Last Update : 23-May-2012,Wednesday

 

ડેરી ઉદ્યોગની નફાખોરી સામે દૂધ ઉત્પાદકો રણે ચડયા છે

ઉત્તર ભારતની ડેરીઓ કિસાનો પાસેથી ૧૮ રૃપિયે લિટરના ભાવે દૂધ ખરીદીને તેને ૪૦ થી ૫૦ રૃપિયે લિટરના ભાવે બજારમાં વેચીને અઢળક કમાણી કરે છે

ભારતમાં ડેરી ઉદ્યોગની સ્થાપના કિસાનોને પૂરતું વળતર મળે અને શહેરોની પ્રજાને શુદ્ધ દૂધ મળે એ માટે કરવામાં આવી હતી. ડેરી ઉદ્યોગને જે વિકાસ થયો તેને શ્વેતક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ શ્વેતક્રાંતિને કારણે ગામડાંમાં રહીને પશુપાલન કરતાં ખેડૂતોની આવક વધી છે, પણ તેઓ સંગઠિત ડેરી ઉદ્યોગના શોષણનો ભોગ બન્યા છે. દેશમાં જ્યારે ડેરીઓ નહોતી ત્યારે ગામડાંનું દૂધ ગામડાંમાં રહેતું હતું, જેમાંથી આબાલવૃદ્ધને પોષણ મળતું હતું. હવે ડેરીઓને કારણે આ દૂધ શહેરોમાં ખેંચાઈ જવાને કારણે ગામડાંની પ્રજા અપોષણનો ભોગ બની રહી છે. દૂધનું વેચાણ કરવાને કારણે ગામડાંના લોકોના હાથમાં જે રૃપિયા આવે છે તેમાંથી તેઓ ટીવી અને ફ્રીજ ખરીદે છે, પણ તેમને જે પોષણ મળતું હતું એ બંધ થઈ જાય છે. તેમ છતાં ગોપાલકો પૈસાની લાલચમાં ડેરીમાં દૂધ આપતાં હતાં. હવે ડેરી ઉદ્યોગે એટલી બધી નફાખોરી કરવા માંડી છે કે તેને કારણે કિસાનો રોષે ભરાયા છે. પંજાબ અને હરિયાણાના કિસાનો સરકારી અને ખાનગી ડેરીઓની નફોખોરી સામે એક મહિનાથી આંદોલન કરી રહ્યા છે. તેમણે પોતાનું દૂધ ડેરીમાં આપવાનું બંધ કર્યું છે અને તેઓ જાહેરમાં દૂધની થેલીઓની હોળી કરી રહ્યા છે.
પંજાબ અને હરિયાણાના કિસાનો દિલ્હીની આજુબાજુ આવેલી ડેરીઓને રોજનું આશરે ૨૦ લાખ લિટર દૂધ વેચે છે. તેની સામે સરકારી અને ખાનગી ડેરીઓના માલિકો રોજનું ૬૦ લાખ લિટર દૂધ બજારમાં વેચે છે. દૂધ ઉત્પાદકો સરકારને સીધો સવાલ કરે છે કે બાકીનું ૪૦ લાખ લિટર દૂધ ક્યાંથી આવે છે? તેનો જવાબ આપતાં આંદોલન કરી રહેલા કિસાનો કહે છે કે ડેરીના માલિકો કિસાનો પાસેથી ખરીદેલા દૂધમાંથી ઘી કાઢી લે છે અને તેમાં વિદેશથી આયાત કરવામાં આવેલ સસ્તા પાવડરની મિલાવટ કરીને નકલી દૂધ બનાવે છે. તેઓ કિસાનો પાસેથી આઠથી દસ ટકા ફેટ ધરાવતું દૂધ ૧૮ રૃપિયે લિટરના ભાવે ખરીદે છે અને તેમાંથી ફેટ કાઢીને છ ટકા ફેટ ધરાવતું દૂધ બજારમાં ૪૦થી ૫૦ રૃપિયે લિટરના ભાવે વેચે છે. એક બાજુ ઘાસચારાના અને પશુખાણના ભાવો સતત વધી રહ્યાં છે. ડેરીના સંચાલકો છાશવારે ભાવ વધારે છે. આ ભાવવધારાનો લાભ કાળી મજૂરી કરીને દૂધનું ઉત્પાદન કરતાં કિસાનોને નથી મળતો પણ ડેરીના માલિકોને મળે છે. આ કારણે કિસાનો રોષે ભરાયા છે. તેઓ દિલ્હી તરફ દૂધ લઈને આવતી ટ્રકોને અટકાવી રહ્યા છે અને પોલીસ તેમની ધરપકડ કરી રહી છે.
ઉત્તર ભારતના દુધ ઉત્પાદકોનો આક્ષેપ છે કે ડેરીઓ તેમની સાથે વાર્ષિક છ લાખ કરોડ રૃપિયાની છેતરપિંડી કરી રહી છે. દિલ્હીની ડેરીઓ ઈ.સ. ૨૦૧૧ના ઉનાળામાં કિસાનો પાસેથી ૩૨ રૃપિયે લિટરના ભાવે દૂધ ખરીદતી હતી. તેમણે નવેમ્બર મહિનામાં દૂધનો ભાવ ઘટાડીને ૧૮ રૃપિયા કરી નાંખ્યો હતો, કારણ કે શિયાળામાં દૂધનું ઉત્પાદન વધી જાય છે. તેમ છતાં આ ભાવઘટાડાનો લાભ ગ્રાહકોને આપવામાં નહોતો આવ્યો. કિસાનો કહે છે કે ડેરીવાળા તેમની પાસેથી ૧૮ રૃપિયાના ભાવે દૂધ ખરીદે છે. તેમને ટ્રાન્સપોર્ટનો ખર્ચ લિટરદીઠ ૩૦ પૈસા આવે છે અને દૂધનું પ્રોસેસિંગ કરવાનો ખર્ચ ૪૨ પૈસા આવે છે. આ રીતે ૨૦ રૃપિયે લિટર પડતરનું દૂધ તેઓ ૪૦ રૃપિયાના ભાવે વેચે છે. જ્યારે દૂધનો પુરવઠો ઘટી જાય છે ત્યારે પણ ડેરીઓના ઉત્પાદનમાં કોઈ ઓટ આવતી નથી, જે સૂચવે છે કે ડેરીઓ નકલી દૂધનું ઉત્પાદન કરે છે.
એક સમયે ભારતના ભેળસેળ વિરોધી કાયદા હેઠળ કોઈપણ વેપારી દૂધમાં પાણીની અથવા પાવડરની ભેળસેળ કરે તો તેને જેલની સજા થતી હતી અને તેનું દૂધ વેચવાનું લાઈસન્સ રદ્દ કરવામાં આવતું હતું. સરકારી અને ખાનગી ડેરીઓ દૂધમાં ભેળસેળ કરી શકે એ માટે આ કાયદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સુધારેલા કાયદા મુજબ કોઈ ડેરી જો ટોન્ડ દૂધ પાવડરમાંથી બનાવીને વેચે તો તેને કોઈ સજા થતી નથી. આવી રીતે ગાયના કે ભેંસના શુદ્ધ દૂધમાંથી ઘી કાઢીને બાકીના દૂધમાં પાવડર ભેળવીને તેને 'સ્ટાન્ડર્ડ' દૂધના નામે વેચવામાં આવે તો પણ કોઈ સજા થતી નથી. મહારાષ્ટ્રની ૨૨ ખાનગી ડેરીઓ તેમના દ્વારા વેચવામાં આવતા દૂધમાં મોટા પાયે ભેળસેળ કરતી હોવાની વાત બહાર આવી હતી. મહારાષ્ટ્રના એફડીએ અધિકારીઓ દ્વારા આ ડેરીઓના કારોબારની તપાસ કરવામાં આવતાં ચોંકાવનારી વાતો બહાર આવી હતી.
મહારાષ્ટ્રના એફડીએ અધિકારીઓ પુણેથી ૪૦ કિલોમીટર દૂર આવેલી એલ.વી. ડેરીમાં ત્રાટક્યા ત્યારે તેમણે દૂધમાં ભેળસેળ કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર પકડી પાડયું હતું. આ ડેરીના ચોપડાઓ તપાસતા જાણવા મળ્યું કે તેઓ રોજનું ૧૭,૦૦૦ લિટર દૂધ ખરીદતા હતા, પણ ૨૨,૦૦૦ લિટર દૂધ વેચતા હતા. તફાવતનું ૫,૦૦૦ લિટર દૂધ તેઓ કેમિકલ્સમાંથી બનાવતા હતા. આ દરોડામાં દૂધમાં ભેળસેળ કરવા માટેના ૯૬ લાખ રૃપિયાની કિંમતના કેમિકલ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ડેરીના સંચાલકો યુરિયા અને ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરીને દૂધ બનાવતા હતા અને બજારમાં વેચતા હતા. આ ડેરીનું લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યું હતું. એક હેવાલ મુજબ મહારાષ્ટ્રની ૨૨ ખાનગી ડેરીઓ આ રીતે દૂધની ભેળસેળ કરવાનું કૌભાંડ ચલાવે છે, પણ એફડીએના અધિકારીઓ તેમની સામે પગલાં લેવામાં સંકોચ અનુભવે છે.
અમેરિકામાં હમણાં હમણાં ડેરીના દૂધ સામે વ્યાપક ઝુંબેશ શરૃ થઈ છે. આ ઝુંબેશના પ્રણેતાઓ લોકો ડેરીનું વાસી દૂધ પીવાને બદલે ગાય કે ભેસનું તાજું દૂધ પીવાની સલાહ આપી રહ્યા છે. તેમની દલીલ એવી છે કે ડેરીમાં દૂધ ઉપર કરવામાં આવતી પેસ્ચ્યુરાઈઝેશનની પ્રોસેસને કારણે દૂધમાં જે પૌષ્ટિક પદાર્થો અને મિનરલ્સ હોય છે તેનો નાશ થાય છે. અમેરિકાનાં મોટાં ભાગનાં રાજ્યોમાં કાચું દૂધ વેચવા ઉપર પ્રતિબંધ છે અને માત્ર ડેરીનું દૂધ વેચવાની જ છૂટ છે. આ ઝુંબેશના પ્રણેતાઓ સરકાર ઉપર દબાણ લાવીને કાચા દૂધ ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની માગણી કરી રહ્યા છે. આ બાબતમાં તેમને આઠ રાજ્યોમાં સફળતા મળી છે. આ રાજ્યો દ્વારા કાચા દૂધના વેચાણ ઉપરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. બાકીના રાજ્યોમાં આ ઝુંબેશમાં જોડાયેલા લોકો કાયદાનો ભંગ કરીને પણ તાજું દૂધ પીએ છે. તેમની દલીલ એવી છે કે તાજા દૂધમાં જે સ્વાદ અને સોડમ આવે છે એ ડેરીના દૂધમાં આવી શકતી નથી, કારણ કે ડેરીનું દૂધ ૨૪ થી ૩૬ કલાકનું વાસી હોય છે. અમેરિકાના અમુક ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં પણ હવે ગાયનું કે ભેંસનું તાજું દૂધ અલગ કાઉન્ટર પર મળવા લાગ્યું છે.
ડેરીના દૂધનો વિરોધ કરનારાઓ કહે છે ગાયના કે ભેંસના તાજા દૂધમાં આપણા શરીરને ફાયદો કરે તેવા ઉપકારી બેક્ટેરિયા અને પ્રોટીન્સ પણ મોટા પ્રમાણમાં હોય છે. પેસ્ચ્યુરાઈઝેશનની પ્રક્રિયા દરમિયાન દૂધને ગરમ કરવાથી આ ફાયદાકારક બેક્ટેરિયા, પ્રોટીન્સ અને પાચક રસોનો નાશ થાય છે. તેને બદલે જો ધારોષણ દૂધનું પાન કરવામાં આવે તો આ બધા લાભકારક પદાર્થો શરીરમાં જાય છે અને આરોગ્યને ફાયદો થાય છે. અમેરિકામાં ઘણા લોકોને દૂધની એલર્જી હોવાથી ડોક્ટર તેમને દૂધ પીવાની મનાઈ ફરમાવતા હોય છે. આવા લોકો પણ ગાયનું તાજું દૂધ પીએ તો તેમને એલર્જી થતી નથી. તેનો મતલબ એ થયો કે એલર્જીનું કારણ દૂધ નહીં પણ તેમાં મેળવવામાં આવતાં કેમિકલ્સ હતાં.
અમેરિકાની જેમ આયર્લેન્ડમાં પણ ડેરીના દૂધને બદલે ગાય-ભેંસનું તાજું દૂધ પીવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. આયર્લેન્ડની સરકારે ઈ.સ. ૧૯૯૬માં ડેરીના દૂધ સિવાય કોઈ પણ દૂધ વેચવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેનો અનેક કિસાનો અને આરોગ્યના નિષ્ણાતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઈ.સ. ૨૦૦૬માં આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો ત્યારે ડેરી ઉદ્યોગનો ગરાસ લૂંટાઈ ગયો હતો. તેણે સરકાર ઉપર દબાણ લાવીને એક નવો કાયદો તૈયાર કરાવ્યો છે, જે મુજબ કાચું દૂધ વેચવું ગુનો ગણાશે. આયર્લેન્ડની અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ આ સૂચિત કાયદા સામે લડત આપી રહી છે. ઈ.સ. ૨૦૦૮માં આ બાબતમાં આયર્લેન્ડમાં જાહેર સુનાવણી યોજવામાં આવી ત્યારે ઘણી સંસ્થાઓ દ્વારા કાચા દૂધના વેચાણ પરના સૂચિત પ્રતિબંધનો વિરોધ કરવામાં આવ્યો હતો. આયર્લેન્ડમાં આજે પણ કાચું દૂધ વેચવું ગેરકાયદે નથી.
ભારતમાં પરિસ્થિતિ અલગ છે. ભારતનાં ગામડાંમાં રહેતા કરોડો લોકો તો આજે પણ ગાયના ભેંસના તાજા દૂધનો ઉપયોગ કરી રહ્યા છે. શહેરોમાં રહેતા લોકો ચાહે તો પણ તેમને તાજું દૂધ મળી શકતું નથી. તેઓ ડેરીના જે દૂધને શુદ્ધ સમજીને પીએ છે તેમાં અનેક પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હોય છે. ભારતના ગ્રાહકો આ બાબતમાં સજાગ નથી એટલે તેઓ ડેરીના સંચાલકો સામે કેસ કરતા નથી. ભારતનું એફડીએ તંત્ર પણ એટલું કાર્યક્ષમ નથી કે આ રીતે ભેળસેળ કરતાં ડેરીના સંચાલકો સામે પગલાં લે. હવે આ ડેરીઓને દૂધનો પુરવઠો આપતા કિસાનો જાગ્યા છે. ઉત્તર ભારતના કિસાનોએ તો ડેરીને આપવામાં આવતું દૂધ સદંતર બંધ કરવાની હાકલ કરી છે. આ આંદોલન હવે દક્ષિણ ભારતમાં પણ પ્રસરી રહ્યું છે. આ બાબતમાં સરકારે સક્રિય બનીને કિસાનોનું ડેરીઓ દ્વારા થતું શોષણ અટકાવવું જોઈએ.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved