Last Update : 15-May-2012, Tuesday

 

ભારતનું ગુપ્તચર તંત્ર ફરી એક વખત હાસ્યાસ્પદ પુરવાર થયું

પાકિસ્તાનના પાંચ ખૂંખાર આતંકવાદીઓ દરિયાના રસ્તે ભારતમાં પ્રવેશ્યા છે એવી ગુપ્તચરતંત્રની બાતમી તદ્દન વાહિયાત પુરવાર થઈ છે

ચાણક્યના અર્થશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે રાજાએ યુદ્ધમાં વિજય મેળવવો હોય તો તેનું ગુપ્તચરતંત્ર મજબૂત હોવું જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્યને મગધનું રાજ્ય અપાવવા માટે ચાણક્યે જાસૂસોનો જ ઉપયોગ કર્યો હતો. ઈ.સ. ૨૦૦૮ ની ૨૬ મી નવેમ્બરે મુંબઈ ત્રાસવાદી હુમલો પણ ગુપ્તચરતંત્ર આ બાબતમાં અંધારામાં રહ્યું હતું. ભારત ઉપર થયેલા મોટા ભાગના ત્રાસવાદી હુમલાની ચેતવણી આપવામાં ભારતનું જાસૂસીતંત્ર નિષ્ફળતાનો રેકોર્ડ ધરાવે છે. તાજેતરમાં આપણા ગુપ્તચરતંત્રે પહેલી વખત ચેતવણી આપી કે પાકિસ્તાનમાં તાલીમ પામેલા પાંચ ખૂંખાર આતંકવાદીઓ દરિયાના રસ્તે ભારતમાં પ્રવેશ્યા છે અને તેઓ ૨૬/પ્રકારનો આત્મઘાતી હુમલો કરવાનો છે. આ ચેતવણીને પગલે ખાસ કરીને મુંબઈમાં અને ગુજરાતનાં શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. નાનાં શહેરોમાં પણ કારના કાળા કાચ માટે દંડ કરવામાં આવતો હતો. હવે બહાર આવ્યું છે કે ભારતના ગુપ્તચરતંત્રને કોઈએ ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોર્યું હતું અને એ માહિતી તદ્દન ખોટી હતી. આ હકીકત બહાર આવવાને કારણે ભારતના જાસૂસીતંત્રની ચેતવણી 'વાઘ આવ્યો રે વાઘ' જેવા સાબિત થઈ છે અને જાસૂસી એજન્સીઓની આબરૃના કાંકરા થઈ ગયા છે.
આજથી બરાબર અઠવાડિયા પહેલાં સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાનના પાંચ ત્રાસવાદીઓ જામનગરના દરિયારસ્તે ભારતમાં ધૂસ્યા છે અને તેઓ મહત્વનાં સ્થાનો ઉપર ત્રાટકવાના છે. આ બાતમી એટલી ચોક્કસ જણાતી હતી કે મુંબઈની પોલીસ દ્વારા આ પાંચ 'ત્રાસવાદીઓ' ની તસવીર પણ બહાર પાડવામાં આવી હતી. આ વાત બહાર આવતાં સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને દેશના તમામ એરપોર્ટ ઉપર સલામતી વ્યવસ્થા પાકી કરવામાં આવી હતી. પાકિસ્તાનના તથાકથિત પાંચ ત્રાસવાદીઓની તસવીર ભારતનાં અખબારોમાં અને ટીવી ચેનલો ઉપર પ્રગટ થઈ કે તરત જ લાહોરના ત્રણ વેપારીઓએ સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને કહ્યું હતું કે તેઓ લાહોરની તેમની દુકાનમાં બેઠા છે અને તેમણે જિંદગીમાં ક્યારેય ભારતની મુલાકાત લીધી નથી.પાકિસ્તાની પોલીસે આ વાતની ચકાસણી કરી તો તે સાચી જણાઈ હતી. પાકિસ્તાનના વિદેશ ખાતાં દ્વારા આ છબરડાની જાણ ભારતને કરી દેવામાં આવી છે, પણ ભારતના જાસૂસીતંત્ર દ્વારા આ વાતનો કોઈ ખુલાસો હજી સુધી કરવામાં આવ્યો નથી. આ છબરડાને કારણે ભારતના ગુપ્તચરતંત્ર આબરૃનો ધજાગરો થઈ ગયો છે.
ભારતમાં પ્રવેશેલા પાકિસ્તાની ત્રાસવાદીઓ બાબતમાં ગોટાળો કેવી રીતે થયો એ સમજવા માટે ભારતની ગુપ્તચર સંસ્તાઓ કેવી રીતે કામ કરે છે, એ સમજવું જરૃરી બની જાય છે. વિદેશની ભૂમિ ઉપર ભારત વતી જાસૂસી કરવા કેન્દ્ર સરકાર દ્વારા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ નામની સંસ્થા કામ કરી રહી છે, જે ટૂંકમાં 'રૉ' તરીકે ઓળખાય છે. જેમ્સ બોન્ડની જેમ 'રૉ'ના જાસૂસો દુનિયાભરમાં ફેલાયેલા છે. તેઓ દરિયાપારના દેશોમાં રહેતા ભારતના શત્રુઓ ઉપર ચાંપતી નજર રાખે છે અને તેમની હિલચાલની માહિતી ભારત પહોંચાડે છે.
દરિયાપારના દેશોમાં જેમ 'રૉ' કામ કરી રહી છે તેમ ભારતની ભૂમિ ઉપર ઈન્ટેલિજન્સ બ્યૂરો નામની જાસૂસી સંસ્થા કામ કરી રહી છે, જે ટૂંકમાં 'આઈબી' તરીકે ઓળખાય છે. ભારતનાં દરેક રાજ્યોમાં 'આઈબી'નું નેટવર્ક ફેલાયેલું છે. દેશમાં ચાલી રહેલી ગેરકાયદે અને આતંકવાદી પ્રવૃત્તિઓની ઝીણામાં ઝીણી વિગતો તેઓ એકઠી કરીને ગૃહ ખાતાંને અને વડા પ્રધાનના કાર્યાલયને પહોંચાડે છે. ભારતની પોલીસમાં અને સીબીઆઈમાં જે શ્રેષ્ઠ અધિકારીઓ હોય છે તેમનું પોસ્ટીંગ 'રૉ' અને 'આઈબી' માં કરવામાં આવે છે.
'રૉ' અને 'આઈબી' જેવી એજન્સીઓ એકબીજાના સંપર્કમાં રહીને કામગીરી બજાવતી હોય છે. 'રૉ' પાસે વિદેશની ભૂમિ ઉપર ચાલી રહેલી કોઈ ભારતવિરોધી પ્રવૃત્તિઓની બાતમી આવે તો તેઓ તરત જ 'આઈબી' ના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાધીને તેમને એ માહિતી પહોંચાડતા હોય છે. તેવી જ રીતે 'આઈબી' ના હાથમાં વિદેશની ભૂમિ ઉપર આકાર લઈ રહેલાં કોઈ ભારતવિરોધી કાવતરાની વાત આવે તો તેઓ વધુ તપાસ કરવાનું કાર્ય તે દેશમાં રહેલા 'રૉ' ના અધિકારીઓને સોંપતું હોય છે.
મુંબઈ ઉપર થયેલા ૨૬/૧૧ના આંતકવાદી હુમલા પછી એ વાત પુરવાર થઈ ગઈ હતી કે પાકિસ્તાનમાં ચાલી રહેલી ભારતવિરોધી પ્રવૃત્તિઓનો તાગ મેળવવાની બાબતમાં આપણું ગુપ્તચરતંત્ર તદ્દન પાંગળું પુરવાર થયું છે. આ ઘટના પછી 'રૉ' ના જાસૂસોએ પાકિસ્તાનમાં પણ પોતાનું જાસૂસી નેટવર્ક ફેલાવતા તનતોડ પ્રયાસો કર્યા હતા. તેમણે પાકિસ્તાનના અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલા કેટલાક ટપોરીઓને તૈયાર કર્યા હતા, જેમને પાકિસ્તાનમાં ચાલતી ભારતવિરોધી પ્રવૃત્તિઓની નિયમિત માહિતી આપવાની કામગિરી સોપવામાં આવી હતી. ભારતના ગુપ્તચરતંત્ર દ્વારા આ બાતમીદારોને ચિક્કાર નાણું આપવામાં આવે છે. આ ટપોરીઓ ઘણી વખત ભારતમાં ઘૂસીને ડ્રગ્સની દાણચોરી પણ કરતા હોય છે. આપણા જાસૂસીતંત્રને મળતી બાતમીના બદલામાં તેમની આ પ્રવૃત્તિઓ તરફ આંખ આડા કાન પણ કરવામાં આવે છે.
ભારતના સલામતી તંત્રના મનમાં પાકિસ્તાનથી આવતા ત્રાસવાદીઓનો ભારે ડર ઘૂસી ગયો છે. પાકિસ્તાનના ત્રાસવાદીઓ બાબતમાં નાનકડી પણ જાણકારી મળતી હોય તો ભારતીય ગુપ્તચરતંત્રના કાન સરવા થઈ જાય છે અને તેઓ આ માહિતી માટે મોંમાગી કિંમત ચૂકવવા પણ તૈયાર થઈ જાય છે. પાકિસ્તાનમાં કામ કરતા ટપોરીઓ ભારતના ગુપ્તચરતંત્રની નબળાઈનો ભરપૂર લાભ ઉઠાવે છે. તાજેતરમાં પણ આવા કોઈ ટપોરીએ ભારતના ગુપ્તચરતંત્ર પાસેથી નાણાં પડાવવા સંવેદનશીલ માહિતી આપી કે પાકિસ્તાનમાં તાલીમ પામેલા પાંચ ખૂંખાર ત્રાસવાદીઓ દરિયાના રસ્તે ભારતમાં પ્રવેશ્યા છે અને તેઓ ખાસ કરીને મુંબઈમાં ભાંગફોડ કરવાના છે. પાકિસ્તાનના ખબરીઓ દ્વારા આ માહિતી પહેલા 'રૉ' ના અધિકારીઓને આપવામાં આવી અને તેમણે આ માહિતી 'આઈબી' ના અધિકારીઓને પાસ કરી. 'આઈબી' ના અધિકારીઓએ આ માહિતીને સાચી માનીને 'વાઘ આવ્યો રે વાઘ' ની બૂમરાણ દેશભરમાં મચાવી દીધી.
ભારતના મિડિયામાં પાકિસ્તાનથી આવેલા હોવાનું મનાતા 'ત્રાસવાદીઓ'ની તસવીરો પ્રગટ થઈ કે તરત જ લાહોરના અત્યંત વિખ્યાત 'હાફીઝ સેનટ્ર' માં મોબાઈલની દુકાન ધરાવતા પ્રતિષ્ઠિત વેપારીઓએ સ્થાનિક પોલીસનો સંપર્ક સાધીને કહ્યું કે ભારતના મિડીયામાં જે તસવીરો છપાઈ છે તે તેમની તસવીરો છે અને તેઓ જિંદગીમાં ક્યારેય ભારતની મુલાકાતે ગયા નથી. ભારતના મિડીયામાં જે ચોથી તસવીર છપાઈ એ વ્યક્તિ હાફીઝ સેન્ટરની જ એક દુકાનમાં નોકરી કરે છે અને પાંચમો માણસ ત્યાં ચોકીદારની નોકરી કરે છે. આ પાંચેય જણાએ સ્થાનિક પોલીસનો સંપર્ક સાધીને કહ્યું કે તેમને સલામતી આપવામાં આવે. પાકિસ્તાનની ટીવી ચેનલો ઉપર તો આ પાંચના ઈન્ટરવ્યુ આવવા લાગતા ભારતના જાસૂસીતંત્ર દ્વારા ભૂલમાં ખોટી માહિતી જાહેર કરવામાં આવી હતી એ સાબિત થઈ ગયું. જોકે આ છબરડાનો ખ્યાલ આવ્યા પછી પણ ભારતમાં ગુપ્તચરતંત્ર દ્વારા આ બાબતમાં કોઈ સત્તાવાર ખુલાસો બહાર પાડવામાં આવ્યો નથી અને કદાચ બહાર પાડવામાં આવશે પણ નહીં.
ભારત ઉપર ત્રાસવાદી હુમલો થવાનો હોય ત્યારે કોઈ ગુપ્તચર સંસ્થા અત્યાર સુધી તેની સાચી ચેતવણી આપી શકી નથી, પરંતુ કોઈ હુમલો ન થવાનો હોય અને ખોટી ચેતવણી આપવામાં આવી હોય તેવી ઘટનાઓ એક કરતાં વધુ વાર બની છે. આ વર્ષની ૨૬મી જાન્યુઆરી પહેલાં આપણે ચેતવણી આપવામાં આવી હતી કે પાકિસ્તાનમાં તૈયાર થયેલા ૧૦૦ ખૂંખાર ત્રાસવાદીઓ સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવાની કોષિશ કરી રહ્યા છે. મળેલી માહિતી મુજબ આ ત્રાસવાદીઓ મુંબઈ અને દિલ્હી ઉપર ત્રાટકવાના હતા અને તેમાંના ૨૦ ત્રાસવાદીઓને અન્ડરવોટર ઓપરેશનની તાલીમ આપવામાં આવી હતી. આ માહિતી પણ પોકળ નીકળી હતી. આ બાબતમાં જાસૂસી તંત્રના વડાઓ વચ્ચે અનેક બેઠકો યોજવામાં આવી તેને પગલે આ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. વર્તમાનમાં જે પાંચ ત્રાસવાદીઓ ભારતમાં પ્રવેશ્યા હોવાની ચેતવણી બહાર પાડવામાં આવી છે તેને ચૂપચાપ પાછી ખેંચી લેવામાં આવશે તેની જાણ પણ કદાચ આપણને થશે નહીં.
ત્રાસવાદ અને નકસવાદ એ રાજકારણીઓ દ્વારા અમલમાં આવતી ગલત નીતિઓમાંથી પેદા થતી આફતો છે. આતંકવાદ રશિયા અને અમેરિકા જેવા દેશો દ્વારા પેદા કરવામાં આવ્યો છે. આપણે આ દેશો સાથે જોડાયેલા છીએ માટે આપણે પણ આંતકવાદીનો ભોગ બનીએ છીએ.
ભારતમાં જોવા મળતા ઈસ્લામિક આતંકવાદના મૂળમાં કાશ્મીરની સમસ્યા છે. આ સમસ્યા પણ બંને દેશોના સંકુચિત રાજકારણીઓ દ્વારા પેદા કરવામાં આવી છે. આપણી સરકાર અને ઉદ્યોગપતિઓ દ્વારા ગરીબ પ્રજાના કરવામાં આવતાં શોષણમાંથી દેશમાં નકસલવાદ પેદા થયો છે. આ સમસ્યાઓનાં રાજકીય સમાધાનો શોધવા જોઈએ. તેને બદલે આતંકવાદ સામેની લડાઈમાં પ્રજાને હાડમારીમાં નાંખવામાં આવે છે. હાઈ એલર્ટના પગલે પાંચ આતંકવાદીઓ નહીં પણ પાંચ કરોડ નાગરિકો હેરાન થાય છે. આપણા ગુપ્તચરતંત્રને મજબૂત બનાવવાની તાતી જરૃર છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved