મુંબઈથી ગુમ થયેલો ગુજરાતી યુવક લાહોરની જેલમાં મળી આવ્યો
- પિતાના મૃત્યુથી હતાશ થઈ ઘર છોડીને અમૃતસર ગયો
- ત્યાંથી પાકિસ્તાન પહોંચી ગયો
મુંબઈ, તા.૪
૨૦૦૫માં પિતાના અવસાનથી હતાશ થયેલો અને પછી નોકરી પણ છૂટી જવાથી સાવ ભાંગી પડતાં કોઈને કહ્યા વિના ઘર છોડીને ટ્રેનમાં અમૃતસર પહોંચી ગયેલો અને ત્યાંથી પાકિસ્તાન જનારી ' સમઝૌતા એક્સપ્રેસ'માં ચડી ગયેલો, પરંતુ વિઝા કે ઓળખના પુરાવાના અભાવે લાહોરની જેલમાં પુરાયેલો વિલે પાર્લેનો ગુજરાતી યુવક ભાવેશ કાન્તિલાલ પરમાર આઠ વરસ બાદ જીવતો હોવાના સમાચારથી તેની બેબાકળી માતા હંસા હાશકારો અનુભવી રહી છે.
કોઈ ફિલ્મી પટકથાની માફક ૨૪મા વરસે અચાનક ગુમ થઈ ગયેલા અને ૩૨મા વરસે મળી આવેલા ભાવેશની ભાળ, તેણે માતાને જેલમાંથી લખેલો પત્ર તેની સાથે રહી ચૂકેલા રામ રજ્જી નામના એક કેદીએ માતાના હાથમા ં આપતાં મળી હતી.
રજ્જીએ ભાવેશની ૫૭ વર્ષની માતાને બેએક મહિના પહેલાં ફેબુ્રઆરીમાં તેણે લાહોર જેલમાં લખેલો પત્ર આપ્યો હતો અને તે ખૂબ જ શાંત સ્વભાવનો હોવાનું તેમજ ઘરની યાદ આવતાં રડી પડતો હોવાનું કહ્યું હતું. જોકે ભાવેશ મોટેભાગે યાદશક્તિ ગુમાવી બેસતો અને તેને કશું યાદ નહોતું આવતું એમ પણ રજ્જીએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યા મુજબ ૨૦૦૪ સુધી બધું બરોબર ચાલતું હતું. એનઆઈઆઈટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા તેજસ્વી વિદ્યાર્થી ભાવેશને સારી નોકરી પણ મળી ગઈ હતી અને તેનાં માબાપ તેને માટે કોઈક સારી કન્યા શોધી રહ્યાં હતાં.
પરંતુ એવામાં તેના પિતાનું કેન્સરથી અવસાન થતાં ભાવેશ એક મિત્ર, મુરબ્બી અને માર્ગદર્શકનું છત્ર ખોઈ બેઠાની હતાશામાં સરી પડયો હતો. વળી ત્યારબાદ નોકરી પણ છૂટી ગયાના આઘાતથી કુટુંબ આર્થિક ભીંસમાં આવી પડયું, જેને માટે ભાવેશ પોતાને દોષિત માનવા લાગ્યો. અમુક મરણોત્તર વિધિ કરાવવા તેની માતા પિયરે જતાં ભાવેશે ઘરમાંથી થોડાક રૃપિયા ચોરીને અમૃતસરની ટ્રેન પકડી.
જોકે અમૃતસરથી તે કડક સલામતી ધરાવતી સમઝૌતા એક્સપ્રેસમાં શી રીતે ચડી ગયો તે હજી સ્પષ્ટ થયું નથી. પણ પાકિસ્તાન પહોંચતાં તેની પાસે કોઈ વિઝા કે પોતાની ઓળખના પુરાવા નહિ હોવાથી તેને લાહોરની જેલમાં ધકેલી દેવાયો હતો.
આ બાજુ પિયરથી પાછી ફરેલી માતાને પડોસીઓએ કહ્યુેં કે ઘણાં અઠવાડિયાંથી ભાવેશ દેખાયો નથી. આથી તેણે તાબડતોબ પોલીસમાં પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેણે આત્મહત્યા કરી લીધી હશે અથવા તે મૃત્યુ પામ્યો હશે એવી કેટલાકની અટકળો વચ્ચે હતાશ માતા હંસાને ચાર વરસ વીત્યા બાદ ભાવેશ જીવતો હોવાના સમાચાર મળ્ય ા હતા.
પોલીસે ૨૦૦૮ના ઓક્ટોબરમાં હંસાને કહ્યું કે ભાવેશ લાહોરમાં કોટ લોકપથ જેલમાં છે અને તેનું મગજ અસ્થિર છે. તેને કોલેજ અને માતાના નામ સિવાય કશું યાદ નથી.
આ માહિતીના આધારે તેણે ભાવેશની મુકિત માટે દડમજલ આદરી અને ગૃહ મંત્રાલય તથા વિદેશી બાબતોના મંત્રાલયને વિનંતી કરી. ૨૦૦૯માં પાકિસ્તાનના ભારતીય દૂતાવાસમાંથી તેને સારા સમાચાર મળ્યા. પરંતુ ભાવેશને પરત લાવવા માટે તેણે અઢી વરસ સુધી વાટ જોવી પડી. સદ્ભાગ્યે ભાવેશ સાથે જેલમાં રહેલો રજ્જી છૂટીને ભારત આવ્યો અને તેણે માતાને લખાયેલો પત્ર આપ્યો. રજ્જીને કોઈક એજન્ટે નોકરીની લાલચમાં ફસાવ્યો હતો.
આ પત્ર લઈને હંસાએ વિલે પાર્લેના વિધાનસભ્ય કૃષ્ણા હેગડેનો સંપર્ક કર્યો અને તેઓ ભાવેશને પાકિસ્તાનથી અહીં લાવવામાં હંસાને મદદ કરી રહ્યા છે. હંસાને એ વાતની ખુશી છે કે તેણે પત્રમાં માનું નામ લખીને ઘેર પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.