સરકારની જાહેરાત બાદ સેન્સેક્સમાં ૩૨૦ પોઇન્ટનું ગાબડું

 

 

- મોરેશિયસ સાથે કર સંધિની સમીક્ષા કરવાની જાહેરાત બાદ

 

 

- રૃપિયો ઇન્ટ્રા ડેમાં ૫૩.૯૨ની સપાટીએ

 

 

અમદાવાદ, તા. ૪

 

સરકાર દ્વારા મોરેશિયસ સાથેની કરસંધિની સમીક્ષા કરવા અંગેના કરાયેલા નિવેદનના પગલે આજે શેરબજારનું માનસ ખરડાઈ જવા પામ્યું હતું. આ અહેવાલો પાછળ આજ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણના પગલે મુંબઈ શેરબજારના સેન્સેક્સે મહત્ત્વની એવી ૧૭૦૦૦ની અને નિફ્ટીએ ૫૧૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. કામકાજના અંતે સેન્સેક્સમાં ૩૨૦.૧૧ પોઇન્ટનું ગાબડું નોંધાતા તે ૧૬૮૩૧.૦૮ની સપાટીએ નરમ રહ્યો હતો. બીજી તરફ હુંડિયામણ બજારમાં પણ આજે સતત ચોથા દિવસે ડોલર સામે રૃપિયામાં પીછેહઠ જારી રહી હતી.

 

સરકાર દ્વારા અમલી બનનાર જનરલ એન્ટી-એવોઇડન્સ રૃલ્સ (ગાર)ના મુદ્દાને લઈને એફઆઇઆઇનું માનસ ખરડાતા બજારમાં અસ્થિરતા અને અનિશ્ચિતતાનો માહોલ છવાયેલો જ છે ત્યાં વળી આજે કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના નાણામંત્રી દ્વારા મોરેશિયસ સાથેની કર સંધિની સમીક્ષા કરવા અંગેના કરેલા નિવેદનની બજાર પર ભારે પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત નિકાસમાં નેગેટિવ વૃદ્ધિના કારણે વેપાર ખાધમાં જંગી વધારા તેમજ ભારતની ચુકવણી તુલા- બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ ખોરવાઈ રહ્યાના અહેવાલોની પણ બજાર પર નેગેટિવ અસર થવા પામી હતી.

 

આજે કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ વૈશ્વિક બજારોની નરમાઈ પાછળ અત્રે સ્થાનિકમાં પણ બજારો નેગેટિવ ઝોનમાં રહ્યા બાદ કરસંધિ અંગેના નિવેદન બાદ બજારમાં ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે હેવીવેઇટ, પાવર, કેપિટલ ગુડ્ઝ, બેંક મેટલ અને ઓટો શેરો પાછળ અન્ય શેરોમાં પણ ઝડપથી પીછેહઠ થતા સેન્સેક્સ પણ ઝડપથી પાછો પડતા મહત્ત્વની એવી ૧૭૦૦૦ની સપાટી ત્રણ માસ બાદ ફરીથી ગુમાવી દીધી હતી. વેચવાલીના દબાણે આજે એન.એસ.ઇ.નો નિફ્ટી આંક પણ ૧૦૧.૫૫ પોઇન્ટ તૂટતા ૫૦૮૬.૮૫ની સપાટીએ નરમ રહ્યો હતો.

 

વિદેશી હુંડિયામણ બજારમાં પણ આજે આ નિવેદનના પગલે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જેમાં એક તબક્કે અમેરિકી ડોલર સામે રૃપિયો ઇન્ટ્રા-ડે તૂટીને ૫૪ના મથાળા નજીક પહોંચી ગયો હતો.

 

રૃપિયામાં આજે કામકાજનો પ્રારંભ ૫૩.૬૫/૬૬ના નીચા મથાળે થયા બાદ ઇક્વિટી બજારમાંથી ભંડોળ સતત પાછુ ખેંચાતા તેમજ સરકાર દ્વારા મોરેશિયસ સાથેની કરસંધિની સમીક્ષા અંગેના કરાયેલા નિવેદન પાછળ ડોલર સામે રૃપિયો ઝડપથી તૂટયો હતો અને ઇન્ટ્રાડે ૫૩.૯૨ની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. જો કે, પાછળથી મધ્યસ્થ બેંકની દરમિયાનગીરીના પગલે તે બાઉન્સબેક થયો હતો અને પ્રારંભિક તબક્કામાં ગુમાવેલ સપાટીઓ પૈકીની મોટા ભાગની સપાટીઓ પુનઃ હાંસલ કરી લીધી હતી. જો કે, આમ છતાં કામકાજના અંતે તે ૬ પૈસા ઘટીને ૫૩.૪૭/૪૮ની સપાટીએ નરમ રહ્યો હતો.