રાજસ્થાન ભાજપમાં ભૂકંપ ઃ વસુંધરા રાજેની પાર્ટી છોડી દેવાની ધમકી

 

- રથયાત્રાનાં રાજકારણમાં થયો સંઘર્ષ

 

 

- ગુલાબચંદ કટારીયાએ યાત્રા કેન્સલ કર્યાના અહેવાલ

 

જયપુર, તા.6 મે, 2012

 

રાજસ્થાન ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે અંતર્ગત પાર્ટી નેતા ગુલાબચંદ કટારિયા રાજ્યમાં રથ યાત્રા કાઢવાના હતા અને તે મુદ્દે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે નારાજ થયા હતા. જે અંગે ત્યાં સુધી વાત વણસી કે હાઇકમાન્ડને વસુંધરા રાજેએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપવાની ધમકી આપી દીધી હતી.

 

જોકે એવી માહિતી મળી રહી છે કે વસુંધરા રાજેના સમર્થક ધારાસભ્ય રોહિતાસકુમારે પાર્ટી છોડી દીધી છે.

 

બીજી તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રથયાત્રા નીકળે તો ગુલાબચંદ કટારીયાનું કદ વધી જાય અને મુખ્યમંત્રી પદનાં દાવેદારમાં પણ શામેલ થઇ શકે.

 

આ રથયાત્રા મેવાડ જિલ્લામાં આ રથયાત્રા નીકળવાની હતી. જ્યાં વિધાનસભાની 30 જેટલી સીટો છે અને જેમાં કટારીયાનું કદ નિશ્ચિત રીતે વધી જાય.

 

પરંતુ વસુંધરાની ધમકી બાદ આ યાત્રા રદ્દ કરવામાં આવી છે. પરંતુ પાર્ટી બે હિસ્સામાં વહેંચાઇ ગઇ છે. બીજી તરફ કેન્દ્રીય નેતાગીરીએ પાર્ટીમાં તિરાડ અંગે નકાર ભણી છે.