Last Update : 08-May-2012, Tuesday

 

પાથરીબાલમાં લશ્કરે પાંચ નિર્દોષ નાગરિકોને રહેંસી નાંખ્યા હતા

જમ્મુ અને કાશ્મીરમાં બનાવટી અથડામણમાં પાંચ નિર્દોષ નાગરિકોના ઢીમ ઢાળી દેનારા પાંચ લશ્કરી અધિકારીઓ ઉપરનો ખટલો ૧૨ વર્ષ પછી પણ શરૃ થઇ શક્યો નથી

ત્રાસવાદને અંકુશમાં લાવવા માટે દેશમાં એનસીટીસી નામની નવી એજન્સીની રચના કરીને તેને રાક્ષસી સત્તાઓ આપવાની બાબતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મડાગાંઠ પડી છે. જ્યારે પોલીસ તંત્રને અથવા લશ્કરને અમાનુષી સત્તાઓ આપી દેવામાં આવે છે ત્યારે નિર્દોષ નાગરિકોના કેવા હાલહવાલ થાય છે તેનો ખ્યાલ કાશ્મીર ખીણના પાથરીબાલ ખાતે થયેલા બનાવટી એન્કાઉન્ટરના કિસ્સામાં આવે છે. ઇ.સ. ૨૦૦૦માં બનેલી આ ઘટનામાં લશ્કરના જવાનોએ જાણી જોઇને પાંચ નિર્દોષ નાગરિકોને ત્રાસવાદી ઠરાવીને તેમની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી. તાજેતરમાં સુપ્રિમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે લશ્કરના જવાનો સામે હત્યાનો કેસ નોંધીને તેમની સામે ખટલો માંડવો જોઇએ. આ ખટલો નાગરિક અદાલતમાં ચલાવવો જોઇએ કે લશ્કરની અદાલતમાં એ નક્કી કરવા માટે લશ્કરના વડાને આઠ સપ્તાહનો સમય સુપ્રિમ કોર્ટે આપ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર દ્વારા આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટનો જે દુરુપયોગ થયો છે તેને કારણે આ કાયદો રદ કરવાની માગણી જમ્મુ અને કાશ્મીરની વર્તમાન સરકારે કરી છે. આ પરિસ્થિતિમાં એનસીટીસી નામની નવી એજન્સી રચીને તેને જથ્થાબંધ સત્તાઓ આપવાથી ત્રાસવાદનો મુકાબલો કરવામાં સફળતા મળશે કે નિર્દોષ નાગરિકો વધુ અત્યાચારોનો ભોગ બનશે એ વિચારવાનું રહે છે.
ઇ.સ. ૨૦૦૦ની ૨૦મી માર્ચે જમ્મુ અને કાશ્મીરના ચિત્તિસિંહપોરા ગામમાં અજાણ્યા ત્રાસવાદીઓએ એક ગુરુદ્વારા સામે ૩૫ નિર્દોષ શીખોને લાઇનમાં ઊભા રાખીને તેમની હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના પાંચ દિવસ પછી તત્કાલિન ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણી ચિત્તિસિંહપોરા ગામની મુલાકાતે આવ્યા હતા. અડવાણીને સમાચાર આપવામાં આવ્યા હતા કે ૩૫ શીખોની હત્યા માટે જવાબદાર લશ્કરે તોઇબાના પાંચ 'ત્રાસવાદીઓને' આગલી રાતે જ ૭ રાષ્ટ્રીય રાઇફલ્સ અને સ્થાનિક પોલીસના જવાનો દ્વારા એક અથડામણમાં ઠાર મારવામાં આવ્યા હતા. આ ઓપરેશન પાર પાડનારા કર્નલ અજય સકસેનાએ અને કાશ્મીરના ડીવાયએસપી તેજિન્દર સિંહે આ અથડામણ કેવી રીતે થઇ તેનો નકશો બનાવીને લાલકૃષ્ણ અડવાણીને ઓપરેશનની માહિતી આપી હતી અને તેમની શાબાશી પણ મેળવી હતી. અડવાણીને ત્યારે ખબર નહોતી કે તેમની મુલાકાતને સફળ ગણાવવાના ઉત્સાહમાં લશ્કરના માણસો નિર્દોષ નાગરિકોને ઊંચકી લાવ્યા હતા અને તેમની હત્યા કરી નાંખી હતી.
લાલ કૃષ્ણ અડવાણી ચિત્તિસિંહપોરાની મુલાકાતે આવવાના હતા તેની પૂર્વસંધ્યાએ અનંતનાગ જિલ્લાના બારી આંગન અને હલાન ગામોના પાંચ યુવાનોને લશ્કરના જવાનો તેમના ઘરેથી પૂછપરછના બહાને ઉપાડી ગયા હતા. ત્રીજા દિવસે તેમના સગાઓએ અખબારોમાં લશ્કર અને પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયેલા ''ત્રાસવાદીઓ'ની તસવીરો જોઇ ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ કોઇ ત્રાસવાદી નહોતા પણ તેમણે જેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે એ યુવાનો હતો, જેમને ત્રાસવાદ સાથે સ્નાન-સુતકનો ય સંબંધ નહોતો. આ વાતની જાણ કાશ્મીર ખીણમાં થતાં સરકારને લોકોના પ્રચંડ વિરોધનો સામનો કરવો પડયો હતો. તેમ છતાં સરકારે બનાવટી અથડામણ કરનારા પોલીસ અને લશ્કરી અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરી દીધો હતો. છેવટે પ્રજાના દબાણ અને આંદોલનને વશ થઇને જમ્મુ અને કાશ્મીરની સરકારે આ ઘટનાની ન્યાયીક તપાસ કરવા માટે એક જ્યુડીશિયલ ઇન્કવાયરી કમિશનની રચના કરવી પડી હતી.
જ્યુડિશિયલ કમિશનની રચના પછી પણ પ્રજાનો રોષ શાંત પડયો નહોતો. તેમને શંકા હતી કે જ્યુડિશિયલ કમિશનની રચના લોકોના રોષને શાંત પાડીને ભીનું સંકેલવા માટે કરવામાં આવી છે. લોકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું. તેમણે ઇ.સ. ૨૦૦૦ની ત્રીજી એપ્રિલે પોતાના વિરોધનું પ્રદર્શન કરવા ડેપ્યુટી પોલીસ કમિશનરની ઓફિસ ઉપર એક મોરચાનું આયોજન કર્યું. આ મોરચામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસે આ આ મોરચા ઉપર આડેધડ ગોળીબાર કરતાં તેમાં નવ નાગરિકો માર્યા ગયા હતા અને ૩૫ ઘાયલ થયા હતા.
કેવી ક્રૂરતા! પાંચ નિર્દોષ નાગરિકોની હત્યાનો વિરોધ કરવા રસ્તા ઉપર ઉતરનારા નવ નાગરિકોની પણ હત્યા કરી નાંખવામાં આવી. અગાઉ જેઓ બનાવટી અથડામણમાં માર્યા ગયા હતા તેમના કેટલાક સગાઓ આ પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા.
બલિદાનો કદી એળે જતાં નથી. પહેલાં પાંચ અને પછી નવ નિર્દોષ નાગરિકોની હત્યાના પ્રત્યાઘાતો માત્ર જમ્મુ અને કાશ્મીરમાં નહીં પણ ભારતભરમાં પડયા હતા. ત્યારે ફારૃક અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન હતા. તેમની ઉપર આ હત્યાકાંડની તપાસ કરવાની બાબતમાં ભારે દબાણ આવ્યું હતું. તેના પરિણામે તેમને અનંતનાગ જિલ્લાના એસપી ફારૃક ખાનને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત તેમણે દફન કરવામાં આવેલી 'ત્રાસવાદીઓ'ના મૃતદેહોને ખોદી કાઢવાનો અને તેમની ડીએનએ ટેસ્ટ કરવાનો આદેશ પણ કર્યો હતો. ૬ એપ્રિલે શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજના નિષ્ણાતોએ કબરમાંથી પાંચ મૃતદેહો ખોદી કાઢયા હતા અને તેમના ડીએનએ ટેસ્ટ કર્યા હતા. આ ટેસ્ટના રિપોર્ટ પરથી સાબિત થઇ ગયું હતું કે પોલીસે અને લશ્કરે ત્રાસવાદી ગણીને જે પાંચ યુવાનોની હત્યા કરી નાંખી હતી તેઓ નિર્દોષ હતા.
આ યુવાનોના સગાઓને વળતર તરીકે ૧-૧ લાખ રૃપિયા ચુકવવાનો હુકમ જમ્મુ અને કાશ્મીરની સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.
જમ્મુ અને કાશ્મીરની સરકારે બનાવટી અથડામણમાં માર્યા ગયેલા યુવાનોના પરિવારોને વળતર ચૂકવી દીધું પણ આ હત્યાકાંડ માટે જવાબદાર પોલીસ ઓફિસરો સામે હત્યાનો ખટલો માંડવાને બદલે તેમને માત્ર સસ્પેન્ડ કરીને જ સંતોષ માન્યો. સમય જતાં આ પોલીસ અધિકારીઓને પણ પાછા ફરજ ઉપર લઇ લેવામાં આવ્યા. આ ઘટનામાં સ્થાનિક પોલીસ ઉપરાંત લશ્કરના જવાનો પણ સંડોવાયેલા હતા. તેમની સામે પગલા લેવાની કોઇ સત્તા રાજ્ય સરકારના હાથમાં નહોતી. રાજ્ય સરકારે કેન્દ્રને વિનંતી કરી તેના પગલે ઇ.સ. ૨૦૦૦ના અંતે આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી. સીબીઆઇએ છેક ૨૦૦૩ના ફેબુ્રઆરીમાં કેસ ફાઇલ કર્યો, જેમાં લશ્કરના પાંચ અધિકારીઓ સામે અપહરણ, હત્યા, ગુનાઇત કાવતરું અને પુરાવાઓનો નાશ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. સીબીઆઇએ આ કેસની ત્રણ વર્ષ સુધી તપાસ કરીને ઇ.સ. ૨૦૦૬માં શ્રીનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.
સીબીઆઇએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે ૨૦મી માર્ચે ૩૫ શીખોની સામૂહિક હત્યા પછી લશ્કરના પદાધિકારીઓ ઉપર કાંઇક કરી દેખાડવાની બાબતમાં જબરદસ્ત દબાણ આવી ગયું હતું. આ કારણે કર્નલ અજય સકસેનાની આગેવાની હેઠળ લશ્કરના પાંચ અધિકારીઓએ નજીકના ગામમાંથી કોઇ નિર્દોય યુવાનોને ઉંચકી લાવવાનું અને તેમને ત્રાસવાદી તરીકે ખપાવીને તેમની હત્યા કરી નાંખવાનું કાવતરું ઘડયું હતું. આ કાવતરાં મુજબ તા. ૨૩/૨૪ની મધરાતે વિવિધ ગામોમાંથી પાંચ યુવાનોને ઉઠાવી લાવવામાં આવ્યા અને ઠાર મારવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં બિનજરૃરી રીતે ભારે દારૃગોળો વાપરવામાં આવ્યો હતો. આ 'અથડામણ'માં લશ્કરના કોઇ જવાનને ઇજા થઇ નહોતી. અથડામણ પછી માર્યા ગયેલાના મૃતદેહોને ઓળખી ન શકાય એ માટે તેમને આગ ચાંપી દેવામાં આવી હતી. આ બનાવટી અથડામણ પછી એવો ખોટો દાવો પણ કરવામાં આવ્યો હતો કે માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી હથિયારોનો ભારે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી અને ખટલો શરૃ થવાનો હતો ત્યાં લશ્કરના વડાએ વાંધો ઉઠાવ્યો કે કોઇ પણ લશ્કરી અધિકારી ઉપર ખટલો માંડવા માટે આગોતરી પરવાનગી લેવી જરૃરી છે. આ પ્રકારની અરજી જ્યાં ખટલો શરૃ થવાનો હતો એ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં કરવામાં આવી હતી. આ અદાલતના મેજિસ્ટ્રેટે આ અરજી ફગાવી દેતાં જણાવ્યું હતું કે લશ્કરના વડા ધારે તો આ પાંચ અધિકારીઓ સામે લશ્કરની અદાલતમાં પણ કામ ચલાવી શકે છે. તેમ કરવાને બદલે લશ્કરના વડાએ આ આદેશને એડિશનલ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટના જજ સાહેબે ઇ.સ. ૨૦૦૬ના નવેમ્બરમાં આ અરજી ફગાવી દીધી હતી. લશ્કરના વડાએ એડિશનલ સેશન્સ જજના ચુકાદાને જમ્મુ અને કાશ્મીરની હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇ કોર્ટે પણ લશ્કરની અરજી ખારિજ કરી હતી. લશ્કરના વડાએ હાઇ કોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટીશન કરી હતી. સુપ્રિમ કોર્ટે પાંચ વર્ષ પછી ચુકાદો આપતાં કહ્યું છે કે આ પાંચેય અધિકારીઓ સામે ખટલો માંડવો જોઇએ. આ ખટલો નાગરિક અદાલતમાં ચાલવો જોઇએ કે લશ્કરી અદાલતમાં તેનો ફેંસલો લશ્કરી વડાએ કરવાનો છે.
પાથરીબાલમાં લશ્કરે બનાવટી અથડામણ કરીને પાંચ નિર્દોષ નાગરિકોની હત્યા કરી નાંખી એ ઘટનાને ૧૨ વર્ષ પૂરાં થયા છે. આ ૧૨ વર્ષમાં હજી સુધી આરોપીઓ ઉપર ખટલો શરૃ થયો નથી અને તેમને કોઇ સજા થઇ શકી નથી. તેમ છતાં આ કેસ સુપ્રિમ કોર્ટ સુધી જઇ આવ્યો છે. આટલી મહેનત પછી હજી તો સુપ્રિમ કોર્ટે એટલો જ ચુકાદો આપ્યો છે કે આ ખટલો ચાલવો જોઇએ. હવે આ ખટલો ચાલશે અને તેનો ચુકાદો આવતાં બીજાં વર્ષો વીતી જશે.
પછી એ ચુકાદાને સેશન્સ કોર્ટમાં, હાઇકોર્ટમાં અને છેવટે સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવશે. ન્યાયની આ ધીમી પ્રક્રિયા જોતાં પાંચ નિર્દોષ નાગરિકોની હત્યા કરનારા લશ્કરી અધિકારીઓને ક્યારે સજા થશે તેની ગતાગમ પડતી નથી.
જે દેશમાં ન્યાયની પ્રક્રિયા આટલી ધીમી હોય ત્યાં કાયદાનું પાલન કરાવતી એજન્સીઓને બેફામ સત્તા આપવાથી પ્રજાની સ્વતંત્રતા જ ઝૂંટવાઇ જાય છે.
- સુપાર્શ્વ મહેતા

 

Share |
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved