Last Update : 06-May-2012, Sunday

 

વીર્ય બેન્કના વેપારમાં તેજી

હોટલાઇન - ભાલચંદ્ર જાની
- પ્રદૂષણ, ખોરાકમાં ધુસી ગયેલાં વિવિધ રસાયણો, ટેન્શનવાળું જીવન વગેરે કારણસર પુરુષ તેની ફળદ્રુપતા ગુમાવતો જાય છે. તેથી પિતા બનવા અસમર્થ આવા પુરુષોની પત્ની માટે કૃત્રિમ ગર્ભાધાન થકી માતૃત્વ પ્રાપ્ત કરવાના કિસ્સા વધતા જાય છે

હિન્દી ફિલ્મોની આપણા સમાજ પર ઊંડી, દૂરોગામી અસર પડે છે. એ વાત તો હવે સૌૈ જાણે છે. ફેશનથી લઈને રિત રિવાજ સુધી અનેક બાબતો પર બોલીવૂડની વ્યાપક અસર પડતી જણાય છે. પરંતુ વીર્યદાન જેવા વિષયમાં પણ એક ફિલ્મનો પ્રભાવ જોવા મળે તે પહેલીવાર જાણ્યું. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિકી ડોનર’ માં ઝટ પૈસા કમાઈ લેવાની તાલાવેલી ધરાવતા યુવકને વીર્યદાન કરીને લખપતિ બની જતો દર્શાવ્યો છે.
આ ફિલ્મ જોઈને જાણે અનેક યુવકોને ઝટપટ પૈસા કમાઈ લેવાનો કિમિયો જડી ગયો હોય તેમ મુંબઈ-પુના જેવા શહેરોની વીર્યબેન્કોના ફોન વારંવાર રણકવા લાગ્યા છે. વીર્યદાન કરીએ તો કેટલા પૈસા મળે તેની ઈન્કવાયરી કરતાં સંખ્યાબંધ ફોેન આવવાથી વીર્યબેન્કોની પેઢીના સંચાલકો પણ મૂંઝાઈ ગયા છે.
અત્યાર સુધી એવું હતું કે ઈન્વીટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) ક્લિનીકને વીર્યદાન કરનારા યુવકો શોધવા પડતા હતા. તેઓ ‘વીર્યદાતા’ જોઈએ છે એવી જાહેરખબરો તો આપી શકતા નથી. જે એકલદોકલ યુવક વીર્યબેન્કના પગથિયા ચઢતા હતા તે બીજાને મોઢે સાંભળેલી વાતોથી દોરાઈને આવતા હતા. હવે એક ફિલ્મના માઘ્યમથી વીર્યની લેવડદેવડની પાછળનું અર્થકારણ યુવકોને સમજાયું ત્યારથી વીર્યબેન્કનાં દરવાજે દાતાઓની કતાર લાગે છે.
જો કે વિકી ડોનર ફિલ્મમાં બતાવે છે એટલું સહેલાઈથી વીર્યદાન કરીને મબલખ નાણા કમાઈ શકાતા નથી. એ સિવાય આ પ્રકારના ક્લિનીકનો કારોેબાર પણ અમુક કડક ધારાધોરણે અનુસરીને ચાલે છે. એ હકીકત છે કે દિલ્હી, બેંગલોર, મદ્રાસ અને અમદાવાદ જેવાં ભારતના કેટલાંય મોટા શહેરોમાં વીર્યદાનની મદદથી નિઃસંતાન દંપતીની બાળકની ખોટ તબીબોએ પૂરી કરી છે. પરંતુ સમાજમાં વગોવાઇ જવાના ડરથી આ પ્રકારના કિસ્સાને પ્રસિદ્ધિ અપાતી નથી.
યુરોપ-અમેરિકામાં તો પુરુષ બીજને થાપણ તરીકે સ્વીકારી તેની આપ-લે કરતી ધંધાદારી સ્પર્મ બેન્કની કોઇને નવાઇ રહી નથી. મુંબઇમાં પહેલીવાર પોતાનું નામ જાહેર કરીને એક ડોકટર દંપતીએ બે દાયકા પૂર્વે કોલાબા ખાતે સ્પર્મ બેન્કની સ્થાપના કરી હતી. આ યુગલ સંચાલિત માલપાણી નર્સંિગ હોમના એક ભાગ રૂપે જ વીર્યબેન્કની પ્રવૃત્તિ શરૂ થઇ છે.
આમ તો મુંબઇમાં આર્ટિફિશિયલ ઇનસેમિનેશન ટેકનિક બે દાયકાથી ગાયનેકોલોજીસ્ટે અપનાવી લીધી છે. પરંતુ બઘું બંધબારણે ચાલે છે. કેટલાંક સેવાભાવી ડોકટરો સામે ચાલીને સંતાન વિહોણાં દંપતીનું દુઃખ દૂર કરવા તેમને કૃત્રિમ વીર્યદાનની સરળ પદ્ધતિ સમજાવે છે. બાળક વગર ઝૂરતા કેટલાંક દંપતી આ સાહસ ખેડવા તૈયાર પણ થતાં હતાં. પરંતુ મોટી સમસ્યા એ હતી કે પદ્ધતિસરની વીર્યબેન્કના અભાવે કોઇ સ્ત્રી કૃત્રિમ ગર્ભધાન માટે તૈયાર થાય ત્યારે ગમે તે પેથોલોજીસ્ટ પાસેથી વીર્યમ ેળવી કામ પાર પાડી દેવામાં આવતું. માતા બનવા કરગરતી સ્ત્રીને પસંદગીનું વીર્ય મેળવવાનો અવકાશ જ રહેતો નહીં.
આ ત્રુટી દૂર કરવા ડોકટર અનિરુદ્ધ માલપાણી અને તેમનાં મરાઠી પત્ની ડોકટર અંજલિએ કોલાબાના તેમના નર્સંિગ હોમમાં જ વીર્યબેન્કની સ્થાપના કરી દીધી. સ્પર્મબેન્ક સ્થાપવા માટે કોઇ કાનૂની પરવાનગી મેળવવી આવશ્યક નથી એવું ડોકટર માલપાણીએ જણાવ્યું હતું.
સંતાનવિહોણા યુગલની સમસ્યા સમજાવતા આ ડોકટર દંપતી કહે છે આપણે ત્યાં કોઇ યુગલને સંતાન ન હોય તો બધા દોષ સ્ત્રીને જ દેવાય છે. વાસ્તવમાં ૪૦ ટકા કિસ્સામાં પતિ અને એટલા જ કેસમાં પત્ની કોઇ ઊણપ ધરાવતી હોવાને કારણે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. બીજા ૨૦ ટકા કેસ એવા છે જેમાં પતિ-પત્ની બંને ફળદ્રુપ હોવા છતાં કોઇ માનસિક વિકૃત્તિને કારણે સંતાનસુખ માણી શકતાં નથી.
ભારતમાં લગભગ ૧૦ ટકા પરિણીત યુગલો એવા છે જે લગ્નજીવનનાં ૧૦ વર્ષ પૂરાં થયાં છતાં સંતાનસુખથી વંચિત રહે છે.
તબીબી નિદાનમાં એવું સાબિત થાય કે પતિની ખામીને કારણે પત્નીને ગર્ભ રહેતો નથી તો એવા કિસ્સામાં સંતાનસુખ મેળવવાનો એક જ માર્ગ રહે છે. કૃત્રિમ વીર્યદાન, અંગ્રેજીમાં આ પદ્ધતિને આર્ટિફિશિયલ ઇનસેમિનેશન બાય ડોનર કહે છે. અગાઉ તબીબો વાતચીતમાં તેનો ટૂંકો ઉચ્ચાર એઇડ કરતા હતા. પરંતુ એઇડ્‌સની બીમારીનો હાઉ વધી ગયા પછી ડોકટરો આ પદ્ધતિનું પૂરું નામ ઉચ્ચારે છે.
અત્યારે મુંબઇ શહેરમાં તાજું વીર્યમ ેળવીને કૃત્રિમ ગર્ભાધાન કરાવનારા ગાયનેકોલોજીસ્ટોની સંખ્યા સોથી ય વઘુ છે.શહેરમાં આશરે ૫૦ પેથોલોજીસ્ટ એવા છે જેમની પાસે માગો તેના થોડા કલાક પછી કોઇ દાતાનું વીર્ય હાજર કરી શકે છે.’’ જો આ રીતે પુરુષ બીજ સહેલાઇથી મળી રહેતાં હોય તો સ્પર્મબેન્ક ખોલવાની જરૂર શું છે ?
આ પ્રશ્રનો જવાબ આપતાં એક ડોકટર કહે છે,‘‘ તાકીદની જરૂર ઊભી થાય ત્યારે કોઇ યોગ્ય દાતા ન મળે તો ઘણીવાર ગમે તે વ્યક્તિનું વીર્ય ઉપયોગમાં લેવાય એવો ભય રહે છે.’’ તાજા શુક્રાણુઓ વડે કૃત્રિમ ગર્ભધાન કરાવવામાં બીજો ખતરો એ છે કે સમયના અભાવે વીર્યદાતાનો ઇતિહાસ પૂરેપૂરો તપાસી ન શકાય કે તેનું યોગ્ય તબીબી પરીક્ષણ કરાયું ન હોય તો સ્ત્રી તથા આવનાર બાળક કમળો, ટીબી, એઇડ્‌સ જેવા ચેપી રોગો કે અન્ય જાતીય બીમારીના સકંજામાં સપડાવાની શક્યતા વધી જાય છે.
તાજા શુક્રાણુઓથી કૃત્રિમ ગર્ભાધાન કરાવવાનો ઓર એક ગેરફાયદો એ છે કે તબીબો સ્ત્રીને કોઇ પ્રકારની ખાતરી આપી શકતાં નથી કે આ વીર્ય ચોક્કસ કેવી વ્યક્તિનું છે. વળી સ્ત્રી તેના પતિના બંધારણ, ઊંચાઇ, રંગ, બુદ્ધિઆંક અને સ્વભાવને મળતો આવે એવા જ કોઇ પુરુષના શુક્રાણુ મેળવવાનો આગ્રહ રાખે તો ડોકટરો તેની આ અપેક્ષા સંતોષી શકતા નથી.
આશ્ચર્યની વાત એ છે કે તાજાં વીર્યથી કૃત્રિમ ગર્ભાધાન કરાવતા કેટલાંક તબીબો આ વાત સાથે સહમત થતા નથી. તેમની દલીલ એ છે કે જો શુક્રાણુઓ તાજા હોય તો તે થિજવી રાખેલા વીર્ય કરતાં સ્ત્રીબીજને ફળાવવાની ૩૫ ટકા વઘુ શક્તિ ધરાવે છે એવી સ્પષ્ટતા કરતાં એક ડોકટરે કહ્યું,‘‘ પુરુષબીજ એકવાર મેળવ્યા પછી બે કલાકની અંદર તેનો ઉપયોગ કરવો જોઇએ, નહીં તો તેના શુક્રાણુઓ ગતિશીલતા ગુમાવી બેસે છે.’’ છતાં સ્ત્રીના પ્રજનન અવયવમાં શુક્રાણુઓ ૭૨ કલાક જીવતા રહ્યાના દાખલા પણ બન્યા છે.
સૌ પ્રથમ વીર્યદાન કરવા ઇચ્છૂક વ્યક્તિ સ્પર્મ બેન્કમાં આવે ત્યારે પ્રથમ તેનો નાનો ઇન્ટરવ્યૂ લઇ તેના વિશેની કેટલીક પ્રાથમિક હકીકતો ડોકટર એકઠી કરી લે છે. એક ફોર્મ ભરાવડાવી દાતા પાસેથી બધી વિગતો લેખિત સ્વરૂપે મેળવી લેવાય છે. ત્યાર બાદ તેને એક રૂમમાં મોકલી તેનું વીર્ય પ્લાસ્ટિકની નાની શીશીમાં ઠાલવાની સૂચના અપાય છે.
વિદેશોમાં વીર્યદાન કરવા આવેલો દાતા જટ તેનું કામ પતાવી છૂટો થઇ શકે એ માટે અલાયદા રૂમમાં તેને ઉત્તેજિત કરે એવું વાતાવરણ અને એવું જ સાહિત્ય પૂરું પાડવામાં આવે છે.
વીર્યદાતા એકવાર તેનો વીર્યસ્ત્રાવ શીશીમાં એકઠો કરી નર્સને આપી દે પછી તેને રોકડા રૂપિયા ચૂકવી દેવાય છે. સામાન્ય રીતેવીર્યદાતા સમક્ષ એવી શરત મુકાય છે કે દાન કરવાના બે દિવસ પહેલાં તેણે બ્રહ્મચર્ય પાળ્યું હોવું જોઇએ ્‌ને ફરીવાર વીર્યદાન કરવાની ઇચ્છા થાય તો પણ બે વખતના ડોનેશન વચ્ચે પંદરથી વીસ દિવસનો ગાળો રાખવો જોઇએ, જેથી તેના વીર્યમાં પૂરતાં શુક્રાણુઓ હોય.

એક વીર્ય બેન્કની સંચાલિકાએ જણાવ્યું હતું કે પૈસા કમાવા અધીરા બનેલા ઘણા ખરા યુવકો એ જ પૂછતાં હોય છે કે, ‘અમે વીર્યદાન કરીએ તો કેટલા પૈસા આપશો?’ પરંતુ આ યુવકો એ નથી જાણતા-સમજતા કે વીર્યની લેવડદેવડ કરવી એ એટલું સહેલું કામ નથી અને આવું દાન કરીને કંઈ બહુ પૈસા કમાઈ શકાતા નથી.
આજે કોઈ વ્યક્તિ રક્તદાન કરવા જાય તો થોડી મિનિટોમાં એ કામ આટોપી શકાય છે. પરંતુ વીર્યદાન કરવાની મંજૂરી મેળવવા પૂર્વે જ છ મહિના નીકળી જાય છે. કારણ કે કોઈ યુવકનું વીર્ય વેંચાતું લેવા પૂર્વે તેને એચઆઈવી, કમળો કે બીજા ગુપ્ત-ચેપી રોગો થયા છે કે નહીં તે તપાસી જોવું પડે છે. વળી આવા એક વખતના વીર્યદાનના સેમ્પલના બદલામાં યુવકને વઘુમાં રૂા.૫૦૦ મળે છે. એટલે ફિલ્મમાં બતાવ્યું છે એ રીતે વીર્યનું દાન કરીને કોઈ યુવક માલેતુજાર બની શકતો નથી.
એક તબીબે જણાવ્યું તેમ વીર્યબેન્કના સંચાલકો પોેતાના ‘ધંધા’ની વિજ્ઞાપન આપી શકતા નથી. તેથી તેમણે નિયમિત રીતે વીર્યદાન કરતાં કેટલાક પસંદગીના યુવકોની યાદી બનાવી છે. મહારાષ્ટ્ર ગુજરાતમાં રજિસ્ટર્ડ થયેલા વીર્યદાતાની યાદીમાં કુલ ૯૨૦૦ યુવકોના નામ નોેંધાયેલા છે. એકલા મુંબઈમાં જ ૫૦૦ વીર્યદાતા તો એવા છે જે સશક્ત ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલા યુવકો છે અને નિયમિત વીર્યદાન કરે છે.
વીર્યદાન મળ્યા પછી તેને કલ્ચર કરી માઇક્રોસ્કોપ વડે તેના શુક્રાણુઓની તંદુરસ્તી તપાસવામાં આવે છે અને એક મિલિલિટર દીઠ શુક્રાણુઓની સંખ્યા ગણવામાં આવે છે. સામાન્ય રીતે મિલિલિટર દીઠ ૬ કરોડ શુક્રાણુઓ હોય એવા વીર્યને જ સ્વીકારવાનો નિયમ છે. જો પુરુષ બીજ માફકસર હોય અને સાચવવાં યોગ્ય હોય તો ઠંડા પીણાં પીવા માટે વપરાતી સ્ટ્રો જેવી પ્લાસ્ટિકની નળીમાં તે ભરી, દાતાના નંબરનું લેબલ મારીને તેને ફ્રિઝમાં ગોઠવી દેવાય છે. પહેલાં કાતિલ ઠંડી સામે રક્ષણ આપે તેવું ક્રાયોપ્રોટિક્ટંિગ મિડિયમ ઉમેરીને વીર્ય ભરેલી નળીને માયનસ ૧૨૫ અંશ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન ધરાવતી ઠંડી વરાળમાં લટકાવાય છે. ત્યાર બાદ વઘુ ઠંડી એટલે કે શૂન્ય નીચે ૧૯૬ અંશ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનવાળા પ્રવાહી નાઇટ્રોજનની ટાંકીમાં તેને ડુબાડી રખાય છે. કલાકની અંદર નળીમાંના વીર્યનું ઉષ્ણતામાન પણ શૂન્ય નીચે ૧૯૬ અંશ સેન્ટીગ્રેડ ઊતરી શુક્રાણુઓ જવાથી જીવંત પણ સુષુપ્ત બની જાય છે. જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તેને ઠંડીમાંથી બહાર કાઢી લેવાથી પાછા ગતિશીલ અને ચેતનવંતા બની જાય છે.
અમુક ડોક્ટરોએ વિધિવત સ્પર્મબેન્કની શરૂઆત કરી તે પહેલાં મુંબઇના અંગ્રેજી અખબારમાં જાહેરાત આપીને વીર્યદાતાઓને આગળ આવવા અપીલ કરી હતી. જો કે આ જાહેરખબરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોકટર, એન્જિન્યિર અને એમ.બી.એ. થયા હોય એવા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનારા યુવકો પાસેથી વીર્યદાનની અપેક્ષા કરાઇ હતી. જાહેરાતના પગલે નર્સંિગહોમને પચાસેક અરજી મળી. તેમાંથી સામે ચાલીને વીર્યદાન કરવા આવનારા માત્ર ૧૫ જણ હતા અને તેમાંથી પણ ફક્ત બે યુવકનું જ વીર્ય ઉચ્ચ ગુણવત્તા ધરાવતું હોવાનું જણાતાં તેનો સંગ્રહ કર્યો અને બાકી બધાનો નિકાલ કરી નાખ્યો.
એક જાણીતા તબીબ કહે છે કે રક્તદાનની માફક વીર્યદાન પણ પુણ્યનું કામ છે. ગમે તેમ વેડફવા કરતાં તેનું દાન કરવાથી કોઇ સંતાનવિહોણા યુગલના જીવનને નવપલ્લવિત કરી શકાય. તેમની વાતમાં સૂર પૂરાવતાં પત્ની ડોકટર અંજલિ લાગણીવશ બનીને કહે છે કે એ વાત ખાસ ઘ્યાનમાં રાખવી જોઇએ કે પરપુરુષના શુક્રાણુઓ વડે ગર્ભાધાન કરવું તે કોઇ પાપી કૃત્ય નથી. તેને વ્યભિચાર ન કહી શકાય. જરૂર પડે કોઇ સ્ત્રી દર્દીના શરીરમાં પરપુરુષનું લોહી ચઢાવી તેની જંિદગી બચાવી લેવાય છે. બસ એવી જ રીતે પરપુરુષના વીર્યથી કરાતાં કૃત્રિમ ગર્ભધાનની ટેકનિક પણ એટલી જ નિર્દોષ છે.
રક્તદાન અને વીર્યદાનમાં જો કે એક મહત્વનો તફાવત છે. પારકું લોહી મેળવ્યા પછી એ મેળવનારના શરીરમાં બીજો કોઇ ખાસ તફાવત નથી પડતો. જ્યારે વીર્યદાન મેળવ્યા પછી સ્ત્રીની કૂખે અવતારનારા બાળકમાં પતિના રંગ, રૂપ કે ગુણને બદલે તે કોઇ અજાણ્યા પુરુષના ગુણ હશે. ભવિષ્યમાં આ તફાવત બાળકને મૂંઝવણમાં મૂકી દે તેવું પણ બને.
બ્રિટનમાં આવો એક કિસ્સો બહુ ચકચાર જગાવી ગયેલો. તેમાં કૃત્રિમ ગર્ભધાનથી જન્મેલો છોકરો ૧૬ વર્ષનો થયા પછી તેને ખબર પડી કે તે જેને પોતાનો બાપ ગણે છે એ વાસ્તવમાં તેનો પિતા નથી. લાગણીનાં પૂરમાં તણાઇને આ કિશોરે અદાલતમાં ધા નાખી કે બ્રિટનના સ્વતંત્ર નાગરિક તરીકે મને મારો સગો બાપ કોણ છે તે જાણવાનો અધિકાર છે. હમણાં જ એક એવો કિસ્સો પણ બહાર આવ્યો છે જેમાં વીર્યબેન્કનું સંચાલન કરનારા તબીબે સ્વયં કબુલ્યું છે કે તેના વીર્ય થકી બ્રિટનમાં જન્મેલા બાળકોની સંખ્યા ૬૦૦ જેટલી છેે, એ ટલે કે આ તબીબ ૬૦૦ બાળકોના પિતા છે!
આવો વિખવાદ જગાવનારા અપવાદરૂપ કિસ્સાને બાદ કરીએ તો પારકા બાળકને દત્તક લેવા કરતાં પરપુરુષના શુક્રાણુ વડે બાળક મેળવવું એ માનસિક રીતે વઘુ સારું છે કારણકે આવા બાળકમાં પતિનો અંશ ન હોય તો પણ માનો અડધોઅડધ અંશ તો હોવાનો જ.
સ્પર્મબેન્કને પ્રસિદ્ધિ મળતાંની સાથે જ દેશભરના અન્ય ગાયનેકોલોજિસ્ટ કે પેથોલોજિસ્ટો પણ આ પ્રવાહમાં જોડાયા છે. પરંતુ આ વિકાસની સાથે સરકારે અને તબીબી જગતે એ અંગેની તકેદારી પણ પહેલેથી જ લેવીપડશે. કારણ કે સ્પર્મબેંકંિગ જેવા નાજુક અને જોખમી વ્યવસાયમાં દુરુપયોગ થવાની સંભાવના પણ ઘણી રહેલી છે. તેને ટાળવા માટે બેન્કે સલામતીનો કડક જાપ્તો રાખવો પડે. એક તબીબે જણાવ્યું તેમ બેન્કનો કારભાર વધશે એટલે અમારે દાતાઓની યાદી અને વીર્ય મેળવનારી મહિલાઓની વિગતો ગુપ્ત રાખવા સેફ ડિપોઝિટ વોલ્ટનો આશરો લેવો પડશે.
વિદેશોમાં સ્પર્મ બેન્કો ઓર એક વાતની પણ ખાસ તકેદારી લે છે. જેમ કે કોઇ દંપતી વીર્ય મેળવવા માટે નાણાં ચૂકવે પછી ૪૫ દિવસેબેન્કમાંથી પુરુષબીજનો ઉપાડ થઇ શકે પૈસા ચૂકવે કે તરત જ કાઉન્ટર પર વીર્યની ડિલીવરી મળતી નથી. તેનું કારણ એ છે કે અગાઉથી સગર્ભા બની ચૂકેલી બેવફા પત્ની તેનું અપકૃત્ય સ્પર્મબેન્કની મદદથી છાવરવા પ્રયત્ન કરતી હોય તો એ ૪૫ દિવસના ગાળામાં ખબર પડી જાય છે.આ તકેદારી પોતાના હિતમાં જ છે એ જાણીને તો પુરુષોએ પણ ૪૫ દિવસનો ગાળો માન્ય રાખવો જ પડે ને.
વંઘ્યીકરણનું ઓપરેશન કરાવતાં પહેલાં કે પ્રજનેન્દ્રિયના કોઇ રોગને કારણે શસ્ત્રક્રિયા કરાવવી પડે તો એ પહેલાં અગમચેતી વાપરીને પુરુષ પોતાનું વીર્ય આવી ધંધાદારી સ્પર્મબેન્કમાં જમા કરાવી શકે.ન કરે નારાયણને પુત્ર કે પુત્રી કોઇ અકસ્માતમાં માર્યા જાય તો પોતાના વીર્ય થકી પત્ની ફરીવાર સંતાન મેળવી શકે છે. જેથી વંશવેલા વિના મરવાની શક્યતા બિલકુલ ન રહે.
સ્પર્મબેન્કનો એક ફાયદો એ છે કે કોઇ એક પુરુષના શુક્રાણુનો બીજો સેમ્પલ વાપરી પહેલા બાળકને મળતું આવે તેવું જ સંતાન પ્રાપ્ત કરી શકે. જેથી બંને સંતાનમાં બહુ ફરક વર્તાય નહીં.
વિદેશોમાં પ્રણાલી છે એ મુજબ જ આપણા ડોકટરો પણ વીર્યદાતાના શુક્રાણુઓના ચાર ભાગ કરી દરેકના અલગ સેમ્પલ બનાવવા ધારે છે. દાતાને આ વીર્યદાનના માટે ૪૦૦થી ૫૦૦ રૂપિયા જ મળે, પરંતુ એ જ વીર્યના ચાર ભાગ વેચીને ડોકટર કુલ ૨૦૦૦ રૂપિયા કમાઇ શકે.
સ્પર્મ બેન્કના એક સંચાલકે જણાવ્યું તેમ મોટાભાગના વીર્યદાતા મેડિકલ કોલેજના વિદ્યાથીઓ હોય છે.તેમને વીર્યના એક સેમ્પલ માટે રૂા. ૫૦૦ થી ૭૦૦ અપાય છે. જ્યારે કારકુન કે એવા કોઇ મઘ્યમવર્ગી પુરુષને ૩૦૦ થી ૪૦૦ રૂપિયા મળે છે.
જો કે સ્પર્મબેન્કની પ્રવૃત્તિમાં પૈસા કમાવા કરતા નિઃસંતાન યુગલને ઉત્તમ સેવા પૂરી પાડવાનો ઉમદા આશય નજર સમક્ષ રાખવો જોઇએ. માત્ર બે-અઢી લાખ રૂપિયાના મૂડીરોકાણથી શરૂ થઇ શકતી સ્પર્મબેન્ક સ્થાપવા ધંધાદારી તબીબો મોટી સંખ્યામાં ઝુકાવી રહ્યા છે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved