Last Update : 08-June-2012, Friday

 

તબીબી ક્ષેત્રે ચાલતાં કૌભાંડોના મૂળમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે

આજના ઘણા ડોક્ટરો દવા કંપનીઓના દલાલ બની ગયા છે. તેઓ દર્દીઓને દવાઓના જે જરૃરી અથવા બિનજરૃરી પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે તેમાં તેમને પ્રિસ્ક્રિપ્શનદીઠ તગડું કમિશન મળતું હોય છે.

ટીવી ઉપર 'સત્યમેવ જયતે'ની ચળવળ ચલાવતા આમિર ખાન અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન વચ્ચે બરાબરની જામી છે. આમિર ખાને પોતાના લોકપ્રિય શોમાં તબીબી ક્ષેત્રે ચાલતા ભ્રષ્ટાચાર અને છેતરપિંડીને ઉજાગર કર્યા તેને પગલે ડોક્ટરોના ટ્રેડ યુનિયન જેવું ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન રોષે ભરાયું છે અને તેણે આમિર ખાનને ડોક્ટરોની માફી માંગવાનો આદેશ કર્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને એવી ચીમકી પણ આપી છે કે આમિર ખાન જો ડોક્ટરોની માફી નહીં માગે તો દેશભરના ડોક્ટરો તેનો અને તેના પરિવારનો બહિષ્કાર કરશે. આ ધમકીથી ડર્યા વિના આમિર ખાને ડોક્ટરોની માફી માંગવાનો સાફ ઈનકાર કર્યો છે. હકીકતમાં કેટલાક ઈમાનદાર ડોક્ટરો આ શો જોઈને કહી રહ્યા છે કે આમિર ખાનના શોમાં અતિશયોક્તિ કરવામાં આવી હોય તો પણ તે સત્યની જ અતિશયોક્તિ છે. આમિર ખાનનો વિરોધ કરવાને બદલે ડોક્ટરોએ આયનામાં પોતાનું પ્રતિબિંબ જોવાની અને પોતાની જમાતનો ઈલાજ કરવાની જરૃર છે.
આજના ઘણા ડોક્ટરો દવા કંપનીઓના દલાલ બની ગયા છે. તેઓ દર્દીઓને દવાઓના જે જરૃરી અથવા બિનજરૃરી પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે તેમાં તેમને પ્રિસ્ક્રિપ્શનદીઠ તગડું કમિશન મળતું હોય છે. જિનેરિક ડ્રગ્સને બદલે ડોક્ટરો જો બ્રાન્ડેડ ડ્રગ્સનું પ્રિસ્ક્રિપ્શન લખી આપે તો જ તેમને કમિશન મળે છે. આ કારણે તેઓ સસ્તી જિનેરિક ડ્રગ્સને બદલે મોંઘીગાટ બ્રાન્ડેડ ડ્રગ્સ લખી આપીને દર્દીઓને ખર્ચના ખાડામાં ઉતારે છે. દવા ઉપરાંત પેથોલોજી ટેસ્ટોમાં પણ ડોક્ટરોને કમિશન મળતું હોવાથી તેઓ જરૃર વગરના ટેસ્ટ પણ કરાવે છે. નામાંકિત હાર્ટ સ્પેશિયાલિસ્ટો દર્દીને જરૃર ન હોય તો પણ બાયપાસ કરાવવાની અથવા સ્ટેન્ટ મૂકાવવાની સલાહ આપીને તગડો નફો રળે છે. ફાઈવ સ્ટાર હોસ્પિટલો તો માલદાર દર્દીઓને લૂંટવાની હાટડીઓ બની રહી છે. તબીબી બેદરકારીને કારણે દર વર્ષે સેંકડો દર્દીઓનો જીવ જાય છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં ડોક્ટરોને અથવા હોસ્પિટલના મેનેજમેન્ટને કોઈ સજા થતી નથી. ડોક્ટરો માત્ર નફો રળવા માટે બેફામ ગર્ભપાતો કરે છે. દેશમાં ક્યાંય પણ મેડિકલ કોલેજ શરૃ કરવી હોય તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધિકારીઓને કરોડ રૃપિયાની લાંચ આપવી પડે છે. આ રીતે લાંચ આપીને શરૃ થયેલી ખાનગી મેડિકલ કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૃપિયાનું ડોનેશન પડાવે છે. આ રીતે ડોનેશન આપીને તબીબ બનેલા વિદ્યાર્થીઓ આ બધા ખર્ચાઓ વસૂલ કરવા ગરીબ દર્દીઓને લૂંટે છે. આ વિષચક્ર બાબતમાં અખબારોમાં અને આ કોલમમાં પણ ઘણું લખાઈ ચૂક્યું છે, પણ આમિર ખાનના શોની સ્ટાર વેલ્યૂ હોવાને કારણે આ મુદ્દો આજે 'ટોક ઓફ ધ ટાઉન' જેવો બની ગયો છે.
ભારતની તબીબી વ્યવસ્થામાં જે ગેરરીતીઓ અને ભ્રષ્ટાચાર ચાલે છે તેના મૂળમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નામની સંસ્થા હોવાનું કહેવાય છે. ભારતમાં ક્યાંય પણ મેડિકલ કોલેજ શરૃ કરવાની હોય તો આ સંસ્થાની પરવાનગી લેવી પડે છે. આ સંસ્થાના અધિકારીઓ કરોડો રૃપિયાની લાંચ લીધા વિના નવી મેડિકલ કોલેજ ખોલવાની પરવાનગી આપતા નથી. આ કારણે ઘણી મેડિકલ કોલેજો બંધાઈને તૈયાર થઈ ગઈ હોવા છતાં તેઓ તબીબી શિક્ષણ આપી શકતી નથી, જેને લીધે જે મેડિકલ કોલેજો અસ્તિત્વમાં છે તેમાં વિદ્યાર્થીઓનો ભારે ઘસારો જોવા મળે છે. ઈ.સ. ૨૦૧૦ની સાલમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન તત્કાલીન પ્રમુખ કેતન દેસાઈની સીબીઆઈની ભ્રષ્ટાચાર આરોપ હેઠળ ધરપકડ કરી ત્યારે એક હેવાલ મુજબ તેમની પાસેથી ૧,૮૦૦ કરોડની માલમત્તા મળી આવી હતી. આ સંપત્તિ તેમણે મેડિકલ કોલેજના સંચાલકોને લૂંટીને ભેગી કરી હતી. ડો.કેતન દેસાઈ એક સમયે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પણ અધ્યક્ષ હતા, જેણે આમિર ખાનનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. ડો. કેતન દેસાઈ લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા હતા અને અત્યારે તેઓ તિહાર જેલની હવા ખાઈ રહ્યા છે તો પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આજ દિન સુધી તેમનું લાઈસન્સ રદ્દ કર્યું નથી. આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી પણ ડો. કેતન દેસાઈ જેલમાંથી બહાર આવીને પોતાની પ્રેક્ટિસ શરૃ કરી શકે છે. જો મેડિકલ કાઉન્સિલ ભ્રષ્ટાચારીઓને છાવરતી હોય તો તબીબી ક્ષેત્રનો ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર થાય ?
ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના વર્તમાન અધ્યક્ષ ડો. કે.કે. તલવારને આમિર ખાને 'સત્યમેવ જયતે'માં આમંત્રણ આપીને બોલાવ્યા હતા. આમિર ખાને જ્યારે સવાલ કર્યો કે ભારતમાં તબીબી ગેરરીતિઓના આટલા બધા કિસ્સાઓ નોંધાય છે તો શા માટે આજ દિન સુધી મેડિકલ કાઉન્સિલ દ્વારા એક પણ ડોક્ટરનું લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યું નથી ? આ સવાલનો કોઈ જવાબ ડો. તલવાર આપી શક્યા નહોતા. ડો. કેતન દેસાઈની જેમ ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના બે મંત્રીઓ સામે પણ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ છે, પણ મેડિકલ કાઉન્સિલે તેમનું લાઈસન્સ રદ્દ કર્યું નથી. બ્રિટનની મેડિકલ કાઉન્સિલ દર વર્ષે સંખ્યાબંધ તબીબોનાં લાઈસન્સ ગેરરીતિઓ આચરવા બદલ રદ્દ કરે છે, પણ ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ ભ્રષ્ટાચારી અને ગેરરીતિઓ આચરતા તબીબોને અને હોસ્પિટલોને છાવરવાનું કામ જ કરે છે.
ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલની જેમ આમિર ખાનને ધમકી આપનારી સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન પણ બદનામ છે. ઈ.સ. ૨૦૧૦માં સીબીઆઈએ ડો. કેતન દેસાઈનો ભ્રષ્ટાચાર પકડી પાડયો તેની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ડો. કેતન દેસાઈ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પણ અધ્યક્ષ હતા. ડો.કેતન દેસાઈ ઉપર કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની પરવા કર્યા વિના ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને તેમને ઈન્ટરનેશનલ મેડિકલ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવવામાં પૂરેપૂરી મદદ કરી હતી. આ રીતે ખુલ્લંખુલ્લા ભ્રષ્ટાચારનો પક્ષ લેનારું એસોસિયેશન આમિર ખાનનો બહિષ્કાર કરવાની ધમકી આપી ત્યારે તેની પોતાની પોકળતા જ છતી થાય છે.
આજે સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે તારે આગળ જતાં શું બનવું છે ? ત્યારે તેનો જવાબ હોય છે, મારે ડોક્ટર બનવું છે. ડોક્ટર બનવા સાયન્સ લાઈનમાં જનારા દર ૧૦માંથી નવ વિદ્યાર્થીઓ તબીબો કોલેજમાં એડમિશન મેળવવામાં નિષ્ફળ જાય છે અને હતાશાનો શિકાર બને છે. એક બાજુ દેશમાં કુશળ ડોક્ટરોની તીવ્ર અછત છે. ગામડાંઓમાં કામ કરવા કોઈ ડોક્ટર તૈયાર નથી. બીજી બાજુ દેશમાં અનેક સંસ્થાઓ સેંકડોની સંખ્યામાં તબીબી કોલેજો શરૃ કરવા તત્પર છે. ત્રીજી બાજુ લાખો વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા ઉત્સુક છે. તેમ છતાં નવી તબીબો કોલેજો શરૃ થતી નથી, વિદ્યાર્થીઓને તબીબી કોલેજમાં પ્રવેશ મળતો નથી અને તબીબોની અછત ટળતી નથી, કારણ કે ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ સેંકડો કોલેજોની માન્યતા અટકાવીને બેઠી છે. આ કાઉન્સિલના સભ્યો બધી જ સવલતો ધરાવતી કોલેજોના સંચાલકો પાસેથી કરોડો રૃપિયાની લાંચ માંગે છે અને લાંચ ન મળે ત્યાં સુધી તેને માન્યતા આપવાનો ઈનકાર કરે છે. કોલેજો પાસે પર્યાપ્ત સવલતો ન હોય પણ કરોડો રૃપિયાની લાંચ આપવાની તૈયારી હોય તેને ફટ કરતા માન્યતા મળી જાય છે. આ રીતે મેડિકલ કાઉન્સિલને લાંચ આપીને ખાનગી તબીબી કોલેજ શરૃ કરનારા સંચાલકો પછી વિદ્યાર્થીઓ પાસેથી તગડું ડોનેશન પડાવે છે. એક વિદ્યાર્થીને તબીબી બનવું હોય તો આજની તારીખમાં ઓછામાં ઓછા ૫૦ લાખ રૃપિયાનું રોકાણ કરવું પડે છે. આ રીતે તબીબ થયેલો વિદ્યાર્થી પોતાના રોકાણનું વળતર મેળવવા દવા કંપનીઓનો અને પેથોલોજીની લેબોરેટરીનો એજન્ટ બની જાય તો તેમાં કોઈ નવાઈ નથી. કેટલાક ડોક્ટરો ગરીબ દર્દીઓનું શોષણ કરીને જે કરોડો રૃપિયાની કમાણી કરે છે એ કમાણી આખરે તો દવા કંપનીઓનું અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્યોનું ખીસ્સુ ભરવામાં જ વપરાય છે.
આપણા દેશમાં તબીબી કોલેજ ખોલવી એ ધીકતો ધંધો થઈ ગયો છે. કોઈ સામાન્ય માણસ કે સંસ્થા પાસે ગમે એટલા રૃપિયા હોય અને કાર્યકરો હોય તો પણ તેઓ દેશમાં ક્યાંય તબીબી કોલેજ શરૃ કરી શકતા નથી. તબીબી કોલેજ ખોલવા માટે અઢળક રૃપિયા ઉપરાંત રાજકીય વગની પણ સખત જરૃર પડે છે. રાજકારણીઓના તાણાવાણા ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના સત્તાવાળાઓ સાથે જોડાયેલા છે. ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના હોદ્દેદારોની વિરૃધ્ધમાં કોઈ પણ ફરિયાદ આવે ત્યારે રાજકારણીઓ તેમનો બચાવ કરવા દોડી જાય છે. ડો. કેતન દેસાઈનો ભ્રષ્ટાચાર પકડાઈ ગયો તે પછી પણ ગુજરાતના કેટલાક રાજકારણીઓએ તેમને છાવરવાના મરણિયા પ્રયાસો કર્યા હતા. આ ઉપકારના બદલામાં ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના સભ્યો રાજકારણીઓ દ્વારા સ્થાપવામાં આવેલી ખાનગી મેડિકલ કોલેજોને સહેલાઈથી પરવાનગી આપીને તબીબી અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને લૂંટવાનું લાઈસન્સ આપી દે છે, જેનો લાભ રાજકારણી દ્વારા સ્થાપવામાં આવતી મેડિકલ કોલેજોને થાય છે. મહારાષ્ટ્રામાં તો લગભગ તમામ ખાનગી કોલેજો કોઈ રાજકારણી સાથે સંકળાયેલી છે. આ રીતે ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ અને ખાનગી કોલેજોના સંચાલકોએ મળીને ગરીબ દર્દીઓને અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને લૂંટવાનું એક વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું છે. આ નેટવર્કને તોડવાનું કામ આમિર ખાનની સિરિયલનો એક એપિસોડ કરી શકે નહીં. એ માટે વિરાટ પ્રજાકીય આંદોલનની આવશ્યકતા છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved