Last Update : 14-June-2012,Thursday

 

ગઝલોના શહેનશાહ મેહદી હસનના ભારતમાં અસંખ્ય ચાહકો છે

સ્વરસામ્રાજ્ઞાી લતા મંગેશકરની મેહદી હસનની સાથે યુગલગીત ગાવાની ઇચ્છા અધૂરી રહી ગઈ છે

ભારત અને પાકિસ્તાનના ભલે ભાગલા થયા હોય, પણ સાંસ્કૃતિક રીતે આજની તારીખમાં પણ આ બે દેશો જોડાયેલા છે. તેનો પુરાવો મેહદી હસન જેવા ગાયકોની ભારતમાં પણ જોવા મળતી બેમિસાલ લોકપ્રિયતા છે. ભાગલા પછી મેહદી હસન અને નૂરજહાં જેવા કેટલાક ગાયકો ભારત છોડીને પાકિસ્તાનમાં વસવાટ કરવા ચાલ્યા ગયા, પણ આજે તેઓ ભારતના કરોડો સંગીતપ્રેમીઓના દિલમાં વસવાટ કરી રહ્યા છે. મેહદી હસને ૮૪ વર્ષની ઉંમરે પાકિસ્તાનના કરાંચી શહેરમાં અંતિમ શ્વાસ લીધા છે, પણ તેમની ગઝલો દ્વારા તેઓ જીવતા રહેવાના છે.
મેહદી હસનનો જન્મ ઇ.સ. ૧૯૨૭માં રાજસ્થાનના લુણા ગામમાં થયો હતો. તેમની સત્તર પેઢી સંગીતની સાધના કરતી હતી. મેહદી હસન કલાવંત નામના કબીલામાં જન્મ્યા હતા, જેમની રગોમાં જ સંગીત દોડતું હોય છે. મેહદી હસનના કાકા અને પિતા જાણીતા દ્રુપદ ગાયકો હતા. મેહદી હસને પણ જે પહેલો જાહેર કાર્યક્રમ કર્યો તેમાં પણ દ્રુપદ જ ગાયું હતું. ઇ.સ. ૧૯૭૪માં ભારતના ભાગલા થયા ત્યારે મેહદી હસનની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. તેમનો પરિવાર સ્થળાંતર કરીને પાકિસ્તાન ચાલ્યો ગયો. ત્યાં તેમની આર્થિક સ્થિતિ એટલી કફોડી હતી કે ગુજરાન ચલાવવા માટે મેહદી હસને સાઈકલની દુકાનમાં કામ કરવું પડયું હતું. દુકાનમાં કામ કરતાં પણ તેઓ રિયાઝ ચાલુ રાખતા હતા.
ઇ.સ. ૧૯૫૭માં મેહદી હસનને રેડિયો પાકિસ્તાન ઉપર ગાવાની તક મળી તેને પગલે તેમના નસીબનું પાસું પલટાયું. રેડિયો ઉપર પ્રથમ કાર્યક્રમમાં તેમણે ઠુમરી ગાઈને સંગીતપ્રેમીઓના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ તેમણે ગઝલ ઉપર પોતાનો હાથ અજમાવ્યો અને દુનિયાભરમાં ગઝલ ગાયક તરીકે જાણીતા થયા. તાજેતરમાં તેમનું અવસાન થયું એ જગજિતસિંહ મેહદી હસનને પોતાના ગુરૃ માનતા હતા.
મેહદી હસને પોતાની લાંબી કારકિર્દીમાં લોલિવૂડ તરીકે ઓળખાતી પાકિસ્તાની ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે પણ ગઝલો ગાઈ છે. મેહદી હસને ભારતની કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકર સાથે મળીને 'તેરા મિલના' નામનું યુગલગાન ગાયું હતું. આ ગીતની વિશેષતા એ હતી કે લતા મંગેશકરે મુંબઈના સ્ટુડિયોમાં બેસીને અને મેહદી હસને કરાચીના સ્ટુડિયોમાં તેનું રેકોર્ડીંગ કરાવ્યું હતું. મેહદી હસન ભારત અને પાકિસ્તાન ઉપરાંત નેપાળમાં પણ અત્યંત લોકપ્રિય હતા. તેમને ભારતમાં ગાયકી માટેનો સાયગલ એવોર્ડ મળ્યો હતો તો નેપાળમાં તેમને ગોરખા દક્ષિણા બાહુ નામનો એવોર્ડ મળ્યો હતો. પાકિસ્તાનમાં તેમને તમધા-ઈ-ઇમ્તિયાઝ અને હિલાલ-ઈ-ઇમ્તિયાઝ જેવા એવોર્ડો મળ્યા હતા.
મેહદી હસન ઇ.સ. ૧૯૮૦માં દાયકાના અંતે બીમાર પડયા ત્યારથી તેમણે પ્લેબેક સિંગર તરીકે કામ કરવાનું છોડી દીધું હતું. છેલ્લાં ૧૨ વર્ષથી તેમણે ગઝલ ગાવાનું પણ છોડી દીધું હતું. ઇ.સ. ૨૦૧૦ના ઓક્ટોબરમાં એચએમવીે 'સરહદેં' નામનો મ્યુઝિક આલ્બમ બહાર પાડયો. આ આલબમ માટે તેઓ લતા મંગેશકર અને મેહદી હસન પાસે યુગલગાન ગવડાવવા માંગતા હતા. મેહદી હસન તેમની નાદુરસ્ત તબિયતને કારણે ભારત આવી શકે તેમ નહોતા. આ ગીત ફરહાત શહઝાદે લખ્યું હતું અને મેહદી હસને પોતે તેનું સંગીત કમ્પોઝ કર્યું હતું. ઇ.સ. ૨૦૦૯માં મેહદી હસને કરાંચીમાં આ ગીત રેકોર્ડ કરીને લતા મંગેશકરને મોકલી આપ્યું. લતાએ આ ગીત સાંભળીને ઇ.સ. ૨૦૧૦માં તેમાં પોતાનો અવાજ આપ્યો. આ બે ગીતોનું મિશ્રણ કરીને એચએમવીએ આલબમ તૈયાર કર્યો, જે યાદગાર બની ગયો.
મેહદી હસને પોતાના જીવનકાળ દરમિયાન જે ગઝલો ગાઈ છે, તેમાંની અનેક ગઝલો અમર થઈ ગઈ છે. 'પત્તા પત્તા, બુટ્ટા બુટ્ટા' અને 'અબ કે બિછડે યાર ખ્વાબોં મેં મિલે' જેવી ગઝલો આજે પણ સંગીતપ્રેમીઓના હોઠ ઉપર છે. પ્લેબેક સિંગર તરીકે મેહદી હસન પાકિસ્તાનમાં બેહદ લોકપ્રિય હતા. તેમણે આશરે ૨૦,૦૦૦ ગીતો ગાયા છે, જેમાં ઉર્દૂ ઉપરાંત બંગાળી, પશ્તો અને પંજાબી ગીતોનો પણ સમાવેશ થાય છે. મેહદી હસન સ્ટાર બન્યા પછી પણ તેમને જરાય અભિમાન સ્પર્શ્યું નહોતું. એક વખત તેમનું હાર્મોનિયમ તૂટી ગયું તો તેઓ જાતે રિપેર કરવા બેસી ગયા. તેમના એક ચાહકે તેમને રોક્યા તો મેહદી હસને કહ્યું, 'મિકેનિક તરીકે મેં મોટી ગાડીઓ અને ટ્રેક્ટર રિપેર કર્યા છે. આ તો મારે મન રમત વાત છે.'
પાકિસ્તાનમાં પરંપરાગત રીતે ગઝલ ઠુમરીની રીતે ગાવામાં આવતી હતી. ત્યારે ગઝલને પિલૂ, દેશ અને ખમાજ જેવા રાગોમાં બેસાડવામાં આવતી હતી. આ બંધનોને કારણે ગઝલની ગાયકીનો વિકાસ રૃંધાઈ ગયો હતો. મેહદી હસને ગઝલની ગાયકીમાં ક્રાંતિ કરી. તેમણે ગઝલને રાગોના બંધનમાંથી મુક્તિ કરીને સંગીતકારના મૂડ પ્રમાણેના રાગમાં ગાવાની શરૃઆત કરી. તેઓ પોતે એક અચ્છા સંગીતકાર હતા. આ કારણે તેમને ગઝલના ભાવ પ્રમાણેના રાગોમાં તેને ઢાળીને ગઝલગાયકીને અત્યંત લોકપ્રિય બનાવી. મેહદી હસનની ગઝલોમાં ધુ્રપદ, ખયાલ અને રાજસ્થાની લોકસંગીતનું ખૂબીભર્યું મિશ્રણ કરવામાં આવતું હતું.
મેહદી હસન પાકિસ્તાની પ્લેબેક સિંગર હતા, જેઓ ભારતમાં પણ લોકપ્રિય હતા. ભારતમાં મેહદી હસનના ચાહકોમાં લતા મંગેશકર ઉપરાંત ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન બિહારી વાજપેયીનો પણ સમાવેશ થાય છે. લતા મંગેશકરે તો મેહદી હસનના અવાજને 'ઇશ્વરના અવાજ' તરીકે ઓળખાવ્યો હતો. ઇ.સ. ૧૯૭૮માં અટલ બિહારી વાજપેયી ભારતના વિદેશ પ્રધાન હતા ત્યારે તેમણે પોતાના સત્તાવાર નિવાસસ્થાનમાં મેહદી હસનનો ગઝલનો મુશાયરો રાખ્યો હતો અને પોતાના મિત્રોને બોલાવ્યા હતા. મેહદી હસને બે વખત લગ્ન કર્યા હતા. તેમને નવ પુત્રો અને પાંચ પુત્રીઓ મળીને ૧૪ સંતાનો હતા. હસનની બંને પત્નીઓનાં તેમનાં પહેલાં મરણ થઈ ચૂક્યા છે.
મેહદી હસને અનેક વખત ભારતની મુલાકાત લઈને આપણા દેશમાં લાઈવ કોન્સર્ટ કર્યા હતા, જેને ભારે પ્રતિસાદ મળ્યો હતો. ભારતમાં તેમનો અંતિમ લાઈવ કોન્સર્ટ ૨૦૦૦ની સાલમાં થયો હતો. તેઓ છેલ્લે ઇ.સ. ૨૦૦૫ની સાલમાં આયુર્વેદિક સારવાર કરાવવા માટે દિલ્હી આવ્યા હતા. તેમની ઇચ્છા ભારત આવીને અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર અને લતા મંગેશકરને મળવાની હતી. ભારતમાં હરિહરન, સોનુ નિગમ અને દલેર મેહદી જેવા ગાયકો પણ મેહદી હસનના ચાહકો હતા. તેમણે મેહદી હસનની સારવાર માટે ફાળો કરીને પાકિસ્તાન મોકલી આપ્યો હતો. ઇ.સ. ૨૦૧૨ના એપ્રિલ મહિનામાં તો મેહદી હસનને ભારત આવવા વિસા મળી ગયા હતા અને દિલ્હીમાં ફોર્ટીસ હોસ્પિટલમાં તેમની સારવારની તૈયારી પણ થઈ ગઈ હતી. પરંતુ અત્યંત નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ભારત આવી શક્યા નહોતા.
મેહદી હસનને મૂળભૂત રીતે ઉર્દૂ કવિતામાં રસ હતો, જેને કારણે તેઓ ગઝલમાં રસ લેતા હતા. ભારતમાં જેમ મોહમ્મદ રફી અને મૂકેશનો જમાનો હતો તેમ પાકિસ્તામાં મેહદી હસનના નામના સિક્કા પડતા હતા. તેમના વગર પાકિસ્તાની ફિલ્મો અધૂરી ગણાતી હતી અને તેમના નામ ઉપર ફિલ્મો ચાલતી હતી. ઇ.સ. ૧૯૬૦ના અને ૧૯૭૦ના દાયકામાં પાકિસ્તાનમાં જે બે પ્લેબેક સિંગરો સૌથી વધુ લોકપ્રિય હતા તેમાંના એક મેહદી હસન હતા. લતા મંગેશકરની ઇચ્છા મેહદી હસન સાથે લાઈવ ગાવાની હતી, જે અધૂરી રહી ગઈ છે.
સંગીતને અને કલાને કોઈ દેશના સીમાડા નડતા નથી. આ વાત મેહદી હસને સાબિત કરી આપી છે. ભારતના અને પાકિસ્તાનના રાજકારણીઓ પોતાના અંગત સ્વાર્થની સાધના માટે બે દેશોની પ્રજા વચ્ચે ધિક્કાર ફેલાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે સંગીતકારો અને કલાકારો બે દેશની પ્રજાને જોડવાનું કામ કરી રહ્યા છે.
મેહદી હસનના ભારતમાં જે અસંખ્ય ચાહકો છે તેમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારનો પણ સમાવેશ થાય છે. નીતિશકુમારે મેહદી હસનને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે સંગીતના ચાહકો તેમની ગઝલોને ક્યારેય ભૂલશે નહીં. મેહદી હસન તેમની યાદગાર ગઝલોને કારણે અમર થઈ ગયા છે, એમ તેમના અસંખ્ય ચાહકો ઔમાને છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved