Last Update : 31-May-2012,Thursday

 

પેટ્રોલના ભાવો બાબતમાં વિપક્ષો મગરનાં આંસું સારે છે

ગોવાને બાદ કરતાં એક પણ ભાજપશાસિત રાજ્યમાં પેટ્રોલ ઉપરના વેચાણ વેરામાં ઘટાડો કરવામાં આવ્યો નથી

કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવોમાં જે કમ્મરતોડ વધારો કર્યો છે તેનો વિરોધ કરવા વિપક્ષોએ 'ભારત બંધ'નો કોલ આપ્યો છે, પણ વિવિધ રાજ્યોમાં પેટ્રોલના ભાવોમાં થયેલા વધારા પાછળ રાજ્ય સરકારો પણ જવાબદાર છે. ગોવાની ભાજપ સરકારે ચૂંટણીમાં પ્રજાને આપેલાં વચનનું પાલન કરવા પેટ્રોલ અને ડિઝલ ઉપરનો વેચાણ વેરો સંપૂર્ણપણે નાબુદ કર્યો છે, પણ જે અન્ય રાજ્યોમાં ભાજપની સરકાર છે તેઓ પણ વેચાણ વેરામાં કરવામાં આવેલો વધારો પાછો ખેંચવા તૈયાર નથી. વિપક્ષો જ્યાં સુધી પોતાનાં રાજ્યોમાં વેચાણ વેરા નાબુદ કરીને પ્રજાને રાહત આપવા તૈયાર નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ વાંઝિયો જ રહેવાનો છે. હકીકતમાં છાશવારે પેટ્રોલના ભાવોમાં વધારો કરીને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પ્રજાને લૂંટી રહી છે અને આ લૂંટમાં કેન્દ્ર તેમજ રાજ્યના સરકાર પણ ભાગીદારી છે.
તાજેતરમાં પેટ્રોલના ભાવોમાં જે વધારો કરવામાં આવ્યો તેને કારણે હકીકતમાં કેન્દ્ર સરકાર કરતાં પણ રાજ્ય સરકારોને વધુ ફાયદો થયો છે. આ ભાવવધારા પછી ચેન્નઈમાં એક લિટર પેટ્રોલની કિંમત ૭૨.૭૩ રૃપિયા થઈ છે. તેમાંથી કેન્દ્ર સરકારને ૧૪.૭૮ રૃપિયા અને રાજ્ય સરકારને ૧૫.૯૩ રૃપિયા ટેક્સના રૃપમાં મળે છે. જો કેન્દ્ર અને રાજ્ય સરકારો તમામ વેરાઓ જતા કરે તો આજે પણ દેશમાં પેટ્રોલ ૪૨ રૃપિયે લિટરના ભાવે મળી શકે તેમ છે.
ભારતમાં ભાજપ અથવા તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં પેટ્રોલ ઉપરનો વેચાણ વેરો સૌથી વધુ છે. પંજાબમાં અકાલી દળના શાસનમાં પેટ્રોલ ઉપર ૩૨.૭૬ ટકા વેટ છે. કર્ણાટકમાં ભાજપનું શાસન છે તો પણ પેટ્રોલ ઉપર ૩૧.૨૫ ટકા વેટ છે. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર પેટ્રોલ ઉપર ૩૦.૦૪ ટકાના દરે વેટ વસૂલ કરે છે. તામિલનાડુમાં જયલલિતાની સરકાર પેટ્રોલ ઉપર ૨૭ ટકા વેટ વસૂલ કરે છે. ગુજરાતમાં પેટ્રોલ ઉપર ૨૫ ટકા વેટ વસૂલ કરવામાં આવે છે. ગુજરાત સરકારને પેટ્રોલ ઉપરના વેટમાંથી ઈ.સ. ૨૦૧૧-૧૨ ની સાલમાં ૧,૮૮૪ કરોડ રૃપિયાની જંગી કમાણી થઈ હતી. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં પેટ્રોલ પેદાશો પરના વેરાને કારણે ગુજરાત સરકારને થતી આવક ૬,૯૬૧ કરોડ રૃપિયાથી વધીને ૧૧,૮૨૩ કરોડ રૃપિયા ઉપર પહોંચી છે. ગુજરાતનો ભાજપ પક્ષ જો પેટ્રોલના ભાવવધારાનો વિરોધ કરતો હોય તો સૌથી પહેલાં તેણે નરેન્દ્ર મોદીની સરકાર સામે મોરચો માંડવો જોઈએ.
રાજ્ય સરકારો ધારે તો પેટ્રોલના ભાવ વધારામાં પ્રજાને રાહત આપી શકે છે. તાજેતરમાં દિલ્હી, કેરળ અને ઉત્તરાખંડની સરકારો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તાજેતરમાં પેટ્રોલના વેચાણ વેરામાં જે વધારો કરવામાં આવ્યો છે તેને તેઓ જતો કરશે. રાજ્ય સરકારોનાં આ નિર્ણયને કારણે પણ પ્રજાને પેટ્રોલના ભાવ વધારામાં લિટરે ૧.૨૫ થી ૧.૫૦ રૃપિયા જેટલી રાહત થશે. ગોવાને બાદ કરતાં કોઈ ભાજપશાસિત રાજ્ય આ વધારાની આવક પણ જતી કરવા તૈયાર નથી. કેન્દ્ર સરકારની નીતિ વગર પેટ્રો પેદાશો ઉપર જે જકાત નક્કી કરવામાં આવે છે એ એડ વેલોરમ નક્કી કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલની બેઝ પ્રાઈઝ વધારે એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઉઘરાવવામાં આવતી જકાતોમાં આપોઆપ વધારો થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ દૂઝણી ગાયની આવક જતી કરવા તૈયાર નથી.
કેન્દ્ર સરકાર કાયમ એવી બૂમરાણ મચાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના અને ડોલરના ભાવો વધી રહ્યા હોવાથી પેટ્રોલના ભાવો વધારવા જરૃરી છે. આ ગણતરી ગેરમાર્ગે દોરનારી છે. આજની તારીખમાં વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ આશરે ૧૦૦ ડોલર છે. એક ડોલર બરાબર ૫૬ ડોલર રૃપિયા ગણીને તો એક બેરલ ક્રૂડ ઓઈલ આપણને ૫,૬૦૦ રૃપિયામાં પડે છે. એક બેરલ ક્રૂડ ઓઈલમાંથી આશરે ૧૫૦ લિટર પેટ્રોલ પેદા થાય છે. આ કિંમતમાં રિફાઈનરીનો ખર્ચો, ટ્રાન્સપોર્ટ અને વેપારીનું કમિશન ઉમેરીએ તો એક બેરલની કિંમત ૬૭૨ રૃપિયા થાય છે. આ રીતે એક બેરલ અથવા ૧૫૦ લિટર પેટ્રોલ આપણને ૬,૨૭૨ રૃપિયામાં પડે છે. આ ગણતરી મુજબ એક લિટર પેટ્રોલની કિંમત આજની તારીખમાં પણ લિટરદીઠ માત્ર ૪૨ રૃપિયા જ હોવી જોઈએ, જે હકીકતમાં ૭૫ થી ૮૦ રૃપિયા છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો ત્યારે એવી દલીલ કરવામાં આવી હતી કે ડોલરના ભાવોમાં વધારો થયો છે અને રૃપિયાનું અવમૂલ્યન થયું છે, માટે પેટ્રોલના ભાવોમાં વધારો કરવાની ફરજ પડી છે. આ રજૂઆત પણ છેતરામણી છે. તાજેતરના મહિનાઓમાં ડોલરની કિંમત ૫૧ રૃપિયા પરથી વધીને ૫૬ રૃપિયા ઉપર પહોંચી છે, પણ તેની સામે ક્રૂડ ઓઈલના ભાવો ૧૨૦ ડોલર પરથી ઘટીને ૧૦૦ ડોલર થયા છે. રૃપિયાની કિંમતમાં જે હાનિ થઈ છે તેટલો લાભ ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડાને થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં કોઈ વધારો નથી થયો, તેમ છતાં તેમણે પેટ્રોલના ભાવ વધારી મૂક્યા છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હંમેશા એવી બૂમરાણ મચાવે છે કે તેમને પેટ્રોલના નીચા ભાવને કારણે અબજો રૃપિયાની ખોટ જાય છે. જેમના કહેવા મુજબ આ વર્ષે તેમના નફામાં સબસિડીને કારણે ૧,૨૯,૯૮૯ કરોડ રૃપિયાનો ઘટાડો થવાની સંભાવના છે. ડોલરના ભાવમાં ૧ રૃપિયાનો વધારો થાય છે તેના કારણે તેમના નફામાં ૮,૦૦૦ કરોડ રૃપિયાનો ઘટાડો થાય છે. ક્રૂડ ઓઈલના ભાવમાં એક ડોલરનો વધારો થાય છે ત્યારે તેમના નફામાં ૩,૦૦૦ કરોડ રૃપિયાનો ઘટાડો થાય છે, એમ તેમનું કહેવું છે. આ બધા દાવાઓ ગેરમાર્ગે દોરનારા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પ્રજા પાસેથી પેટ્રોલની જે કિંમત વસૂલ કરે છે તેના ૪૦ ટકા જેટલી રકમ તેઓ સરકારી તિજોરીમાં વિવિધ વેરાઓના રૃપમાં જમા કરાવે છે. જો તેઓ સરકારને આ ટેક્સ આપવાનો બંધ કરે અથવા ઓછો કરે તો પણ તેઓ ચિક્કાર કમાણી કરી શકે છે. આ કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને જે ખોટ જઈ રહી છે તેનું કારણ સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતા કમ્મરતોડ વેરાઓ છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓને જે આભાસી ખોટ જઈ રહી છે તેને કારણે તેઓ નવી રીફાઈનરીઓમાં મૂડીરોકાણ કરતાં ગભરાય છે. વળી તેમના પાસે મૂડીનો અભાવ રહેવાથી તેઓ દેશમાં ખનિજ તેલની શોધ માટે પણ પુરૃષાર્થ કરી શકતી નથી. જો દેશમાંથી ખનિજ તેલના નવા ભંડારો શોધી કાઢવામાં આવે તો વિદેશી કંપનીઓ ઉપર આપણે વધુ પડતો આધાર રાખવો પડે નહીં. બધી જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. તેનો નફો ચોપડામાં ઘટે તેને કારણે સરકારને નહીં પણ નાના શેરધારકોને ભારે નુકસાન થાય છે.
કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવમાં આકરો વધારો કર્યો તેને કારણે યુપીએ સરકારના સાથીપક્ષો નારાજ થયા હોવાનો દેખાવ કરે છે, પણ હકીકતમાં તેઓ અંદરથી ખુશ છે. ડીએમકેના કરૃણાનિધિએ પહેલા તામિલનાડુની પ્રજાની ચાહના મેળવવા પેટ્રોલના ભાવ વધારાના મુદ્દે કેન્દ્ર સરકારને ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપી હતી, પણ તેમણે તરત જ ફેરવી તોળ્યું હતું. કરૃણાનિધિની દીકરી કનિમોઝી ૨-જી કૌભાંડમાં ફસાયેલી હોવાથી કરૃણાનિધિ હાલના તબક્કે યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચવાની બહાદુરી બતાવી શકે તેમ નથી. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી ઘણા સમયથી કેન્દ્ર સરકારને ટેકો પાછો ખેંચવાનાં બહાનાંની શોધમાં હતાં. પેટ્રોલનો ભાવ વધારો જો ટેકો પાછો ખેંચવા હોય તો એ માટેનું આદર્શ બહાનું હતું. મમતા બેનરજી કોલકાતામાં પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં લાંબી પદયાત્રાની આગેવાની લીધી હતી. તેમ છતાં આ મુદ્દે તેમણે કેન્દ્રને આપેલો ટેકો પાછો ખેંચવાની તૈયારી બતાવી નથી. તેનું કારણ એ છે કે તાજેતરમાં પેટ્રોલના ભાવોમાં થયેલા વધારાને કારણે પશ્ચિમ બંગાળની સરકારની આવકમાં પણ અબજો રૃપિયાની વૃદ્ધિ થવાની છે. ભાજપશાસિત રાજ્યોની જેમ યુપીએના સાથીપક્ષો દ્વારા શાસિત સરકારે પણ પેટ્રોલ ઉપરના વેચાણ વેરામાં ઘટાડો કરીને પ્રજાને રાહત આપવાની દાનત ધરાવતી નથી.
જે રીતે કેન્દ્ર સરકારો દ્વારા છાશવારે પેટ્રોલના ભાવોમાં વધારો ઠોકી બેસાડવામાં આવે છે એ જોતાં પ્રજાએ હવે પેટ્રોલના અને ડિઝલના વિકલ્પો શોધી કાઢવા પડશે. આપણો મધ્યમ વર્ગ જો એમ નક્કી કરે કે એક કિલોમીટર અથવા તેથી ઓછા અંતરની મુસાફરી માટે પેટ્રોલ અથવા ડિઝલસંચાલિત વાહનોનો ઉપયોગ ન કરવો પણ પગનો ઉપયોગ કરવો તો અબજો રૃપિયા બચે અને પ્રજાનું આરોગ્ય પણ સુધરે તેમ છે.
હજી ૧૦ વર્ષ પહેલાં પાલીતાણા જેવાં શહેરોમાં માત્ર ઘોડાગાડીઓ જ ચાલતી હતી. તેનું સ્થાન આજે રીક્ષાઓએ લીધું છે. જો એક લાખથી ઓછી વસતિ ધરાવતાં ભારતનાં તમામ ગામડાંઓમાં અને શહેરોમાં રીક્ષાને બદલે ઘોડાગાડીનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવે તો પણ અબજો રૃપિયાની બચન થઈ શકે છે. કેન્દ્ર સરકારની નીતિઓ પ્રજાને વિદેશી કંપનીઓની ગુલામ બનાવીને તેનું શોષણ કરવાની છે. પ્રજા પોતે જે સંકલ્પ કરીને પેટ્રોલ-ડિઝલસંચાલિત વાહનોનો ઉપયોગ ઓછો કરે તો આ ભાવ વધારાની કાયમી પીડામાંથી બચી શકાય તેમ છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved