Last Update : 07-June-2012, Thursday

 

ડિમ્પલ યાદવ ઃ રાજકારણમાં સગાવાદનો શ્રેષ્ઠ નમૂનો

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ કહે છે કે ''મારા પતિ પાસે કામો કઢાવવાં હોય તો તમે મત આપીને લોકસભામાં મોકલો''

બિહારમાં લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં જેલમાં જવાની નોબત આવી ત્યારે તેમણે પોતાની અભણ પત્ની રાબડી દેવીને મુખ્ય પ્રધાન બનાવી હતી અને લોકોએ તેને સ્વીકારી પણ લીધી હતી. ભારતની જનતા સદીઓથી રાજાશાહીથી ટેવાઈ ગઈ હોવાથી તેને વંશપરંપરાગત શાસન અને પારિવારિક શાસન સામે કોઈ વાંધો નથી. આજના ઉત્તર પ્રદેશમાં પણ હવે એક પરિવારનું શાસન વિસ્તરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના સમાજવાદી પક્ષના નેતાજી મુલાયમ સિંહ યાદવે મુખ્ય પ્રધાનની ગાદી ઉપર પોતાના યુવાન અને પ્રગતિશીલ પુત્ર અખિલેશ યાદવની સ્થાપના કરી દીધી છે. અખિલેશ યાદવે જે કનોજની લોકસભાની બેઠક ઉપરથી રાજીનામું આપીને મુખ્ય પ્રધાનની ખુરશી સંભાળી એ બેઠક ઉપર સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે હવે અખિલેશની પત્નિ ડિમ્પલની પસંદગી કરવામાં આવી છે. વહુનાં ઓવારણાં લેતા હોય તેમ ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને બસપા સહિતના મુખ્ય વિરોધ પક્ષોએ ઉમેદવાર ઊભા રાખવાનો ઈનકાર કરીને ડિમ્પલને આ બેઠક તાસક ઉપર ધરી દીધી છે.
૩૫ વર્ષની ડિમ્પલ યાદવ યુવાન છે, ખૂબસુરત છે અને મહત્વાકાંક્ષી છે. સમાજવાદી પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે કનોજની બેઠક ઉપરથી ઉમેદવારીપત્રક ભર્યા પછી ડિમ્પલ યાદવે બહુ સિમ્પલ લોજિક આપતાં કહ્યું હતું કે, ''તમારે મને વોટ આપવો જોઈએ, કારણ કે હું રાજ્યના મુખ્ય પ્રધાનની પત્ની તરીકે તમારાં બધાં કામો આસાનીથી કઢાવી આપીશ.'' પતિ પાસે કેવી રીતે કામ કઢાવવું તેની કળા પત્ની કરતાં વધુ સારી રીતે કોણ જાણતું હશે ? ઈ.સ. ૨૦૦૯માં આ ડિમ્પલ યાદવે ફિરોઝાબાદ લોકસભાની બેઠક ઉપરથી ઉમેદવારીપત્રક ભર્યું હતું. આ બેઠક પણ તેનો પતિ અખિલેશ યાદવ જીત્યો હતો. અખિલેશ યાદવ કનોજ અને ફિરોઝબાદની બે બેઠકો જીત્યો હોવાથી તેણે એક બેઠક ઉપરથી રાજીનામું આપ્યું હતું. મુલાયમ સિંહ યાદવે માન્યું હતું કે આ બેઠક ઉપરથી ડિમ્પલ યાદવ આસાનીથી જીતી જશે, પણ સમાજવાદી પક્ષમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયેલો રાજ બબ્બર તેમને નડી ગયો હતો. કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ પણ રાજ બબ્બરને જીતાડવા બહુ મહેનત કરી હતી. પરિણામે રાજ બબ્બર જીતી ગયો હતો અને ડિમ્પલ યાદવ હારી ગઈ હતી. ડિમ્પલ યાદવના પરાજય પછી તેના સસરા મુલાયસ સિંહ યાદવ હતાશામાં એવા ગરકાવ થઈ ગયા હતા કે તેમણે જાહેર કર્યું હતું કે યાદવ પરિવારની કોઈ મહિલા ભવિષ્યમાં ચૂંટણી નહીં લડે. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીઓમાં સમાજવાદી પક્ષનો ઝળહળતો વિજય થયો તેને પગલે મુલાયમ સિહ યાદવે પોતાનું વિધાન પાછું ખેંચી લીધું છે.
ઈ.સ. ૨૦૦૯માં લોકસભાની પેટા-ચૂંટણીમાં ડિમ્પલ યાદવનો કારમો પરાજય થયો તે પછી અખિલેશ યાદવે પક્ષને બેઠો કરવા મરણિયા પ્રયાસો કર્યા હતા. તેણે સાઈકલ ઉપર આખા ઉત્તર પ્રદેશનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેણે ક્યાંક જંગી રેલીઓ કરી હતી તો ક્યાંક ગામડાંના લોકો સાથે નાની સભાઓ કરી હતી. અખિલેશ યાદવે લેપટોપ અને શિક્ષણ ઉપર ભાર મૂક્યો તેને કારણે યુવાન મતદારો તેના પ્રત્યે આકર્ષાયા હતા. અખિલેશે ઉત્તર પ્રદેશને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ આપવાનું વચન આપ્યું હતું. માયાવતીના ભ્રષ્ટ વહીવટીતંત્રથી ત્રાસેલા લોકોને આ વાત પણ સ્પર્શી ગઈ હતી. આ સંઘર્ષના સમય દરમિયાન ડિમ્પલ યાદવ પોતાના પતિના પડખે રહી હતી.
ડિમ્પલ યાદવ એક નિવૃત્ત લશ્કરી અધિકારીની પુત્રી છે. તેનો ઉછેર ભટિંડા, પુણે, લખનૌ, આંદામાન અને નિકોબારમાં થયો છે. લખનૌ યુનિવર્સિટીમાં ભણતાં તે અખિલેશના પ્રેમમાં પડી હતી અને પરણી ગઈ હતી. અખિલેશ ત્યારે ઓસ્ટ્રેલિયામાં મરીન એન્જિનિયરીંગનો કોર્સ કરીને પાછો ફર્યો હતો. ઈ.સ. ૧૯૯૯માં લખનૌમાં ડિમ્પલ અને અખિલેશના લગ્ન થયા ત્યારે તેમાં અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના જેવા ફિલ્મસ્ટારો પણ હાજર રહ્યા હતા. અખિલેશ-ડિમ્પલને ત્રણ બાળકો છે. તેમની મોટી પુત્રી અદિતિ ૧૦ વર્ષની છે. ત્યાર બાદ ડિમ્પલે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, જેઓ આજે છ વર્ષનાં છે. ડિમ્પલને ચિત્રકામનો શોખ છે અને તે પેઈન્ટીંગ કરે છે. તેને વાંચનનો પણ શોખ છે. અખિલેશ યાદવ કહે છે કે તેણે જ્યારથી ડિમ્પલ સાથે લગ્ન કર્યા છે, ત્યારથી તેનું ભાગ્ય ખૂલી ગયું છે.
મુલાયમ સિંહના સમાજવાદી પક્ષના સગાવાદની બોલબાલા છે. અમર સિંહે સમાજવાદી પક્ષના મહામંત્રી અને પ્રવક્તા તરીકે રાજીનામું આપ્યું તે પછી મુલાયમ સિંહ યાદવ પોતાના ભાઈ રામ ગોપાલ યાદવ ઉપર વધુ નિર્ભર બન્યા છે. અમર સિંહની જગ્યાએ તેમણે રામ ગોપાલ યાદવને સમાજવાદી પક્ષના પ્રવક્તા બનાવ્યા છે. મુલાયમના બીજા ભાઈએ વિશ પાલ યાદવ અને રાજ પાલ યાદવ પણ રાજકારણમાં છે. મુલાયમ સિંહનો પૌત્ર તેમજ પ્રતાપ અને શિવ પાલ સિંહ યાદવનો પુત્ર આદિત્ય પણ રાજકારણમાં સક્રિય છે. રાજ પાલનો દીકરો અંશુલ અને રામ ગોપાલ યાદવનો દીકરો અક્ષય પણ રાજકારણમાં છે. મુલાયમે આ બધા નબીરાઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે. આદિત્ય બી.ટેક છે, તેજ અને અંશુલ એમબીએ છે અને અક્ષય બીયારણનો ધંધો સંભાળે છે. તાજેતરની ચૂંટણીઓમાં આ બધા નબીરાઓ પ્રચારમાં સક્રિય હતા. મુલાયમ સિંહ યાદવે એવી વ્યવસ્થા કરી છે કે આવતાં ૫૦ વર્ષ સુધી ઉત્તર પ્રદેશમાંનેતાગીરીની બાબતમાં કોઈ અછતનો અનુભવ કરવા નહીં મળે.
ભારતમાં આમ પણ કોઈ નેતાજીની પત્ની, પુત્રી અથવા ભાભી ચૂંટણીમાં ઉતરે ત્યારે મતદારો બહુ ઈમોશનલ થઈ જતાં હોય છે. મતદારોની આ લાગણીઓનો લાભ કેમ લેવો તેનો પાઠ ડિમ્પલ યાદવ બરાબર ભણી રહી છે. કનોજની બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવતા અગાઉ ડિમ્પલે એક રેલીને સંબોધતા જણાવ્યું હતું કે ''મૈં કિસી કી બેટી હૂં, કિસી કી બહૂ હૂં ઔર કીસી કી ભાભી હૂં. મૈં રાજ્ય કે વિકાસ કે લિયે આપકા સહયોગ ચાહતી હૂં.'' કેટલી બેટીઓ, બહુઓ અને ભાભીઓ ડિમ્પલ જેટલી નસીબદાર હોય છે ? ડિમ્પલ યાદવનું રાજકારણમાં કોઈ પ્રદાન નથી. તેણે તો પોતાના પતિની અને સસરાની ગૂડવિલ ઉપર જ વહાણ હંકારવાનાં છે. આ કારણે તે દરેક સભામાં કહ્યા કરે છે, ''આ રાજ્યની પ્રજાએ નેતાજી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને તેમણે સૌથી યુવાન મુખ્ય પ્રધાનને પણ ચૂંટયા છે.''
કનોજની બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડવા માટે ડિમ્પલ યાદવે પોતાની સ્થાવર તેમજ જંગમ સંપત્તિ જાહેર કરી છે. તેની એફિડેવીટ મુજબ ડિમ્પલ યાદવ પાસે આશરે ૧૩ કરોડ રૃપિયાની રિયલ એસ્ટેટ છે. તેની પાસે ૫૯.૭૬ લાખ રૃપિયાનું ઝવેરાત છે અને ૫૩.૭૭ લાખ રૃપિયાનું ઝવેરાત પણ છે. તેના વિવિધ બેન્કનાં ખાતાઓમાં ૧૯.૦૪ લાખ રૃપિયા જમા છે. ઈ.સ. ૨૦૧૧-૧૨માં ફાઈલ કરેલા ઈન્કમટેક્સ રિટર્ન મુજબ ડિમ્પલની વાર્ષિક આવક ૨૪,૮૪,૫૪૧ રૃપિયાની હતી. માત્ર પોતાનું ઘર સંભાળતી ડિમ્પલ યાદવ પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી ? આવો સવાલ ઉત્તર પ્રદેશના મતદારો પૂછવાના નથી. રાજકારણનો ધંધો કેટલો કસદાર છે તેનો ખ્યાલ આ આંકડાઓ ઉપરથી આવે છે. મુલાયમ સિંહ યાદવ સામે સીબીઆઈએ આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ બાબતમાં કેસ કર્યો હતો, પણ કેન્દ્ર યુપીએ સરકારને બહુમતી ટકાવી રાખવા મુલાયમ સિંહની જરૃર હોવાને કારણે આ કેસને કોલ્ડ સ્ટોરેજમાં નાંખવામાં આવ્યો છે.
કનોજની બેઠક ઉપરથી કોંગ્રેસે ડિમ્પલ સામે ઉમેદવાર ન ઊભા રાખવાનો નિર્ણય કર્યો એ સમજી શકાય તેવી બાબત છે, પણ માયાવતીએ પણ શા માટે ડિમ્પલને ફાઈટ ન આપવાનો નિર્ણય કર્યો એ ન સમજી શકાય તેવી બાબત છે. બહુજન સમાજ પક્ષના પ્રવક્તના જણાવ્યા મુજબ આગામી જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી હોવાથી આ મિત્રતાની નિશાની છે, પણ જાણકારો તેમાં ભેદ જુએ છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે સમાજવાદી પક્ષની સરકાર છે. જો મુખ્ય પ્રધાન અખિલેશની પત્ની સામે બહુજન સમાજ પક્ષ કોઈ પણ ઉમેદવારને ઊભો રાખે તો તેને સમાજવાદી પક્ષના ગુંડાઓનો સામનો કરવો પડે તેમ છે. માયાવતી આ બાબતમાં મુલાયમ સામે અથડાવા માંગતી નથી. આ કારણે તેને ડિમ્પલનો વિરોધ ન કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપ અને મુલાયમ વચ્ચે પણ પ્રેમ-ધિક્કારના સંબંધો છે. કેન્દ્રમાં જ્યારે એનડીએ સરકાર હતી ત્યારે જ્યારે જરૃર પડે ત્યારે તેઓ મુલાયમની મદદ લેવા દોડી જતા હતા. આ 'મૈત્રી' અત્યારે કામ આવી રહી છે.
ભારતનાં અનેક રાજ્યોમાં આજે પારિવારિક સરકારો ચાલે છે. જમ્મુ અને કાશ્મીરમાં આપણે શેખ અબ્દુલ્લાની ત્રીજી પેઢીને સત્તા ઉપર જોઈ રહ્યા છીએ.
ઓરિસ્સામાં બીજુ પટનાઈક પોતાનો વારસો નવીન પટનાઈકને આપતા ગયા છે. ઉત્તર પ્રદેશમાં અજીત સિંહ પોતાના પિતા ચરણ સિંહના વારસદાર બન્યા છે. તામિલનાડુમાં કરુણાનિધિએ પોતાના પુત્ર-પુત્રીઓને વારસદાર બનાવ્યા છે. મહારાષ્ટ્રમાં સ્વ. શંકરરાવ ચવાણના પુત્ર અશોક ચવાણ મુખ્યમંત્રી બન્યા હતા, પણ 'આદર્શ' કૌભાંડને કારણે તેમણે ગાદી ગુમાવી હતી.
હરિયાણામાં દેવીલાલનો વારસો ઓમ પ્રકાશ ચૌટાલા સંભાળી રહ્યા છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ એનટી રામારાવના જમાઈ હોવાને કારણે મુખ્ય પ્રધાન બન્યા હતા. બાબુ જગજીવન રામની પુત્રી મીરા કુમાર અત્યારે લોકસભાની સ્પીકર છે. ભારતમાં ભલે લોકશાહી હોય, પણ પ્રજાની નસમાં તો આજે પણ રાજાશાહી દોડી રહી છે. એક કારણે ભારતની પ્રજાને ક્યારેય વંશપરંપરાગત શાસન ખૂંચતું નથી, જેનો લાભ રાજકારણીઓ ઉઠાવી ઔરહ્યા છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved