Last Update : 03-May-2012, Thursday

 

'સત્યમેવ જયતે'ના માર્કેટિંગ માટે આમિર ખાન ગતકડાંઓ કરી રહ્યો છે

આજના માર્કેટિંગના જમાનામાં સૌથી પહેલો ભોગ સત્યનો લેવાઇ જતો હોય છે અને આમિર ખાન દ્રારા કરવામાં આવતું માર્કેટિંગ પણ તેમાં અપવાદ નથી

આજકાલ ટીવીની દરેક ચેનલ ઉપર અને દરેક અખબારમાં આમિર ખાન ચમકી રહ્યો છે. આમિર ખાન એક અચ્છો કલાકાર હોવાની સાથે પક્કો વેપારી પણ છે. અમિરને પોતાની ફિલ્મો વેચતા બરાબર આવડે છે, પણ તેમ કરવા જતાં ચાહકો સાથે થોડી ઠગાઇ કરવી પડે તો તેને તેમાં વાંધો જણાતો નથી. આમિર ખાને પોતાની 'થ્રી ઇડિયટ્સ' ફિલ્મના માર્કેટિંગ માટે એક એવો તુક્કો અજમાવ્યો કે તેના સાથીદારે જેલમાં જવું પડયું હતું. હવે આમિર ખાનની પહેલવહેલી ટીવી સિરિયલ 'સત્યમેવ જયતે' આ રવિવારથી દૂરદર્શન અને સ્ટાર પ્લસ ઉપર એક સાથે આવી રહી છે. આ સિરિયલના પ્રમોશન માટે આમિર ખાન જાતજાની તરકીબો અજમાવી રહ્યો છે.
આમિર ખાને 'સત્યમેવ જયતે' સિરિયલના પ્રસારણ બાબતમાં જબરદસ્ત હાઇપ ઊભી કરી છે. આ માટે આ સિરિયલના વિષયવસ્તુને એકદમ ગુપ્ત રાખવમાં આવ્યો છે. આ સિરિયલમાં કામ કરનારા કલાકારોને પણ આ બાબતમાં મિડીયા સાથે બિલકુલ વાત ન કરવાની તાકીદ કરવામાં આવી છે. આમિર ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે, ''તમે શા માટે આ સિરિયલના અંશો કોઇને બતાવતા નથી?'' ત્યારે તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો કે ''હું લોકોને આ સિરિયલ બતાવું અને તેમને એ ન ગમે તો મારું દિલ તૂટી જાય તેમ છે, માટે હું કોઇને બતાવતો નથી.'' આમિર કહે છે કે છઠ્ઠી મેના દિવસે બધા તેને ટીવી ઉપર જોશે. આમિર જો ખરેખર એવું માનતો હોય તો તેણે છઠ્ઠી મેના દિવસે પણ આ સિરિયલ શા માટે કોઇને બતાવવી જોઇએ? એ દિવસે લોકોને સિરિયલ નહીં ગમે તો શું આમિરનું દિલ તૂટી નહીં જાય?
આમિર ખાન અને સલમાન ખાન પોતાની ફિલ્મો અને ટીવી સિરિયલના પ્રમોશન માટે સંવેદનશીલ મુદ્દાઓનો ઉપયોગ કરવા માટે જાણીતા છે. અગાઉ આમિરની ફિલ્મ 'રંગ દે બસંતી' રિલીઝ થવાની હતી તે અગાઉ આમિરે દિલ્હીમાં નર્મદા બચાવો આંદોલનના ધરણાંમાં ભાગ લઇને વિવાદનો મધપૂડો છેડી દીધો હતો. આ કારણે ગુજરાતમાં આ ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જોકે તેને કારણે આમિર ખાનની ફિલ્મને ભારતભરમાં મફતની પ્રસિદ્ધિ મળી ગઇ હતી. તાજેતરમાં આમિરની સિરિયલ રિલીઝ થઇ રહી છે એ નિમિત્તે આમિરના પુત્ર જુનૈદે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પહેલી તારીખે કોલેજિયન યુવાનો અને વિકલાંગ ખેલાડીઓ વચ્ચે એક ક્રિકેટ મેચ યોજી હતી. આમિરના ચાહકોની ધારણા હતી કે આમિર ખાન આ મેચમાં જરૃર દર્શન દેશે, પણ આમિરે આ મેચમાં ન આવવા માટે એવું કારણ આપ્યું કે એ તેના ટીવી શોમાં વ્યસ્ત છે. આ રીતે આમિરે તેના પુત્ર માટે મહત્ત્વની મેચમાં ગેરહાજર રહીને પોતાની સિરિયલનો પ્રચાર કરી લીધો હતો.
'સત્યમેવ જયતે' સિરિયલને સફળ બનાવવા માટે આમિર ખાને પોતાના કટ્ટર હરીફ સલમાન ખાન સાથે પણ સમાધાન કરી લીધું છે અથવા તો તેઓ સમાધાન કરવાનો દેખાવ કરી રહ્યા છે. કહેવાય છે કે સલમાન ખાનની ફિલ્મ 'એક થા ટાઇગર' અને આમિર ખાનની ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની હતી. આ વાતની જાણ સલમાનને થતાં તેણે પોતાની ફિલ્મની રિલીઝની તારીખ બદલી નાંખી હતી. જોકે પાછળથી આમિર ખાને પણ પોતાની ફિલ્મની તારીખ બદલી નાંખી હતી. કહેવાય છે કે આમિર ખાનની સિરિયલને તોડવા માટે સલમાન ખાનને અન્ય ચેનલ દ્વારા તેની સિરિયલ પ્રસિદ્ધ કરવા ઊંચી રકમની ઓફર કરવામાં આવી હતી, પણ સલમાને એ ઓફર ઠુકરાવી દીધી હતી. સામાન્ય રીતે આમિર ખાન પોતાની અંગત જિંદગી બાબતમાં જાહેરામાં વાતચીત કરતો નથી. થોડા સમય અગાઉ આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવની 'ધોબીઘાટ' ફિલ્મ રીલીઝ થવાની હતી ત્યારે આમિર પોતાની અંગત જિંદગી અને પ્રેમપ્રકરણ બાબતમાં છૂટથી મિડીયા સાથે વાતો કરવા લાગ્યો હતો. હવે દૂરદર્શન અને સ્ટાર પ્લસ પર 'સત્યમેવ જયતે' રિલીઝ થવાની છે ત્યારે આમિર ખાન પોતાનાં ઘરમાં બેસીને ટીવીની ચેનલોને મુલાકાતો આપી રહ્યો છે. જેને કારણે તેના ચાહકોને તેનાં ઘરમાં ડોકિયાં કરવાની તક મળે છે. હવે આમિર ખાન દ્રારા એવો પ્રચાર શરૃ કરવામાં આવ્યો છે કે તે પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત એઇડ્સના વિષય ઉપરની ફિલ્મમાં અભિનય કરવાનો છે.
વર્ષોથી આમિર ખાન એવોર્ડ ફંકશનોથી દૂર રહેતો આવ્યો છે, કારણ કે તે એવું માને છે કે તેના સિવાય એવોર્ડ જીતવાની કોઇની લાયકાત નથી, અથવા તો અયોગ્ય લોકોને એવોર્ડ આપવામાં આવે છે. 'સત્યમેવ જયતે' સિરિયલ પ્રમોશન માટે આમિર ખાને આ નિયમ પણ તોડવાનું નક્કી કર્યું છે. ત્રીજી મેના રોજ મુંબઇમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવા સમારંભ યોજાવાનો છે. આ સમારંભના આયોજકોએ ગયાં વર્ષે પણ આમિરને આમંત્રણ પાઠવ્યું હતું પણ તેણે હાજર રહેવાનો ઇનકાર કર્યો હતો. આ વખતે આમિરે તેમનું આમંત્રણ સ્વીકારી લીધું છે, કારણ કે આ સમારંભનો ઉપયોગ પણ તે પોતાના ટીવી શોના પ્રમોશન માટે કરવા માંગે છે. જોકે આમિર ખાન દ્વારા આ માટે એવું કારણ આગળ ધરવામાં આવે છે કે આ વર્ષે હિન્દી ફિલ્મોની શતાબ્દીની ઉજવણી ચાલી રહી હોવાથી તેણએ એવોર્ડ ફંકશનનું આમંત્રણ સ્વીકારી લીધું છે. 'સત્યમેવ જયતે'ના પ્રમોશન માટે થોડું અસત્ય બોલવામાં આવે તો તેનાથી ફરક પડી જવાનો નથી.
માર્કેટિંગની ટેકનિક બાબતમાં બોલિવૂડમાં ભાગ્યો જ કોઇ આમિરનો મુકાબલો કરી શકે તેમ છે, 'થ્રી ઇડિયટ્સ' એક એવરેજ ફિલ્મ હતી, પણ આમિર ખાને તેનું એવી રીતે માર્કેટિંગ કર્યું કે તે સુપરહિટ પુરવાર થઇ હતી. 'સત્યમેવ જયતે'ના માર્કેટિંગ માટે પણ આમિરે એક અફલાતૂન તુક્કો ખોળી કાઢ્યો છે. આ બુધવારથી ભારતના અનેક સિનેમા ગૃહોમાં 'સત્યમેવ જયતે'નું ટાઇટલ ગીત સિરિયલના પ્રચારાર્થે બતાડવામાં આવશે. આ ગીત રાષ્ટ્રગીત પછી તરત જ બતાડવામાં આવશે. કોઇ ટીવી સિરિયલના પ્રમોશન માટે પહેલી વખત સિનેમા ગૃહોનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત મુંબઇનાં અને દિલ્હીના સિલેક્ટેડ સિનેમા ગૃહોના પ્રેક્ષકોને 'સત્યમેવ જયતે' બાબતમાં સવાલો પૂછવામાં આવશે અને તેનું વિડીયો રેકોડીંગ કરવામાં આવશે. આ રેકોડીંગ ફિલ્મના ઇન્ટરવલ દરમિયાન પ્રેક્ષકોને દેખાડવામાં આવશે.
આમિર ખાન અને કિરણ રાવનો પુત્ર 'આઝાદ' હવે પાંચ મહિનાનો થયો છે. આમિર ખાન કહે છે કે 'સત્યમેવ જયતે' સિરિયલનું એડિટીંગ તે મોટા ભાગે ઘરે રહીને જ કરતો હોવાથી તેને આઝાદની સાથે વધુ સમય ગાળવાની તક મળી છે. આમિર ખાન એ વાતનો ઉલ્લેખ કરવાનું નથી ભલ્યો કે તેણે 'સત્યમેવ જયતે'ના પ્રોમોસના શૂટીંગ દરમિયાન આઝાદનો વિડીયો પણ શૂટ કરી લીધો છે. આ વાતની જાણ કિરણ રાવને થઇ ત્યારે તેણે આમિર સાથે ઝઘડો કર્યો હતો. આમિર આપણને એ વાત જણાવતો નથી કે તેના પુત્ર આઝાદનો વિડીયો સિરિયલમાં પ્રદર્શિત થવાનો છે કે નહીં ? કદાચ દર્શકો આ જાણવા માટે તેની સિરિયલ જુએ એવું આમિર ખાન ઇચ્છાતો હોવાનું જણાય છે.
આજની તારીખમાં આમિર ખાન પોતાની જાતને હિન્દી ફિલ્મોના સૌથી મોંઘા કલાકાર તરીકે પેશ કરે છે. કહેવાય છે કે તલાશ ફિલ્મ માટે તેણે નિર્માતા પાસેથી ૪૨ કરોડ રૃપિયા લીધા છે. કહેવાય છે કે 'સત્યમેવ જયતે'ના એક એપિસોડદીઠ આમિરને ત્રણ કરોડ રૃપિયા મળવાના છે. અત્યારે આ સિરિયલના ૧૩ એપિસોડ મંજૂર થયા છે એ જોતાં આમિરને તેમાંથી ૩૯ કરોડ રૃપિયા મળશે એ નક્કી છે. બોલિવૂડમાં ચાલતી ચર્ચા મુજબ અમિતાભ બચ્ચનને 'કૌન બનેગા કરોડપતિ-૫' માટે એક એપિસોડના બે કરોડ રૃપિયા મળતા હતા. આ બાબતમાં આમિર ખાન બીગ બી કરતાં પણ આગળ નીકળી ગયો છે. 'સત્યમેવ જયતે' ટીવી ઉપરનો સૌથી ખર્ચાળ શો સાબિત થશે.
તાજેતરમાં આમિર ખાન પોતાના ટીવી શોના પ્રમોશન માટે એક રીક્ષાચાલકના લગ્નમાં પહોંચી ગયો હતો. આમિર ખાનના કહેવા મુજબ તેની ફિલ્મ 'થ્રિ ઇડિયટ્સના પ્રમોશન દરમિયાન તે રામ લખન નામના રીક્ષા ડ્રાઇવરને મળ્યો હતો. આ રીક્ષા ડ્રાઇવરને તેણે વચન આપ્યું હતું કે તેના દીકરાના લગ્ન થશે ત્યારે એ તેમાં જરૃર આવશે. આમિર આ લગ્નમાં પહોંચી ગયો તેને પણ 'સત્યમેવ જયતે'ના પ્રમોશન તરીકે જોવામાં આવે છે. આ લગ્ન સમારંભમાં સ્ટેજ તૂટી ગયું હતું પણ આમિરને તેમાં કોઇ ઇજા થઇ નહોતી. આ કોઇ સ્ટન્ટ નહોતું.
'સત્યમેવ જયતે'નું શૂટિંગ કરવા આમિર ખાન બે વર્ષ ભારતમાં ફર્યો છે અને તેણે ઘણા આમ આદમીઓના જીવનની સાચી કહાણીઓ એકઠી કરીને તેને એક માળામાં ગૂંથી લીધી છે. આ સિરિયલમાં ભારતની વાસ્તવિકતા બહાર આવે છે. કોઇ પણ કલાકૃતિના રચયિતાને પોતાના સર્જનનો પ્રચાર કરવાનો પૂરેપૂરો અધિકાર છે. શરત એટલી છે કે તેમાં સત્યનું સન્માન થવું જોઇએ અને અસત્યનો આધાર લેવાવો ન જોઇએ. આજના માર્કેટિંગના જમાનામાં સૌથી પહેલો ભોગ સત્યનો લેવાઇ જતો હોય છે. આમિર ખાનની સિરિયલનું માર્કેટિંગ પણ તેમાં અપવાદ નથી. આ સિરિયલ જો ખરેખર સારી હશે તો આમિરના ચાહકો તેના 'અસત્યના પ્રયોગો' પણ માફ કરી દેશે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved