ભારત વિરોધી જાહેરખબર માટે ઓબામા ૭.૮૦ લાખ ડોલર ખર્ચશે

 

- રોમ્નીએ ભારતને નોકરીઓ આઉટસોર્સ કર્યાનો આક્ષેપ

 

- અમેરિકી નોકરીઓ મેક્સિકો અને ચીન જેવા દેશોને આપી

 

વોશિંગ્ટન, તા. ૩

 

અમેરિકી પ્રમુખપદ માટેની ચૂંટણીને લગતી ઝૂંબેશમાં ઓબામાની મંજૂરીથી રજૂ થયેલી એક જાહેરખબરે ભારતીય સમુદાયમાં નારાજગી ઉભી કરી છે. આ જાહેરખબરમાં સમર્થકોએ પ્રમુખપદ માટેના રીપબ્લીકન ઉમેદવાર મિટ્ટ રોમ્ની પર આરોપ મુક્યો છે કે તેઓ મેસેચ્યુએટ્સના ગવર્નર હતા ત્યારે તેમણે ભારતને રોજગારીનું આઉટસોર્સીંગ કર્યું હતં. આ જાહેરખબરના પ્રચાર-પ્રસાર માટે ઓબામા કેમ્પેન ૭.૮૦ લાખ ડોલરનું આંધણ કરી રહ્યું છે.

 

વર્જીનિયા, ઓહાયો અને લોવા સહિતના મહત્વના રાજ્યોમાં રજૂ થનારી આ જાહેરખબરમાં જણાવ્યું છે કે કોર્પોરેટ સીઈઓ તરીકે રોમ્ની અમેરિકી નોકરીઓ મેક્સિકો અને ચીન જેવા દેશોને આપી હતી. ગવર્નર તરીકે તેમણે ભારતના કોલ સેન્જરોને પણ રોજગારી પૂરી પાડી હતી. અને પરદેશમાં આવતી કંપનીઓને કરરાહત માટે તેઓ આજે પણ દબાણ કરી રહ્યા છે.

 

અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની લીલી ઝંડી મેળવી ચૂકેલી આ જાહેરખબરમાં જણાવ્યું હતું કે સ્વીસ બેંકમાં ખાતુ ધરાવતી વ્યક્તિ પાસેથી આવી જ અપેક્ષા રાખી શકાય.

 

'ધ ઓબામા કેમ્પેન' અમેરિકાના ચાવીરૃપ રાજ્યોમાં આ જાહેરખબર પ્રસારિત કરવા માટે ૭.૮૦ લાખ ડોલર જેટલી રકમ ખર્ચી રહ્યું હોવાનું પણ માનવામાં આવે છે. ભારતીય આઈટી સોફ્ટવેર કંપનીઓને તેમની રોજગારીની ૬૦ ટકા જેટલી આવક અમેરિકી બજારમાંથી થાય છે. અમેરિકી કંપનીઓ તેમનું 'બેક ઓફિસ' કામ ખર્ચ ઘટાડવા માટે ભારત સહિતના દેશોને આઉટ સોર્સ કરે છે.