Last Update : 22-May-2012,Tuesday

 

'ઈન્ડિયન પાપી લિગ' નો કારોબાર કાળાં નાણાંથી જ ચાલે છે

ક્રિકેટની રમતને ભ્રષ્ટાચાર, વ્યભિચાર અને અનાચારના સકંજામાંથી મુક્ત કરવી હશે તો ઈન્ડિયન પ્રિમિયર લિગને અરબી સમુદ્રમાં પધરાવી દેવી પડશે

ઈન્ડિયન પ્રિમિયર લિગને લોકો હવે મજાકમાં ઈન્ડિયન પ્રોબ્લેમ લિગ અથવા ઈન્ડિયન પાપી લીગ તરીકે ઓળખાવી રહ્યા છે. એક જ અઠવાડિયામાં ઉફરાછાપરી બનેલી ત્રણ ઘટનાઓને કારણે ઈન્ડિયન પ્રિમિયર લિગમાં ચાલતા સૌભાંડો સપાટી ઉપર આવી ગયાં છે.
પહેલું પ્રકરણ આઈપીએલમાં રમતા પાંચ ખેલાડીઓનું સ્ટીંગ ઓપરેશન થયું હતું, જેમાં તેમણે સ્પોટ ફિક્સીંગ ઉપરાંત કાળાં નાણાંના કારોબારની પણ ચોંકાવનારી વિગતો આપી હતી. આ નાણાંની લેવડદેવડમાં સચિન, સહેવાગ અને ધોની જેવા સ્ટાર ખેલાડીઓ પણ સંડોવાયા હોવાની સંભાવના છે. આ ગંભીર બાબત વિશે કાંઈક વિચારવાનો મોકો મળે તે પહેલાં વાનખેડે સ્ટેડિયમમાં શાહરૃખ ખાનનું પ્રકરણ ગાજ્યું હતું.
આ પ્રકરણને ક્રિકેટ બોર્ડ દ્વારા બિનજરૃરી રીતે ચગાવવામાં આવ્યું હતું, જેને લીધે લોકો કાળાં નાણાંના વહીવટના ગંભીર પ્રકરણને ભૂલી જાય. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર દ્વારા અમેરિકન યુવતીની છેડતીના પ્રકરણ ચગાવવા પાછળ પણ ક્રિકેટસિકોને ગેરમાર્ગે દોરવાનો જ આશય હતો. આઈપીએલનો પ્રારંભ થયો ત્યારથી આ પ્રકારની છેડતીની અને વ્યાભિચારની ઘટનાઓ બન્યા કરે છે. આઈપીએલએ ખેલાડીઓને ચીયરલિડર છોકરીઓ અને મોડેલો સાથે વ્યભિચાર કરવાનું પ્લેટફોર્મ પુરું પાડયું છે. આ વાતાવરણમાં એમેરિકન યુવતીને ફરિયાદ ઉશ્કેરવા પાછળ પણ સ્ટાર ખેલાડીઓ દ્વારા થતી અબજો રૃપિયાની કાળાં નાણાંની ફેરફારી તરફથી લોકોનું ધ્યાન બીજે દોરવાની રમત જ જણાઈ રહી છે.
ઈન્ડિયન પ્રિમિયર લિગનો ઢાંચો જ એવી રીતે ગોઠવવામાં આવ્યો છે કે તેમાં કાળાં નાણાંના વિનિમય સિવાય સ્ટાર ખેલાડીઓની ખરીદી કરી શકાય તેમ જ નથી. આઈપીએલનો નિયમ છે કે દરેક ટીમ ખેલાડીઓની ખરીદી પાછળ વધુમાં વધુ ૯૦ લાખ ડોલરનો જ ખર્ચો કરી શકે. બીજો નિયમ એવો છે કે એક ખેલાડીની ખરીદી પાછળ ૨૦ લાખ ડોલર કરતાં વધુ ખર્ચ કરી શકાય નહીં. હવે ૨૦ લાખ ડોલર એટલે આજના ભાવે આશરે ૧૧ કરોડ રૃપિયા થયા. જ્યારે રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની કિંમત ૨૦ લાખ ડોલર આંકવામાં આવતી હોય ત્યારે સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ અને મહેન્દ્રસિંહ ધોની જેવા ખેલાડીઓની ઓછામાં ઓછી કિંમત ૪૦ થી ૫૦ લાખ ડોલર હોવી જોઈએ, પણ ઈન્ડિયન પ્રિમિયર લિગના નિયમો સ્ટાર ખેલાડીઓ માટે પણ ૨૦ લાખ ડોલરથી વધુ રકમ ચૂકવવાની પરવાનગી આપતા નથી. પરિણામે સ્ટાર ખેલાડીઓ માટે પેપર ઉપર ૨૦ લાખ ડોલરની અંદર સોદો થાય છે, પણ તેમને બાકીના ૨૦ થી ૩૦ લાખ ડોલર બે નંબરમાં ચૂકવવામાં આવે છે. સ્ટાર ખેલાડીઓ જો ૨૦ લાખ ડોલરમાં કામ કરવા તૈયાર થાય તો તેમનું અવમૂલ્યન ગણાય છે, જો તેઓ વધુ રકમ સ્વીકારે તો તેઓ બ્લેક મનીને પ્રોત્સાહન આપે છે. આ રીતે સ્ટાર ખેલાડીઓને ભ્રષ્ટ કરવાની યંત્રણા આઈપીએલમાં ઊભી કરવામાં આવી છે.
આઈપીએલમાં કોઈ પણ ટીમને ખેલાડીઓની ખરીદી માટે કુલ ૯૦ લાખ ડોલરનું બજેટ આપવામાં આવ્યું છે એ પણ ભ્રષ્ટાચારની ગંગોત્રી છે. જ્યારે સચિન અને સહેવાગ જેવા ખેલાડીઓ ૪૦ કે ૫૦ લાખ ડોલર સિવાય ખરીદી ન શકાતા હોય ત્યારે ૧૨ કે ૧૬ ખેલાડીઓની ખરીદી માટે નક્કી કરવામાં આવેલું ૯૦ લાખ ડોલરનું બજેટ એકદમ અપર્યાપ્ત જ ગણાય. એક સારી ટીમ બનાવવા માટે ઓછામાં ઓછા ૨૦૦ લાખ ડોલરના બજેટની જરૃર પડે છે. ટીમના માલિકો ૯૦ લાખ ડોલર વ્હાઈટમાં ખર્ચે છે અને બાકીના ૧૧૦ લાખ ડોલર બ્લેકમાં ચૂકવે છે. આ રીતે આઈપીએલના માધ્યમથી દેશમાં કાળાં નાણાંના ઘોડાપુર આવી રહ્યાં છે, જે ખેલાડીઓને ભ્રષ્ટ કર્યા વિના રહેતા નથી. એક ટીમની ખરીદી માટે માત્ર ૯૦ લાખ ડોલરની ટોચમર્યાદા રાખવામાં આવી હોવાથી અમુક સ્ટાર ખેલાડીઓ પાછળ ૨૦ લાખ ડોલરનો ખર્ચો માન્ય હોવા છતાં ટીમના માલિકો પેપર ઉપર એટલો ખર્ચો બતાવતા નથી. તેનું શ્રેષ્ઠ ઉધાહરણ વેસ્ટ ઈન્ડીઝનો સ્ટાર બેટ્સમેન ક્રીસ ગેઈલ છે. ક્રીસ ગેઈલની ખરીદી માટે ૨૦ લાખ ડોલરની ટોચમર્યાદા હતી તો પણ બેંગ્લોરની ટીમે તેને માત્ર ૬.૫૦ લાખ ડોલરની ખરીદી લીધો હતો. આઈપીએલની કોઈ પણ ટીમ તેને આ રકમ કરતાં ચાર ગણી રકમ આપવા તૈયાર હતી, તેમ છતાં ક્રીસ ગેઈલે બેંગ્લોરમાં રહેવાનું પસંદ કર્યું કારણ કે તેને બ્લેકમાં ડોલર મળ્યા હતા. આ ડોલર કદાચ તેના વિદેશી એકાઉન્ટમાં બારોબાર જમા કરાવવામાં આવ્યા હોય તેવું પણ બની શકે છે.
આઈપીએલમાં એવા પણ કેટલાક ખેલાડીઓ છે, જેમનું લિલામ કરવામાં નથી આવતું પણ જેમને ફિક્સ કિંમત આપીને ખરીદવામાં આવે છે. આ ખેલાડીઓને ખરીદવા માટે માત્ર ૩૦ લાખ રૃપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે. હકીકતમાં કોઈ નવોદિત ખેલાડી પણ માત્ર ૩૦ લાખ રૃપિયામાં કામ કરવા તૈયાર નથી થતો. તેને બાકીની રકમ બે નંબરમાં આપીને મનાવવામાં આવે છે. ઈન્ડિયા ટીવીના સ્ટીંગ ઓપરેશનમાં મોહનીશ મિશ્રા નામના નવોદિત ખેલાડીએ કબૂલ કર્યું હતું કે તેને પુણેની ટીમ દ્વારા કુલ ૧.૫૦ કરોડ રૃપિયામાં ખરીદવામાં આવ્યો છે, જેમાંના ૩૦ લાખ રૃપિયા ચેકથી ચૂકવવામાં આવશે અને ૧.૨૦ કરોડ રૃપિયા કાળાં નાણાંના રૃપમાં ચૂકવવામાં આવશે. મોહનીશ મિશ્રાના સ્ટીંગ ઓપરેશનનો અહેવાલ જેવા બહાર આવ્યો કે તરત જ પુણેની ટીમના માલિક સહારા ઈન્ડિયા દ્વારા ખુલાસો બહાર પાડવામાં આવ્યો હતો કે તેઓ કોઈ ખેલાડીને કાળાં નાણાંમાં ચૂકવણી કરતાં નથી. આ ઉતાવણ જ તેમની ભયભીતતાની ચાડી ખાતી હતી. મોહનીશ મિશ્રાએ ટીવીની ચેનલના રિપોર્ટરને કહ્યું હતું કે બધા ખેલાડીઓ કાળાં નાણાં સ્વીકારે છે, જેની બધાને ખબર છે. બીસીસીઆઈ અથવા ઈન્કમ ટેક્સના સત્તાવાળાઓને આ જાહેર ખાનગી વાતની જાણ ન હોય તે સંભવિત નથી. સ્ટીંગ ઓપરેશનને પગલે ઈન્કમ ટેક્સના સત્તાવાળાઓ શું પગલાં લે છે એ જોવાનું રહે છે.
ભારતના સંરક્ષણ સોદાઓમાં જેમ વચેટિયાઓની બોલબાલા છે તેમ ઈન્ડિયન પ્રિમિયર લિગની ટીમમાં સ્થાન મેળવવા માટે અને યોગ્ય રકમ મેળવવા માટે એજન્ટોની સેવાની જરૃર પડે છે. આ એજન્ટો એટલા પાવરફુલ હોય છે કે ટીમના માલિકો, કેપ્ટન અને મેનેજરને પણ તેઓ પ્રભાવિત કરી શકે છે. હવે તો ભારતની ટીમમાં સિલેક્ટ થવા માટે પણ એજન્ટની જરૃર પડે છે. આ એજન્ટનો પ્રભાવ સિલેક્ટરો ઉપર પણ પડતો હોય છે. જે ખેલાડી પાસે ટેલેન્ટ હોય પણ સારો એજન્ટ ન હોય તેને રાષ્ટ્રીય ટીમમાં જલ્દી સ્થાન મળતું નથી. તેથી વિરૃદ્ધ ખેલાડીમાં પ્રતિભા ઓછી હોય પણ તેનો એજન્ટ પહોંચેલો હોય તો તેને આઈપીએલની અને ભારતની ટીમમાં પણ સહેલાઈથી સ્થાન મળી જાય છે.
સ્ટાર ખેલાડીઓને ટીવીની જાહેરખબરમાંથી જે કમાણી થાય છે તેની પણ તપાસ કરવાની જરૃર છે. તે માટે જેટલી રકમની જાહેરાત કરવામાં આવે છે તેના કરતાં ક્યાંય વધુ રકમ ખેલાડીને બે નંબરમાં ચૂકવવામાં આવતી હોવાની સંભાવના છે, જેના ઉપર સ્ટાર ખેલાડીએ ટેક્સ ભરવાનો રહેતો નથી. ઘણી વખત આ કંપનીઓ દ્વારા ખેલાળીને રોકડા રૃપિયાને બદલે બે કે ત્રણ કરોડ રૃપિયાની લકઝરી કાર ગિફ્ટના રૃપમાં આપવામાં આવે છે. આ કાર ઉપર ભારતના કસ્ટમ સત્તાવાળાઓ આયાત જકાત પણ માફ કરે છે. થોડા સમય પછી આ સ્ટાર ખેલાડી પોતાને ગિફ્ટમાં મળેલી લકઝરી કાર ચૂપકીદીથી વેચીને રૃપિયા રોકડા કરી લે છે, ત્યારે પણ તેની પાસે કસ્ટમ ડયૂટી માંગવામાં આવતી નથી. હવે તો સ્ટાર ખેલાડીઓથી માંડીને નવોદિત ખેલાડીઓ ટીવીની જાહેરખબરોમાં તેમને ચમકવા મળે એ માટે એજન્ટો રાખે છે. આ એજન્ટોને ખબર છે કે જે ખેલાડીને ભારતની ટીમમાં સ્થાન મળશે તેને જ જાહેરખબરો મળવાની છે. એટલે આ એજન્ટ પોતાના કલાયન્ટ ખેલાડીને ભારતની ટીમમાં સ્થાન મળે એ માટે પણ ખટપટ કરે છે. અમુક સિલેક્ટરો આ એજન્ટો પાસેથી લાંચ લઈને તેમના કલાયન્ટોને ટીમમાં લઈ પણ લે છે. એમ કહેવાય છે કે ભારતના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો જે એજન્ટ છે એ બીજા ત્રણ ભારતીય ખેલાડીઓનો પણ એજન્ટ છે. સ્વાભાવિક રીતે ધોનીનો ઉપયોગ કરીને આ એજન્ટ પોતાના કલાયન્ટ ખેલાડીઓને ટીમમાં પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. હવે તો ઘણા ખેલકૂદ પત્રકારો અને ભૂતપૂર્વ ક્રિકેટરો પણ એજન્ટની ભૂમિકા ભજવવા લાગ્યા છે. તેમને યોગ્ય સમયે યોગ્ય બટન દબાવતા આવડે છે.
આઈપીએલની ટીમોમાં મુંબઈ, બેંગ્લોર અને ચેન્નઈની ટીમ સૌથી વધુ શ્રીમંત ગણાય છે, કારણ કે તેમના માલિકો અઢળક સંપત્તિ અને તેને ખર્ચવાની ક્ષમતા પણ ધરાવે છે. આ કારણે આ ટીમોમાં બ્લેક મનીનું સૌથી વધુ ટર્નઓવર જોવા મળે છે. સૌથી વધુ સ્ટાર ખેલાડીઓને રમાડવાની ક્ષમતા પણ આ ત્રણ ટીમો જ ધરાવે છે. મુંબઈ અને બેંગ્લોરની ટીમના માલિકો માટે કાળાં નાણાંની વ્યવસ્થા કરવી એ ડાબા હાથનો ખેલ છે.
આજે ભારતીય ક્રિકેટમાં એવો કોઈ ખેલાડી ભાગ્યે જ હશે, જેને કાળાં નાણાં સ્વીકારવામાં સંકોચ થતો હોય. જે ખેલાડીને કરોડો રૃપિયાનું કાળું નાણું સ્વીકારવામાં જરા પણ સંકોચ ન થતો હોય તેને દેશભક્ત માનવામાં આવે છે અને યુવાનો તેને આદર્શ માને છે.
ઈન્ડિયન પ્રિમિયર લિગ હવે પૂરા અર્થમાં ઈન્ડિયન પાપી લિગ બની ગઈ છે. તેમાં મેચ ફિક્સીંગથી માંડીને બ્લેક મની અને રેવ પાર્ટીઓથી માંડીને વ્યભિચારનાં દૂષણો ઘૂસી ગયાં છે. ભારતના સ્ટાર ખેલાડીઓને પણ ભ્રષ્ટ કરવાનું આ પાપ આ લિગે કર્યું છે. ક્રિકેટની રમત જેન્ટલમેનોની રમત ગણાતી હતી. ઈન્ડિયન પ્રિમિયર લિગે તેને માફિયાઓ, જુગારીઓ અને વ્યભિચારીઓની રમત બનાવી દીધી છે. જો ક્રિકેટની રમતે ગરિમા જાળવવી હશે તો પણ તેને ઈન્ડિયન પ્રિમિયર લીગના સકંજામાંથી છોડાવવી પડશે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved