Last Update : 05-June-2012, Tuesday

 

ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર ઃ જામીન આપવા માટે ૧૦ કરોડ રૃપિયાની લાંચ !

કર્ણાટકના કુખ્યાત રેડ્ડી બંધુઓ પૈકી ગલી જનાર્દન રેડ્ડીને જામીન અપાવવાના કૌભાંડમાં રાજકારણીઓ ઉપરાંત માફિયાઓ અને ભૂતપૂર્વ જજ સાહેબ પણ સંડોવાયેલા છે

કોઈ પણ દેશનું ન્યાયતંત્ર ત્યારે કાર્યક્ષમ ગણાય, જ્યારે પ્રજાને ઝડપી અને મફત ન્યાય મળતો હોય. ભારતનાં ન્યાયતંત્ર પાસે ઝડપી ન્યાયની આશા રાખવી વ્યર્થ છે, કારણ કે વિવિધ અદાલતોમાં આશરે ત્રણ કરોડ કેસો પેન્ડીંગ છે. આપણે ત્યાં જે ન્યાય વ્યવસ્થા છે એ અંગ્રેજો તરફથી વારસામાં મળેલી છે. આ વ્યવસ્થામાં મફત ન્યાય મળી શકતો નથી, કારણ કે વકીલો રાખવા પડે છે અને તેમની ફી ચૂકવવી પડે છે.
તેમાં પણ તાજેતરમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના જે અમુક કિસ્સાઓ બહાર આવ્યા છે તેને કારણે પણ ન્યાયતંત્રની વિશ્વસનીયતાને ધક્કો લાગ્યો છે. આ બધાને ટપી જાય તેવો કિસ્સો આંધ્ર પ્રદેશના સીબીઆઈ જજનો છે, જેમને કર્ણાટકના કુખ્યાત રેડ્ડી બંધુ પૈકી એકને જામીન આપવાના ૧૦ કરોડ રૃપિયા મળ્યા હોવાનું માનવામાં આવે છે. સીબીઆઈના આ જજની ટૂંક સમયમાં ધરપકડ થવાની સંભાવના છે.
આંધ્ર પ્રદેશનું રાજકારણ અને અર્થકારણ માઈનીંગ કંપનીઓની આજુબાજુ ચકરાવા લે છે. તાજેતરમાં આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. રાજશેખર રેડ્ડીના પુત્ર જગન મોહન રેડ્ડીની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી તેમણે જે અઢળક સંપત્તિ ભેગી કરી છે, તેમાં ગેરકાયદે માઈનીંગનો ધંધો કરતા માફિયાઓનો ફાળો બહુ મોટો છે. આ માફિયાઓ દ્વારા આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં ખનિજનું બેફામ ખોદકામ કરવામાં આવતું હતું અને સરકારી તિજોરીમાં રૃપિયા જમા કરાવવાને બદલે રાજકારણીઓને લાંચ આપવામાં આવતી હતી. આ લાંચ કૌભાંડમાં જેલની હવા ખાઈ રહેલા જગન મોહન રેડ્ડીના સાથી અને કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન ગલી જનાર્દન રેડ્ડી ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાથી જેલની હવા ખાઈ રહ્યા હતા. તેમણે ચાર વખત જામીન માટે અરજી કરી હતી, પણ સીબીઆઈના જજ સાહેબે આ અરજીઓ ઠુકરાવી દીધી હતી. પાંચમી વખત તેમણે સીબીઆઈના જજ ટી.પી. રામારાવ પાસે આવી હતી, જેમણે ગલી જનાર્દન રેડ્ડીને જામીન ઉપર છોડી મૂક્યા હતા.
સીબીઆઈને આ કેસમાં અગાઉથી શંકા હતી. એટલે તેણે જજની વર્તણુક ઉપર અગાઉથી નજર રાખી હતી. આ દરમિયાન તેને જણાયું હતું કે ગલી જનાર્દન રેડ્ડીને જામીન આપવાના બદલામાં જજ સાહેબને ૧૦ કરોડ રૃપિયા ચૂકવવામાં આવ્યા હતા. સીબીઆઈએ તેમાના ત્રણ કરોડ રૃપિયા તો જપ્ત પણ કર્યા છે.
રાજકારણીઓ, ખાણ માફિયાઓ અને સરકારી અધિકારીઓ મળીને આપણા દેશને લૂંટી રહ્યા છે. આ રાજકારણીઓ જ્યાં સુધી સત્તા ઉપર હોય ત્યાં સુધી આ દેશનું પોલીસતંત્ર કે સીબીઆઈ તેમનો વાળ પણ વાંકો કરી શકતા નથી. આંધ્ર પ્રદેશમાં સ્વ. રાજશેખર રેડ્ડી જ્યાં સુધી સત્તા ઉપર હતા ત્યાં સુધી તેમના પુત્ર જગન મોહન રેડ્ડીને અને તેમના ચમચાઓને લીલાલહેર હતા. તેમની સામે કોઈ આંગળી પણ ચીંધી શકે તેમ નહોતું. રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટરની દુર્ઘટનામાં મૃત્યુ થયું ત્યારથી જગન મોહન રેડ્ડીની માઠી દશા ચાલી રહી છે. તેમના અનેક સાથીઓ સામે ભ્રષ્ટાચાર વિરોધી ધારાની કલમો હેઠળ કામ ચાલી રહ્યું છે, જેમાંના એક ગલી જનાર્દન રેડ્ડી છે. ગલી જનાર્દન રેડ્ડી કર્ણાટકમાં ભાજપના પ્રધાનમંડળના સભ્ય હતા. ભાજપના રાષ્ટ્રીય નેતાઓના તેમના ઉપર ચાર હાથ હતા. ગયા સપ્ટેમ્બર મહિનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઈને મળેલી વિગતો મુજબ જજ ટી.પી. રામા રાવને લાંચ આપવાનાં પ્રકરણમાં દલાલ તરીકેની ભૂમિકા આંધ્ર પ્રદેશના રાયલસીમા વિસ્તારના એક પ્રધાન, એક ભૂતપૂર્વ જજ સાહેબ અને એક ખાણ માફિયાએ ભજવી હતી, જેને ગલી જનાર્દન રેડ્ડીએ ફાયદો કરાવી આપ્યો હતો. ગલી જનાર્દન રેડ્ડીને જામીન ઉપર છોડાવવાનો સોદો જજ સાહેબના પુત્ર સાથે ૧૦ કરોડ રૃપિયામાં નક્કી કરવામાં આવ્યો હતો. તે પૈકી ત્રણ કરોડ રૃપિયા એડવાન્સમાં ચૂકવવામાં આવ્યા હતા. બાકીના સાત કરોડ રૃપિયા ૧૧ મેના જનાર્દન રેડ્ડીને જામીન મળી ગયા તે પછી ચૂકવવામાં આવ્યા હતા. સીબીઆઈએ જ્યારે જજ સાહેબના પુત્રની લોકરની જડતી લીધી ત્યારે તેમાંથી ત્રણ કરોડ રૃપિયા રોકડા મળી આવ્યા હતા. બાકીના સાત કરોડ રૃપિયા ક્યાં ગયા તેની તપાસ સીબીઆઈ કરી રહી છે.
સીબીઆઈના જજ ટી.પી. રામા રાવને આંધ્ર પ્રદેશના ચીફ જસ્ટિસે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. તેઓ સરકારી અધિકારી હોવાથી તેમની સામે કેસ દાખલ કરતાં અગાઉ સરકારની પરવાનગી જરૃરી છે.
કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં ખાણો ધરાવતા બેલ્લારી બંધુઓના નાણાંથી ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવી હતી, એમ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી. આ રેડ્ડી બંધુઓની ખાણો કર્ણાટકના બેલ્લારી જિલ્લાને લાગીને આવેલા આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં પણ આવેલી છે. રેડ્ડી બંધુઓ બંને રાજ્યોમાં બેરોકટોક ખાણકામ કરી શકે એ માટે સરકારી અધિકારીઓ દ્વારા અમુક જગ્યાએ રાજ્યોની સરહદો પણ બદલી કાઢવામાં આવી હતી. ગલી જનાર્દન રેડ્ડીએ અને તેમના ભાઈઓએ ઈ.સ. ૧૯૯૯ની સાલમાં ભાજપનાં નેતા સુષ્મા સ્વરાજને બેલ્લારીને બેઠક પરથી કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી સામે ચૂંટણી લડવામાં મદદ કરી હતી, ત્યારથી સુષ્માના તેમની ઉપર ચાર હાથ હતા.
ગલી જનાર્દન રેડ્ડી અને તેમના ભાઈઓ બેલ્લારીમાં એક ફાઈનાન્સ કંપની ચલાવતા હતા. ઈસ. ૧૯૯૮માં આ કંપનીએ ૨૦૦ કરોડ રૃપિયામાં ઉઠમણું જાહેર કર્યું હતું. ત્યાર પછી ઈ.સ. ૨૦૦૪ની સાલથી તેમણે બેલ્લારીમાં ગેરકાયદે માઈનીંગના ધંધામાં ઝંપલાવી દીધું હતું. ચીનમાં ઓલિમ્પિક દરમિયાન લોખંડની કાચી ધાતુના ભાવો આસમાને પહોંચ્યા ત્યારે તેમણે ચીનમાં ગેરકાયદે નિકાસ કરીને અબજો રૃપિયાની કમાણી કરી લીધી હતી. આંધ્ર પ્રદેશના મુખ્ય તત્કાલીન મુખ્ય પ્રધાન સ્વ. રાજશેખર રેડ્ડીના અને કર્ણાટકના તત્કાલીન મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાના તેમના ઉપર ચાર હાથ હતા. રાજશેખર રેડ્ડીનું અકસ્માતમાં અવસાન થયું અને યેદિયુરપ્પાએ ભ્રષ્ટાચારના આરોપ હેઠળ રાજીનામું આપવું પડયું. યેદિયુરપ્પાના સ્થાને મુખ્ય પ્રધાન બનેલા સદાનંદ ગોવડાએ પ્રધાનમંડળમાંથી ગલી જનાર્દન રેડ્ડીનું પત્તું કાપી નાંખ્યું ત્યારે તેમને મળેલું રાજકીય સંરક્ષણ ઝૂંટવાઈ ગયું હતું. સીબીઆઈએ તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ કરીને જેલમાં ધકેલી દીધા હતા.
સીબીઆઈના અધિકારીઓને શંકા ગઈ હતી કે ૧૧મી મેના રોજ ગલી જનાર્દન રેડ્ડીની જામીન અરજી સીબીઆઈની અદાલતમાં આવી તે પહેલાથી કાંઈક ખોટું રંધાઈ રહ્યું હતું. ૨૭મી એપ્રિલે જનાર્દન રેડ્ડીએ સીબીઆઈની અદાલતમાં અરજી કરી હતી કે તેમની જામીન અરજીની સુનાવણી સેકન્ડ એડિશનલ સ્પેશિયલ જજ બી. નાગમૂર્તિ શર્મા સમક્ષ કરવામાં આવે. આ અરજીને સીબીઆઈની અદાલતના પ્રિન્સિપાલ સ્પેશિયલ જજે માન્ય રાખી હતી. જોકે ૧૧મી મેના રોજ જજ શર્મા રજા ઉપર હોવાથી આ અરજી ફર્સ્ટ એડિશનલ સ્પેશિયલ જજ ટી.પી. રામા રાવ પાસે આવી હતી. જનાર્દન રેડ્ડીના સાથીદારોને ખબર પડી કે જામીન અરજીની સુનાવણી રામા રાવ કરવાના છે ત્યારે તેમણે રામા રાવના પુત્રનો સંપર્ક સાધ્યો હતો અને ૧૦ કરોડ રૃપિયાની લાંચ આપીને જામીન મેળવવાનો સોદો નક્કી કર્યો હતો. સીબીઆઈને આ વાતની ગંધ આવી જતાં તેમણે આ કેસ સાથે સંકળાયેલા કેટલાક લોકો ઉપર નજર રાખી હતી અને તેમના ફોન ટેપ કરવાના શરૃ કર્યા હતા. તેમાં ટી.પી. રામા રાવના પુત્રના ફોનનો પણ સમાવેશ થતો હતો. આ ટેપમાં સાંભળવામાં આવ્યું હતું કે રામા રાવના પુત્રને કેટલાક લોકો જંગી રકમની ચૂકવણી કરવાના છે. ૧૨મી મેના રોજ ગલી જનાર્દન રેડ્ડીને જામીન મળી ગયા પછી સીબીઆઈએ પોતાની તપાસ વધુ સઘન બનાવી દીધી હતી. તેને જણાયું હતું કે કર્ણાટકના બે વિધાનસભ્યો પણ ટી.પી. રામા રાવના પુત્ર સાથે સતત સંપર્કમાં છે. સીબીઆઈને મળેલી માહિતી મુજબ આ માટેના રૃપિયા બેલ્લારીથી હૈદરાબાદ લાવવામાં આવ્યા હતા અને એક ફાઈવ સ્ટાર હોટેલમાં થયેલી મિટીંગ દરમિયાન જજ સાહેબના પુત્રને ચુકવવામાં આવ્યા હતા. આ રૃપિયામાંથી અમુક રૃપિયા જજ સાહેબના પુત્રે બેન્કમાં ભર્યા હતા અને અમુક રૃપિયા તેણે લોકરમાં મૂકી રાખ્યા હતા.
સીબીઆઈ પાસે સેલફોનનો રેકોર્ડ, બેન્કનાં ખાતાંની વિગતો અને હોટેલના સીસીટીવી કેમેરાનું ફૂટેજ આવી જતાં તેણે જજ સાહેબના ઘરની મુલાકાત લીધી હતી અને તેમને બધી હકીકતોથી વાકેફ કર્યા હતા. જજ સાહેબે શરૃઆતમાં બધા આક્ષેપોનો ઈનકાર કર્યો હતો, પણ સીબીઆઈએ પુરાવાઓ બતાવ્યા તે પછી તેમણે પોતાના પુત્રના પાંચ લોકરોની ચાવીઓ સીબીઆઈને સોંપી હતી.
૨૯મી મેના રોજ સીબીઆઈએ પાંચ લોકરોની જડતી લીધી ત્યારે તેમાંથી ત્રણ કરોડ રૃપિયા મળી આવ્યા હતા. સીબીઆઈના માનવા મુજબ આ માત્ર ડાઉન પેમેન્ટ છે. આ સોદો કુલ ૧૦ કરોડ રૃપિયામાં થયો હતો. બાકીના સાત કરોડ રૃપિયાની શોધખોળ સીબીઆઈ કરી રહી છે.
આંધ્ર પ્રદેશના મુખ્ય વિપક્ષ તેલુગુદેશમ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે આ લાંચ પ્રકરણમાં આંધ્ર પ્રદેશના વર્તમાન કાયદા પ્રધાન ઈરાસુ પ્રતાપ રેડ્ડી પણ સંડોવાયેલા છે, જેઓ ગલી જનાર્દન રેડ્ડીના દૂરના સગા છે. આ ઉપરાંત હાઈકોર્ટના એક ભૂતપૂર્વ જજની પણ તેમાં સંડોવણી છે. વિધિની વિચિત્રતા એવી છે કે જનાર્દન રેડ્ડીને આંધ્ર પ્રદેશમાં જામીન મળી ગયા તો પણ તેઓ કર્ણાટકના કેસને કારણે હજી જેલમાં છે.
જ્યાં રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને માફિયાઓ મળીને ન્યાયતંત્રને પણ ભ્રષ્ટ કરી શકતા હોય એ દેશમાં ન્યાય મેળવવો બહુ અઘરો થઈ ગયો છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved