Last Update : 04-May-2012, Friday

 

ફિલ્મ ઃ જહાનઆરા (’૬૪)

- અશોક દવે

ગીતો
૧ કીસી કી યાદ મેં દુનિયા કો હૈ ભૂલાયે હુએ, જમાના ગૂજરા હૈ મુહમ્મદ રફી
૨ હાલે-દિલ યું ઉન્હેં સુનાયા ગયા, આપ હી કો ઝુબાં બનાયા ગયા લતા મંગેશકર
૩ બાદ મુદ્દત કે યે ઘડી આઈ, આપ આયે તો ઝીંદગી આઈ સુમન-રફી
૪ અય સનમ આજ યે કસમ ખાયેં, મૂડ કે અબ દેખને કા નામ ના લે લતા-તલત
૫ મૈં તેરી નઝર કા સુરૂર હૂં, તુઝે યાદ હો કે ન યાદ હો તલત મહેમુદ
૬ ફિર વો હી શામ, વો હી ગમ, વો હી તન્હાઈ હૈ, દિલ કો સમઝાને તલત મહેમુદ
૭ વો ચૂપ રહે તો મેરે દિલ કે દાગ જલતે હૈં, જો બાત કર લે તો લતા મંગેસકર
૮ જબ જબ તુમ્હેં ભુલાયા, તુમ ઔર યાદ આયે આશા ભોંસલે-લતા મંગેશકર
૯ તેરી આંખ કે આંસુ પી જાઉં, ઐસી મેરી તકદીર કહાં તલત મહેમુદ
(આ ઉપરાંત, બે ગીતો ફિલ્મમાં લેવાયા નહોતા, તેમાનું તલતનું, ‘તુમ જુદા હોકર હમેં કુછ ઔર પ્યારે હો ગયે’ અને લતા મંગેશકર, આશા ભોંસલે, ઉષા મંગેશકર અને મીના મંગેશકરનું ‘કભી આંખોં મેં તેરી...’ ફિલ્મમાં તો ન લેવાયું, પણ એનું શૂટંિગ પણ ન થયું. નહિ તો, ચારેય બહેનોએ ગાયેલું આ એકમાત્ર ગીત હતું. તલતવાળું ગીત હજી હમણાં મદનમોહનના પુત્ર સંજીવ કોહલીએ ‘તેરે બગૈર...’ સીડીમાં રીલિઝ કર્યું છે.)
ફિલ્મ ઃ જહાનઆરા (’૬૪)
નિર્માતા ઃ ઓમપ્રકાશ
દિગ્દર્શક ઃ વિનોદકુમાર
સંગીત ઃ મદનમોહન
ગીતકાર ઃ રાજીન્દરક્રિશ્ન
રનંિગ ટાઈમ ઃ ૧૭-રીલ્સ
થીયેટર ઃ (પ્રકાશ) અમદાવાદ
કલાકારો ઃ પૃથ્વીરાજ કપૂર, માલા સિન્હા, ભારત ભૂષણ, શશીકલા, સિઘ્ઘુ, પાછી, ઇન્દિરા બિલ્લી, રણધીર, સુંદર, અરૂણા ઇરાની, જગદિશ ભલ્લા, ટુનટુન, મીનુ મુમતાઝ, ચંદ્રશેખર, બેબી ફરીદા અને ઓમપ્રકાશ
ઔરંગઝેબે હંિદુઓ ઉપર જ નહિ, સગા બાપ શહેનશાહ શાહજહાન અને સગી બહેન જહાનઆરા ઉપર બેતહાશા જુલ્મો-સિતમ કર્યા હતા, એને બદલે મારી ઉપર કર્યા હોત તો હું સહન કરી જાત, જો મારે કોમેડિયન ઓમપ્રકાશે બનાવેલી ફિલ્મ ‘જહાનઆરા’ જોવી પડી ન હોત ! કરી કરીને હું કેટલું સહન કરું કે, એમાં પાછો ૧૭-રીલ્સ સુધી ભારતભૂષણને જોવાનો ! મને ખાત્રી છે, જો જહાનઆરા બેગમ સાહિબે ઔરંગઝેબને પોતાની ફિલ્મ ‘જહાનઆરા’ બતાવી હોત તો એણે એના ફાધર શાહજહાનને જમુના કિનારે તાજમહલની સામે નજરકેદમાં ન રાખ્યા હોત.
સાલું, મને ય કઈ ઔલાદનું કૂતરું કઈડી ગયું’તું કે, મારા લાડકા મદન મોહનના સંગીતને માણવા આવી ફિલ્મ આખી જોવી પડી ! કોઈ મને પકડી રાખજો... હું હમણાં ઝનૂનમાં આવી જઈશ કે, આવા મહાન ગાયક મુહમ્મદ રફી સાહેબનું મદન મોહને આખો દેહદાન કરી દીધો હોય એવું સૂરીલું (અને ગાવામાં અઘરું !) આવું ગીત આવા જાનદાર શબ્દોમાં રાજીન્દરક્રિશ્ને લખેલું હોય, એ ‘કિસી કી યાદ મેં દુનિયા કો હૈ ભૂલાયે હુએ’ ને પડદા પર ભારત ભૂષણ ગાય, પછી છટકે તો કેવી છટકે ...? ભારત ભૂષણ (ભા.ભૂ.) આપણા મહાન તપસ્વીઓ જેવો નિશ્ચલ હતો. ગીત ગાવાનું હોય, ફાઈટંિગ કરવાની હોય કે કરૂણ સંવાદો બોલવાના હોય કે મૃત્યુનો અભિનય કરવાનો હોય, એના હોઠ સિવાય આખા દેહમાંથી બીજું એકે ય અવયવ ન હાલે. (... સૉરી.. મૃત્યુના અભિનયનો એ બેતાજ બાદશાહ હતો, કારણ કે એમાં તો હોઠ પણ હલાવવા પડે નહિ !)
કોઈ જાતની દાઝો કાઢ્‌યા વિના કહું છું કે, આખી ફિલ્મ ‘જહાનઆરા’ જોવા માટે ઘરમાં ક્યાંય રીવોલ્વર પડી હોય, તો આઘી મૂકી દેવી.... ભા.ભૂ.નું તો હવે તમે કાંઈ બગાડી શકવાના નથી, પણ ભડાકો આપણા લમણામાં દઈ દઈએ તો ખુશ એકલી વાઈફ થાય, પણ આપણે દેવાઈ જઈએ ને ? બહુ ધાર્મિકપણે આ લખી રહ્યો છું કે, રફી સાહેબનું આ ગીત મેં એક ટ્રાય મારી જોવા ખાતર ભા.ભૂ.ના અંદાજથી-એટલે કે ચહેરા ઉપર કોઈપણ હાવભાવ લાવ્યા વગર ૩-૪ વાર આખું ગાઈ જોયું, પણ આટલું મઘુરું ગીત હોય તો ભાવો તો અપનેઆપ આવે જ ને ? ‘કિસી કે હુસ્નમ કી બસ એક કિરન હી કાફી હૈ, યે લોગ ક્યું મેરે આગે હૈં શમ્મા લાયે હુએ... હોઓઓઓ !’ કોઈ જોતું ન હોય, તો સ્વયં આપણે મુહમ્મદ રફી હોઈએ, એવા નશાથી ગાઈએ. તમે કોઈ હીરો-બીરો નથી, તો ય શબ્દ પ્રમાણે ભાવ તો આવવાના જ. એને બદલે ભા.ભૂ... ? ઓકે. હવે મને છોડી દો.. છોડ દો મુઝે... હવે દિમાગને તરબતર કરવા હું આ ફિલ્મની હીરોઈન માલાસિન્હાની વાત કરવા જઈ રહ્યો છું... (આ વખતે કોઈ મને પકડી ન રાખતા ! જરા મર્યાદામાં રહો !!)
માલાની સફળ દીકરી અને નિષ્ફળ અભિનેત્રી પ્રતિભા સિન્હાએ ગયા વર્ષે જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મમ્મીની તમામ ફિલ્મો મેં જોઈ છે, પણ એ તમામમાંથી મને ફિલ્મ ‘જહાનઆરા’માં એ સ્વર્ગની અપ્સરા જેવી સુંદર લાગી છે.’ પણ મારે કોલેજમાં થતુ’તું તેમ... કોઈ છોકરી ઉપર મારા કોઈ દોસ્તને સોટા પાડવા હોય તો એ મારી બાજુમાં આવીને ઊભો રહી જતો, તો એ રૂપાળો લાગતો. મારાથી વધારે હેન્ડસમ તો કોલેજના બચ્ચા-બચ્ચા લાગતા, ભા.ભૂ. પાસે તો હરકોઈ હીરોઈન સુંદર લાગે. માલા સિન્હા ભારત ભૂષણ સાથે કામ કર્યા પછી વધારે મોહક લાહે, એમાં કમાલ આલ્બર્ટ સિન્હાની (એટલે કે માલુના પપ્પાની) નહિ, ભારત ભૂષણના બારમાસી માંગણ જેવા ચહેરાની કહેવાય ! (અહીં કોઈએ મને પૂછવું નહિ કે, ‘અશોક દવે. ભારત ભૂષણ કરતા તો તમે વધારે સારા દેખાઓ કે નહિ ?’ અહીં જો કે, મને ફક્ત જુઠ્ઠું જ બોલવું ગમે !
ફ્રેન્કલી કહું તો, એ જમાનાના ‘ફિલ્મફેર’ એવોર્ડસ ઉપરથી માન ઉતરી જાય કારણ કે, આ ફિલ્મ માટે માલા સિન્હા બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં નોમિનેટ થઈ હતી.... ફિલ્મ ‘વો કૌન થી ?’ માટે સાધનાની જેમ, પણ આખરી એવોર્ડ તો ‘સંગમ’ માટે આ તમારી વૈજુ લઈ ગઈ હતી. માલુ નોમિનેટ થાય, એવો કોઈ પ્રાણવાન અભિનય આ ફિલ્મમાં તો નહોતો જ. એ બેશક ભારતની પહેલી પાંચ શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં આવે, પણ આ ફિલ્મ માટેનો તો એક જ એવોર્ડ થિયેટરમાં છેક સુધી બેસી રહેલા ફક્ત પ્રેક્ષકને જ અપાય. અફ કોર્સ, એ જીવે છે કે નહિ, તે ચેક કરી લીધા પછી !
‘જહાનઆરા’ કોમેડિયન ઓમપ્રકાશે બનાવી હતી. એ આવું બઘું બહુ બનાવતો હતો. પણ કોની સાથે કોને ગોઠવાય, એનું એને ભાન નહોતું. અગાઉ મઘુમાલા સાથે પણ આ જ ભા.ભૂ. અને બીજો કોઈ નહિ ને પ્રદીપ કુમારને લઈને ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ બનાવી હતી. પછી પર્સનલ લાઈફમાં અનીતા ગૂહાના પ્રેમમાં ઓમભાઈ પરોવાઈ ગયા ને બારમાસી ધાર્મિક ફિલ્મોની આ હીરોઈનને કિશોર કુમાર સાથે લઈને ફિલ્મ ‘ચાચા ઝીંદાબાદ’ બનાવી. હજી કાંઈ નહાવા-નિચોવવાનું બાકી રહી જતું હોય એમ ભા.ભૂ.નો ય બાપ થાય એવા બીજા હીરો પ્રદીપ કુમારને લઈને ફિલ્મ ‘સંજોગ’ બનાવી. હીરોઈન અનીતા ગૂહા તો ત્યાં સુધીમાં એની પરફેક્ટ પ્રેમિકા (ઓમપ્રકાશની પ્રેમિકા... ભા.ભૂ.ની નહિ !) બની ગઈ હતી-જેવા જેના સંજોગ ! જહાનઆરામાં તો ભા.ભૂ. હતો જ ! ઓમપ્રકાશને એક ‘માણસ’ તરીકે ધન્યવાદ આપવા પડે કે, પછી તો અનિતા ગૂહાના આખા શરીર ઉપર કોઢ નીકળ્યો હોવા છતાં ઓમભાઈએ એનો સાથ છોડ્યો નહોતો ને ચર્ચ ગેટ ઉપર એક ફલેટ પણ લઈ આપ્યો હતો. બન્નેની પ્રેમકહાણી રાજ-નરગીસ જેવી ચગી નહોતી, પણ બંને વચ્ચે સાચા અર્થમાં સાચો પ્રેમ છેવટ સુધી રહ્યો હતો. પણ એક વાતનો ઓમપ્રકાશનો ટેસ્ટ બહુ, બહુ ને બહુઉઉઉ... ઊંચો કહેવાય કે, એણે મદનમોહન અને રાજીન્દરક્રિશ્ને કદી છોડ્યા નહોતા. આ ત્રણે સાથે મળ્યા છે ત્યારે સંગીત હિમાલય જેટલું ઊંચું અને ફિલ્મો ખાબોચીયા જેટલી નીચી બની હતી, પણ મદન મોહનનું તમે ફક્ત નામ પણ સાંભળ્યું હોય, તો ખુશ થઈને હું તમારા ઘેર જમવા આવી જવા તૈયાર છું. (કાંદા-લસણ ખરા !) સાહિર પછી શબ્દોની દુનિયામાં કોઈનું નામ આદરથી લેવું પડે, તો એ એક રાજીન્દરક્રિશ્નનું. બહુ અચ્છો શાયર, પણ એક વખત મહાલક્ષ્મીની ઘોડાની રેસનો આખેઆખો જેકપોટ જીતી લીધો, પછી દેખિતી રીતે ફિલ્મોના ગીતો લખવામાં રસ નબળો પડતો ગયો.... કોઈ નહિ ને કલ્યાણજી-આણંદજીના ‘કબ, ક્યૂં ઔર કહાં’માં ‘રફ્‌તા રફ્‌તા દેખો આંખ મેરી લડી હૈ’ જેવા છીછરા ગીતો લખવા માંડ્યા હતા. આ એ જ શાયર હતો જેણે લતા પાસે ‘જહાનઆરા’માં ‘ઇશ્ક કી વો ભી એક મંઝિલ થી, હર કદમ પર ફરેબ ખાયા ગયા’ લખ્યું હતું. રવિ જેવા એકાદ અપવાદને બાદ કરતા રાજીન્દરક્રિશ્ન દુગ્ગલ પાસે મોટા સંગીતકારો પહોંચ્યા જ નહિ. સી.રામચંદ્ર અફકોર્સ ખૂબ મોટો સંગીતકાર કહેવાય ને એને શબ્દની સમજ હતી, એટલે હુસ્નલાલ-ભગતરામની જેમ સી.રામચંદ્રે પણ અનેક ફિલ્મો આ શાયર સાથે કરી. ચિત્રગુપ્તે ઘણું કામ આપ્યું.
હવે આ ત્રિપુટીમાં તમારે નામ ફક્ત લતા મંગેશકરનું જ ઉમેરવાનું, એટલે સ્વર્ગમાં સંગીત કેવું લાગતું હશે, એનો ખ્યાલ આવે. ‘લાખ તુફાં સમેટકર યા રબ, કિસ લિયે એક દિલ બનાયા ગયા...’ ક્યા બાત હૈ, રાજીન્દરક્રિશ્ન ! અહીં ‘સમેટકર’ શબ્દ બહુ શક્તિશાળી બન્યો છે. આ શાયરના શબ્દોની ખરી કમાલ હજી બાકી છે, ‘‘મરને કી આરઝૂ મેં, હમ જી રહે હૈં ઐસે, જૈસે કે લાશ અપની ખુદ હી કોઇ ઉઠાયે’’ મદન મોહન માટેનું માન તો બમણું થઈ જાય ભાઈ કે, લતા હોવા છતાં સુમન કલ્યાણપુરને રફી સાથે રાગ છાયાનટમાં ‘બાદ મુદ્દત કે યે ઘડી આઈ’ ગવડાવીને લતાને ઊંચી કરી નાંખી હતી. આ ગરમી અને આ તરસમાં રાત્રે બરફનો ગોળો ખાવા નીકળ્યા પછી ગોળા ઉપર ગુલાબનું શરબત છંટાવો છો કે ખસનું... ક્યા ફરક પડતા હૈ ? રફી સાહેબના મતવાલાઓ માટે અહીં રસનો ઝીણકો ચટકો સંભળાઈ જાય છે. ફિલ્મની શરૂઆતમાં નમાઝને સમયે કોઈ મસ્જીદમાંથી અઝાનનો અવાજ સંભળાય છે, તે રફી સાહેબનો છે. આવા કટકાઓની રેકર્ડ ન બની હોય. મદન મોહન સોળે કળો વિફર્યો જરૂર હશે કારણ કે, લતા-આશાને ભેગી કરીને ‘જબ જબ તુમ્હેં ભૂલાયા, તુમ ઓર યાદ આયે’ ગવડાવ્યું, એ તો આજે પણ સાંભળીએ તો શરત મારવાની પડતી મૂકી દેવી પડે કે, આશા ભોંસલે લતા કરતા નવટાંકે ય ઉતરતી નહોતી. ચારે ય મંગેશકર બહેનોને એક ગીતમાં પહેલી અને છેલ્લી વાર ભેગી કરવાનું એકમાત્ર માન મદન મોહનને આપવું પડે, આ ફિલ્મ માટે ‘કભી તેરી આંખો મેં...’ ગવડાવીને. કમનસીબે એ ગીત રેકોર્ડ તો થયું, પણ ફિલ્મમાં ન લેવાયું એટલે કોઈની પાસે એ રેકોર્ડ પણ ન મળે. વચમાં, ફિલ્મ ‘ફિર સુબહ હોગી’માં મુહમ્મદ રફી સાહેબના એક ગીત, ‘સબ કી હો ખૈર બાબા, સબ કા હો ભલા’ ક્યાંય મળે એમ નથી, એવી આ કોલમમાં જાહેરાત કરી, તેના બીજા જ દિવસે ફિનીક્સ-એરિઝોના-અમેરિકામાં રહેતા જૂના ગીતોના દાદુ સંગ્રાહક શ્રી સુમન્ત વશીએ મને એ ગીત મોકલી આપ્યું હતું.
જોવાની ખૂબી અથવા ખામી એ છે કે, તલત મહેમુદના બે મઘુરા ગીતો ‘તેરી આંખ કે આંસુ પી જાઉં, ઐસી મેરી તકદીર કહાં’ અને ‘ફિર વો હી શામ, વો હી ગમ, વો હી તન્હાઈ હૈ’ નિર્માતાની હૈસિયતથી ઓમપ્રકાશે પોતાના પ્રિય ગાયક મુહમ્મદ રફી પાસે જ ગવડાવવાની હઠ પકડી હતી, પણ મદન મોહન જેવો જીદ્દી તો હું ય નથી. એણે ઓમીને ચોખ્ખું કહી દીઘું, ‘આ તમારો વિષય નથી.’ ઝઘડો તો જો કે લાંબો ચાલ્યો હતો, પણ જીત તો સંગીતકારની જ થઈ.
મૂળ તો ફિલ્મ ‘જહાનઆરા’ની સ્ટારકાસ્ટ વાંચીને આપણે છેતરાઈ જઈએ કે, આપણા આટલા જાણીતા કલાકારો હોય તો કંઈક તો ઠંડક મળશે ને ? મારા માટે તો એકલી શશીકલા જ કાફી છે, પણ તમારે બધાએ જરા સાચવવું પડે કારણ કે, બારમાસી શહેનશાહ પૃથ્વીરાજ કપૂર પણ અહીં છે. મહેમુદની સગી બહેન મીનુ મુમતાઝ અને નાનકડી-નાનકડી અરૂણા ઇરાની પણ છે. બાકી કોઈમાં બહુ પડવા જેવું નથી. ખોટા લોહીએ શું બાળવા ?
ઐતિહાસિક ફિલ્મોમાં મોટા ભાગે તો ઇતિહાસ સાથે ઝાઝી લેવા-દેવા ન હોય. પણ વાચકોની જાણ ખાતર, અસલી શાહઝાદી જહાનઆરા બેગમ સાહિબનો જન્મ તા. ૨ એપ્રિલ, ૧૬૧૪માં થયો હતો અને મૃત્યુ તા. ૧૬ સપ્ટેમ્બર, ૧૬૮૧માં થયું હતું. પત્નીને નામે સુપ્રસિદ્ધ ‘તાજમહલ’ બનાવનાર શહેનશાહ શાહજહાન અને મુમતાઝ મહલની પુત્રી આ જહાનઆરા હતી. એનું ઐતિહાસિક નામ ‘શાહજાદી જહાનઆરા બેગમ સાહિબ’ હતું. આ ‘બેગમ સાહિબ’નો અર્થ ‘રાજકુમારીઓની રાજકુમારી’ થાય.
ઇતિહાસનો થોડો ઘણો શોખ રાખનારાઓ માટે વિશેષ જાણકારી એ કે, જહાનઆરા ઔરંગઝેબની સગી બહેન હતી.
બન્ને વચ્ચે કદી બન્યું નહોતું, તે એટલા માટે કે ઔરંગઝેબ કટ્ટરવાદી મુસ્લીમ હતો અને હંિદુઓ ઉપર ટોલ-ટેક્સ નાંખ્યો, એમાં જહાઆરા બહુ ખીજાયેલી કે, આમ કરવાથી આપણા હંિદુ પ્રજાજનો આપણી વિરૂદ્ધ થઈ જશે. જહાંઆરા ડાયરી લખતી, તેમાં એણે ઔરંગઝેબને ‘સફેદ નાગ’ કહ્યો છે. જો કે, આ તો શાહી રાજકારણ છે.
શાહજહાંના ઇન્તેકાલ પછી જહાંઆરા અને ઔરંગઝેબ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. હાલની દિલ્હીની જામી મસ્જીદ જહાનઆરાએ ઇ.સ. ૧૬૪૮-માં બનાવી હતી. દિલ્હીનો ‘ચાંદની ચૉક’ પણ જહાંઆરાએ બનાવ્યો હતો.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved