રાષ્ટ્રપતિ માટે પ્રણવ મુખરજીના નામ પર લગભગ સંમતિ

- બાબુ મોશાય મમતા-ડાબેરીઓને ગમશે

- મમતા સોનિયા અને મુલાયમને મળ્યાં
નવી દિલ્હી, તા. ૩
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં અત્યારે બંગાળી બાબુ પ્રણવદા મેદાન મારી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. કેમ કે, સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહે આજે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિપદ માટે કોઈ પણ રાજકીય વ્યક્તિને જ ટેકો આપશે. આમ, કોંગ્રેસના હમીદ અન્સારી અને પ્રણવ મુખરજી દોડમાં રહ્યા છે તેમાં પ્રણવદા બંગાળી હોવાને કારણે મમતા તથા ડાબેરીઓ પણ તેમને સમર્થન આપે તેમ જણાય છે. તેમનું પલ્લું ધીમે ધીમે વજનદાર બની રહ્યા છે.
મમતા બેનરજીના સરકાર સામે છેલ્લા ઘણા સમયથી તીખા તેવર હતા તે પણ હવે ઢીલા પડયાનું જણાઈ રહ્યું છે કેમ કે મમતા બંગાળથી આવીને સોનિયા ગાંધીને મળ્યા હતા. તે પછી તેમણે કોંગ્રેસ અન્સારીને ઉમેદવાર બનાવે છે કે મુખરજીને પણ ટેકો આપવા તૈયારી દર્શાવી હતી તેમ સૂત્રોએ માહિતી આપી હતી. ડાબેરી પક્ષોનું વર્ચસ્વ પણ મોટે ભાગે બંગાળમાં છે તેથી તેઓ પણ અંદરખાને પ્રણવ મુખરજીને મતદાન કરવા ઇચ્છે છે આમ મુખરજીનો ઘોડો વીનમાં છે.
દરમ્યાન કોંગ્રેસી પ્રવક્તા રેણુકા ચૌધરીએ જાહેરાત કરી હતી કે, કોંગ્રેસ માટે પ્રણવ મુખરજી અત્યંત ઉપયોગી હોવાથી તેમને અન્ય પદ પર ખસેડવા શક્ય નથી. જેના પ્રત્યુત્તરમાં મમતાએ વળતો પ્રહાર કર્યો હતો કે અમારો ટેકો મુખરજીને છે જ પણ કોંગ્રેસ તેમને ઇચ્છતી ન હોય તેવું જણાય છે. જો કે, તે પછી તરત જ કોંગ્રેસે તેમના આ વકતવ્યમાં ફેરફાર કરીને મુખરજીને આમાં દૂર કરવાનો સવાલ જ નથી તેમને વધુ જવાબદારીપૂર્ણ પદ પર મૂકવાનો પ્રયાસ છે તેમ સ્પષ્ટતા કરી હતી.
સ.પા.ના વડા મુલાયમસિંહ યાદવે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિપદનો ઉમેદવાર 'રાજકીય' હોવો જોઈએ. બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોના કહેવા મુજબ મમતા બેનરજી રાષ્ટ્રપતિપદ માટેના યુપીએ દ્વારા રજૂ કરાયેલા ઉમેદવારને ટેકો આપે તેવી શક્યતા છે. દરમિયાન ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી અને પ્રણવ મુખરજીના નામો અંગે ડાબેરીઓનું મંતવ્ય પૂછાતા સીપીઆઇ-એમ પોલીટ બ્યુરોના સભ્ય સિતારામ યેચુરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની પસંદગી આ બન્ને વ્યક્તિ સુધી આવીને અટકશે તો ડાબેરીઓ બંનેમાંથી કોને ટેકો આપવો તે અંગે વિચારણા કરશે. જો કે, ડાબેરીઓ અંદરખાને મુખરજીને સમર્થન આપવાના મૂડમાં હોવાનું પણ માનવામાં આવે છે.

પ્રણવદા માનીતા ઉમેદવાર કેમ ?
રાષ્ટ્રપતિ પદની વરણી નજીક આવી રહી છે ત્યારે પાટનગરના રાજકીય વર્તુળો સક્રિય થવા લાગ્યાં છે. રાષ્ટ્રપતિ પદ માટે ભાજપે કોંગ્રેસના ઉમેદવાર સામે વિરોધ નોંધાવ્યા બાદ અનેક અટકળો વહેતી થઇ હતી. યુપીએ એ પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કર્યા નથી પરંતુ રેસમાં સૌથી મોખરે તેઓ છે.
યુપીએનાં શકિતશાળી ઘટક તૃણમૂલના મમતા બેનરજી રાષ્ટ્રપતિ પદની ચૂંટણઈમાં પણ મહત્વની ભૂમિકામાં રહેશે. મમતા બેનરજી પ્રણવ મુખરજીનું સમર્થન કરે તેવી શકયતા છે. મમતા બેનરજીને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવામાં પ્રણવ મુખરજીનો ફાળો મહત્વનો છે. મમતા બેનરજી જાહેરમાં ભલે ન કહે પરંતુ પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ પદ માટે સમર્થન આપીને ઋણ અદા કરે તેવી શકયતા છે.
પ્રણવ મુખરજી પશ્ચિમ બંગાળના મોટા ગજાનાં નેતા છે. ડાબેરીઓને તેમના પ્રત્યે કૂણી લાગણી હોય તે શકય છે અને તેને કારણે તેઓ પણ પ્રણવ મુખરજીની તરફેણ કરે તે સંભવ છે.
સપાના મુલાયમ સિંહે રાષ્ટ્રપતિ પદ પર રાજનૈતિક વ્યકિતને બેસાડવાની તરફેણ કરીને પ્રણવ મુખરજીને આડકતરો ટેકો આપી દીધો છે.