પ્રેમલગ્ન કરનાર યુવાને માતા-પિતાને લાકડાના સપાટા માર્યા

- વ્યારાના ધરમપુરા ગામનો બનાવ
- પુત્રએ બીજા સમાજમાં લગ્ન કર્યા હોય માતા-પિતાનો વિરોધ

વ્યારા, શનિવાર
વ્યારા તાલુકાના ધરમપુરા ગામે માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ ગામની જ નાયકા સમાજની છોકરી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકને ઘરમાં પ્રવેશ નહીં મળતાં યુવકે યુવતિના પરિવારજનો સાથે મળી પોતાના જ માતા-પિતાને લાકડાના સપાટા મારી ઇજા પહોંચાડતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
ધરમપુરા ગામે ચૌધરી ફળીયામાં રહેતો અને મજુરી કામ કરતો રાહુલ નરસીંહ ચૌધરી (ઉ.વ.૨૩)ને ગામની જ રક્ષા ઉર્ફે પિનુ ચંદુભાઇ નાયકા (ઉ.વ.૨૦) સાથે પ્રેમ થતાં બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ રાહુલના પિતા નરસીંહ જેસીંગભાઇ ચૌધરી તથા માતા નયનાબેનને પુત્રએ બીજા સમાજમાં લગ્ન કર્યા હોય, પ્રેમગ્નનો વિરોધ કર્યો હતો. જેથી રાહુલ છેલ્લા ત્રણ માસથી રક્ષા ઉર્ફે પિનુના ઘરે જ રહેતો હતો.
પરંતુ ૨ દિવસ પહેલાં ગુરુવારે રાત્રે ૮.૦૦ કલાકે રાહુલ રક્ષાના પિતા ચંદુ રવજી નાયકા, નટુ રવજી નાયકા અને વિજય અમરસિંહ ચૌધરી (તમામ રહે. ધરમપુરા, તા. વ્યારા)ને લઇ પોતાના ઘરના આંગણામાં પહોંચ્યો હતો અને માતા નયનાબેનને ઘરની બહાર બોલાવી હતી. નયનાબેન પતિ નરસીંહભાઇ સાથે ઘરની બહાર આવ્યા હતા. ત્યારે રાહુલે માતા નયનાબેનને ''તું કેમ અમોને ઘરમાં રહેવા દેતી નથી'' તેમ કહી ઉશ્કેરાઇને ગાળો આપી હતી. જેમાં બોલાચાલી થતાં રાહુલે હાથમાં રહેલી લાકડીથી નયનાબેનને ડાબા હાથે કાંડા ઉપર સપાટો મારી હાથ ફેકચર કર્યો હતો. જ્યારે નરસિંહભાઇને વિજય અને નટુએ પકડી રાખ્યા હતા અને ચંદુ રવજીએ ઢીક-મુક્કીનો માર માર્યો હતો. પુત્રએ પણ માથાના ભાગે લાકડી મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ ત્યાંથી જતાં રહ્યા હતા. નરસિંહભાઇ અને પત્ની નયનાબેને જનરલ હોસ્પિટલમાં સારવાર લઇ શુક્રવારે રાત્રે પુત્ર રાહુલ તથા તેના સાગરિતો ચંદુ, નટુ અને વિજય વિરુદ્ધ લાકડીના સપાટા મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ નયનાબેને વ્યારા પોલીસને કરી હતી. જમાદાર ચેમા ઠાકોરે આગળ તપાસ હાથ ધરી છે.