહીં
‘એક થા...’માં સલમાન- કેટનો રોમાન્સ
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved