અમિતાભ સહિતના કલાકારોને દાદા ફાળકે એવોર્ડ

 

- દિલીપ કુમાર, સાયરા બાનુ પણ સન્માનિત

 

- રાજને ફાળકે વર્સેટાઈલ સિને સ્ટાર એવોર્ડ

 

મુંબઈ,તા.૪

 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, સાયરા બાનુ, પીઢ કલાકારો તનુજા અને વિનોદ ખન્નાને દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

અમિતાભ બચ્ચનને ફાળકે રત્ન એવોર્ડ તેમજ સાયરા બાનુ અને દિલીપ કુમારને સરસ્વતિબાઈ ફાળકે એવોર્ડથી ગઈ કાલે યોજાયેલા એક સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

 

તનુજા અને વિનોદ ખન્નાને અનુક્રમે અભિનેત્રી અને અભિનેતા વિભાગમાં લેજન્ડરી એવોર્ડ જ્યારે વહીદા રહેમાનને ફાળકે આઈકોન સિને આર્ટિસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

 

ફાળકે 'સિનિયર મોસ્ટ પ્રોડયુસર એવોર્ડ' આ વર્ષે રામ ગોપાલ ગુપ્તાને ફાળે ગયો હતો. ગુરુદાસ માનને ફાળકે વર્સેટાઈલ સિંગર એવોર્ડ તેમજ નીલા દેવી (શમ્મી કપૂરના પત્ની)ને ફાળકે ગોલ્ડન ઈરા એવોર્ડ આપવામાં આવ્યો હતો.

 

યુવા પેઢીના કલાકારોમાં 'ડર્ટી પિક્ચર'ના અભિનય માટે વિદ્યા બાલનને ફાળકે મેમોરેબલ પર્ફોર્મન્સ એવોર્ડ તેમજ 'સિંઘમ' માટે અજય દેવગણને આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ નવોદિત અભિનેત્રી અને અભિનેતાના વિભાગમાં અનુક્રમે પરિણીતી ચોપરા તેમજ ગાયકમાંથી અભિનેતા બનેલા પાકિસ્તાનના અલી ઝાફરને ફાળકે ન્યૂ ટેલન્ટ એવોર્ડ મળ્યો હતો. ફરહાન અખ્તરને શ્રેષ્ઠ કમર્શિયલ ફિલ્મ (ઝિંદગી ના મિલેગી દોબારા)નો એવોર્ડ મળ્યો હતો. જ્યારે પ્રકાશ રાજને ફાળકે વર્સેટાઈલ સિને સ્ટાર એવોર્ડ મળ્યો હતો.

 

એકતા કપૂરને ફિલ્મ અને ટેલિવિઝનમાં તેના યોગદાન બદલ ફાળકે આઈકન પ્રોડયુસર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

 

આ ઉપરાંત બિગ બીએ દાદાસાહેબ ફાળકેના મીણના પૂતળાની અનાવરણ વિધિ પાર પાડી હતી. હિંદી ફિલ્મોના પ્રણેતા દાદાસાહેબે ૧૯૧૩માં ભારતની સૌ પ્રથમ ફિચર ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર'નું દિગ્દર્શન કર્યંુ હતું.

 

દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ્સ ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં આપવામાં આવે છે. ભારત સરકારે શરૃ કરેલા પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ સાથે આ એવોર્ડેને કોઈ સંબંધ નથી.

 

આ સમારોહમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહત્ત્વનું યોગદાન આપનારા નિર્માતા, ડિસ્ટ્રીબ્યુટર, એક્ઝિબિટર વગેરેનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યંુ હતું.

 

ટેલિવિઝન વિભાગમાં રામ કપૂર (બડે અચ્છે લગતે હૈ) તેમજ સાક્ષી તન્વર (બડે અચ્છે લગતે હૈ)ને અનુક્રમે શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ મળ્યા હતા.

 

આ એવોર્ડ સમારોહ અહીંની એક પંચતારક હોટેલમાં યોજાયો હતો. જેમા અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, સાયરા બાનુ, કાજોલ, સુભાષ ઘાઈ, રવીના ટંડન, રોહિત શેટ્ટી, તનીષા, અલી ઝાફર સહિત ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓએ હાજરી આપી હતી.