પ્રિયંકાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર

 

 

- આંતરરાષ્ટ્રીય આલ્બમમાં બિઝી આ અભિનેત્રી

 

- નવી કારકિર્દી અપનાવશે કે નહીં તે અંગે અવઢવ

 

મુંબઈ, તા.૩

 

આવું થવાની શક્યતા ક્યારની હતી. અત્યારે પ્રિયંકા ચોપરા એક ગાયિકા તરીકેની મહત્ત્વાકાંક્ષા સિધ્ધ કરવા પ્રયત્ન કરી રહી છે, ત્યારે તેની ફિલ્મનાં નિર્માતાઓ તેને તેની ફિલ્મોમાં ગાવાની વિનંતી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાકેશ રોશન પ્રિયંકા ચોપરા તેની ફિલ્મમાં ગીત ગાય એવો વિચાર મમળાવી રહ્યાં છે. તેઓ એવું વિચારી રહ્યાં છે કે પ્રિયંકા આખું ગીત ન ગાય તો કાંઈ નહિ, પણ તેણે કેટલાક શબ્દો ગણગણવા જરૃર પડશે. ('બ્લફ માસ્ટર' ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ આવો અનુભવ લીધો જ છે).

 

જોકે, પ્રિયંકા ચોપરા હજી સુધી ગીત ગીત ગાવાની કે ગણગણવાની સ્વીકૃતિ આપી નથી કે તેણે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પગ પણ મૂક્યો નથી. તે અત્યારે લોસ એન્જલસમાં પોતાનું મ્યુઝિક આલ્બમ પૂરું કરવાની કોશિશ કરી રહી છે. પણ રાકેશ રોશનની ઓફર પર તે વિચાર કરી રહી છે એમ જાણવા મળ્યું છે.

 

'લોકો તેને એક ગાયિકા તરીકે જૂએ એવી પ્રિયંકાની ઈચ્છા નથી. અત્યારે તેનું બધું જ ધ્યાન ફિલ્મ પર કેન્દ્રીત થયેલું છે અને સાથોસાથ જ તે આંતરરાષ્ટ્રીય સ્તરના આલ્બમ દ્વારા ગાયિકા તરીકે પણ આગળ વધવા માગે છે. ભૂતકાળમાં પણ તેને અનેક ફિલ્મોમાં ગાવાની ઓફર આવી હતી, પણ તેણે તેનો ઈન્કાર કર્યો હતો. તે 'ક્રીશ- થ્રી' માટે ગાશે કે નહીં તે અત્યારે કહેવું વહેવું ગણાશે. પણ ભવિષ્યના ગર્ભમાં શું છૂપાયું છે, તે કોણ કહી શકે છે', એમ એક સ્રોતે જણાવ્યું હતું.

 

અત્યારે તો તે આ ફિલ્મમાં ગીત ગાશે કે નહીં ગાય તેનાં પર બધાંની નજર અટકેલી છે.