Last Update : 14-May-2012, Monday

 

લશ્કરમાં થયેલા નાના બળવાના મૂળમાં મોટો શિસ્તભંગ છે

સંરક્ષણના સોદાઓમાં ભ્રષ્ટાચારના સમાચારોને કારણે લશ્કર પરની રાજકારણીઓની પક્કડ ઢીલી પડી રહી છે, જેને કારણે લશ્કરમાં અશિસ્તનું પ્રમાણ પણ વધી રહ્યું છે

ઇ.સ. ૧૮૫૭ની ૧૦મી મેના દિને ભારતના દેશી લશ્કરે અંગ્રેજ સલ્તનત સામે બળવો કર્યો હતો, જેને ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. આ બળવાના પરિણામે ભારતમાંથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ ગયું અને બ્રિટીશ તાજનું રાજ આવ્યું હતું. આ ઘટનાના બરાબર ૧૫૫ વર્ષ પછી જમ્મુ અને કાશ્મીરના લેહ વિભાગમાં ભારતના લશ્કરમાં એક નાનકડો બળવો થયો. ભારતને ઇ.સ. ૧૯૪૭માં સ્વતંત્રતા મળી તે પછી ભારતના લશ્કરે કરેલો આ પહેલવહેલો બળવો હતો. આ બળવો સરકાર સામે કે દેશ સામે નહોતો પણ લશ્કરના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સામે સિપાઇઓ દ્વારા કરવામાં આવેલો બળવો હતો. આ બળવાને કારણે છેક દિલ્હીમાં ટેન્શન ફેલાઇ ગયું હતું. સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ આ બળવાને કાબુમાં લઈ લેવામાં આવ્યો છે, તો પણ તેનાં કારણોમાં ઊંડા ઉતરવું જરૃરી બની જાય છે.
ભારતનું લશ્કર હમણા હમણા ખોટાં જ કારણોસર સમાચારોમાં ચમક્યા કરે છે. પહેલા ભારતના લશ્કરના વડા જનરલ વી.કે. સિંહની ઉંમરનો વિવાદ ચગ્યો હતો. આ વિવાદ ઉપર સુપ્રિમ કોર્ટે પડદો પાડી દીધો તે પછી સૈન્યના વડા વી.કે. સિંહે વડા પ્રધાનને લખેલા પત્રનો મુદ્દો ચગ્યો હતો, જેમાં ફરિયાદ કરવામાં આવી હતી કે લશ્કર પાસે દુશ્મનનો મુકાબલો કરવા જરૃરી શસ્ત્રસામગ્રીનો અભાવ છે. આ પત્રની ચર્ચા ચાલતી હતી ત્યાં વાત આવી કે હરિયાણામાં રહેલી લશ્કરની બટાલિયનો દ્વારા કોઈ આગોતરી સૂચના આપ્યા વિના દિલ્હી ભણી કૂચ કરવામાં આવી તેને કારણે સંરક્ષણ મંત્રાલયમાં આતંક વ્યાપી ગયો હતો. પાછળથી એવો ખુલાસો કરવામાં આવ્યો કે એ રૃટિન પરેડ હતી, જેની સંરક્ષણ મંત્રાલયને જાણ કરવાનું જરૃરી માનવામાં આવ્યું નહોતું. ત્યાર બાદ લશ્કરના વડા વી.કે. સિંહે ધડાકો કર્યો કે તેમને ટેટ્રા ટ્રકની ખરીદી માટે ૧૪ કરોડ રૃપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. આ બાબતમાં સીબીઆઇની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં દેશનું લશ્કર ભલે નાના પ્રમાણમાં પણ બળવો કરે તો તે ગંભીર બાબત ગણાવી જોઈએ. આ બળવા પરથી લશ્કરમાં જોવા મળતા શિસ્તભંગનો ખ્યાલ આવે છે.
લડાખના ફાયરિંગ રેન્જમાં ગોઠવવામાં આવેલા ૨૨૬ ફિલ્ડ રેજીમેન્ટના આશરે ૫૦૦ જવાનોએ ગુરૃવારે જે રીતે બળવો કર્યો અને હિંસા આચરી તેનો જોટો ભારતના વર્તમાન ઇતિહાસમાં ક્યાંય જોવા મળતો નથી. ૨૨૬ ફીલ્ડ રેજીમેન્ટના જવાનો અને ઓફિસરો ફાયરીંગની પ્રેક્ટિસ માટે લડાખના ડાર્બુક વિસ્તારના કેમ્પથી દૂર અંતરિયાળ વિસ્તારમાં ગયા હતા અને તેમના રહેવા માટે ત્યાં તંબુઓ બાંધવામાં આવ્યા હતા. લશ્કરની કોઈ પણ ક્વાયત કે પ્રેક્ટિસ ચાલતી હોય ત્યારે લશ્કરી ઓફિસરો પોતાની પત્નીઓને સાથે લાવી શકતા નથી. આ પ્રેક્ટિસ વખતે ઓછામાં ઓછા પાંચ અધિકારીઓ પોતાની પત્નીઓને લઈને ત્યાં આવ્યા હતા. આ સ્ત્રીઓને પણ તંબુઓમાં રાખવામાં આવી હતી. લશ્કરના નીતિનિયમો મુજબ આ ગંભીર પ્રકારની ગેરશિસ્ત કહેવાય, પણ આવી ઘટનાઓ નિયમિતપણે બનતી જ રહે છે.
ગુરૃવારે એક બાજુ લશ્કરની ફાયરિંગ પ્રેક્ટિસ ચાલી રહી હતી ત્યારે એક મેજરની પત્ની પોતાના તંબુમાં કપડાં બદલી રહી હતી. આ વખતે લશ્કરમાં હજામનું કામ કરતો જવાન સુમન ઘોષ આ તંબુમાં પ્રવેશ્યો હતો. કહેવાય છે કે તેણે મેનેજરની પત્નીની છેડતી કરવાની કોશિષ કરી હતી. મેજરની પત્નીએ તેનો પ્રતિકાર કર્યો હતો અને બૂમાબૂમ કરી નાંખી હતી. આ જોઈ હજામ ભાગી છૂટયો હતો. મેજર સાહેબને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે સુમન ઘોષને શોધી કાઢ્યો હતો અને તેની ગંભીર રીતે મારપીટ કરી હતી. મેજરના આ કૃત્યમાં બીજા બે અધિકારીઓ પણ જોડાયા હતા. લશ્કરના જવાનોએ હજામને બચાવવાની કોશિસ કરી તો તેમને અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. હજામને મારી મારીને અધમૂઓ કરી નાંખવામાં આવ્યો હતો. તેને સારવાર માટે લશ્કરની હોસ્પિટલમાં લઇ જવાની છૂટ પણ આપવામાં આવી નહોતી. છેવટે કમાન્ડિંગ ઓફિસર કદમની દરમિયાનગીરીથી હજામને જીવતો છોડવામાં આવ્યો હતો. તેને લોહી નીકળતી ગંભીર હાલતમાં લશ્કરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને સારવાર આપવામાં આવી હતી. આ પણ લશ્કરની શિસ્તની વિરુદ્ધ બાબત હતી. લશ્કરનો કોઈ જવાન આ પ્રકારના ગુનામાં સંડોવાયો હોય તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવાં જોઈએ, પણ તેની મારપીટ કરવાની છૂટ કોઈને આપવામાં આવી નથી.
મેજરની પત્નીની કથિત છેડતી કરનારા હજામની મારપીટ કરવામાં આવી છે અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, એ વાત જોતજોતામાં આખી રેજીમેન્ટમાં ફેલાઈ ગઈ હતી. સાંજે આશરે ૫૦૦ સૈનિકો જ્યારે બરાકમાં પાછા ફર્યા ત્યારે તેમની અંદર જોરદાર અફવા ફેલાઈ ગઈ કે મારપીટનો ભોગ બનનારા હજાર સુમન ઘોષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ અફવા સાંભળીને જવાનો ઉશ્કેરાઈ ગયા હતા. રેજીમેન્ટના સુબેદાર આ અફવાનું ખંડન કરવામાં કે તેને ડામવામાં નિષ્ફળ ગયા હતા. આ પણ શિસ્તભંગ હતો, કારણ કે તેમની ફરજ કોઇ પણ અફવાનું નિવારણ કરવાની હોય છે. સૈનિકોએ માની જ લીધું કે હજામ મરી ગયો છે. તેઓ ખુન્નસમાં આવીને ઓફિસરોની મેસમાં ગયા અને ત્યાં તેમણે તોડફોડ કરી. જે ઓફિસરો હાથમાં આવ્યા તેમની તેમણે મારપીટ શરૃ કરી દીધી.
૨૨૬ ફીલ્ડ રેજીમેન્ટના કમાન્ડર કર્નલ કદમને આ તોફાનની જાણ થઈ કે તરત જ તેઓ મેસમાં દોડી આવ્યા અને તેમણે સૈનિકોને સમજાવીને તેમનો ગુસ્સો શાંત કરવાની કોશિસ કરી. આ વાતચીત ચાલતી હતી ત્યાં જ એક સૈનિકે પથરો ફેંક્યો, જે કર્નલ કદમના કપાળમાં વાગ્યો. આ આક્રમણને પગલે ઓફિસરો અને જવાનો વચ્ચે છૂટા હાથની લડાઇ ફાટી નીકળી. આ લડાઇમાં રાઇફલોનો ઉપયોગ થયો હતો કે કેમ એ સ્પષ્ટ નથી, પણ મેસને આગ ચાંપવામાં આવી હતી એટલું નક્કી છે. ઓફિસરો કરતાં સૈનિકોની સંખ્યા વધારે હોવાથી બધા ઓફિસરો પોતાનો જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટયા.
જો તેઓ નાસી ન છૂટયા હોત તો ઉશ્કેરાયેલા સૈનિકો તેમની હત્યા કરવા તૈયાર થઈ ગયા હતા. કેટલાક ઓફિસરો પોતાનો જીવ બચાવવા પોતાની પત્નીઓની ઓથમાં પહોંચી ગયા. ઉશ્કેરાયેલા સૈનિકોએ પત્નીઓની પણ મારપીટ કરી.
લશ્કરના કેમ્પની બાજુમાં જનરલ રિઝર્વ એન્જિનિયર્સ ફોર્સ (જીઆરઇએફ)નો પણ કેમ્પ હતો. તેના જવાનો દોડી આવ્યા અને તેમણે બે સ્ત્રીઓને બચાવી લીધી. સૈનિકોના બળવાથી ડરીને લશ્કરના બધા ઓફિસરો પોતાનો જીવ બચાવીને નાસી છૂટયા હતા. તેમાંનો એક ઓફિસર તો ભાગીને નજીકના ચુશુલમાં આવેલા લશ્કરના કેમ્પમાં પહોંચી ગયો હતો. મોડી સાંજ સુધીમાં સૈનિકોના બળવાના સમાચાર પ્રસરી જતાં નજીક રહેલી રાજપુતાના રાઇફલ્સ રેજીમેન્ટના જવાનોને બળવો શાંત કરવા મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન એવી અફવા ફેલાઇ ગઈ હતી કે બળવો કરનારા સૈનિકોએ શસ્ત્રાગાર પર પણ પોતાનો કબજો જમાવી લીધો છે. આ બાબત બહુ ગંભીર હતી. સૈનિકોના હાથમાં જો શસ્ત્રાગાર આવી જાય તો તેઓ સેંકડો લાશો પાડીને આતંક મચાવી શકે તેમ હતા. રાજપુતાના રાઇફલ્સના જવાનોએ શસ્ત્રાગારનો કબજો લઇ લીધો હતો. શુક્રવાર સવાર સુધીમાં આ બળવો કાબુમાં આવી ગયો અને વરિષ્ઠ ઓફિસરો ઘટનાસ્થળ તરફ ઘસી ગયા હતાં.
સૈનિકોના આ નાનકડા બળવાથી ચોંકી ગયેલા લશ્કરના ઉચ્ચ અધિકારીઓ અને સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હવે ક્યાં, શું ખોટું થયું તેનું આંતરમંથન કરી રહ્યા છે. ૨૨૬ ફીલ્ડ રેજીમેન્ટનું અગાઉ સુકાન સંભાળતા કર્નલ યોગી શેરોનને આ કેમ્પમાં મોકલવામાં આવ્યા છે, કારણ કે તેઓ સૈનિકો સાથે સારા સંબંધો ધરાવતા હોવાનું કહેવાય છે. ૩-આર્ટિલરી બ્રિગેડના કમાન્ડર પણ ત્યાં પહોંચી ગયા છે. ભારતના લશ્કરને અત્યાર સુધીમાં શિસ્તબદ્ધ માનવામાં આવતું હતું. તેમાં આ પ્રકારની ગેરશિસ્ત કેવી રીતે પેદા થઇ તેની તપાસ કરવા માટે સંરક્ષણ મંત્રાલય તરફથી તાત્કાલિક લશ્કરી અદાલત દ્વારા આ ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ તપાસના પગલે અશિસ્ત આચરનારા અધિકારીઓ અને જવાનોનું કોર્ટ માર્શલ પણ કરવામાં આવે એવી સંભાવના છે. યોગાનુયોગ, ૨૨૬ ફીલ્ડ રેજીમેન્ટ સામે ભૂતકાળમાં પણ ગેરશિસ્તની ફરિયાદ કરવામાં આવી હતી. પશ્ચિમ મોરચે જ્યારે ઓપરેશન પરાક્રમ કરવામાં આવ્યું ત્યારે ઓફિસરો સામે ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લેવામાં ન આવી તેને પરિણામે ગુરૃવારની ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે.
શાંતિપ્રિય અને શિસ્તબદ્ધ મનાતું ભારતનું લશ્કર તાજેતરમાં અનેક વિવાદોનો અને કૌભાંડોનો પણ ભોગ બન્યું છે. મહારાષ્ટ્રના આદર્શ કૌભાંડમાં લશ્કરના અનેક ભૂતપૂર્વ અધિકારીઓ સામે પણ સીબીઆઇની તપાસ ચાલી રહી છે. લશ્કરના વર્તમાન વડા જનરલ વી.કે. સિંહનું કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે અપમાન કરવામાં આવ્યું તેને કારણે પણ જવાનોમાં રાજકારણીઓ પ્રત્યે છૂપો રોષ વધી રહ્યો છે.
સંરક્ષણના સોદાઓમાં રાજકારણીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના સમાચારો સાંભળીને પણ જવાનો વિક્ષુબ્ધ બની જાય છે. આ વાતાવરણમાં એકાદ નાનકડી ચિનગારી પણ ભડકો બનીને રાજકારણીઓ માટે જોખમી બની શકે છે. લશ્કરમાં જો કોઇ ગેરશિસ્ત ચાલતી હોય તો તેનું કારણ એ છે કે રાજકારણીઓની લશ્કર પરની પક્કડ ઢીલી પડી રહી છે. ભારતની લોકશાહી માટે આ સમાચાર સારા નથી.
- સુપાર્શ્વ મહેતા

 

Share |
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved