Last Update : 04-May-2012, Friday

 

બંદિની ઃ બિમલ રોય બ્રાંડનો માસ્ટરપીસ લગ્ન બાદ ફિલ્મોને તિલાંજલિ આપવા તૈયાર થયેલી નૂતનને એના પતિએ આ ક્લાસિક ફિલ્મ કરવા સમજાવી હતી

 

૧૯૫૦ અને ૧૯૬૦ના દશકમાં ઘણી ક્લાસિક હિન્દી ફિલ્મો બની. પરંતુ એ બધામાં બિમલ રોયની ‘બંદિની’ સૌથી અનોખી બની રહી. બ્લેક એન્ડ વ્હાઇટમાં ઉતરેલી આ ફિલ્મ એની કથા-પટકથા, ફોટોગ્રાફી, સંગીત, અભિનય અને દિગ્દર્શન બદલ આજે આટલા વરસે પણ એક ‘માસ્ટર પીસ’ ગણાય છે. દુખની વાત એ છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી બધી યાદગાર ફિલ્મ આપનાર બિમલ રોયની આ છેલ્લી ફિલ્મ બની રહી.
‘બંદિની’ની વાર્તા એક સીધી-સાદી ગામડાંની નાયિકાની કહાણી છે. સ્વાતંત્ર્ય ચળવળની પશ્ચાદભૂમાં બનેલી ફિલ્મ બંદિનીની નાયિકા કલ્યાણી ગામના પોસ્ટ-માસ્ટરની પુત્રી છે. ભોળી અને નિર્દોષ કલ્યાણી યુવાન સ્વાતંત્ર્ય સેનાની બિકાસ ઘોષને અજાણપણે એની બંડખોરીમાં મદદ કરે છે. એ દરમ્યાન બિકાસ અને કલ્યાણી વચ્ચે પ્રેમ પાંગરે છે. એક કમનસીબ રાતે, બીમાર બિકાસની ચાકરી કરતા કલ્યાણી એને પોતાનું સર્વસ્વ સોંપી દે છે. બદનામીથી બચાવવા બિકાસ એને પોતાની પત્ની જાહેર કરી દે છે. પછી એ આઝાદીની લડાઈમાં ભાગ લેવા ગામ છોડીને ચાલ્યો જાય છે. બિકાશ કલ્યાણીના પત્રોનો જવાબ પણ નથી આપતો અને પાછો પણ નથી ફરતો. કલ્યાણી એની પત્ની બનીને એક પ્રકારનો સામાજિક બંધનનો કારાવાસ ભોગવે છે. પોતાના કૃત્યોને કારણે પરિવારની થયેલી બદનામીમાંથી પિતાને મુક્ત કરવા કલ્યાણી ઘર છોડી શહેરમાં આવે છે અન ેએક હોસ્પિટલમાં આયાની નોકરી લઈ લે છે. અહીં એણે એક કર્કશા સ્ત્રીની સેવા કરવાની આવે છે, જે હકીકતમાં બિકાસની પત્ની છે. કલ્યાણીને જ્યારે એની જાણ થાય છે ત્યારે એ ચામાં ઝેર ભેળવી એની હત્યા કરી નાખે છે.
એને ખૂનની સજા થાય છે. જેલમાં એને ટીબીના એક દર્દીની નિસ્વાર્થ ભાવે સેવા કરતા જોઈ જેલના ડોક્ટર કલ્યાણીના પ્રેમમાં પડે છે. સજા પૂરી થયા બાદ કલ્યાણી જેલમાંથી છૂટે છે ત્યારે ડોક્ટરની પત્ની તરીકે એક ઉજ્જવળ ભાવિ એની રાહ જોતું હોય છે. પરંતુ વિધાતાને કદાચ એ મંજૂર નહોતું. અચાનક કલ્યાણીની મુલાકાત એના ભૂતપૂર્વ પતિ બિકાસ સાથે થઈ જાય છે, જે ખૂબ બીમાર અને અસહાય છે. કલ્યાણીમાં એકાએક ભારતીય નારી તરીકેનો કર્તવ્ય ભાવના જાગે છે અને એ ઉજ્જવળ ભવિષ્ય તરફ જવાને બદલે બિકાસનો હાથ ઝાલી પોતાના ભૂતકાળમાં પાછી ફરે છે. આમ એ પોતાના જીવન મૂલ્યો અને સામાજિક સંબંધની બંદિની બનીને રહી જાય છે.
ફિલ્મ જાણીતા બંગાળી લેખક જરાસંઘની વાર્તા પર આધારિત હતી. લેખકે જેલ વોર્ડન તરીકેના પોતાના અંગત અનુભવોને વાર્તામાં અદ્‌ભુત રીતે ગુંથ્યા છે. બિમલ રોય જેવા પારસમણિનો સ્પર્શ પામેલી બંદિનીને ફિલ્મ સમીક્ષકો અને સામાન્ય દર્શકો-બંનેની ઢગલા મોઢે પ્રશંસા મળી હતી.
દિગ્દર્શક બિમલ રોય ખરેખર કેવા માણસ હતા? ‘બંદિની’ની પટકથા લખનાર નબેન્દુ ઘોષે લખ્યું છે કે ‘બિમલદા એક અમીર પરિવારમાંથી આવતા હોવા છતાં તેઓ બહુ વિનમ્ર હતા.’ એ પણ કેવી અદ્‌ભુત વાત કહેવાય છે કે જમીનદાર પરિવારના આ નબીરાએ ‘દો બિઘા જમીન’ જેવી પોતાની ફિલ્મોમાં હંમેશાં જમીનદારો અને એમના શોષણ વિરુદ્ધનું વલણ અપનાવ્યું હતું.
‘મૌન એમનો આગવો ગુણ હતો,’ એમ ઘોષ લખે છે. જ્યારે નૂતન બિમલદા સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા કહે છે, ‘એમના વિશે મારી પહેલી છાપ એકદમ શાંત વ્યક્તિ તરીકેની હતી. તેઓ રૂમમાં બેઠા હોય છતાં ભાગ્યે જ એમની હાજરી વર્તાય. તમે જો બિમલ રોયને ઓળખતા ન હો તો માની જ ન શકો કે તેઓ બોસ છે.’
બંદિનીમાં નૂતને કલ્યાણીની ભૂમિકાને અમર બનાવી દીધી. તમે આ રોલમાં નૂતનની જગ્યાએ બીજી કોઈ અભિનેત્રીને કલ્પી જ ન શકો એટલો પાવરફુલ પરફોર્મન્સ એણે ફિલ્મમાં આપ્યો છે. નૂતનને કલ્યાણીનો રોલ મળવા પાછળ પણ એક નાનકડો ઇતિહાસ છે. એ અરસામાં નૂતનના નવા-નવા લગ્ન થયા હતા અને એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનું વિચારી રહી હતી. ત્યારે બિમલદાએ એને ફિલ્મ ઓફર કરી. નૂતને જ્યારે ના પાડી ત્યારે દાદા બહુ નિરાશ થયા હતા અને કહી દીઘું કે એ સંજોગોમાં હું આ ફિલ્મ નહીં બનાવી શકુ.ં મારે બીજી કોઈ વાર્તા શોધવી પડશે. નૂતન એ પ્રસંગને યાદ કરતા કહે છે, ‘મારા પતિ (રજનીશ બહેલ, જેઓ નેવીમાં ઓફિસર હતા) ફિલ્મસર્જન પરત્વેના બિમલદાના અભિગમને બરાબર સમજતા હતા. તેઓ પૈસા કમાવા નહીં પણ લોકોને કશુંક નવું આપવા ફિલ્મ બનાવતા. મારા પતિએ પછીથી મને બંદિની સ્વીકારવા સમજાવી. એ રોલ મારી કારકિર્દી માટે કેટલો મહત્ત્વનો છે એનુ ંભાન એમણે મને કરાવ્યું એ બદલ હું એમની આભારી છું. મેં ઓફર સ્વીકારી ત્યારે બિમલદા બહુ ખુશ થઈ ગયા હતા અને તેઓ જ્યારે મારી સામે જોઈને હસ્યા ત્યારે એમના ચહેરા પર આનંદ છલકાતો હતો.’
બિમલ રોયના પુત્રી રિન્કી રોય ભટ્ટાચાર્યએ એમના જીવન પર એક સુંદર પુસ્તક લખ્યું છે, ‘ધ મેન હું સ્પોક ઇન પિક્ચર્સ.’ આ પુસ્તકમાં નૂતને લખેલા એક લેખમાં બિમલદા સાથેના એના સંસ્મરણો આલેખાયા છે. લેખમાં એક જગ્યાએ સદ્‌ગત અભિનેત્રી લખે છે, ‘બધા જાણે છે એમ બિમલદા પોતાના ચહેરા પર બહુ ભાવ આવવા નહોતા દેતા. એમને કોઈ શોટ ગમી જતો તો તેઓ ફક્ત ઓકે કહીને બીજા સીનની તૈયારીમાં લાગી જતા. એટલે પહેલાં મને વિશ્વાસ નહોતો આવતો કે મારું કામ બરાબર થઈ રહ્યું છે કે નહીં. થોડા દિવસો બાદ મને ખબર પડી કે બિમલદા અંતમુર્ખી વ્યક્તિ છે. અને એક દિવસ મને મારા કામ માટેની એમની સરાહનાની અનુભૂતિ થઈ. મેં એમની ફિલ્મ ‘સુજાતા’ માટે એક ભાવુક સીન કર્યો અને પછી એમની તરફ પ્રશ્નસભર દ્રષ્ટિ કરી. એ વખતે મેં જોયું કે બિમલદાની આંખો ભીની થઈ ગઈ હતી. આ મારું ઇનામ હતું. એમના (ઊંચા) ધોરણો મુજબ પણ મારો ટેક અફલાતૂન હતો.’
એક રસપ્રદ વાત એવી છે કે બંદિનીના નિર્માણ દરમ્યાન નૂતનને શ્રીમંત હતું. બિમલદાને જ્યારે પોતાની હિરોઈન મા બનવાની છે એવી ખબર પડી ત્યારે ‘એમણે મને સંકોચ સાથે પૂછ્‌યું કે તને સુવાવડ ક્યારે આવશે? મેં કહ્યું કે હજુ બીજા સાત મહિના લાગશે. આ સાંભળી પોતાને હાશકારો થયો હોય એમ બિમલદાએ કહ્યું કે આપણે એનાથી ઘણા પહેલાં શૂટંિગ પૂરું કરી લઈશું પણ તું તારું પેટ બહુ વધવા નહીં દેતી’ એમ નૂતન પોતાના સંસ્મરણોમાં લખે છે, ‘હું એમની ટીપ્પણ સાંભળીને હસી પડી. પરંતુ એમની હૃદયપૂર્વકની ઇચ્છા એ ખરેખર ચમત્કાર કર્યો. મને નવ મહિના થયા તો પણ હું ગર્ભવતી સ્ત્રી જેવી લાગતી નહોતી,’ એમ અભિનેત્રી વઘુમાં જણાવે છે.
બંદિનીના બીજા એક્ટરોની વાત કરીએ તો નસીરુદ્દીન શાહની જેમ ઘણાં એવું માને છે કે સ્વાતંત્ર્યસેનાની રોલમાં અશોકકુમાર અને જેલના ડોક્ટરના રોલમાં ધર્મેન્દ્રની પસંદગી ખોટી હતી. હકીકતમાં બંને રોલની અદલાબદલી થવી જોઈતી હતી.
બિમલ રોયની તમામ ફિલ્મોની જેમ બંદિની પણ એના સંગીતના કારણે વઘુ યાદગાર બની છે. એસ. ડી. બર્મન દ્વારા સ્વરબદ્ધ કરાયેલા ગુલઝારના ગીતો આજે પણ આપણને એક જુદી દુનિયામાં લઈ જાય છે. ખાસ કરીને ‘મેરા ગોરા અંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે’ અને ‘ઓ પંછી પ્યારે, સાંઝ સરકારે’ કોઈ પણ સંગીતરસિકને ડોલાવી શકે છે.
બંદિની બાદ બિમલદાને ફેફસાના કેન્સરે જકડી લીધા અને એમાંથી તેઓ ઊભા જ ન થઈ શક્યા. એમણે થોડા વખતમાં આ ફાની દુનિયાથી વિદાય લીધી. પરંતુ તેઓ બંદિનીની દરેક ફ્રેમમાં આજે પણ એક આર્ટિસ્ટ, ફોટોગ્રાફર, દિગ્દર્શક અને ૧૯૫૦ના દશકને સિનેમાના સુવર્ણ યુગમાં પ્રવેશ કરાવનાર સર્જક તરીકે જીવે છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved