તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી

- દ્રવિડની ક્રિકેટ અંગેની સમજ મને ગમે છે

- ભારત પાસે શર્મા-રૈના-પુજારા જેવા પ્રતિભાશાળી બેટ્સમેનો

ચેન્નઇ, તા. ૪
ઓસ્ટ્રેલિયામાં મિ.ક્રિકેટ તરીકે જાણીતા બનેલા માઇકલ હસીનો ફેવરિટ ક્રિકેટર તેંડુલકર નહીં પણ ધ વોલ રાહુલ દ્રવિડ છે. માઇકલ હસીએ કહ્યું હતુ કે, તેંડુલકર મહાન છે તેમાં કોઇ બે મત નથી પણ મારો ફેવરિટ ક્રિકેટર તો રાહુલ દ્રવિડ જ છે. ટેસ્ટ ક્રિકેટમાં જબરદસ્ત સફળતા મેળવનારા દ્રવિડ અને માઇકલ હસી બંને ખરા અર્થમાં ટીમ મેન છે. બંને મુશ્કેલ પરિસ્થિતીમાંથી ટીમને ઉગારવા માટે જાણીતા છે અને ખાસ કરીને જે પીચ પર દિગ્ગજ બેટ્સમેનોને બેટિંગ કરવા માટે સંઘર્ષ કરવો પડતો હોય તેની પર આસાનીથી રમવાની કળા આ બંને બેટ્સમેનો જાણે છે. આઇપીએલમાં ચેન્નઇ તરફથી રમતાં માઇકલ હસીએ દ્રવિડના ભારોભાર વખાણ કર્યા હતા. નોંધપાત્ર છે કે દ્રવિડે તાજેતરમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
ક્રિકેટ એજ્યુકેશન પ્રોગ્રામમાં ભાગ લેવા આવેલા માઇકલ હસીએ કહ્યું હતુ કે, તેંડુલકર મહાન છે પણ દ્રવિડનો ક્રિકેટ તરફનો જે એપ્રોચ છે તેનાથી હું ખુબ જ પ્રભાવિત થયો છું અને મને તે ગમે છે. ખાસ કરીને ક્રિકેટની રમત અંગેની તેની સમજ ઘણી ઉંડાણપૂર્વકની છે. તેની મક્કમતા અને કોઇ પણ પરિસ્થિતીમાં હાર ન માનીને સતત સંઘર્ષ કરતાં રહેવાનો તેનો જુસ્સો છે તે મને ખુબ જ ગમે છે. થોડા સમય અગાઉ દ્રવિડે જ્યારે નિવૃત્તિ જાહેર કરી ત્યારે રહસ્યસ્ફોટ કરતાં કહ્યું હતું કે તેનો આદર્શ ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી કેપ્ટન સ્ટીવ વો છે. દ્રવિડે તો ત્યાં સુધી કહ્યુંહતું કે તે સ્ટીવ વો જેવો બનવા માટે રીતસર તેની નકલ કરતો હતો. ઓસ્ટ્રેલિયાના મિસ્ટર ક્રિકેટે એમ પણ ઊમેર્યું કે, તાજેતરમાં યોજાયેલા ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણીમાં દ્રવિડનો દેખાવ અગાઉના જેવો પ્રભાવશાળી રહ્યો નહતો છતાં તેના કારણે તેની કારકિર્દીની ઝળહળતી સફળતાઓને ઝાંખી પાડી શકાય નહી. દ્રવિડે વર્ષો સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી છે અને જ્યાં જ્યાં તે રમ્યો છે ત્યાં ત્યાં રનના ઢગલા ખડક્યા છે. તેનો સ્વભાવ ખુબ જ સૌજન્યશીલ અને સરળ છે. તેના માટે મને ખુબ જ આદર છે તેમ પણ હસીએ ઊમેર્યું હતુ. માઇકલ હસીએ એમ પણ ઊમેર્યું કે, ભારત પાસે ખુબ જ આશાસ્પદ અને પ્રતિભાશાળી ખેલાડીઓ છે, પણ દ્રવિડનો વિકલ્પ શોધવો ખુબ જ મુશ્કેલ છે. જો કે તે માટે ઉતાવળ કરવા જેવી નથી. કોહલીએ વર્લ્ડ ક્લાસ બેટસમેન તરીકેની પોતાની પ્રતિભાની સાબિતી આપી છે. આ ઉપરાંત ભારત પાસે સુરેશ રૈના, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા જેવા ખેલાડીઓ પણ છે. જેઓ તેમની પ્રતિભાનું પ્રમાણ આપી રહ્યા છે. આ ઉપરાંત પણ ઘણા ખેલાડીઓ છે જેઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી શકે તેમ છે. ભારતમાં ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ છે અને તેના કારણે સતત સારા ખેલાડીઓ આવતા જ જાય છે.
ભારતીય ટીમે ગત વર્ષે વર્લ્ડ કપ જીત્યો હતો પણ ત્યાર બાદ ટીમનો દેખાવ કથળ્યો હતો અને ભારત ઈંગ્લેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નિષ્ફળ રહ્યું હતુ. જો કે હસી માને છે કે આ સતત ચાલતી પ્રક્રિયા છે. ભારત ક્રિકેટના બંને ફોર્મેટમાં ટોચ પર પહોંચ્યું હતુ. ટોચનો ક્રમ જાળવી રાખવો આસાન નથી. ઈંગ્લેન્ડે બેવડા જોશ સાથે તેમની પર આક્રમણ કર્યું હતુ. જે પછી અમે પણ શ્રેણી જીતવામાટે ઉત્સુક હતા. જો કે હાર પછી એવું કહેવું કે ભારતીય ટીમ તેની આગવી ચમક ગુમાવી ચુકી છે તે ખોટું છે. કેપ્ટન ધોનીનો બચાવ કરતાં હસીએ કહ્યું કે, કેપ્ટન હંમેશા ટીમ જેવો જ સારો હોય છે. દરેક ટીમ માટે તે લાગુ પડે છે પછી તે ચેન્નઇની ટીમ હોય કે ભારતની ટીમ.
ચેન્નઇનો દેખાવ આ સિઝનમાં ખાસ પ્રભાવશાળી રહ્યો નથી, જો કે હસીને આશા છે કે તેની ટીમ નોકઆઉટમાં પ્રવેશ મેળવી શકશે.અમે અગાઉ પણ આવી પરિસ્થિતીમાંથી પસાર થઇ ચુક્યા છીએ . વર્ષ ૨૦૧૦માં ધરમશાળામાં ધોનીએ છગ્ગો ફટકારીને અમને હારેલી મેચમાં જીત અપાવી હતી. તે જીત સાથે અમે સેમિ ફાઇનલમાં પ્રવેશ્યા હતા. આ ટીમ જાણે છે કે કેવી રીતે લડત આપવી અમે આટલી આસાનીથી જીતવાની આશા નહીં છોડીએ.