Last Update : 04-May-2012, Friday

 

જ્યારે બિગ બી ઊંટની લાત ખાતા જરાક માટે બચી ગયા

 

અગાઉ ફિલ્મો સિલ્વર જ્યુબિલી કે ગોલ્ડન જ્યુબિલી તરીકે સફળ ગણાતી આજે ૧૦૦ કરોડનો બિઝનેસ કરીને સુપર હિટ ગણાય છે
સંસ્કૃતમાં એક બહુ જાણીતી સુંદર ઉક્તિ છેઃ ‘વિદ્યા વિનયેન શોભન્તિ.’ એટલે કે વિનયથી વ્યક્તિનું જ્ઞાન અને એની કળા શોભી ઊઠે છે. અમિતાભ બચ્ચનને આ હકીકત સુપેરે સમજાઈ ગઈ છે અને એમણે એ જીવનમાં પણ ઉતારી છે. એટલે જ બિગ બીના અભિનયની જેમ એમની વિનમ્રતા માત્ર ભારતમાં નહિ, દુનિયાના ખૂણેખૂણામાં જાણીતી છે. બચ્ચનને એમનો કોઈ પ્રશંસક મળવા જાય અને આદર ભાવથી કહે કે ‘સર, તમે અભિનયના બેતાજ બાદશાહ છો, તમે જીવંત દંતકથા સમાન છો,’ ત્યારે તેઓ ચહેરા અને આંખોમાં પુરેપુરી વિનમ્રતા લાવી કહી દે છે કે ‘ભાઈ, મેં ઇન શબ્દોં કે લાયક નહીં હું.’
બચ્ચનની વિનમ્રતા કોઈ દેખાડો કે દંભ નથી. તેઓ દિલથી એવું માને છે કે સ્ક્રીપ્ટ રાઈટરો અને ડાયલોગ રાઈટરો જેવા કેમેરા પાછળના લોકો ફિલ્મના ખરા ‘હિરો’ છે. ‘મારું માનવું છે કે સ્ક્રીપ્ટ રાઈટરો અને ડાયલોગ રાઈટરો હકીકતમાં સાચા એકટરો છે. એમણે જે લખ્યું છે એની આગળ અમે જઈ નથી શકતા. લેખક લખતી વખતે ફિલ્મનું દરેક દ્રશ્ય પોતાના દિમાગમાં ભજવે છે. અમારે એકટરોએ તો એમણે જે વિચાર્યું છે એ જ પડદા પર ઉતારવાનું છે. અમારે લેખકના મૂળ વિચારને પકડવાનો છે,’ એમ બિગ બી કહે છે.
બિગ બી કદાચ સલીમ ખાને હજુ થોડા દિવસો પહેલા કહેલી વાતમાં જ સૂર પુરાવી રહ્યા હતા. ‘ઝંઝીર’ની રિમેકનો વિવાદ થયો ત્યારે સલીમ ખાને કહ્યું હતું કે લેખકો જ ફિલ્મોના સર્જનહાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બચ્ચન ઝંઝીરમાં ઇન્સ્પેકટરના રોલને ખાસ્સી ઊંચાઈ સુધી લઈ ગયા હતા.
તાજેતરમાં પેટની સર્જરી કરાવ્યા બાદ અમિતાભની તબિયત સુધારા પર છે. એમણે આઈપીએલના ઉદ્‌ઘાટન સમારંભમાં હાજરી આપી હતી. વિઘુ વિનોદ ચોપરાએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ૩૦ વરસ પુરા થયા એ નિમિત્તે મુંબઈમાં પોતાની ફિલ્મોનો રીટ્રોસ્પેકટીવ યોજ્યો ત્યારે પણ એમણે મિત્રના પ્રસંગને પોતાની હાજરીથી શોભાવ્યો. એ વખતે બચ્ચને ચોપરાની ફિલ્મ ‘એકલવ્ય’માં કામ કરતી વખતના અમુક પ્રસંગો પણ વાગોળ્યા. ‘અમે એકલવ્ય પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મારે મારી ભૂમિકા માટે કયા પ્રકારની દાઢી રાખવી એ વિશે ચર્ચા કરવામાં અમે કેટલો સમય કાઢી નાખ્યો એની મને ખબર નથી. મને લાગે છે કે એ નક્કી કરતા અમને એક યુગ લાગ્યો હતો. એ વખતે વિધુએ મને દાઢી વધારવાનું કહ્યું. મેં ના પાડી, કારણ કે ફિલ્મનું શૂટંિગ પૂરું થતાં એક વરસ લાગે એમ હતું અને મારી પાસે બીજી ફિલ્મો પણ હતી, પરંતુ વિઘુએ હાર માનવાને બદલે મને પાનો ચડાવ્યો કે મિસ્ટર બચ્ચન, તમે જો સાચા એકટર હો તો આ દાઢી માટે પોતાનું દોઢ વરસ જતુ કરશો.’ સંભારણામાંથી પાછા ફરતા બિગ બીએ પોતાના ફિલ્મસર્જક મિત્રની પ્રશંસા પણ કરી લીધી, ‘વિઘુ, આ રીતે તમને હિપ્નોટાઈઝ કરી શકે છે. એ પોતાના કામ વિશે બહુ ઉત્સાહી હોય છે અને પોતાને જે જોઈતુ હોય એ કરાવી લે છે. પરંતુ એણે ૩૦ વરસમાં મારી સાથે ફક્ત એક ફિલ્મ કરી છે. મને આશા છે કે મારી સાથે બીજી ફિલ્મ કરતા એ બીજા ૩૦ વરસ નહિ લગાડે. હરી અપ, વિઘુ! આઈ એમ વેઇટીંગ...’
બહુ ઓછા લોકો જાણતા હશે કે બચ્ચન એકલવ્યના શૂટંિગ દરમિયાન ઊંટની લાત ખાવામાંથી જરાક માટે બચી ગયા હતા. એ પ્રસંગ ફિલ્મના સેટ પર ‘કેમલ કી લાત’ તરીકે બહુ જાણીતો થયો હતો. એ પ્રસંગને સંભારતા અમિતાભ કહે છે, ‘સદ્‌ભાગ્યે, એ બહુ ગંભીર બનાવ નહોતો. એક સીનના શૂટંિગમાં વિઘુએ મને કારમાંથી સીધા રેતીના ઢગલામાં કૂદી બંદૂક લઈ લેવાની સૂચના આપી હતી. એ વખતે ઊંટનુ ટોળુ રેતીના રણમાં દોડતું હતું. એમાં એક ઊંટની લાત મને માથામાં વાગી પણ માથા પરની પાઘડીને કારણે હું બચી ગયો,’ એમ જણાવી બિગ બી પોતાની અદ્‌ભુત રમૂજ વૃત્તિના દર્શન કરાવતા ઉમેરે છે, એમાં એવું છેને કે સેટ પર લોકો મને ઊંટ જ ગણે છે. એટલે મારુ એવું માનવું છે કે પેલા ઊંટને જાતભાઈ તરીકે મારી દયા આવી ગઈ હશે.’ આટલું કહીને અમિતાભ બાળકની જેમ ખડખડાટ હસી પડે છે અને આખા થિયેટરમાં હાસ્યનું મોજું ફરી વળે છે.
તાજેતરમાં બચ્ચનની અમુક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો વકરો નથી કર્યો. પરંતુ એનાથી એમને કોઈ ફરક નથી પડતો. ‘સબ કુછ પૈસે કે લિયે નહીં હોતા ના,’ એક વાક્યમાં તેઓ ઘણું બઘુ કહી દે છે. અલબત્ત, બચ્ચનજી સ્વીકારે છે કે સમય બદલાઈ ગયો છે. ‘પહેલા ફિલ્મોની સફળતા એ કેટલા સપ્તાહ થિયેટરમાં ચાલી એના આધારે મપાતી. ફિલ્મોનો ‘સિલ્વર જ્યુબિલી’ અથવા ‘ગોલ્ડન જ્યુબિલી’ તરીકે ઉલ્લેખ થતો. આજે ૧૦૦ કરોડ રૂપિયાનો માપદંડ આવી ગયો છે. જે ફિલ્મ સો કરોડનો બિઝનેસ કરે એ સુપર-ડુપર હિટ ગણાય,’ એમ તેઓ કહે છે.
અમિતાભ આટલા મોટા ગજાના એકટર હોવાથી એમને સેટ પર ફિલ્મના દિગ્દર્શકો સાથે ક્યારેક મતભેદો થતા હશે એવું કોઈ પણ માનવા પ્રેરાય. આજકાલ ક્રિયેટીવ ડિફરંસીસ (રચનાત્મક મતભેદ)ના નામે દિગ્દર્શકોને દબડાવવાનું બોલીવુડના એકટરોમાં ચલણ છે. પરંતુ બિગ બીના કેસમાં એવું નથી. એટલા માટે કે તેઓ નખશીખ પ્રોફેશનલ એકટર છે. તેઓ એવું માને છે કે ફિલ્મ સેટ પર જાય એ પહેલા દિગ્દર્શક સાથેના તમામ મતભેદોનો ઉકેલ આવી જવો જોઈએ. ‘હા, ક્યારેક ડિફરંસીસ ઊભા થતા હોય છે પરંતુ મને લાગે છે કે એ ફિલ્મની સ્ટોરી સાંભળતી વખતે, સ્ક્રીપ્ટના વાંચન દરમિયાન થવા જોઈએ. બાકી, સેટ પર હું કદી દલીલ ન કરું. અમે પ્રોફેશનલ એકટરો છીએ. સેટ પર તો દિગ્દર્શક કહે એ જ સાચું. અલબત્ત, સૂચન જરૂર કરી શકાય.’ આવો પ્રોફેશનલ અભિગમ, પોતાની કલા માટેનું પેશનઅને વ્યવહારુ દ્રષ્ટિકોણ અમિતાભ બચ્ચનને દંતકથા બનાવે છે. આ માનવી વારંવાર એવું પુરવાર કરે છે કે પોતાને લોકો તરફથી મળતા તમામ સ્નેહ અને આદરને પોતે પુરેપુરા લાયક છે.
બિગ બીની હવે પછી રિલીઝ થનારી ફિલ્મ રામ ગોપાલ વર્માની ‘ડિપાર્ટમેંટ’ છે, જેમાં એમના કેમિયો રોલને લંબાવાયો છે. ત્યાર બાદ તેઓ કેબીસીની આવતી સિઝન માટે કામ શરૂ કરશે. પરંતુ હાલ તો બચ્ચન સિનિયર પોતાની પૌત્રીને રમાડીને દાદાનો રોલ કરવાનો આનંદ લઈ રહ્યા છે.

 
Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved