Last Update : 02-June-2012,Saturday

 

ઐશ્વર્યા રાયે વજન વધારીને કયો ગુનો આચર્યો છે ?

એશ પોતાની જિંદગી એક આદર્શ ભારતીય નારીની જેમ જીવવા માંગતી હોય તેને કારણે તેના પ્રશંસકો અને વિવેચકોના પેટમાં કેમ તેલ રેડાય છે ?

વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયે પુત્રીને જન્મ આપવા માટે અને તેનું લાલનપાલન કરવા માટે પોતાનું વજન વધવા દીધું અથવા વધાર્યું એ રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. આજકાલ એશ અને તેની સાત મહિનાની પુત્રી આરાધ્યા માત્ર ભારતનાં નહીં પણ દુનિયાના અનેક દેશોમાં પ્રચાર માધ્યમોમાં ચમકી રહી છે. ઐશ્વર્યાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શન આપ્યા તેને બે અઠવાડિયા થઈ ગયા છે તો પણ તે પ્રસિદ્ધિના પ્રકાશમાં સ્નાન કરી રહી છે. ના, એશની કોઈ નવી ફિલ્મ નજીકના ભવિષ્યમાં આવવાની નથી. તેને આટલી બધી પ્રસિદ્ધિ મળવાનું કારણ એ છે કે ડિલિવરી પછી તેનું વજન વધી ગયું છે અને તેને વજન ઘટાડવાની કોઈ ઉતાવળ નથી.
ભારતની અને વિશ્વની કરોડો સ્ત્રીઓનું વજન સુવાવડ વખતે વધી જાય છે, જે વર્ષો સુધી ઓછું થતું નથી. તો પછી એશનું વજન વધી જાય અને ઘટે નહીં એ સમાચાર કેમ કહેવાય ? કારણ કે એશ માત્ર માતા નથી, પણ સેલિબ્રીટી છે. તેણે જો પોતાનું સિલિબ્રિટી સ્ટેટસ જાળવી રાખવું હોય તો બીજી અભિનેત્રીઓની જેમ પ્રસૂતિ પછી ફટાફટ વજન ઉતારી નાંખવું જોઈએ, સ્લિમ બની જવું જોઈએ અને ફરીથી કામે લાગી જવું જોઈએ. એશ આવું નથી કરતી તેમ છતાં તેનું સેલિબ્રિટી સ્ટેટસ અખંડ છે, માટે અન્ય સેલિબ્રિટીઓને તેની ઇર્ષ્યા થાય છે. એશના ચાહકોને લાગે છે કે તેના શરીરસૌષ્ઠવ ઉપર તેમનો પણ અધિકાર છે, માટે તેઓ નારાજ થાય છે. એશને લાગે છે કે તેનું શરીર એ તેનું પોતાનું શરીર છે. તેને સ્લીમ રાખવું કે ન રાખવું તેનો નિર્ણય તેણે પોતે કરવાનો છે. એશના આસ્લિમ શરીર સામે તેના પતિને, સાસુસસરાને કે તેની પુત્રીને કોઈ વાંધો નથી. એશ પોતાની જિંદગી પોતાની શરતો ઉપર જીવવા માંગે છે.
આપણી પ્રજા બે પ્રકારની સ્ત્રીઓથી ટેવાયેલી છે. પ્રથમ પ્રકારની સ્ત્રીઓ ઘરરખ્ખુ ગૃહિણીઓ હોય છે. જેઓ પોતાના પતિની અને પરિવારજનોની સુખાકારી માટે પોતાના અંગત મોજશોખનો ભોગ આપે છે. ગૃહિણી તેને કહેવાય, જે બાળકો પેદા કરે અને ઘર સાચવે. ગૃહિણી તેને કહેવાય, જે પોતાના સાસુસસરાની પણ સેવા કરે. બીજા પ્રકારની સ્ત્રીઓ વર્કિંગ વુમન છે, જેઓ પોતાના પતિ અને ઘર કરતાં પોતાની કારકિર્દીને વધુ મહત્ત્વ આપે છે. કેરિયર વુમન ઘણું ખરું સ્ત્રીસ્વાતંત્ર્યમાં પણ માનતી હોય છે. તે જો ગ્લેમરના ક્ષેત્રમાં હોય તો પોતાના શરીરને શેપમાં રાખવું એ પણ તેની નિષ્ઠાનો એક ભાગ ગણાતો હોય છે. કેરિયર વુમન સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ નથી કરતી, પણ વિભક્ત પરિવારમાં જ રહેવાનું પસંદ કરે છે. કેરિયર વુમન ઘણું ખરું બાળકો પેદા નથી કરતી. પેદા કરે તો બાળક છ મહિનાનું થાય ત્યાં તેને આયાને કે પતિને સોંપીને પોતે કામે લાગી જાય છે. કેરિયર વુમનને બાળક થાય તો એ તેને પોતાનું દૂધ પિવડાવવા પણ તૈયાર નથી થતી, કારણ કે તેનાથી ફિગર બગડી જવાનો ડર રહે છે. આ બે પ્રકારને છોડીને ત્રીજા પ્રકારની સ્ત્રી જોવા મળે તો આપણી પ્રજાને સમજણ નથી પડતી કે તેને કઈ કેટેગરીમાં મૂકવી ?
ઐશ્વર્યા રાયનો પ્રોબ્લેમ એ છે કે એ સફળ કેરિયર વુમન બનીને પણ સફળ ગૃહિણીનો ધર્મ નિભાવી રહી છે. એશ જ્યાં સુધી કુંવારી હતી ત્યાં સુધી તે પોતાના માતાપિતા સાથે રહેતી હતી અને તેમની આશા મુજબ સંયમિત જીવન જીવતી હતી. તેમ છતાં તે વિશ્વસુંદરી બની હતી અને હિન્દી ફિલ્મોમાં તેને ટોચનું સ્થાન મળ્યું હતું. અન્ય હિરોઈનો હિન્દી ફિલ્મોમાં નામ કમાવા માટે પોતાનાં ઘરનો અને માતાપિતાનો ત્યાગ કરી દેતી હોય છે. ઐશ્વર્યા રાયે એવું ન કર્યું તો પણ તે હિન્દી ફિલ્મ જગતમાં સડસડાટ ટોચ ઉપર પહોંચી ગઈ. એશનું ભાગ્ય સારું હતું કે તેને અભિષેક બચ્ચન જેવો મોસ્ટ એલિજીવલ બેચલર મળ્યો, જેની સાથે લગ્ન કરીને તે સુખી થઈ છે. એશે લગ્ન વખતે કાંજીવરમ સાડી પહેરી તેની પણ ટીકા કરતાં વિવેચકો કહેતા હતા કે 'અરરર ! આવી મોટી સેલિબ્રિટી અને આવી મામૂલી સાડી પહેરીને લગ્ન કરાય ?' એશનો પરિવાર સાઉથ ઇન્ડિયન છે અને સાઉથમાં લગ્ન વખતે કાંજીવરમ સાડી પહેરવાનો વણલખ્યો નિયમ છે. એશ પોતાના સેલિબ્રિટી સ્ટેટસની પરવા કર્યા વિના એક સ્ત્રી તરીકેની ભારતીય પરંપરાને વળગી રહે છે, તેને કારણે પોતાને નારીવાદી ગણાવતી સ્ત્રીઓને ઝટકો લાગે છે. તેમને તો લગ્ન કરીને એશ પોતાના સાસુસસરા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે, એ પણ ગમતું નથી. એશ આધુનિક છે કે જૂનવાણી છે, એ તેઓ નક્કી નથી કરી શકતા માટે મૂંઝાય છે.
એશ જ્યારે પ્રેગ્નન્ટ બની ત્યારે પણ તેના કરોડો ચાહકોને તેનાં બાળકનો ચહેરો જોવાનો ઇનકાર હતો. કોઈ પણ સેલિબ્રિટી મહિલા માતા બને ત્યારે જ હોસ્પિટલનાં બિછાનેથી પોતાનાં બાળકની તસવીર અખબારોમાં છપાઈ તે જોઈને ખુશ થાય છે. આ પ્રસિદ્ધિ પણ સેલિબ્રિટી સ્ટેટસનો ભાગ હોય છે. એશે આ બાબતમાં પોતાનાં પ્રશંસકોને અને ટીકાકારોને પણ નારાજ કર્યા. તેણે નક્કી કર્યું હતું કે પોતાની પુત્રીનો ઉપયોગ તે પ્રસિદ્ધિ મેળવવા માટે કરશે નહીં. પોતાના આ સંકલ્પને તે આજ દિન સુધી વળગી રહી છે. અન્ય અભિનેત્રીઓ બાળકની તસવીરો છપાવીને જેટલી પ્રસિદ્ધિ મેળવે છે, તેના કરતાં દસ ગણી પ્રસિદ્ધિ એશ તસવીરો નહીં છપાવીને ખાટી ગઈ. આ જોઈને તેની ટીકાકારોના પેટમાં તેલ રેડાયું હતું.
કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે તેના થોડા મહિનાઓમાં સ્ત્રીનું વજન વધે એ તદ્દન સ્વાભાવિક છે. આ સમય દરમિયાન સ્ત્રીને ઘરકામ કરવા દેવામાં આવતું નથી, માટે તેનું વજન વધે છે. વળી સ્ત્રીનું દૂધ બાળક પીતું હોવાથી પણ તેને પૌષ્ટિક ખોરાક ખવડાવવામાં આવે છે, જેને કારણે પણ તેનું વજન વધે છે. સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતી સ્ત્રીઓ કુદરતના આ નિયમથી વિરુદ્ધ જઈને પ્રસૂતિ પછી તરત જ ક્રેશ ડાયેટ ઉપર ઉતરી જાય છે અને જીમમાં જઈને ભારે કસરત પણ કરવા લાગે છે. આ કારણે પ્રસુતિના થોડા મહિનામાં જ તેઓ પાતળી પરમાર બનીને ફરીથી પોતાની કારકિર્દીમાં પરોવાઈ જાય છે. તાજેતરમાં ફિલ્મ અભિનેત્રી લારા દત્તા માતા બની તેના ત્રણ મહિનામાં તે સ્લિમ અને ટ્રિમ બની ગઈ હતી, જેની વિવેચકો દ્વારા ભારે સરાહના કરવામાં આવી હતી. આ માટે લારા દત્તાએ પોતાનાં શિશુને પાઉડરના દૂધ ઉપર ચડાવી દીધું તેની કોઈ ટીકા કરતું નથી.
ઐશ્વર્યા રાય પણ આ સામાન્ય ભારતીય ગૃહિણીની જેમ જીવવા માંગે છે અને પોતાનાં બાળકને પોતાનું દૂધ પિવડાવવા માંગે છે. આમ કરવા જતાં વજન વધી જાય તો તેની ચિંતા એશ નથી કરતી, પણ તેના ચાહકો અને વિવેચકો કરે છે. એશે તાજેતરમાં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ઉપર લટાર મારી ત્યારે તેના શરીરની ચરબી તેના આઉટફિટમાંથી દેખાતી હતી. તેના ગાલ પણ ફૂલી ગયેલા જણાતા હતા. એશે પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું કે હું તંદુરસ્ત છું અને મને તેનો આનંદ છે. એશને તેની 'તંદુરસ્તી'નો આટલો બધા આનંદ છે પણ તેના ચાહકોને ગમતું નથી. એશ માને છે કે તે પોતાના ચાહકો માટે નથી જીવતી, પણ પોતાના પતિ, સાસુસસરા અને દીકરી માટે જીવે છે. તેમને એશના વજન સામે કોઈ વાંધો નથી. તાજેતરમાં સંસદભવનની બહાર જયા બચ્ચને પોતાની 'વહુ' એશના ભરપેટ વખાણ કર્યા હતા. એશ માટે આટલું પર્યાપ્ત છે.
વર્કિંગ વુમનની આચારસંહિતાથી વિરુદ્ધ જઈને એશે પ્રસૂતિ પછી પોતાનું વજન વધાર્યું તેને કારણે સ્ત્રીસ્વાતંત્ર્યનો ઝંડો લઈને ચાલતી સ્ત્રીઓ નારાજ છે, કારણ કે તેમનું નસીબ એશ જેટલું જોરદાર નથી. આ સ્ત્રીઓને ખબર છે કે એશની જેમ જો તેઓ પણ પોતાના ફિગર પ્રત્યે બેદરકાર બની જાય, વજન વધાર્યા કરે, પતિ અને સાસુસસરાની ચિંતામાં જોતરાઈ જાય અને બાળક માટે ફિગરની ચિંતા છોડી દે તો તેઓ પોતાની કેરિયરમાંથી ફેંકાઈ જાય તેમ છે. એશ ભાગ્યશાળી છે કે પોતાની મરજીની જિંદગી જીવીને પણ કેરિયરમાં ટોચ ઉપર રહી શકે છે. કેરિયર વુમનો આ સહન નથી કરી શકતી, માટે એશની ટીકા કરવાની તક છોડતી નથી. જોકે આ બાબતમાં એશની ટીકા કરનારાઓ છે તેમ તેની પ્રશંસા કરનારાઓ પણ છે. એશની જેમ મમ્મી બનનારી કાજોલે એશનો બચાવ કરતાં કહ્યું છે કે 'દરેકને પોતાની જિંદગી ઉપર અધિકાર હોય છે. એશને જેવી દેખાવું હોય તેવી દેખાવાનો અધિકાર છે. આ પ્રકારની ચર્ચા કરવામાં જ મૂર્ખાઈ છે. આવતી કાલે મારે ૨૫ કિલો વજન વધારવું હોય તો હું પણ વધારીશ. એ મારી ચોઈસ હશે. એશ અત્યારે ઘરે છે. તે ફિલ્મોમાં કામ કરતી નથી. તે વજન વધારે તેમાં કોઈને શું વાંધો હોવો જોઈએ ?'
જેઓ એશના વધી ગયેલા વજનની ટીકા કરી રહ્યા છે, તેઓ ભારતીય સમાજમાં સ્ત્રીની ભૂમિકાને જ સમજતા નથી. આપણા સમાજમાં સ્ત્રી કોઈ શોભાની પૂતળી નથી કે શો કેસનો દાગીનો નથી. સ્ત્રીએ સમાજમાં અમુક ચોક્કસ કર્તવ્યો બજાવવાના હોય છે. આ કર્તવ્યો બજાવવા માટે તેણે ઘણી વ્યક્તિગત ઇચ્છાઓનું બલિદાન આપવું પડતું હોય છે. ઐશ્વર્યા રાય આ પ્રકારનું બલિદાન હસતા ચહેરે આપી રહી છે અને પોતાના પરિવાર માટેનું કર્તવ્ય પણ બજાવી રહી છે. ગ્લેમરના બિઝનેસમાં રહેલી સ્ત્રીઓએ ઘણી વખત મજબૂરીવશ પોતાના મન અને તન ઉપર જુલમ ગુજારીને પણ સ્લિમ અને ટ્રિમ રહેવું પડે છે. એશ આવી કોઈ મજબૂરીને વશ થવામાં પણ માનતી નથી. તેના ચહેરા પરની ખુશી આ કેરિયર વુમનો સહન કરી શકતી નથી અને ગિન્નાય છે. આ કારણે અનેક મહિલાઓ પત્રકારો અંગ્રેજી અખબારોમાં પોતાની કોલમમાં એશની ઝાટકણી કાઢી રહી છે. એશને તેની બિલકુલ પરવા નથી. પોતાની જિંદગી તે સુખી ભારતીય ગૃહિણી તરીકે મસ્તીથી જીવી રહી છે. સેલિબ્રિટી વુમનો એશની ટીકા કરવાને બદલે તેની પાસેથી પરિવાર અને કેરિયર વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખવું તેના પાઠો ભણવા જોઈએ.

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved