Last Update : 10-June-2012, Sunday

 

નરેન્દ્ર મોદી સંજય જોષીને કેમ આટલા બધા ધિક્કારે છે?

નરેન્દ્ર મોદી જો ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર બનવા માંગતા હોય તો તેમને સંજય જોષી નડી શકે તેમ છે

અમદાવાદમાં સંજય જોષીના નામના પોસ્ટરો લાગ્યા તેના આટલા ઉગ્ર પ્રત્યાઘાતો પડશે, એવી કલ્પના ખુદ સંજય જોષીએ પણ નહીં કરી હોય. આ પોસ્ટરો પાછળ સંજય જોષીનો હાથ હતો કે નહોતો એ નક્કી થાય એ પહેલાં સંજય જોષીને ભાજપના ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે. આ પહેલાં મુંબઇમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી તે પહેલાં સંજય જોષીનું કારોબારીમાંથી રાજીનામું લીધા પછી જ નરેન્દ્ર મોદીએ બેઠકમાં ભાગ લેવાની તૈયારી બતાવી હતી. આટલું પૂરતું ન હોય તેમ સંજય જોષીને પક્ષના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે. હકીકતમાં નરેન્દ્ર મોદીના આટલા ઉગ્ર વિરોધને કારણે જ આજકાલ સંજય જોષી પ્રસિદ્ધિના પ્રકાશમાં સ્નાન કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને સંજય જોષી વચ્ચે જે પ્રેમ-ધિક્કારનો નાતો છે, તેનાં મૂળિયાં ખૂબ ઊંડાં છે.
સંજય જોષી મૂળ મહારાષ્ટ્રના છે. વ્યવસાયે તેઓ મિકેનિકલ એન્જિનિયર છે. તેઓ એન્જિનિયરીંગ કોલેજની નોકરી છોડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્ણકાલીન પ્રચારક તરીકે જોડાયા હતા. નરેન્દ્ર મોદી પણ સંઘના પૂર્ણકાલીન પ્રચારક હતા. મોદીને ભાજપના સંગઠનને મજબૂત બનાવવા ઈ.સ. ૧૯૮૭માં ગુજરાતમાં મોકલવામાં આવ્યા હતા અને પક્ષના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. સંજય જોષીને ઈ.સ. ૧૯૮૮માં ડેપ્યુટેશન ઉપર ગુજરાત મોકલવામાં આવ્યા હતા અને તેમને સંગઠન મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં ત્યારે કોંગ્રેસનું રાજ્ય ચાલી રહ્યું હતું. નરેન્દ્ર મોદીએ અને સંજય જોષીએ ખભે ખભા મિલાવીને ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવવાનો પુરૃષાર્થ આદર્યો હતો. નરેન્દ્ર મોદીના અને સંજય જોષીના પ્રયત્નોને કારણે જ ગુજરાતમાં ભાજપની સરકાર આવી હતી અને કેશુભાઇ પટેલ મુખ્ય પ્રધાન બન્યા હતા.
ઈ.સ. ૧૯૯૫માં કેશુભાઇ પટેલના એક વખતના વિશ્વાસુ સાથીદાર શંકરસિંહ વાઘેલાએ તેમની સામે બળવાની આગેવાની લીધી હતી. શંકરસિંહ વાઘેલા ભાજપના વિધાનસભ્યોનું અપહરણ કરીને તેમને મધ્ય પ્રદેશના ખજુરાહોમાં લઇ ગયા હતા, જ્યાં કોંગ્રેસની સરકાર હતી. કેશુભાઇ પટેલના હાથ હેઠા પડયા અને તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ સુરેશ મહેતા ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા અને ભાજપના હાથમાંથી ગુજરાત સરકી ગયું હતું. આ ધબડકા માટે ભાજપના મહામંત્રીનો હોદ્દો સંભાળતા નરેન્દ્ર મોદીને જવાબદાર ગણીને તેમને દિલ્હી મોકલી દેવામાં આવ્યા અને ગુજરાતમાં ભાજપની જવાબદારી સંજય જોષીને સોંપવામાં આવી હતી. ઈ.સ. ૧૯૯૮માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ થઇ તેમાં ભાજપનો વિજય થયો અને કેશુભાઇ પટેલ ફરીથી મુખ્ય પ્રધાન બન્યા હતા. ભાજપના આ વિજયની સંપૂર્ણ ક્રેડિટ સંજય જોષીને આપવામાં આવી હતી. સંજય જોષીનો સ્વભાવ કદી લાઇમલાઇટમાં રહેવાનો નથી. તેઓ માત્ર સંગઠનના માણસ છે.
ઈ.સ. ૨૦૦૧માં ગુજરાતમાં વિનાશક ભૂકંપ થયો. આ ભૂકંપ પછીની પરિસ્થિતિને નિપટવાની બાબતમાં કેશુભાઇની સરકારની આખા દેશમાં નરેન્દ્ર મોદીએ ફજેતી કરાવી. ભાજપના હાઈકમાન્ડ અને આરએસએસ મારફતે તેમની નિષ્ફળતાઓને કારણે દૂર કરવામાં મોદીનો સક્રિય ફાળો રહ્યો. નરેન્દ્ર મોદી માટે આ આફત આશીર્વાદ સમાન બની ગઇ. ભૂકંપ પછી કેશુભાઇ પટેલને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી અને તેમને સ્થાને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા. હવે અરણ્યવાસમાં જવાનો વારો સંજય જોષીનો હતો. એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે તેમ નરેન્દ્ર મોદી અને સંજય જોષી સાથે રહી શકે નહીં એવો તેમનો મિજાજ છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એટલે સંજય જોષીને દિલ્હી મોકલી દેવામાં આવ્યા અને તેમને પ્રમોશન આપીને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા. ગુજરાતમાં ગોધરા કાંડ અને ઉત્તર ગોધરા કાંડના પ્રતાપે નરેન્દ્ર મોદીની પ્રગતિ થવા લાગી તેમ રાષ્ટ્રીય ફલક ઉપર સંજય જોષીનું કદ પણ વધતું ગયું. નરેન્દ્ર મોદી હંમેશા સંજય જોષીની પ્રવૃત્તિઓ ઉપર ચાંપતી નજર રાખતા હોય છે. તેમને જેટલો ભય સોનિયા ગાંધીનો કે લાલુ પ્રસાદનો નહીં લાગતો હોય એટલો ભય તેમને સંજય જોષીનો લાગે છે. ઈ.સ. ૨૦૦૫માં મુંબઇમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકને પગલે સંજય જોષીની તથાકથિત અશ્લીલ સીડી પ્રકાશમાં આવી, જેને પગલે તેમની ભારે નામોશી થઇ અને તેમણે કારોબારીમાંથી રાજીનામું આપવું પડયું. આ કથીત સીડી પ્રકરણમાં પણ મોદીનો હાથ હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.
આ સીડીને કારણે સંજય જોષીને છ વર્ષ માટે અરણ્યવાસમાં ધકેલાઇ જવું પડયું. નીતિન ગડકરી ભાજપના અધ્યક્ષ બન્યા ત્યારે તેમણે સંઘપરિવારના પોતાના જૂના સાથી સંજય જોષીને પાછા બોલાવ્યા અને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં ભાજપને વિજય અપાવવાની જવાબદારી તેમને સોંપી. સંજય જોષી માટેની નરેન્દ્ર મોદીની નફરત એટલી પારદર્શક હતી કે તેમણે ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં પક્ષવતી પ્રચાર કરવાનો પણ ઈનકાર કરી દીધો. આ દરમિયાન સંજય જોષીની સીડી બનાવટી હોવાનું સાબિત થઇ ગયું હોવાથી તેમની પ્રતિષ્ઠા ઉત્તરોત્તર વધી રહી હતી.
નરેન્દ્ર મોદી જ્યાં સુધી ગુજરાતના રાજકારણમાં જ રચ્યાપચ્યા રહે ત્યાં સુધી તેમને સંજય જોષી ક્યાંય નડતા નથી. નરેન્દ્ર મોદીની નજર દિલ્હી તરફ છે. જ્યાં સુધી રાષ્ટ્રીય ફલક ઉપર ભાજપ ઉપર કન્ટ્રોલ ન જમાવી શકાય ત્યાં સુધી નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ થઇ ન શકે. સંજય જોષી ભાજપમાં કોઇ પણ હોદ્દા ઉપર હોય તો નરેન્દ્ર મોદીને નડયા વિના ન રહે. આ કારણે મુંબઇમાં યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નરેન્દ્ર મોદીની સ્પષ્ટ શરત હતી કે સંજય જોષીની કાર્યકારિણીમાંથી હકાલપટ્ટી કરવામાં આવે તો જ તેઓ આ બેઠકમાં હાજર રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ રીતસર નરેન્દ્ર મોદીની શરણાગતિ સ્વીકારી લીધી હતી અને સંજય જોષીને કાર્યકારિણીમાંથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી. પરંતુ નરેન્દ્ર મોદી માટે આટલું પૂરતું નહોતું. તેઓ સંજય જોષી ભાજપમાં કોઇ પણ હોદ્દા ઉપર ક્યાંય ન જોવા મળે એવું ઈચ્છતા હતા. આ માટે તેમને એક બહાનાંની જરૃર હતી.
ગુજરાત ભાજપમાં છેલ્લા થોડા સમયથી કેશુભાઇ પટેલ જૂથ નરેન્દ્ર મોદી સામે સક્રિય અને સંગઠિત થઇ રહ્યું છે. તેમને દિલ્હીના કોઇ મોટા ગજાના નેતાના આશીર્વાદ છે, જેઓ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બને એવું ઈચ્છતા નથી. આ જૂથ સંજય જોષી પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે એ તો જાણીતી વાત છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી સંજય જોષીની હકાલપટ્ટી કરવામાં આવી એ વાત કેશુભાઇ જૂથને હજમ નથી થઇ. આ કારણે ગુજરાતમાં સંજય જોષી પ્રત્યે સહાનુભૂતિ અને નરેન્દ્ર મોદી પ્રત્યે ધિક્કારનું મોજું પેદા કરવા આ જૂથ તરફથી અમદાવાદમાં 'એક બાત દિલ સે, સંજય જોષી ફિર સે'નાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં હોય તેવું બની શકે છે. સંજય જોષી કદાચ આ પોસ્ટરથી અજાણ પણ હોય. નરેન્દ્ર મોદીને જે બહાનુ જોઇતું હતું તે મળી ગયું અને સંઘપરિવારમાં પોતાની વગ વાપરીને સંજય જોષીનું પત્તું કપાવી નાંખ્યું છે.
ભાજપના તમામ હોદ્દાઓ ઉપરથી સંજય જોષીને રાજીનામું આપવાની ફરજ પાડીને નરેન્દ્ર મોદીએ હકીકતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીની સત્તાને પડકારી છે, કારણ કે સંજય જોષી નીતિન ગડકરીના ફેવરિટ હતા. નરેન્દ્ર મોદીએ સાબિત કરી બતાવ્યું છે કે પક્ષ કરતાં પણ તેઓ વધુ મહાન છે. નીતિન ગડકરી સંઘ પરિવારના આશીર્વાદથી ભાજપના અધ્યક્ષ બન્યા છે, પણ સંઘપરિવાર માટે નરેન્દ્ર મોદી વધુ મૂલ્યવાન છે કારણ કે અત્યારે સંઘને વધુમાં વધુ પૈસા જો કોઈ મોકલતું હોય તો તે માત્ર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ છે. સંઘનો આખો નાણાંકીય વહીવટ નરેન્દ્ર મોદીને શિરે છે. મોદી સંઘની આ દુઃખતી નસ જાણે છે અને માટે જ પોતાનું ધાર્યું કરાવી શકે છે. ભાજપના કોઈ મુખ્યમંત્રી સંઘને આટલું ફંડ નાગપુર મોકલી શકે તેમ નથી એ વાસ્તવિક હકીકત છે. એ આજની તારીખમાં ભાજપના કોઇ નેતા પાસે જણાતી નથી. જોકે મોદીનો જાદુ હજી ગુજરાતમાં જ ચાલ્યો છે; તે ભારતમાં પણ ચાલશે એની કોઇ ગેરન્ટી નથી. તેમ છતાં સંઘપરિવાર મોદીને છૂટો દોર આપવા માંગે છે. માટે જ સંજય જોષીને તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપવાની ફરજ પાડીને સંઘપરિવારે મોદીનો રસ્તો સાફ કરી આપ્યો છે.
નરેન્દ્ર મોદીએ જો ભારતના વડાપ્રધાન બનવું હોય તો તેમણે અભિમન્યુના સાત કોઠાઓની જેમ અનેક કોઠાઓ ભેદવાના છે. તેમાંનો પહેલો કોઠો સંગઠન ઉપર વર્ચસ્વ જમાવવાનો છે. આ પહેલાં કોઠામાં તેમને નડતરરૃપ સંજય જોષીને દૂર કરવામાં આવ્યા છે. આ કાર્ય સંઘપરિવારના સંપૂર્ણ આશીર્વાદપૂર્વક જ કરવામાં આવ્યું છે. હવે પછી મોદીએ પુરવાર કરવું પડશે કે તેઓ અરૃણ જેટલી, સુષ્મા સ્વરાજ અને લાલકૃષ્ણ અડવાણી કરતાં પણ મતદારોમાં વધુ પ્રિય છે. આ માટે લોકસભાની ફાઇનલ પહેલાં ગુજરાતની સેમી ફાઇનલ પણ તેમણે જીતવાની છે. જો નરેન્દ્ર મોદી મોદી ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર બનવામાં સફળ બને તો પણ ભાજપને એકલે હાથે સ્પષ્ટ બહુમતી અપાવી શકે તેમ નથી. આ માટે એનડીએના સાથેપક્ષોનો પણ સહકાર અનિવાર્ય છે. તેમાં પણ નીતિશકુમાર જેવા નેતાઓ નરેન્દ્ર મોદીથી સલામત અંદર રાખવામાં માને છે. આ સંયોગોમાં નરેન્દ્ર મોદીએ ઘણી લાંબી મંઝિલ કાપવાની છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved