મહારાષ્ટ્રના ૭૦૦૦ ગામોમાં પીવાના પાણીની ભારે કટોકટી

 

- રાહત પ્રધાનને દુકાળ ક્યાંય દેખાતો નથી

 

- રાજ ઠાકરેને વિધાનસભ્યોના વિદેશ પ્રવાસ સામે વાંધો

 

મુંબઈ,તા.૪

 

રાજ્યના ૭૦૦૦ ગામોમાં પીવાના પાણીની આકરી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે રાજકીય નેતાઓ દુકાળને નામે પોતાનો રોટલો શેકી રહ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ વિધાનસભ્યોની યુરોપની પ્રસ્તાવિત ટુર સામે વિરોધ કર્યો છે. જેની સામે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માણિકરાવ ઠાકરેએ પણ રાજ ઠાકરે વિદેશ કેમ જાય છે. એવો પ્રશ્ન કર્યો છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ બ્રિટન સહિત વિવિધ દેશોની બંધારણીય કાર્યવાહી સમજવા જનારા વિધાનસભ્યોના પ્રવાસ સામે વાંધો ઉપાડતાં જણાવ્યું છે કે રાહત કાર્યો કરવાને બદલે વિધાનસભ્યોએ વિદેશ જઈને શું શીખવું છે.

 

જે જે વિધાનસભ્યો વિદેશ જવાના છે તેઓને દુકાળ ગ્રસ્ત ગામમાં પ્રવેશવા નહિ દેવાની અપીલ રાજ ઠાકરેએ કરી છે. રાજ ઠાકરેએ ઉપાડેલા વાંધાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માણિકરાવ ઠાકરેએ માત્ર રાજકીય નાટક ગણાવ્યું હતું. રાજ ઠાકરે પણ અગાઉ વારંવાર ઉનાળામાં વિદેશ જઈ આવ્યા છે એવો પ્રશ્ન માણિકરાવે કર્યો હતો. શિવસેનાના કાર્યવાહક પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ યવતમાળ જીલ્લાના દુકાળ ગ્રસ્ત ગામમાં આત્મહત્યા કરનારા ખેડૂતના પરિવારને મળીને માત્ર બાળકોના ભણવાનો ખર્ચો ઉપાડવાની જાહેરાત કરી હતી. ઉદ્ધવનો યુવા પુત્ર આદિત્ય પણ દુકાળગ્રસ્ત ગામોમાં ફરવા નીકળ્યો છે. આદિત્ય દુકાળગ્રસ્ત ગામોમાં ફરીને શું કરી શકશે એવો પ્રશ્ન દરેકને મોઢે ચર્ચાઈ રહ્યો છે.

 

કોંગ્રેસના પાટવી કુંવર રાહુલ ગાંધીએ સાતારા જીલ્લાના ત્રણ દુકાળગ્રસ્ત ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિ નિહાળી હતી પરંતુ આ ગામોની સ્થિતિમાં હજી કોઈ સુધારો થયો નથી.

 

ઉદ્ધવ ઠાકરે અગાઉ કેન્દ્રીય કૃષિ પ્રધાન શરદ પવારે પણ દુકાળ ગ્રસ્ત ગામોની મુલાકાત લઈ યોગ્ય રાહતો પહોંચાડાતી ન હોવાનું જણાવ્યું હતું.

 

મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડામાં પીવાના પાણીની સ્થિતિ દિવસોદિવસ કફોડી થઈ રહી છે. જાણીતા અર્થશાસ્ત્રી જે રાજ્યના આયોજન બોર્ડના સભ્ય પણ રહી ચૂક્યા છે તે પ્રો. એચ.એમ. દેશારદાએ અત્યારની નિર્માણ થયેલી પરિસ્થિતિ રાજકીય હોવાનું જણાવ્યું હતું.

 

રાજ્યમાં જમીનો પચાવી પાડવાના મોટા કૌભાંડો ચાલે છે અને મોટે પાયે વૃક્ષો કપાતા હોવાથી પાણીની સ્થિતિ કફોડી થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યના રાહત પ્રધાન પતંગરાવ કદમે જણાવ્યું હતું કે અત્યારે ૧૯૭૨ જેવી ગંભીર સ્થિતિ નથી પરંતુ પ્રસાર માધ્યમો ગાઈ વગાડીને દુકાળ હોવાનું દેખાડી રહ્યા છે.

 

દુકાળની સ્થિતિ વિશે પ્રધાનમંડળની બેઠકમાં ચર્ચા કરાશે એમ તેમણે જણાવ્યું હતું.