સુષ્મા સ્વરાજે મોદી પાસે જવાબ માગતાં સરકારી તંત્ર પર તવાઇ

- લોકસભામાં સમગ્ર ઘટનાનો પડઘો
- સુષ્મા સ્વરાજે મહિલા સાથેના વર્તન અંગે દુઃખ વ્યક્ત કર્યું

ગાંધીનગર, બુધવાર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગઈકાલે દાહોદ ખાતે યોજાયેલા ગુજરાત સ્થાપના દિને દાહોદના કોંગ્રેસ પક્ષના સાંસદ ડૉ.પ્રભાબહેન તાવિયાડની પોલીસ દ્વારા દુર્વ્યવહારપૂર્ણ અટકાયત કરવામાં આવી હતી.આ ઘટનાનો આજે સંસદમાં પડઘો પડયો હતો. વિરોધપક્ષના નેતા સુષ્મા સ્વરાજે પણ આ ઘટનાને દુઃખદ ગણાવી ગુજરાતના મુખ્યમંત્રીને ફોન કરી માહિતી મેળવવાની સંસદમાં ખાતરી આપી હતી. બપોર સુધીમાં સુષ્મા સ્વરાજે મુખ્યમંત્રી સાથે ફોન પર આ મુદ્દે વાતકરી જવાબ માંગતા સરકાર આખી દોડતી થઈ ગઈ હતી અને સુષ્મા સ્વરાજને રિપોર્ટ મોકલવા દાહોજ જિલ્લાના પ્રભારી મંત્રી ફકીરભાઈ વાઘેલા કામે લાગ્યા હતા.
ગુજરાતનો સ્થાપના દિવસ દાહોદ ખાતે યોજાતા જિલ્લાના સાંસદો અને ધારાસભ્યોને પણ તેના નિમંત્રમો આપવામાં આવ્યા હતા. ડૉ. પ્રભાબહેન આ કાર્યક્રમમાં હાજરી આપવા પોતાના ઘરની બહાર નીકળતાં જ પોલીસના કાફલાએ તેમને ઘેરી લીધા હતા. મહિલા પોલીસે તેમની ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં મુક્યા હતા અને તેમને કાર્યક્રમના સ્થળથી અને ગામથી દૂર લઈ જવાયા હતા.
ડૉ. પ્રભાબહેનની અટકાયત કરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે સંસદનું સત્ર ચાલુ હોવાથી તેમને દિલ્હી જવાનું છે. જેથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
પોલીસે તેમની સાથે કરેલી ઝપાઝપીના કારણે તેમને ઈજાઓ થઈ હોવાથી વડોદરા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈને રાત્રે દિલ્હી પહોંચ્યા હતા.
આજે સંસદમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા તેમની સાથે કરેલા વ્યવહારની રજૂઆત કરતાં તેઓ રડી પડયા હતા. સાંસદ નગિરિજા વ્યાસે આ સમગ્ર ઘટના લોકસભામાં વ્યક્ત કરી હતી.
એક મહિલા સાંસદ સાથે ગુજરાત પોલીસે કરેલા વ્યવહારથી ભાજપના વરિષ્ઠ નેતા અને વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ ઘટના અંગે સુષ્મા સ્વરાજે ગુજરાતના મુખ્યમંત્રીનો જવાબ માંગ્યો હતો. જેથી મુખ્યમંત્રીએ સરકારના પ્રવકતા મંત્રી જયનારાયણ વ્યાસ તથા દાહોદના પ્રભારી મંત્રી ફકીરભાઈ વાઘેલાને સૂચના આપી દાહોદ ડી.એસ.પી. અને કલેકટર પાસેથી ઘટના અંગે રિપોર્ટ તથા વિડિયો રેકોર્ડીંગના ક્લિપીંગ તાકીદે મંગાવ્યા હતા. આજે સચિવાલયમાં અધિકારીઓમાં વ્યાપક ચર્ચા એ રહી હતી કે ૧૦ વર્ષમાં પ્રથમવાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો કોઈએ જવાબ માંગ્યો અને મોદી ટેન્શનમાં આવી ગયા.

સુષ્મા સ્વરાજનો ફોન આવ્યા પછી

૨૪ કલાકે સરકારને દાહોદની ઘટનાની ગંભીરતા સમજાઈ
ગાંધીનગર, બુધવાર
ગઈકાલે ૧લી મેના રોજ બપોરે ૧૨ વાગે કોંગ્રેસના સાંસદ ડૉ. પ્રભાબહેન તાવીયાડની અટકાયતની ઘટના બની હતી પરંતુ ભાજપ કે ભાજપ સરકારે આ ઘટનાને કોઈ જ મહત્ત્વ આપ્યું ન હતું. પરંતુ આજે આ મુદ્દો લોકસભામાં ઉછળ્યો, અને સુષ્મા સ્વરાજે આ ઘટનાને ગંભીર ગણીને ગુજરાતના મુખ્યમંત્રી પાસે વિગતો માંગી ત્યારે ગુજરાત સરકારને આ ઘટનાની ગંભીરતા સમજાઈ.
ડૉ. પ્રભાબહેનને દોષિત ઠેરવી શકાય એવા વિડિયો ક્લિપિંગ માટે દોડધામ મચી ગઈ
૨૪ કલાક પછી ડૉ. તાવીયાડે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી એ પ્રકારનું વિડિયો રેકર્ડીંગ શોધી કાઢવા જિલ્લા પોલીસ વડાને કામે લગાવવા પડયા. ગઈકાલે ન્યૂઝ ચેનલ પર આ ઘટના દર્શાવવામાં આવી હતી પરંતુ તેમાંથી ડૉ. પ્રભાબહેનને દોષિત સાબિત કરી શકાય તેમ ન હોવાથી ખાનગી રેકોર્ડીંગ અથવા સરકાર દ્વારા કરાવવામાં આવેલા વિડીયો શુટીંગના ક્લિપીંગ યુદ્ધના ધોરણે મેળવવા સમગ્ર તંત્રને કામે લગાવવું પડયું હતું.

અટકાયત સરકારનું ગેરબંધારણીય કૃત્ય
આજે દાહોદ ખાતે કોંગ્રેસ ધરણાં અને દેખાવો યોજશે
અમદાવાદ, બુધવાર
ગુજરાત રાજ્યના સ્થાપના દિને દાહોદના સાંસદ ડૉ. પ્રભાબહેન તાવીયાડ, ધારાસભ્યો વજેસીંગભાઈ પણદા, બચુભાઈ કિશોરી, ચંદ્રીકાબહેન બારીયા, દીનાભાઈ મચ્છાર તથા કોંગ્રેસના આગેવાનોની અટકાત અને ધરપકડને કોંગ્રેસે લોકશાહી વિરૃદ્ધનું કૃત્ય ગણાવ્યું છે. તેના વિરોધમાં આવતીકાલે તા. ૩મેના રોજ દાહોદ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શિત કરવા દેખાવો અને ધરણા યોજવામાં આવશે.
મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસે આચરેલું વર્તન ગુજરાતની અસ્મિતા અને ગૌરવને લાંછનરૃપ ઃ કોંગ્રેસ
કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગીરીશ પરમારે જણાવ્યું છે કે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આ મહિલા સાંસદ સાથે બીજી વખત આવો દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. છ મહિના પહેલા ગરીબ કલ્યાણ મેળા વખતે ડૉ. પ્રભાબહેનને ધક્કા મારી, ટીંગાટોળી કરીને સ્ટેજ પરથી નીચે ઉતારી દઈને અપમાન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ફરી તેવો જ વ્યવહાર કરીને ગુજરાતની મહિલાઓનું ભાજપ સરકારે અપમાન કર્યું છે.
ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું છે કે ડૉ. પ્રભાબહેન તાવીયાડ સાથે ભાજપ સરકારની પોલીસે જે વર્તન કર્યું છે તે ચલાવી લઈ શકાય તેમ નથી. મુખ્યમંત્રીની સીધી સૂચના હેઠળ પોલીસે અપમાન કરીને ગુજરાતની અસ્મિતા અને ગૌરવને લાંછન લગાવ્યું છે.
ગુજરાતની ભાજપ સરકાર વિધાનસભા હોયકે જાહેર કાર્યક્રમ વિરોધપક્ષને દબાવી દેવા જે પ્રકારના કૃત્યો આચરે છે, તેનો જવાબ તેમણે પ્રજાને આપવો પડશે.