સિનેમાના શતાબ્દી વર્ષમાં નારાજ કુટુંબીજનો ફાળકે માટે ભારતરત્નની માગ

 

- પહેલા વહેલા શૂટિંગ માટે વપરાયેલો બંગલો હજી અડીખમ

 

- દાદા સાહેબનું ઘર રસ્તો પહોળો કરવા તોડી પડાયું હતું

 

મુંબઇ તા.૪

 

ભારતીય સિનેમાએ ગુરુવારે શતાબ્દી વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યારે હિન્દુસ્તાની ફિલ્મોના ભિષ્મપિતામહ દાદા સાહેબ ફાળકેનો પરિવાર અને ખાસ તો પૌત્ર-પૌત્રીઓ આ ખુશાલીમાં સામેલ થાય એમ નથી.

 

આ પરિવારે ફાળકેને ભારત-રત્ન આપવાની માગણી કરી છે. હાલ ફાળકેને નામે અપાતા રાષ્ટ્રીય એવોર્ડ સિવાયનું કોઇ સન્માન તેમના નામે નથી. તેમના નાશિકમાં રહેતા પૌત્ર વિવેક આઠવલેએ કહ્યું હતું કે તેઓ આના (ભારત-રત્નના) હકદાર છે. ફાળકે પરિવારની ત્રીજી પેઢીને લાગે છે કે સરકારે ફાળકેને ઓછામાં ઓછું સર્વોચ્ચ મુલ્કી સન્માન આપી જ શકે.

 

હકીકતમાં ફાળકેનું કુટુંબ કાયમ ધારણ આર્થિક સ્થિતિમાં જ જીવ્યું છે. માહિમમાં રહેતી અને ૨૦૦૭માં અવસાન પામેલી તેમની પુત્રી વૃંદા પુસાલકર અબ્ઝાઈમર રોગથી પીડાતી હતી. સાંસદ-અભિનેતા સ્વ. સુનીલ દત્તે ઝુંબેશ હાથ ધર્યા બાદ વૃંદાને ઘર અને પેન્શન મળ્યા હતા. વૃંદાના પુત્ર ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકાર દાદાસાહેબના બાળકોને ચોક્કસ મદદ કરી શકી હોત ફાળકેના નામે કંઇ જ બચ્યું નથી. એવોર્ડ આપવા માટે તેમના નામનો ઉપયોગ થાય છે પણ હજી તેમના માટે ભારત-રત્ન જાહેર કરાયો નથી શું સરકાર એમના નામ એકાદ ફિલ્મ-સ્કુલ શરૃ ન કરી શકી હોત ?કુટુંબના અમુક સભ્યોએ નાશિકમાં રહેવાનું પસંદ કર્યું છે કારણે કે ફિલ્મ ઉદ્યોગે ફાળકોને યોગ્ય માન-સન્માન ન આપ્યાનો વસવસો છે.

 

પૌત્રી ઉષા પાટણકરે પણ કહ્યું હતું કે પોતાની ફિલ્મી બિરાદરી તરફથી તેમની યોગ્ય કદર ન થઇ અમે રોકડ રકમની વાત કરતા નથી પણ સિનેમા ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ તો તેમને જશ આપો.

 

નવાઇની વાત એ છે કે ફાળકે લગભગ ભાડાના ઘરમાં જ રહ્યાં જીવનના અંતિમ તબક્કામાં નિર્માતા-દિગ્દર્શક વી. શાંતારામે રૃા. પાંચ હજાર એકઠા કરીને તેમને નાશિકમાં જમીનનો પ્લોટ અપાવ્યો હતો. તેના પર તેમણે પોતે ઘર બાંધ્યું હતું. પરંતુ વીસેક વર્ષ અગાઉ આ ઘર તોડી પડાયું હતું ઉષા પાટકરે જણાવ્યું હતું કે દાદા સાહેબના પૌત્ર દીપક ફાળકેએ નાશિક મહાનગર પાલિકાને આ ઘરના સમારકામ માટે અપીલ કરી હતી પણ એ બહેરા કાને અથડાઇ હતી. પછીથી રોડ પહોળો કરવા માટે આ ઘર તોડી પડયાું હતું અને હવે ત્યાં માત્ર દાદાસાહેબ ફાળકેની યાદ અપાવતું એક બોર્ડ માત્ર છે.

 

સદ્ભાગ્યે ફાળકેએ જ્યા પોતાની પહેલી ફિલ્મનું શૂટિંગ કર્યું હતુ એ હૌડ હાઉસ હજી અડીખમ છે. ફાળકેના એક પરિવારજને માહિતી આપી હતી કે એ ભાડાની જગ્યા હતી અને એ સમયના માલિકમાંથી હવે કોઇ હયાત નથી. જોકે આ બંગલોના વર્તમાન માલિક નિઝામુદ્દીન ગુલામ કોંકણીએ કોઇ પણ ફેરફાર કર્યા વગર આ બંગલો જાળવી રાખ્યો છે. કોંકણીએ કહ્યું હતું કે મારે આ બંગલો તોડી પાડવો હતો પણ મારી માતાએ મને રોક્યો હતો કારણ કે આ ફાળકેની બચેલી એક માત્ર સ્મારક-સ્મૃતિ છે આથી મે બંગલો રહેવા દીધો અને તેની જાળવણી માટે પ્રવાસો કરું છું.