ઉપરની ગટરના પાણી વહેતી તસ્વીર કોઇ રહેણાક વિસ્તારની નથી પરંતુ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પ્રવેશવાની જગ્યાની છે. ટ્રોમા સેન્ટર એ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેનું મુખ્ય સેન્ટર છે. કોઇપણ ઘટના બને તો સૌથી પહેલાં ઘવાયેલને કે માંદગીના દર્દીને આ સેન્ટરમાં લાવવામાં આવે છે. પરંતુ આ એક આઘાતજનક વાત છે કે ટ્રોમા સેન્ટરના પ્રવેશ વિસ્તારને અડીને જ ગટરનાં પાણી વહે છે. દર્દીઓના સગા જ આ વાતની ગંભીર નોંધ લે છે. આટલી મોટી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના પ્રવેશનો સમગ્ર વિસ્તાર ખૂબ જ ચોખ્ખો ચટ હોવો જોઇએ. સિવિલ હોસ્પિટલના તંત્રએ આ વાતની ગંભીર નોંધ લેવી જોઇએ. એશિયાની સૌથી મોટી ગણાતી આ હોસ્પિટલમાં અનેક અત્યંત આધુનિક સુવિધાઓ છે. પરંતુ ટ્રોમા સેન્ટરની બહાર જ પગથીયા પાસેથી વહેતું ગંદુ પાણી નકારાત્મક છબી ઊભી કરે છે. તંત્ર પાસે પૈસાની ખોટ નથી. તો પછી આવી પરિસ્થિતિ ઊભી જ ન થવી જોઇએ. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)