ગણેશજીની P.O.Pની મૂર્તિ લાવનાર સામે બીનજામીનપાત્ર ગુનો નોંધાશે

 

 

- આગામી તા. ૧૯મી સપ્ટેમ્બરથી શરૃ થતા ગણેશોત્સવ

 

- ગણેશ આયોજકોમાં મુંઝવણ

 

 

વાંસદા, ગુરૃવાર

 

વાંસદા પોલીસે તાલુકાના અને નગરના તમામ ગણેશ આયોજકોને બોલાવી એક મીટીંગ રાખી હતી. જેના કલેકટરે પી.ઓ.પી.ની મૂર્તિના ઉપયોગ પર મુકેલા પ્રતિબંધના જાહેરનામા અંગે સૂચના આપતા આયોજકો મુંઝવણમાં મુકાયા છે. માટીની આટલી મોટી સંખ્યામાં મૂર્તિ કયાંથી મળશે અને દુરથી લાવવામાં પણ મૂર્તિ માટીની હોવાથી ખંડિત થવાની શકયતા રહે છે.

 

આગામી ૧૯-૯-૨૦૧૨થી ગણેશોત્સવ ચાલુ થતો હોય કલેકટરે જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં પી.ઓ.પી.ની મૂર્તિઓ પાણીમાં ભળવાથી પાણીમાં રહેતા પાણીજન્ય જીવો અને માછલીઓ વિગેરેનું મોત થાય છે. જેના કારણે પાણી તથા પર્યાવરણને નુકસાન થાય છે. જેથી મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓ ધાર્મિક રીતે પ્રણાલીગત ચીકણી માટીનો ઉપયોગ કરવા અને ભઠ્ઠીમાં સૂકવેલી ચીકણી માટી કે પી.ઓ.પી.નો ઉપયોગ ન કરવા અને મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિન ઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવા તેમજ ઝેરી અને ઉતરતી કક્ષાના રસાયણ કે કેમીકલયુકત રંગોથી કલર કરવો નહીં એવું જણાવાયું છે તેમજ મૂર્તિની બનાવટમાં ઘાસ, લાકડા, બાંબુનો ઉપયોગ કરી શકાશે. મૂર્તિના વેચાણ બાદ બચેલી કે ખંડિત મૂર્તિને બિનવારસી હાલતમાં છોડી જવાશે નહીં તેમજ મૂર્તિની બનાવટમાં અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઇ ચિન્હો કે નિશાની રખાશે નહીં. જો આ જાહેરનામાનો ભંગ થાય તો આયોજકો અને મૂર્તિ બનાવનાર કલાકારો સામે બીનજામીનપાત્ર ગુનો નોંધવામાં આવશે.

 

આ મીટીંગમાં વાંસદા પોલીસ મથકે ઘણી સંખ્યામાં આયોજકો આવ્યા હતા અને આયોજકો આ જાહેરનામાની વિગતો જાણ્યા બાદ મુંઝવણમાં મુકાયા હતા કે માટીની મૂર્તિ આટલા મોટા પ્રમાણમાં કયાંથી મળશે અને બહારગામથી માટીની મૂર્તિ પણ લાવવી અશકય બનશે કારણ કે માટીની મૂર્તિ વાહનમાં લાવતા દરમિયાન ખંડિત થવાનો ભય રહે છે. જેથી આયોજકોમાં નારાજગી ઉભી થઇ હતી. આ અંગે ફરી ચીખલી મુકામે આજે (શુક્રવારે) સાંજે આયોજકો અને પોલીસની (ત્રણ તાલુકા આયોજકો ચીખલી, વાંસદા, ગણદેવી) મીટીંગ મળનારી હોય તેમાં આયોજકો દ્વારા આ જાહેરનામા સામે ઉગ્ર વિરોધ નોંધાવાશે એવું હાલ લાગી રહ્યું છે.