મર્ડર-થ્રી'માં ઇમરાન હાશ્મીને સ્થાને રણદીપ હૂડાને લેવાનો નિર્ણય

 

- મહેશ ભટ્ટની સ્પષ્ટતા

 

- આ ફિલ્મનું આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૃ

 

મુંબઇ તા.૪

 

૨૦૦૪માં આવેલી ફિલ્મ 'મર્ડર' થી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં શૃંગારિક દ્રશ્યોથી ભરપૂર હોય એવી થ્રિલર ફિલ્મોનો ટ્રેન્ડ શરૃ થયો છે. આ ફિલ્મ દ્વારા તેના કલાકારો ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત બંને ખૂબ જ લોકપ્રિય બની ગયા છે. આ ફિલ્મ બાદ ૨૦૧૧માં 'મર્ડર-ટૂ' આવી જે પહેલી ફિલ્મ કરતાં વધુ હિંસાત્મક અને ખતરનાક હતી. આ ફિલ્મમાં જેક્વેલિન ફર્નાન્ડિસે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. હવે મહેશ ભટ્ટે તેમની આગામી ફિલ્મ 'મર્ડર-થ્રી' માટે મુખ્ય ભૂમિકામાં રણદીપ હૂડાને સાઇન કરવાનું નક્કી કર્યું છે.

 

આ વાતને સમર્થન આપતા મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે, 'હા, અમે રણદીપને આ ફિલ્મ માટે સાઇન કર્યો છે. આજે રિલીઝ થયેલી 'જન્નત-ટૂ'માં અમને તેનું કામ ખૂબ જ ગમ્યું છે. તે અમારી સાથે 'જિસ્મ-ટૂ'માં પણ કામ કરવાનો છે. તેની અભિનયક્ષમતાને જોતાં તેને હજી ઘણી ફિલ્મો મળવાની છે.'

 

અત્યાર સુધી 'મર્ડર' અને 'મર્ડર-ટૂ' એ બંને ફિલ્મોમાં ઇમરાન હાશ્મીએ મુખ્ય ભૂમિકા કરી હતી. પરંતુ તે હવે 'મર્ડર-થ્રી'માં જોવા નહિ મળે. તેથી 'મર્ડર'ની આ ત્રીજી શ્રેણીને રણદીપ હૂડા આગળ લઇ જશે. જોકે આ ફિલ્મમાં હિરોઇન તરીકે કોને લેવામાં આવશે એ વિશે હજી કોઇ નિર્ણય નથી લેવાયો. મહેશ ભટ્ટની આ ફિલ્મનું આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૃ થાય એવી શક્યતા છે.