Last Update : 12-June-2012, Tuesday

 

ટેટ્રા ટ્રકના કૌભાંડમાં ભીનું સંકેલવામાં આવી રહ્યું છે ?

કેન્દ્ર સરકારે આશરે ૩,૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચે ૭,૦૦૦ ટ્રકો ખરીદી હતી ઃ આ કૌભાંડની તપાસમાં સીબીઆઈ ગોકળગાયની ગતિએ આગળ વધી રહી છે

ભારતીય લશ્કરના ભૂતપૂર્વ વડા જનરલ વી.કે.સિંહે નિવૃત્ત થતાં પહેલાં એક ઘટસ્ફોટ કર્યો હતો કે વેક્ટ્રા કંપનીની ૬૦૦ ટેટ્રા ટ્રકો ભારતીય લશ્કર માટે ખરીદવાના બદલામાં સૈન્યના એક ભૂતપૂર્વ અફસર તરફથી તેમને ૧૪ કરોડ રૃપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. આ વાત બહાર આવતાં જ કેન્દ્રના સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ સીબીઆઈની તપાસની જાહેરાત કરી દીધી હતી. તાજેતરમાં સીબીઆઈએ કેન્દ્ર સરકાર વાત ટેટ્રા ટ્રકની ખરીદી કરનારી કંપની ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (બીઈએમએલ) ના અધ્યક્ષ વીઆરએસ નટરાજનને સસ્પેન્ડ કર્યા છે. હકીકતમાં ઈ.સ. ૧૯૯૭ પછી વેકટ્રા કંપની પાસેથી કેન્દ્ર સરકારે ૩,૦૦૦ કરોડ રૃપિયાની ૭,૦૦૦ ટેટ્રા ટ્રકો ખરીદી છે. જો ૬૦૦ ટ્રકોની ખરીદી માટે લશ્કરી વડાને ૧૪ કરોડ રૃપિયાની લાંચની ઓફર કરવામાં આવી હોય તો ૭,૦૦૦ ટ્રકોની ખરીદી પાછળ ક્યા રાજકારણીને કેટલા કરોડ રૃપિયાની લાંચ મળી હશે, તેની ત્રિરાશી માંડવી જરૃરી બની રહે છે. આટલી મોટી લાંચ જાહેર ક્ષેત્રની કંપનીના અધ્યક્ષને મળી હોય અને રાજકારણીઓએ તેમાં કોઈ ભાગ ન પડાવ્યો હોય એ માનવું મુશ્કેલ છે. હકીકતમાં આ સોદામાં નિષ્ઠાપૂર્વક તપાસ કરવાનો બદલે બોફાર્સ કૌભાંડની જેમ સીબીઆઈ તપાસ કરવાનું નાટક કરીને ભીનું સંકેલવાની કોશિશ કરી રહી હોય તેમ લાગ્યા વિના રહેતું નથી.
ભારતના લશ્કરે ઝેકોસ્લોવેકિયાની કંપની ટેટ્રા એ.એસ. ટેટ્રા ટ્રકના છૂટા ભાગોની ખરીદી બાબતમાં કરાર કર્યા હતા. ઈ.સ. ૧૯૯૭માં કેન્દ્ર સરકારની કંપની બીઈએમએલએ બ્રિટનની કંપની વેક્ટ્રા સાથે આ કરારને રિન્યૂ કર્યા હતા. હકીકતમાં એનઆરઆઈ રવિરાજ રિષીની માલિકીની આ કંપની પોતે ટ્રકો નથી બનાવતી પણ ઝેકોસ્લોવેકિયન કંપની પાસેથી ટ્રકોના છૂટા ભાગો ખરીદીને જાહેર ક્ષેત્રની કંપની બીઈએમએલને વેચે છે. આ કંપની છૂટા ભાગોને ભેગા કરીને તેમાંથી ટ્રકો બનાવે છે અને ભારતના સૈન્યને વેચે છે. ભારત સરકારની નીતિ મુજબ જે કંપની સાધન સામગ્રીનું ઉત્પાદન કરતી હોય તેની પાસેથી જ ડાયરેક્ટ ખરીદી કરવાની હોય છે. તેને બદલે માત્ર દલાલીનું કામ કરતી વેક્ટ્રા કંપનીને ટેટ્રા ટ્રકોનો ઓર્ડર આપવામાં આવ્યો એ સરકારની નીતિનો ભંગ હતો. તેમ છતાં ૧૫ વર્ષ આ સિલસિલો ચાલ્યો હતો અને તેની સામે કોઈએ વાંધો ઉઠાવ્યો નહોતો, જે દર્શાવે છે કે આ આખા પ્રકરણમાં આપણા દેશના ટોચના રાજકારણીઓ સંડોવાયેલા છે.
બ્રિટીશ કંપની પાસેથી ૩,૦૦૦ કરોડ રૃપિયાની ટેટ્રા ટ્રકોની ખરીદી બાબતમાં અત્યાર સુધી જે ઘટનાઓ બની છે એ ભેદી છે. ઈ.સ.૨૦૧૧ ની સાલમાં તૃણમુલ કોંગ્રેસના સંસદસભ્ય અંબિકા બેનરજીએ વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને લશ્કરના તાત્કાલીક વડા જનરલ વી.કે.સિંહને એક પત્ર લખીને ટેટ્રા ટ્રકના સોદામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર બાબતમાં તપાસ કરવાની વિનંતી કરી હતી. ત્રણેય મહાનુભાવો દ્વારા આ પત્રની રાબેતા મુજબની પહોંચ આપવા સિવાય કોઈ પગલાં લેવામાં નહોતાં આવ્યા. શાસક ગઠબંધનના કોઈ સંસદસભ્ય જ્યારે આટલા ગંભીર ભ્રષ્ટાચારની ફરિયાદ કરી રહ્યા હોય ત્યારે વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને લશ્કરી વડા તેની કોઈ તપાસ ન કરે એ જ સંદેહજનક વાત છે. એ સમયે લશ્કરી વડા જનરલ વી.કે.સિંહે આ પત્ર માત્ર સંરક્ષણ પ્રધાનને પહોંચતો કર્યો હતો, પણ કોઈ લેખિત ફરિયાદ નહોતી કરી. સંરક્ષણ પ્રધાન આ બાબતમાં બચાવ કરતાં કહે છે કે લશ્કરી વડાએ ફરિયાદ ન કરી હોવાથી ત્યારે આ કૌભાંડની તપાસ કરવામાં આવી નહોતી.
હવે એવું પણ બહાર આવ્યું છે કે ઈ.સ.૨૦૦૯ની સાલમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય હનુમંતપ્પાએ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાને અને કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીને પણ પત્ર લખીને ટેટ્રા ટ્રકના સોદામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ફરિયાદ કરી હતી. હનુમંતપ્પાએ સોનિયા ગાંધીને લખ્યું હતું કે તેમણે આ મામલાની તપાસ કરવાનું કામ ગુલામ નબી આઝાદને સોંપવું જોઈએ. સોનિયા ગાંધીએ પત્ર ગુલામ નબી આઝાદને મોકલી આપ્યો હતો. ગુલામ નબી આઝાગે આ પત્ર સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીને મોકલી આપ્યો હતો. એન્ટનીએ આ મામલાની તપાસ કરવાનું કામ કેનિનેટ સેક્રેટરિયેટને સોંપ્યું હતું. જેણે એવો હેવાલ આપ્યો હતો કે આ સોદામાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી.
જે કેન્દ્ર સરકાર સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હોય તેની જ એક પાંખ દ્વારા આ કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે અને લાગતા વળગતા લોકોને ક્લિન ચીટ આપવામાં આવે તેની ઉપર કોઈને ભરોસો બેસે નહીં, પણ એ.કે.એન્ટીનીને ભરોસો બેસી ગયો અને તેણે આ મામલામાં તપાસ સમેટી પણ લીધી. જ્યારે સૈન્યના ભૂતપૂર્વ વડા વી.કે.સિંહે જાહેરમાં તેમને ૧૪ કરોડ રૃપિયાની લાંચની આઝાદે ઓફર અપાઈ હોવાનો ધડાકો કર્યો ત્યારે સરકારને આ તપાસ સીબીઆઈને સોંપવાની ફરજ પડી હતી. કેબિનેટ સેક્રેટરિયેટની જેમ સીબીઆઈ પણ કેન્દ્ર સરકારની એક બ્રાન્ચ છે. માટે સીબીઆઈ પણ આ કેસમાં દોષિતો સુધી પહોંચવાને બદલે તેમને છાવરવાની કોશિષ જ કરી રહી છે.
આ ઘટનાક્રમમાંથી અનેક સવાલો ઉઠે છે. શા માટે કેન્દ્ર સરકારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અંબિકા બેનરજીને સ્પષ્ટ જવાબ નહોતો આપ્યો કે તમારા આક્ષેપોની કેબિનેટ સેક્રેટરિયેટ દ્વારા તપાસ થઈ ચૂકી છે અને તેમાં કોઈ તથ્ય જણાયું નથી. જનરલ વી.કે. સિંહે એક અખબારને મુલાકાતમાં ૧૪ કરોડની લાંચની ઓફર અપાઈ હોવાનો ધડાકો કર્યો અને સરકારે સીબીઆઈની તપાસની સંસદમાં જાહેરાત કરી ત્યારે સંસદને શા માટે માહિતી આપવામાં ન આવી કે આ મામલાની તપાસ થઈ ચૂકી છે અને તેમાં કોઈ ભ્રષ્ટાચાર ન આચરાયો હોવાનો હેવાલ છે ? અને જ્યારે કેબિનેટ સેક્રેટરિયેટે આ સોદામાં ભ્રષ્ટાચારન આચરાયો હોવાનો હેવાલ આપ્યો તો પછી સીબીઆઈની તપાસ શું જરૃર હતી?
બોફોર્સના કેસમાં જ્યારે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વાત સ્વીડીશ રેડિયો દ્વારા બહાર પાડવામાં આવી ત્યારે સ્વ. રાજીવ ગાંધીએ એક બાજુ સીબીઆઈને તપાસનો આદેશ આપ્યો હતો અને બીજી બાજુ આ કેસમાં કમિશન લેનારાઓને પુરાવાઓનો નાશ કરવાની સવલત કરી આપી હતી. ઘર આંગણે સીબીઆઈ કોઈ ને ન છોડવાના દાવાઓ કરતી રહી હતી, પણ વિદેશી સરકાર પાસેથી વિગતો મેળવવાની બાબતોમાં તે ગોકળગાયની ગતિએ કામ કરી રહી હતી. ટેટ્રા ટ્રકના કેસમાં પણ આવું જ બની રહ્યું છે.
કેન્દ્ર સરકાર હસ્તકની બીઈએમએલ કંપનીએ વેક્ટ્રા કંપની પાસેથી જે ટ્રકો ખરીદી તેના નાણાં કેનેરા બેન્કની શાખામાં આ કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. આ નાણાં કેનેરા બેન્કમાંથી લંડનની બેન્કમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાંથી આ નાણાં સ્વિટ્ઝર્લેન્ડની બેન્કમાં અને કરચોરોના સ્વર્ગ ગણાતા લિક્સ્ટેન્ટીનની બેન્કોમાં જમા કરાવવામાં આવ્યા હતા. ભારતના અનેક રાજાકરણીઓ અને ઉદ્યોગપતિઓ આ બેન્કમાં પોતાનાં બેનંબરી ખાતાંઓ ધરાવે છે. લિક્સ્ટેન્ટીનની બેન્કમાં જે નાણાં જમા કરાવવામાં આવ્યા તેમાંથી ભારતના કોઈ રાજકારણીને કમિશન ચૂકવાયું હોય તે સંભવિત છે, પણ તેનું પગેરું મેળવવું બહુ મુશ્કેલ છે.
ભારતની બેન્કમાંથી મોટી રકમ બ્રિટીશ બેન્કમાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી ત્યારે બ્રિટનના સત્તાવાળાઓની નજર પણ તેના ઉપર ઠરી હતી. બ્રિટનની સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે થતાં કોઈ પણ મોટા ટ્રાન્ઝેક્શન ઉપર નજર રાખે છે, કારણ કે તેનો સંબંધ ત્રાસવાદ સાથે હોઈ શકે છે. બ્રિટીશ સત્તાવાળાઓ દ્વારા વેક્ટ્રાના ખાતામાં આવી રહેલાં અને તેમાંથી જઈ રહેલાં નાણાંની તપાસ કરી ત્યારે તેમને ખ્યાલ અવ્યો કે આ રકમ કોઈને 'ભેટ' તરીકે આપવામાં આવી રહી છે ત્યારે તેમણે તેમાં ઊંડા ઉતરવાનું છોડી દીધું હતું. બ્રિટનની સરકાર જે રીતે આ પ્રકારની લેવડદેવડ ઉપર નજર રાખતી હોય છે તેમ ભારતની એજન્સીઓ પણ નજર રાખતી જ હશે. તેમને આ હેરાફેરીમાં કેમ કોઈ શંકા ન આવી ?
ટેટ્રા ટ્રકના સોદામાં સીબીઆઈએ અત્યાર સુધી જે તપાસ કરી છે તેમાં ભારતમાં નહીં પણ સ્વિટ્ઝર્લેન્ડમાં અને લિક્સ્ટેન્ટીનમાં કરવાની છે. જર્મનીના કેટલાક નાગરિકોનું કાળું નાણું જ્યારે લિક્સ્ટેન્ટીનની બેન્કમાં છૂપાવાયું હોવાનું બહાર આવ્યું ત્યારે જર્મનીએ આ દેશની સરકારને લેટર રોટેગરી મોકલીને આ ખાતાઓની વિગતો માંગી નથી, જે સૂચવે છે કે સીબીઆઈ આ કૌભાંડની તપાસ બાબતમાં ઉદાસીન છે. સીબીઆઈની ભલામણના આધારે કેન્દ્ર સરકારે બીઈએમએલના અધ્યક્ષ નટરાજનને સસ્પેન્ડ કરીને તેમને બલિના બકરા બનાવવાની ચેષ્ટા કરી છે.
૨-જી કૌભાંડમાં દોષનો ટોપલો એ.રાજાના શિરે ઢોળી દેવામાં આવ્યો તેમ નટરાજનનો ઉપયોગ ટેટ્રા કેસને ઠંડો પાડવા માટે કરાઈ રહ્યો છે. નટરાજનની ટૂંકમાં ધરપકડ થશે અને તેઓ જામીન ઉપર છૂટી જશે. ત્યાં સુધીમાં બીજું કોઈ મોટું કૌભાંડ બહાર આવી ગયું હશે, એટલે આપણી પ્રજા ૩,૦૦૦ કરોડના ટેટ્રા કૌભાંડની વાત ભૂલી ગઈ હશે. આ પ્રકારની લોકશાહીમાં રાજકારણીઓને લીલાલહેર છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved