પોલીસ ભરતીમાં બનાવટી પ્રમાણપત્રો બનાવનાર પકડાયો

- તલોદના ફોજીવાડાના યુવાનનું કારસ્તાન

- પોલીસ ફરિયાદ
તલોદ, તા. ૩

 

નડિયાદ ખાતે તાજેતરમાં યોજાયેલ લોક રક્ષક / પો.સ.ઈન્સ.ની ભરતી પ્રક્રિયામાં બનાવટી કોલ લેટર લઈને પહોંચી ગયેલ એક યુવાન એસ.આર.પી. ગુ્રપ-૭ના પરીક્ષક અધિકારીના હાથે ઝડપાઈ ગયો હતો. તલોદ તાલુકાના ફોજીવાડા ગામનો રહીશ ૧૯ વર્ષનો આ યુવાન અરજદાર આરોપી અનીલસિંહ લાલસિંહ પરમાર ભરતી માટેના પરિક્ષણ ગ્રાઉન્ડ ઉપર હાજર થયો ત્યારે તેનો કોલ લેટર બનાવટી હોવાનું માલૂમ પડયું હતું. કોમ્પ્યુટર ડેટા ચકાસતાં તેના અસલી કોલ લેટરમાં દિપકકુમાર સૂરજભાઈ શર્માનું નામ હોવાનું જાણવા મળ્યું હતું.

 

વિસ્તૃત તપાસ દરમિયાન તપાસ અધિકારીને એવું જાણવા મળ્યું હતું કે, તલોદ મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામના યુવાન દશરથસિંહ વદનસિંહ રાઠોડ એ આ બનાવટી કોલ લેટર અરજદાર અનીલસિંહને બનાવી પકડાવી દીધો હતો. આ હકીકતનો રિપોર્ટ ઉચ્ચ પોલીસ અધિકારીને કરવામાં આવતા બંને આરોપીઓ સામે શાહીબાગ-અમદાાદ પો.સ્ટે. ખાતે સરકાર તરફથી એ.એસ.આઈ. પ્રવિણકુમાર લાલચંદએ ફરિયાદ નોંધાવી હતી. સમયાંતરે ગત રોજ શાહીબાહ પોલીસ તરફથી તલોદ પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરતાં તલોદ પો.સ.ઈન્સ. વી.વી.ઓડેદરાએ બંને આરોપી યુવાનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

પ્રાપ્ય વિગત અનુસાર આ ઘટનાની વિગત એવી છએ કે, ગત ફેબુ્રઆરી માસમાં નડિયાદ ખાતે પોલીસ રક્ષક/પો.સ.ઈન્સ.નો ભરતી મેળો યોજાયો હતો. પોલીસ રક્ષકમાં ભરતી થવા તલોદ તાલુકાના ફોજીવાડા ગામનો ૧૯ વર્ષનો યુવાન અનીલસિંહ લાલસિંહ પરમાર ભરતી ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યો હતો. તેણે ત્યાં ક્રમાંક ૧૦૦/૮૬૧૫૬ નંબરનો કોલ લેટર રજૂ કર્યો હતો. એસ.આર.પી. ગુ્રપ-૭ના અધિકારીને કોમ્પ્યુટર ડેટા સાથે અનીલનો કોલ લેટર મેચ થતો ન હોવાથી શંકા પડી હતી. કારણ અસલ કોલ લેટર દિપકકુમાર સૂરજભાઈ શર્માનો હતો. જેથી અનીલે રજુ કરેલો કોલ લેટર બનાવટી હોવાનું માલુમ પડયું હતું. અરજદાર અનીલને બીજી વખત તક આપવા અરજી કરી ત્યારે ડેટા તપાસતાં આ હકીકત સપાટી પર આવી હતી.બાદ તપાસનો દોર શરૃ થતાં એ હકીકત ખૂલવા પામી હતી કે, તલોદ મામલતદાર કચેરીના ૨૫ વર્ષના યુવાન કોમ્પ્યુ. ઓપરેટર દશરથસિંહ વદનસિંહ રાઠોડ એ અનિલસિંહને બનાવટી કોલ લેટર કચેરીના કોમ્પ્યુટર મારફત કાઢી આપ્યો હતો. મળતી માહિતી મુજબ મિત્રભાવે અનીલ એ દશરથને પોલીસ ભરતીનું ઓનલાઈન ફોર્મ ભરવા પોતાનો બાયોડેટા આપ્યો હતો. સમય જતાં અન્ય અરજદાર યુવાનોને કોલ લેટર મળી ગયા હતા. જ્યારે અનીલને પોતાના કોલ લેટર ન મળતા તેને દશરથ સામે રાવ નાખતાં દશરથ એ

 

આજનું મોત કાલ ઉપર ઠેલાશે તેવા આશયથી ઇલેકટ્રોનીક રેકર્ડથી ખોટો-બોગસ-બનાવટી કોલ લેટર બનાવીને અનીલને પકડાવી દીધો હતો. જે બનાવટી કોલ લેટરે નડિયાદના ભરતી ગ્રાઉન્ડ ઉપર અનીલને અધિકારીઓના સકંજામાં અને આરોપીના પાંજરામાં ધકેલી દીધો હતો.

 

આમ થતાં પોલીસે ખોટો બનાવટી કોલ લેટર ભરતી વખતે ઉપયોગ કરનાર અરજદાર અનીલસિંહ પરમાર (ફોજીવાડા) અને તે બનાવટી કોલ લેટર ઊભો કરી આપનાર દશરથસિંહ વદનસિંહ રાઠોડ (સીતવાડા) સામે ગુનો નોંધી તપાસનો હાથ ધરેલ છે.

 

બનાવટી કોલ લેટર ઊભો કરનાર દશરથસિંહ રાઠોડ એક ખાનગી કોન્ટ્રાક્ટર એજન્સી અંતર્ગત તલોદ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. તલોદ પોલીસ દફતરે આ ગુનાની નોંધ થતાં જ તલોદ મામલતદાર એમ.કે.પ્રજાપતીએ આ હંગામી ઓપરેટર તરીકે ફરજ બજાવતા દશરથસિંહની હકાલપટ્ટી કરી દઈને કચેરીના રેકર્ડ સાથે આરોપી ઈસમ કોઈ ચેડાં ન કરે તેવી સલામતીની વ્યવસ્થા હાથ ધરી છે.