Last Update : 07-May-2012, Monday

 

NCTCનો મૂળ ઉદ્દેશ દેશની પ્રજાને આતંકિત કરવાનો છે

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો છે તે પ્રજાને આતંકિત કરવા માટેની સત્તાની વહેંચણી બાબતનો ઝઘડો છે; તેનાથી પ્રજાને કોઈ જ લાભ થવાનો નથી

કેન્દ્ર સરકાર દ્વારા ત્રાસવાદનો મુકાબલો કરવા માટે રચવામાં આવનારી એજન્સી નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (એનસીટીસી) વિવાદનો ભોગ બની ગઈ છે. મુંબઈ ઉપર ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલા પછી ભવિષ્યમાં ત્રાસવાદનો મુકાબલો કરવા માટે ભારતમાં કોઈ શક્તિશાળી કેન્દ્રિય એજન્સી હોવી જોઈએ એવી માંગણી વ્યાપક બની હતી. અમેરિકાએ ૯/૧૧ના આતંકવાદી હુમલા પછી તેમના દેશમાં પણ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરની રચના કરી હતી. તેના ઉપરથી પ્રેરણા લઈને ભારત સરકારે પણ એનસીટીસીની રચના કરવાની કોશિષ આરંભી હતી, પણ જે રાજ્યોમાં યુપીએની સરકારો નથી તેમના વિરોધને કારણે આ યોજના આંધીમાં અટવાઈ ગઈ છે. આ રાજ્યોનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર દેશના સમવાયી તંત્રને ખતમ કરવા માંગે છે અને પોતાની સત્તા રાજ્ય સરકારો ઉપર ઠોકી બેસાડવા આ નવી સૂચિત એજન્સીનો ઉપયોગ કરવા માંગે છે. હકીકતમાં એનસીટીસીનો ઉદ્દેશ માત્ર રાજ્યોને જ નહીં પણ દેશની પ્રજાને પણ ભયભીત બનાવવાનો છે.
કેન્દ્ર સરકારનો આક્ષેપ છે કે ત્રાસવાદીઓની હિલચાલ બાબતમાં રાજ્ય સરકારોને આગોતરી જાણ કરવામાં આવે છે ત્યારે તેઓ સમયસર પગલાં લેવામાં નિષ્ફળ જાય છે, માટે તેનો મુકાબલો કરવા માટે કેન્દ્રીય એજન્સીની આવશ્યકતા છે. રાજ્ય સરકારો કહે છે કે ભારતનાં બંધારણ મુજબ કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં આવતા હોવાથી જો કોઈ કેન્દ્રીય એજન્સી તેમાં હસ્તક્ષેપ કરે તો તેના કારણે રાજ્ય સરકારોની સ્વાયત્તતા ઉપર તરાપ આવે છે. કેન્દ્ર અને રાજ્યોના વિવાદમાં દેશની પ્રજા ઉપર એનસીટીસીની શું અસર થશે તેની ચિંતા કોઈ કરતું નથી. હકીકતમાં આ એજન્સીનો ઉપયોગ ત્રાસવાદીઓ સામે લડવા માટે નહીં પણ પ્રજાને કચડવા માટે કરવામાં આવી શકે તેમ છે. દેશમાં કટોકટી દરમિયાન 'મિસા' નામનો કાયદો ઘડવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ પ્રજાના વાજબી વિરોધને કચડી નાંખવાનો હતો. તેવી રીતે કેન્દ્ર સરકાર એનસીટીસીનો ઉપયોગ પોતાના રાજકીય વિરોધીઓને રંજાડવા અને તેમને આતંકિત કરવા કરી શકે છે. કોઈપણ નાગરિકની ગમે ત્યારે ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દેવાની વ્યાપક સત્તાઓ ધરાવતી એજન્સી પ્રજાની સ્વતંત્રતા ઉપરનું પણ આક્રમણ છે.
આપણા દેશમાં અને દુનિયામાં ત્રાસવાદનો મુકાબલો કરવા માટે જેટલા પણ કાયદાઓ ઘડવામાં આવે છે અને એજન્સીઓની રચના કરવામાં આવે છે તેને કારણે પ્રજાની સ્વતંત્રતા જોખમમાં મૂકાઈ જતી હોય છે. આ કાયદાઓનો અને એજન્સીઓનો ઉપયોગ ત્રાસવાદીઓ સામે ઓછો અને કાયદાનું પાલન કરતા નાગરિકો સામે વધુ કરવામાં આવે છે. અમેરિકામાં ૯/૧૧ના આતંકવાદી હુમલા પછી તકેદારીનાં પગલાં તરીકે એર-પોર્ટ ઉપર સ્ત્રીઓ સહિત તમામ ઉતારુનું ફૂલ બોડી સ્કેનિંગ શરૃ કરવામાં આવ્યું તેના કારણે નાગરિકોની પ્રાઈવસી ઉપર આક્રમણ થયું તેનો વ્યાપક વિરોધ થયો હતો, પણ ત્રાસવાદનો મુકાલબો કરવાને બહાને આ નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. આપણા દેશમાં પણ આતંકવાદીઓના ડરથી મોટર કારના કાચ ઉપર કાળી ફિલ્મ ચડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે એ આપણી સ્વતંત્રતા ઉપરનું અતિક્રમણ છે. આ પ્રકારના નિયમોથી ત્રાસવાદીઓને કોઈ ફરક પડતો નથી, પણ સામાન્ય નાગરિકની સ્વતંત્રતા જરૃર ઝૂંટવાઈ જાય છે.
ઈ.સ. ૨૦૦૮માં આપણા દેશમાં આતંકવાદનો મુકાબલો કરવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની રચના કરવામાં આવી હતી. આ માટે સંસદમાં કાયદો પણ પસાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના આતંકવાદીઓ ડેવિડ હેડલી અને રાણા સામે જે કેસો દાખલ કરવામાં આવ્યા એ એનઆઈએના માધ્યમથી જ દાખલ કરવામાં આવ્યા હતા. આ એજન્સીને કોઈપણ રાજ્યમાં તપાસ કરવાના અને કોઈપણ નાગરિકની ધરપકડ કરવાના પાવર આપવામાં આવ્યા જ છે. તો પછી એનસીટીસીની એકાએક જરૃર શા માટે પડી? આ સવાલનો કોઈ સંતોષકારક જવાબ કેન્દ્ર સરકાર આપી શકી નથી. એનઆઈએની રચના માટે તો સંસદમાં કાયદો પણ ઘડવામાં આવ્યો હતો, પણ એનસીટીસીની રચના ઈ.સ. ૧૯૬૭ના પ્રિવેન્શન ઓફ અનલોફુલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ પાછલે બારણે કરવામાં આવી હતી. આ જૂના કાયદા હેઠળ એક નવું નોટિફિકેશન બહાર પાડીને આટલી વ્યાપક સત્તા ધરાવતી એજન્સીની રચના કરવા પાછળ જરૃર કોઈ રહસ્ય છે.
રાજ્ય સરકારો દ્વારા એનઆઈએનો વિરોધ નહોતો કરવામાં આવ્યો અને એનસીટીસીનો વિરોધ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે એનસીટીસીને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારોની અન્ય એજન્સીઓને 'કન્ટ્રોલ અને કોર્ડિનેટ' કરવાની સત્તાઓ આપી દેવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે એનસીટીસીના અધિકારીઓ કોઈપણ રાજ્યમાં ત્રાસવાદવિરોધી ઓપરેશન હાથ ધરવાના હોય ત્યારે તે રાજ્યનું પોલીસ દળ એનસીટીસીની આજ્ઞાા માનવા બંધાયેલું છે. આ પરિસ્થિતિમાં રાજ્યના પોલીસ દળના વડાએ પોતાના રાજ્યના ગૃહપ્રધાન પાસેથી નહીં પણ એનસીટીસીના વડા પાસેથી આદેશો મેળવીને તે મુજબ કામ કરવાનું રહેશે. એનઆઈએ અને સીબીઆઈ જેવી કેન્દ્રીય સંસ્થાઓએ પણ એનસીટીસીના આદેશ મુજબ કામ કરવું પડશે. આ રીતે દેશની તમામ એજન્સીઓ એનસીટીસીની છત્રછાયામાં આવી જશે. કોઈ એજન્સીનો પાવર જેટલો વધે છે એટલી આ પાવરનો દુરુપયોગ થવાની સંભાવના પણ વધે છે.
કેન્દ્ર સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ એનસીટીસીએ જાસૂસી સંસ્થા ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ના હાથા તરીકે કામ કરવાનું છે. આ જોગવાઈ બહુ ખતરનાક છે. અત્યારની વ્યવસ્થા મુજબ આઈબીનું કાર્ય માત્ર ગુપ્ત માહિતી એકઠી કરીને કેન્દ્ર અથવા રાજ્ય સરકારને પહોંચતી કરવાનું છે. આ માહિતી આધારે રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તે પગલાં ભરે છે. તેને બદલે હવે આઈબીના અધિકારીઓ પોતે મેળવેલી માહિતીનો ઉપયોગ કરીને એનસીટીસીના માધ્યમથી કેસ દાખલ કરશે, ધરપકડ કરશે અને ખટલો પણ ચલાવશે.
અત્યારે આઈબી એક ગુપ્તચર સંસ્થા છે અને તેની હાજરીનો ક્યાંય ખ્યાલ આવતો નથી. હવે આઈબી જાહેરમાં આવી જશે. રાજ્યની પોલીસને વિશ્વાસમાં લીધા વિના તેઓ કોઈપણ નાગરિકની ધરપકડ કરી શકશે અને તેમની સામે ખટલો માંડી શકશે. ઘણી વખત સરકાર દ્વારા પોલીસ તંત્રનો ઉપયોગ પ્રજાકીય આંદોલનને કચડવા માટે કરવામાં આવે ત્યારે પ્રજાનો સંગઠિત વિરોધ ફાટી નીકળતો હોય છે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા પેદા થતી હોય છે. એનસીટીસીનાં કોઈ પગલાંને કારણે રાજ્યમાં આવી પરિસ્થિતિ પેદા થશે ત્યારે તેને કોણ અંકુશમાં રાખશે?
આજની તારીખમાં કેન્દ્ર સરકાર પાસે આતંકવાદનો મુકાબલો કરવા અને ગુપ્ત માહિતીઓ એકઠી કરવા સીબીઆઈ, આઈબી, રૉ અને એનઆઈએ જેવી ચાર એજન્સીઓ છે. આ બધી એજન્સીઓમાં પણ સંકલનનો અભાવ છે અને તેમાં એકબીજાની સામે ખેંચતાણ ચાલી રહી છે. આઈબીને દેશમાં જાસૂસી કરવાનું સોંપવામાં આવ્યું છે તો વિદેશની ભૂમિ ઉપર જાસૂસી કરવાનું કામ રૉ સંભાળે છે. આતંકવાદનો મુકાબલો કરવા માટે દેશની ભૂમિ અને વિદેશની ભૂમિ ઉપર શું ચાલી રહ્યું છે તેની પણ માહિતી મેળવવી જરૃરી બની રહે છે. આજની તારીખમાં ભારતમાં આઈબી અને રૉ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. સૂચિત એનસીટીસીને આઈબી હેઠળ મૂકવામાં આવશે તો તેને રૉનો સહકાર મળવા બાબતમાં શંકા છે. આ ચાર એજન્સીઓ વચ્ચે સંકલન કરવાને બદલે પાંચમી એજન્સી સ્થાપવા પાછળ કેન્દ્ર સરકારનો કોઈ ગુપ્ત પ્લાન છે. ભારતના વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે આઈબીનો ઉપયોગ રાજકીય વિરોધીઓની જાસૂસી કરવા માટે થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર આવતીકાલે પોતાના રાજકીય વિરોધીઓને સતાવવા તેમને આતંકવાદીઓના સમર્થક ગણાવીને એનસીટીસીના માધ્યમથી હેરાન પણ કરી શકે છે.
ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનો મૂળભૂત એજન્ડા જુદા જુદા કાયદાઓ કરીને પ્રજાને ગુલામ બનાવવાનો જ છે. આ કારણે જ લગ્નની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી રહી છે અને ૧૮ વર્ષની નીચેના યૌન સંબંધોને સજાપાત્ર ગુનો ઠરાવવાની પેરવી ચાલી રહી છે. આપણી સરકાર લોકશાહીના અંચળા હેઠળ સરમુખત્યારોને પણ સારા કહેવડાવે એવી સત્તાઓ હાંસલ કરી રહી છે. નાગરિકો ઉપર જાતજાતના અંકુશો લાદવામાં આવી રહ્યા છે. આઈ-ડી કાર્ડ વગર તેઓ ટ્રેનના ઉચ્ચ વર્ગમાં મુસાફરી નથી કરી શકતા અને પેન-કાર્ડ વગર બેન્કમાં ખાતું પણ ખોલાવી શકતા નથી. ભગવાનના દર્શન કરવા માટે પણ આપણે મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડે છે. રેલવે સ્ટેશન ઉપર કોઈ પણ પોલીસ કર્મચારી આપણી બેગ તપાસીને આપણી અંગત ચીજવસ્તુઓ જોઈ શકે છે.
હકીકતમાં આતંકવાદ અને નકસલવાદનું બહાનું બતાવીને આપણી સરકાર આપખુદશાહી આપણા માથે ઠોકી બેસાડી રહી છે. એનસીટીસી દ્વારા પ્રજાને ગુલામ બનાવવાની વધુ સત્તા કેન્દ્રના હાથમાં જતી રહે છે અને રાજ્યોના હાથમાં પ્રજાને આતંકિત કરવાની સત્તા ઓછી રહે છે, તેનો આ ઝઘડો છે. આવતી કાલે કદાચ આ સત્તાની વહેંચણી બાબતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે કોઈ સમાધાન થશે ત્યારે તેઓ સંપી જશે; પણ પ્રજાની સ્વતંત્રતાનું શું થશે?
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved