Last Update : 06-May-2012, Sunday

 

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો

રાષ્ટ્રપતિનો હોદ્દો ભલે શોભાના ગાંઠિયા જેવો હોય તો પણ ભારતના રાષ્ટ્રપતિનું વ્યક્તિત્વ વિવાદોથી પર હોય તે જરૃરી છે

ભારતનાં વર્તમાન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ ત્રણ મહિનામાં નિવૃત્ત થશે અને તેમના સ્થાને નવા રાષ્ટ્રપતિ બનશે. પ્રતિભા પાટિલે પોતાનાં પાંચ વર્ષના કાર્યકાળમાં જેટલા વિવાદો પેદા કર્યા એટલા અને એવા પ્રકારના વિવાદો ભૂતકાળના કોઈ રાષ્ટ્રપતિએ ભાગ્યે જ પેદા કર્યા હશે. તાજેતરમાં પ્રતિભા પાટિલ સેશલ્સ ટાપુઓ અને દક્ષિણ આફ્રિકાના સત્તાવાર પ્રવાસે ગયાં ત્યારે તેમની સાથે તેમના પરિવારના કુલ ૧૧ સભ્યો હતા, જેમાં તેમના પૌત્ર-પૌત્રીનો પણ સમાવેશ થતો હતો. માહિતી મેળવવાના અધિકાર હેઠળ કરવામાં આવેલી એક અરજીના જવાબમાં જાણવા મળ્યું છે કે રાષ્ટ્રપતિએ છેલ્લાં એક વર્ષમાં વિદેશની ચાર અને દેશની ૧૪ મુસાફરીઓ કરી એ બધામાં તેમના કુટુંબીજનો હાજર હતા. તાજેતરમાં નિવૃત્ત થતાં અગાઉની તેમની નવ દિવસની ટુરને તો 'ફેમિલી પિકનિક' તરીકે જ જોવામાં આવે છે.
ઇ.સ. ૨૦૦૯ના જાન્યુઆરી અને ૨૦૧૦ના સપ્ટેમ્બર મહિના વચ્ચે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે જે મુસાફરીઓ કરી એમાં તેમના પરિવારના ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ ૧૧ સભ્યો સાથે હતા. આ સભ્યોમાં પ્રતિભા પાટિલના પતિ દેવીસિંહ શેખાવત, પુત્ર રાજેન્દ્રસિંહ શેખાવત, પુત્રવધૂ મંજરી શેખાવત, પુત્રી જ્યોતિ રાઠોડ, જમાઈ જયેશ રાઠોડ ઉપરાંત તેમના પૌત્ર-પૌત્રીઓ પણ સાથે હતા. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તેમના પાંચ વર્ષના કાર્યકાળમાં ૨૨ દેશોની ૧૨ ટુર કરી છે, જે દરમિયાન તેઓ ૭૯ દિવસ વિદેશની ધરતી ઉપર રહ્યા છે. આ તમામ ટુરોમાં તેમના કોઇને કોઈ સગાવહાલા તેમની સાથે હતા. આ સગાવહાલાઓ પણ વિદેશોની સત્તાવાર મહેમાનગતિ માણી આવ્યા હતાં.
આરટીઆઇના કાયદા હેઠળ કરવામાં આવેલી અરજીના જવાબમાં જાણવા મળ્યું છે કે રાષ્ટ્રપતિની તમામ વિદેશી મુસાફરીઓ તેમના માટે અનામત રાખવામાં આવેલાં એર ઇન્ડિયાના ૭૪૭ બોઇંગ વિમાનમાં જ કરવામાં આવી હતી, જેની પાછળ એર ઇન્ડિયાએ પાંચ વર્ષમાં ૧૬૯ કરોડ રૃપિયાનો ખર્ચો કર્યો છે. આ રીતે રાષ્ટ્રપતિની આ 'પિકનિક' આપણને ૨૦૫ કરોડ રૃપિયામાં પડી છે. પ્રતિભા પાટિલે પાંચ વર્ષમાં બ્રાઝિલ, મેક્સિકો, ચીલી, ભૂતાન, વિયેતનામ, ઇન્ડોનેશિયા, સ્પેન, પોલેન્ડ, રશિયા, તાજિકસ્તાન, બ્રિટન, સાયપ્રસ, ચીન, લાઓસ, કમ્બોડિયા, યુએઈ, સિરિયા, મોરેશિયસ, દક્ષિણ કોરિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને ઔસ્ટ્રિયાની મુલાકાત લીધી છે.
સ્વતંત્ર ભારતના કોઇ રાષ્ટ્રપતિએ વિદેશ યાત્રાઓ પાછળ આટલો ખર્ચો કર્યો નથી.
પ્રતિભા પાટિલના પુરોગામી અબ્દુલ કલામ આઝાદ કુંવારા હતા, માટે તેમના માટે વિદેશી મુસાફરીએ કોઇ સગાને લઈ જવાનો સવાલ નહોતો. તેમણે પાંચ વર્ષ દરમિયાન ૧૭ દેશોની સાત ટુર કરી હતી. તેમના અગાઉના રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને ૧૦ દેશોની છ ટુરો કરી હતી અને તેમના અગાઉના રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ ચાર ટ્રિપો દરમિયાન ૧૬ દેશોની મુલાકાત લીધી હતી. વર્તમાન રાષ્ટ્રપતિના કાફલામાં તેમના સત્તાવાર સ્ટાફ ઉપરાંત તેમના પારીવારિક સભ્યો મોટા પ્રમાણમાં રહેતા હોવાથી તેઓ ટીકાનો ભોગ બનતા આવ્યા છે.
તાજેતરમાં બહાર આવ્યું હતું કે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પોતાના હોદ્દા ઉપરથી નિવૃત્ત થાય તે પછી તેમને રહેવા માટે પુણેના લશ્કરી વિસ્તારમાં સરકાર તરફથી ૨.૬ લાખ ચોરસ ફીટ જમીન આપવામાં આવશે, જેમાં ૪,૫૦૦ ચોરસ ફીટનો બંગલો સરકાર બાંધી આપશે. લશ્કરના એક નિવૃત્ત લેફટનન્ટ કર્નલ સુરેશ પાટિલે આ ફાળવણીનો વિરોધ કર્યો ત્યારે ભારે વિવાદ થયો હતો. નિવૃત્ત રાષ્ટ્રપતિને સત્તાવાર રીતે સરકાર માત્ર ૬,૦૦૦ ચોરસ ફીટ જમીનમાં બંગલો આપી શકે, જેના બદલે પ્રતિભા પાટિલને ૨.૬ લાખ ચોરસ ફીટ જમીન આપવાની સરકારની યોજના હતી.
રાષ્ટ્રપતિના પ્રવક્તાએ પ્રારંભમાં આ ફાળવણીનું સમર્થન કરતાં કહ્યું હતું કે તેમાં કોઇ કાયદાનો ભંગ થતો નથી. આ વિવાદ વ્યાપક બન્યો તે પછી પ્રતિભા પાટિલે ફેરવી તોળ્યું હતું અને ૨.૬ લાખ ચોરસ ફીટ ભૂખંડનો 'ત્યાગ' કર્યો હતો.
ઇ.સ. ૨૦૦૭માં પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિ બન્યાં તે પચી જાણતા-અજાણતા તેઓ અનેક વિવાદોમાં ઘેરાયેલાં રહ્યાં છે. પ્રતિભા પાટિલનું નામ રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યું તેના છ સપ્તાહ અગાઉ મહારાષ્ટ્ર સરકારે અમરાવતી જિલ્લામાં તેમના પતિ દેવીસિંહ શેખાવતને સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં બાંધવા માટે સોનાની લગડી જેવી ૨૫,૦૦૦ ચોરસ ફીટ જમીન ભેટમાં આપી હતી. આ જમીન ઉપર નિયમોનો ભંગ કરીને પ્રતિભા પાટિલના સંસદસભ્ય તરીકેના ફંડમાંથી બાંધકામ કરવા માટે ૩૬ લાખ રૃપિયા ફાળવવામાં આવ્યા હતા. શ્રીમતી પ્રતિભા પાટિલ જ્યારે સંસદસભ્ય હતાં ત્યારે ઈ.સ. ૧૯૯૬માં તેમને મળેલા ફંડની ફાળવણી ૨૦૦૭માં કરવામાં આવી હતી.
શ્રીમતી પ્રતિભા પાટિલનું નામ યુપીએનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે તેઓ રાજસ્થાનનાં ગવર્નર તરીકે માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારીના આશ્રમની મુલાકાતે ગયાં હતાં. આ મુલાકાત દરમિયાન બ્રહ્માકુમારીનાં વર્તમાન વડાં દાદીજીએ એવો દાવો કર્યો હતો કે તેમના શરીરમાં બ્રહ્માકુમારીના સ્થાપક દાદા લેખરાજનું ભૂત આવે છે. આ દાવો પ્રતિભા પાટિલે સાચો માનીને દાદા લેખરાજના 'ભૂત' સાથે વાતચીત પણ કરી હતી. આ વાતચીતમાં 'દાદા'એ તેમને એવા આશીર્વાદ આપ્યા હતા કે તેઓ ભારતનાં રાષ્ટ્રપતિ બનશે. આ વાત પ્રતિભા પાટિલે ટીવીની ચેનલોને જણાવી ત્યારે પણ વિવાદ થયો હતો કે ભારતનાં બનનારાં રાષ્ટ્રપતિ ભૂતપ્રેતમાં માને છે.
શ્રીમતી પ્રતિભા પાટિલ જ્યારે રાષ્ટ્રપતિ બન્યાં કે તરત બહાર આવ્યું હતું કે તેઓ રાજસ્થાનનાં રાજ્યપાલ બનતાં અગાઉ મહારાષ્ટ્રમાં એક સહકારી સાકર મંડળીનાં અધ્યક્ષ હતાં. આ મંડળીએ બેન્કો પાસેથી ૧૭.૩ કરોડ રૃપિયાની લોન લીધી હતી, પણ લોન પછી વાળવામાં મળેલી નિષ્ફળતાને પગલે આ મંડળીને જ તાળાં મારી દેવામાં આવ્યાં હતાં. આ દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે પ્રતિભા પાટિલે મહારાષ્ટ્રમાં ઇ.સ. ૧૯૭૩ની સાલમાં એક સહકારી બેન્કની સ્થાપના કરી હતી. આ બેન્કમાંથી તેમના સગાસંબંધીઓને એટલા મોટા પ્રમાણમાં લોન આપી દેવામાં આવી હતી કે ઇ.સ. ૨૦૦૩માં તેણે દેવાળું કાઢ્યું હતું અને તેને બંધ કરવાની ફરજ પડી હતી.
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલનો ભાઈ જી.એન. પાટિલ એક ખૂન કેસમાં સંડોવાયો હોવાનું પણ બહાર આવ્યું હતું. જલગાંવનાં મહિલા પ્રોફેસર રજની પાટિલે એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે તેમના પતિ વિશ્રામ પાટિલની હત્યામાં જી.એન. પાટિલનો હાથ છે, પણ પ્રતિભા પાટિલ પોતાના રાષ્ટ્રપતિ તરીકેના હોદ્દાનો દુરૃપયોગ કરીને તેને બચાવવાની કોશિશ કરી રહ્યાં છે.
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પોતાના પુત્રપ્રેમને કારણે પણ વિવાદોમાં ફસાયા છે.
તેમના પુત્ર રાજેન્દ્ર શેખાવતને વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની ટિકિટ અપાવવા માટે તેમણે પોતાના હોદ્દાનો અને વગનો ઉપયોગ કર્યો હતો. ઈ.સ. ૨૦૧૧ના ડિસેમ્બર મહિનામાં રાજેન્દ્ર શેખાવતના મતદાર ક્ષેત્રમાં એક ફલાય ઓવરનું ઉદ્ધાટન થવાનું હતું. આ ફલાય ઓવરનાં ઉદ્ધાટન માટે તેમણે રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું હતું અને તેમણે પુત્રપ્રેમને કારણે આ નિમંત્રણ સ્વીકારી પણ લીધું હતું. ભારતના રાષ્ટ્રપતિ પોતાના દરજ્જાની રૃએ ફલાય ઓવરનું ઉદ્ઘાટન કરતા નથી, પણ પ્રતિભા પાટિલે આ પ્રસંગે પોતાના દરજ્જાની ચિંતા પણ કરી નહોતી. રાજેન્દ્ર શેખાવતે પોતાની માતાની વગનો ઉપયોગ કરીને તેમના દ્વારા ચાલતી કોલેજ માટે ૧.૫૦ કરોડ રૃપિયાનો પ્લોટ મફતમાં પડાવી લીધો હોવાનો આક્ષેપ પણ તેમના ઉપર થયો છે.
શ્રીમતી પ્રતિભા પાટિલ ભારતનાં ૧૨માં રાષ્ટ્રપતિ છે, પણ પહેલાં મહિલા રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિના હોદ્દા ઉપર એક મહિલાની વરણી થઇ ત્યારે દેશની મહિલાઓ ગર્વ અનુભવતી હતી કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એક મહિલા પહેલી વખત દેશના સર્વોચ્ચ હોદ્દા ઉપર પહોંચી છે. પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન શ્રીમતી પ્રતિભા પાટિલે દેશની મહિલાઓના કલ્યાણ માટે ખાસ કાંઇ કર્યું નથી.
ઇ.સ. ૨૦૦૭માં કોંગ્રેસ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન શિવરાજ પાટિલને રાષ્ટ્રપતિ બનાવવા માંગતી હતી, પણ ડાબેરીઓ દ્વારા શિવરાજ પાટિલના નામનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ છેક છેલ્લી ઘડીએ નેહરુ-ગાંધી પરિવારના વફાદાર તરીકે જાણીતા થયેલાં શ્રીમતી પ્રતિભા પાટિલનું નામ આગળ કર્યું હતું. ડાબેરી પક્ષો શ્રીમતી પ્રતિભા પાટિલ મહિલા હોવાને નાતે તેમને ટેકો આપવા તૈયાર થઈ ગયા એટલે તેઓ કોમ્પ્રોમાઇઝ કે કેન્ડિડેટ તરીકે રાષ્ટ્રપતિ બની ગયાં હતાં.
આમ પણ ભારતની લોકશાહીમાં રાષ્ટ્રપતિનો હોદ્દો શોભાના ગાંઠિયા સમાન લેખાય છે, માટે તેઓ કોઇ ચમત્કાર કરે એવી અપેક્ષા તેમની પાસે રાખવામાં આવતી નથી. નિવૃત્ત થતાં રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલની આજુબાજુ પાંચ વર્ષમાં જે કોઈ વિવાદો થયા એ તેમના હોદ્દાની ગરિમા વધારે તેવા તો નહોતા જ.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved