Last Update : 16-May-2012, Wednesday

 

એર ઈન્ડિયાના કર્મચારીઓ પોતાના જ પગ ઉપર કુહાડો મારી રહ્યા છે

ઈન્ડિયન એરલાઈન્સ અને એર ઈન્ડિયાનું વિલીનીકરણ થયું તે પછી નવી કંપનીએ પાંચ વર્ષમાં ૪૬,૦૦૦ કરોડ રૃપિયાની ખોટ કરી છે

તમે એવી કોઈ એરલાઈન્સનું નામ સાંભળ્યું છે, જેમાં ઉતારુઓની સંખ્યા વધી રહી હોય, ભાડાંઓ વધી રહ્યાં હોય એને સાથે સાથે ખોટ પણ વધી રહી હોય? તમે એવી કોઈ સંસ્થાનું નામ સાંભળ્યું છે, જેના સભ્યો હથોડાઓ લઈને પોતે જે મકાનમાં રહેતાં હોય તેને જ તોડવાની કોશિષ કરી રહ્યા હોય? આ કંપની અથવા સંસ્થા ભારતની રાષ્ટ્રીય એરલાઈન્સ તરીકેનું ગૌરવ ધરાવતી એર ઈન્ડિયા છે. આજની તારીખમાં એર ઈન્ડિયાના કર્મચારીઓ, તેનો મેનેજરો અને તેની માલિકી કેન્દ્ર સરકાર જ તેને ખતમ કરવાનો પુરૃષાર્થ કરી રહી છે. એર ઈન્ડિયાના પાઈલોટો અને કર્મચારીઓ તેને સોનાના ઇંડાં આપતી મુરઘી સમજે છે. તેઓ ઇંડાંની રાહ જોવાને બદલે મુરઘીને જ મારવાની તૈયારી કરી રહ્યા છે. જાણકારો કહે છે કે આજથી પાંચ વર્ષ અગાઉ ઈન્ડિયન એરલાઈન્સ અને એર ઈન્ડિયાનું વિલીનીકરણ કરવામાં આવ્યું તેમાંથી સમસ્યાઓનો પ્રારંભ થયો હતો. ઈ.સ. ૨૦૦૭ની સાલમાં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન ખાતાંએ આપણને કહ્યું કે ઈન્ડિયન એર લાઈન્સ અને એર ઈન્ડિયા ખોટમાં ચાલી રહ્યા છે, કારણ કે તેઓ એકબીજા સાથે સ્પર્ધામાં છે. જો તેમનું વિલીનીકરણ કરવામાં આવશે તો તેમના વચ્ચેની સ્પર્ધાનો અંત આવશે અને બંને કંપનીઓને લાભ થશે. આ થિયરી સાચી માનીને બંને એરલાઈન્સોનું વિલીનીકરણ કરવામાં આવ્યું. તેને પરિણામે જે કંપની પેદા થઈ એ વિમાનોની અને કર્મચારીઓની સંખ્યાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી એર લાઈન્સ બની હતી. પરંતુ દુર્ભાગ્ય એ વાતનું હતું કે આજે પાંચ વર્ષ પછી પણ આ કંપનીના કર્મચારીઓ હળીમળીને રહેવાને બદલે એકબીજાના પ્રતિસ્પર્ધી હોય એવી રીતે વર્તી રહ્યા છે. એર ઈન્ડિયામાં વર્તમાનમાં જે ગંભીર કટોકટી પેદા થઈ છે તેના મૂળમાં કર્મચારીઓમાં ચાલી રહેલી આ યાદવાસ્થળી છે.
ઈન્ડિયન એરલાઈન્સ અને એર ઈન્ડિયાનું વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારે એમ માનવામાં આવતું હતું કે તેઓ બંને ભેગી થઈને દુનિયાની મોટી મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરશે, જેનો લાભ નવી કંપનીને થશે. આ વખતે એવી દલીલ કરવામાં આવતી હતી કે જો આ નવી કંપની માટે અદ્યતન વિમાનો ખરીદવામાં આવે તો તે વિશ્વની મોટી એરલાઈન્સો સાથે સ્પર્ધામાં ઉતરી શકે. કેન્દ્ર સરકારે આ દલીલ તેની ફેસ વેલ્યૂ પર સ્વીકારી લીધી અને અબજો ખર્વો રૃપિયાના ખર્ચે ૧૦૦ નવાં અદ્યતન વિમાનો ખરીદવામાં આવ્યાં. આ સોદામાં અમુક રાજકારણીઓને કટકી મળી હોવાના આક્ષેપો પણ થયા છે. આ કંપનીમાંથી એર લાઈન્સના કર્મચારીઓની જેમ રાજકારણીઓ પણ મહત્તમ લાભ પડાવવાની કોશિષો કરી રહ્યાં છે. તેમને એર લાઈન્સના આરોગ્ય કરતાં પોતાના ટૂંકી મુદ્દતના સ્વાર્થની વધુ પડી છે.
ઈ.સ. ૨૦૦૭માં ઈન્ડિયન એર લાઈન્સ અને એર ઈન્ડિયાનું વિલીનીકરણ થયું ત્યારથી દર વર્ષે આ નવી કંપનીઓનો નફો વધવાને બદલે તેની ખોટ જ વધી રહી છે, જેની ચિંતા કોઈ કરતું નથી પણ પોતાનો સ્વાર્થ સાધી લેવાની જ કોશિષ બધા કરે છે. ઈ.સ. ૨૦૦૮ની સાલમાં વિલીનીકરણ પછી નવી કંપનીને ૨,૨૨૬ કરોડ રૃપિયાની ખોટ થઈ. આ માટે એવું કારણ આપવામાં આવ્યું કે બે કંપનીઓનાં વિલીનીકરણની સમસ્યાઓ સૂલઝાવવાની હોવાથી આ ખોટ આવી હતી. ઈ.સ. ૨૦૦૯માં વિલીનીકરણનાં બીજાં વર્ષે ખોટ વધીને ૭,૧૮૯ કરોડ રૃપિયા ઉપર પહોંચી ગઈ. આ માટે જાગતિક મંદીનું કારણ આપવામાં આવ્યું. એર લાઈન્સ ખોટમાં ચાલતી હતી, પણ તેને નિચોવીને રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને કંપનીના કર્મચારીઓ લાભ ખાટી રહ્યા હતા, માટે વધી રહેલી ખોટની કોઈને પરવા નહોતી.
ઈ.સ. ૨૦૧૦માં એર ઈન્ડિયાએ ૫,૫૫૦ કરોડ રૃપિયાની ખોટ કરી. તેના માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના વધી રહેલા ભાવોને જવાબદાર ગણાવવામાં આવ્યા. ઈ.સ. ૨૦૧૧ની સાલમાં તેમના સરવૈયામાં ૬,૮૮૫ કરોડ રૃપિયાની ખોટ દેખાતી હતી. ઈ.સ. ૨૦૧૨માં આ ખોટ વધીને ૧૦,૦૦૦ કરોડ રૃપિયા ઉપર પહોંચી ગઈ, તો પણ કોઈના પેટનું પાણી હલતું નહોતું. ક્યાં કોઈને પોતાના ખિસ્સામાંથી આ ખોટના રૃપિયા આપવાના હતા? આજની તારીખમાં એર ઈન્ડિયાના માથે આશરે ૪૬,૦૦૦ કરોડ રૃપિયાનું દેવું છે. આ માંદગીનું કારણ શોધીને તેનો ઈલાજ કરવાને બદલે હવે સરકારે ૩૦,૦૦૦ કરોડ રૃપિયાનો ગ્લુકોઝનો બાટલો ચડાવવાની જાહેરાત કરી છે.
ઈ.સ. ૨૦૦૭ની સાલમાં ઈન્ડિયન એર લાઈન્સનું એર ઈન્ડિયામાં વિલીનીકરણ કરવામાં આવ્યું તો પણ આ બે કંપનીઓના કર્મચારીઓ ક્યારેય એક કંપનીની જેમ વર્તતા નથી. તાજેતરમાં જે હડતાળ પછી તેનું મુખ્ય નિમિત્ત પણ આ અલગતાની ભાવના હતી. એર ઈન્ડિયાના મેનેજમેન્ટે તારીખ ૭મેથી કેટલાક પાઈલોટોનો અદ્યતન બોઇંગ ૭૮૭ ડ્રીમલાઈનરની તાલીમ માટે મોકલવાનું નક્કી કર્યું હતું. આ પાઈલોટોમાં કેટલાક ભૂતપૂર્વ ઈન્ડિયન એર લાઈન્સના પાઈલોટો પણ હતા. એર ઈન્ડિયાના પાઈલોટો એમ માને છે કે કોઈ પણ નવું વિમાન આવે તેને ઉડાડવાનો એકાધિકાર તેમને જ મળવો જોઈએ. તેમણે મેનેજમેન્ટ ઉપર દબાણ કર્યું કે ઈન્ડિયન એર લાઈન્સના પાઈલોટોને તાલીમ માટે વિદેશ મોકલવામાં ન આવે. મેનેજમેન્ટ પોતાના વલણમાં મક્કમ રહ્યું. એર ઈન્ડિયાના પાઈલોટોને લાગ્યું કે તેમનો ગરાસ લૂંટાઈ જશે; માટે તેઓ હડતાળ ઉપર ગયા.
ભૂતપૂર્વ એર ઈન્ડિયાના પાઈલોટો શરૃઆતથી એ પ્રકારની દાદાગીરી કરતા આવ્યા છે કે કોઈ અદ્યતન વિમાનો પહેલાં ઉડાડતા હતા એ વિમાનો હવે ભૂતપૂર્વ ઈન્ડિયન એર લાઈન્સના પાઈલોટોને ઉડાડવાની તક જિંદગીમાં ક્યારેય મળવી જોઈએ નહીં. આ વિમાનોમાં બોઇંગ ૭૪૭ અને ૭૭૭નો સમાવેશ થતો હતો. એર ઈન્ડિયાનું મેનેજમેન્ટ પણ કોઈ અકળ કારણોસર એર ઈન્ડિયાના પાઈલોટોની આ જોહુકમને વશ થઈ ગયું હતું. તેને કારણે ભૂતપૂર્વ ઈન્ડિયન એર લાઈન્સના પાઈલોટોમાં કાયમી ધૂંધવાટ રહેતો હતો. જ્યારે અદ્યતન ૭૮૭ ડ્રીમલાઈનરની તાલીમની વાત આવી ત્યારે તેનો લાભ ઈન્ડિયન એર લાઈન્સના પાયલોટોને આપવાની બાબતમાં મેનેજમેન્ટ મક્કમ રહ્યું એટલે એર ઈન્ડિયાએ મેનેજમેન્ટને પાઠ ભણાવવા અને પોતાની ગેરવાજબી માગણી મંજૂર કરાવવા હડતાળ પર જવાનો નિર્ણય કર્યો. દુનિયાની કઈ કંપનીમાં કર્મચારીઓ પોતાની નોકરીની શરતો નક્કી કરવા ઉપરાંત પોતાના સહકાર્યકરોની નોકરીની શરતો પણ નક્કી કરે છે? તેઓ એવું શા માટે માની લે છે કે ભૂતપૂર્વ ઈન્ડિયન એર લાઈન્સના પાઈલોટોને આખી જિંદગી સુધી કોઈ અદ્યતન વિમાન ઉડાડવાની તક મળવી જોઈએ નહીં?
એર ઈન્ડિયાએ જે પાઈલોટોને અદ્યતન વિમાન ઉડાડવાની તાલીમ આપવા પાછળ કરોડો રૃપિયાના ખર્ચાઓ કર્યા હોય, તેમને આ વિમાન ઉડાડવા માટે વિશેષ પેકેજ આપવામાં આવતું હોય, તેમની બધી માગણીઓ માનવામાં આવતી હોય, તેમ છતાં તેમને જરાક વાંકું પડે એટલે દુનિયાના કોઈ પણ ભાગમાં આ વિમાનને રઝળતું મૂકીને, હજારો પ્રવાસીઓને હાડમારી વેઠવા મજબૂર કરીને તેમને હડતાળ ઉપર જવાનો હક્ક મળી જાય છે? કેન્દ્ર સરકારે આ મનસ્વી અને ગેરકાયદે હડતાળ સામે મક્કમ વલણ અખત્યાર કર્યું છે ત્યારે કર્મચારીઓ હડતાળ સમેટી લેવાની પૂર્વશરત તરીકે હકાલપટ્ટી કરવામાં આવેલા પાઈલોટોને પાછા નોકરીએ રાખવાનો આગ્રહ રાખીને બ્લેકમેઈલીંગ કરી રહ્યા છે.
એર ઈન્ડિયા અને ઈન્ડિયન એર લાઈન્સનું વિલીનીકરણ થયું એ પહેલાં તેના પાઈલોટોના પગારમાં પણ આભગાભનું અંતર હતું. દાખલા તરીકે ઈન્ડિયન એર લાઈન્સમાં કમાન્ડરનો હોદ્દો ધરાવતા પાઈલોટને મહિને ત્રણ લાખ રૃપિયાના પગાર સામે એર ઈન્ડિયાના કમાન્ડરને મહિને આઠ લાખ રૃપિયાનો પગાર મળતો હતો. નવી કંપની બની એટલે ભૂતપૂર્વ ઈન્ડિયન એર લાઈન્સના પાઈલોટોના પગારમાં અચાનક ઉછાળો આવ્યો એ વાત એર ઈન્ડિયાના પાઈલોટોને હજમ થઈ નહોતી. તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો. એર ઈન્ડિયાના મેનેજમેન્ટે કોઈ નબળી ક્ષણે એવો નિર્ણય કર્યો હતો કે કોઈ કેપ્ટન જો ૧૦ વર્ષમાં કોઈ કારણોસર કમાન્ડરના હોદ્દા સુધી ન પહોંચી શકે તો તેને કમાન્ડરનો પગાર આપવો. આ લ્હાણી જાણે ઓછી હોય તેમ એર ઈન્ડિયાના કેપ્ટનો હવે એવી માગણી કરી રહ્યા છે કે તેમને છ વર્ષ પછી જ આ લાભો મળવા જોઈએ. એર ઈન્ડિયાનું મેનેજમેન્ટ પાઈલોટોની એક ગેરવાજબી માગણી સ્વીકારે એટલે તેઓ દસ નવી માગણીઓ આગળ કરે છે. આ રીતે પાઈલોટની અને અન્ય કર્મચારીઓની એક પછી એક અન્યાયી માગણીઓ સ્વીકારવાને કારણે જ એર લાઈન્સ ખોટના ખાડામાં ઉતરી ગઈ છે.
એર ઈન્ડિયાને બદલે કોઈ ખાનગી એર લાઈન્સે આટલી જંગી ખોટ કરી હોત તો તે બંધ થઈ ગઈ હોત અને તેના બધા કર્મચારીઓ બેકાર બની ગયા હોત. ઈન્ડિયન એરલાઈન્સની માલિકી કેન્દ્ર સરકારના હાથમાં છે અને તેને રાષ્ટ્રની પ્રતિષ્ઠિત એર લાઈન્સ ગણવામાં આવતી હોવાથી સરકાર તેને ઈન્જેક્શનો આપીને પણ જીવતી રાખવા માંગે છે. પેધા પડી ગયેલા કર્મચારીઓ આ ઈન્જેક્શનથી પોષણ મેળવી રહ્યા છે, જેનું બિલ સરકારે ભરવાનું છે. જો એર ઈન્ડિયાનું સંચાલન વેપારી ઢબે કરવામાં આવે તો તેના કર્મચારીઓ જમીન ઉપર આવી જાય તેમ છે. નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાન અજીત સિંહે મોડે મોડે કબૂલ કર્યું છે કે એર ઈન્ડિયા અને ઈન્ડિયન એર લાઈન્સનું વિલીનીકરણ કરવાનો નિર્ણય ભૂલભરેલો હતો. હવે આ વાત કબૂલ કરીને કોઈ ફાયદો નથી. હવે તો કેન્દ્ર સરકાર આ કંપની કોઈ સ્વદેશી કે વિદેશી કંપનીને વેચી દેવાની વેતરણમાં છે. જોકે તેમ કરવાથી કોઈ સમસ્યા હલ નહીં થાય પણ નવી સમસ્યાઓ પેદા થશે. હકીકતમાં એર ઈન્ડિયાના પેધા પડી ગયેલા કર્મચારીઓને કાયમી પાઠ ભણાવવો હોય તો આ એર લાઈન્સને કાયમી તાળાં મારી દેવા જોઈએ અને સરકારે આ વેપારમાંથી નીકળી જવું જોઈએ.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved