ભરેલા દંડની માહિતિ આપવા BMCનો સચિનની સૂચનાથી ઇનકાર

- માહિતીનો ઇનકાર થતાં BMCએ કાયદો તોડયો
- તેન્ડુલકરે બંગલા વિશેની માહિતી જાહેર કરવાનો ઇન્કાર કર્યો

મુંબઇ તા.૫
માસ્ટર બ્લાસ્ટર અને રાજ્ય સભાના સાંસદ તરીકે મનોનીત થયેલા સચિન તેન્ડુલકરે પોતાના બાન્દ્રા ખાતેના બંગલા વિશેની માહિતી જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો છે. ખાસ કરીને તેન્ડુલકર ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) વિના પોતાના નવા ઘરમાં રહેવા જવા બદલ પોતે ચુકવેલા ફાઇન (દંડ)ની રકમ માહિતી અધિકાર ધારા (આરટીઆઇએક્ટ) હેઠળ જાહેર કરવા નથી ઇચ્છતો.
'તેન્ડુલકરના કેસમાં, આરટીઆઇ હેઠળ પોતાના ઘરને લગતી માહિતી થર્ડ પાર્ટી (ત્રાહિત વ્યક્તિ) ને અપાય એ સામે એણે વાંધો લીધો છે,' એમ બીએમસીએ અનિલ ગલ્ગલીને આપેલા એક જવાબમાં જણાવ્યું હતું. આરટીઆઇ કર્મશીલ ગલ્ગલીએ તેન્ડુલકરને કરાયેલા ફાઇન અને બાન્દ્રાના પેરિક્રોસ રોડ પરના પોતાના બહુમાળી બંગલામાં રહેવા જવા માટે એણે કેટલી રકમ ચુકવી એ વિશે મહાપાલિકા પાસે જાણવા માગ્યું હતું. 'સુધરાઇના અધિકારીઓએ આ વિગતો આપવાનો ઇન્કાર કરીને આરટીઆઇ એક્ટનો ભંગ કર્યો છે,' એમ ગલ્ગલીએ જણાવ્યું હતું.
ગયા વરસે, બીએમસી પાસેથી ફરજિયાત ગણાતુ ઓસી લીધા વિના તેન્ડુલકર પોતાના નવા બંગલામાં રહેવા, ગયો હતો. 'ઇલ્લીગલ ઓક્યુપંસી' (ગેરકાયદે કબ્જા) વિશે વિવાદ ઊભો થવાને પગલે ક્રિકેટરે મહાપાલિકાના સત્તાવાળાઓને પેનલ્ટી ચુકવી દીધી હતી.
બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 'કાયદા અન્વયે બીએમસીએ તેન્ડુલકરને પૂછ્યું હતું કે જે માહિતી માગવામાં આવી છે એ અરજદારને આપવી કે નહિ ક્રિકેટરે પોતાને કરાયેલા ફાઇનની વિગતો આપવા સામે વાંધો લીધો હતો. એટલે, માજી મહાપાલિકા કમીશનરે અરજદારને વિગતો ન આપવાની સૂચના આપી હતી.'
આરટીઆઇ એક્ટની કલમ ૧૧ (૧) હેઠળ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરે જેની અંગત વિગતો જાહેર કરવાની વિનંતિ કરાઇ હોય એને નોટિસ આપવી પડે છે. કલમ ૮ કહે છે કે આપી માહિતી આપવાનો ઇન્કાર થઇ શકે છે.
અલબત્ત, ચીફ ઇન્ફોર્મેશન કમીશનર (સીઆઇસી)ની ઓફિસ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપવાનો ઇન્કાર કરવા માટે બીએમસીએ દર્શાવેલા કારણથી આશ્ચર્ય અનુભવ્યુ હતું. 'કોઇ પણ નાગરિક પાસેથી ઉઘરાવાયેલો ફાઇન જાહેર નાણા છે અને આરટીઆઇ એક્ટ હેઠળ કોઇ પણ વ્યક્તિ એ વિશે માહિતી માગી શકે છે,' એમ તેમણે જણાવ્યું હતું. મુંબઇના આરટીઆઇ કર્મશીલોએ પણ આવો જ મત દર્શાવ્યો હતો.