સેહવાગનો ટી-૨૦ની સતત પાંચ મેચમાં અડધી સદીનો વર્લ્ડ રેકોર્ડ

 

- રાજસ્થાન સામે સેહવાગે ૨૦ બોલમાં ૫૦ રન પુરા કર્યા

 

- અગાઉ યુવરાજ, ઉથપ્પાએ આ સિધ્ધિ મેળવી છે

 

જયપુર,તા.૨

 

ભારતના દિગ્ગજ બેટસમેન સેહવાગે ફરી વખત વિસ્ફોટક ફોર્મ દર્શાવતા આઇપીએલ ટ્વેન્ટી-૨૦માં સતત પાંચ મેચમાં અડધૅી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.

 

સેહવાગે આ સાથે ટ્વેન્ટી-૨૦માં પાંચમા ક્રમની ફાસ્ટેસ્ટ અડધી સદી નોંધાવનારો ત્રીજો બેટ્સમેન બન્યો હતો. ટ્વેન્ટી-૨૦માં આંતરરાષ્ટ્રીય તેમજ ડોમેસ્ટક મેચમાં ઓવરઓલ ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારનો રેકોર્ડ યુવરાજના નામે છે, તેણે ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે માત્ર ૧૨ બોલમાં ૫૦ રન કર્યા હતા. ડરબનના મેદાનમાં નોંધાયેલા આ રેકોર્ડ દરમિયાન જ યુવરાજે બ્રોડની એક ઓવરના છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.

 

સેહવાગના ૩૮ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૧ છગ્ગા સેથાના ૭૩ રનની મદદથી દિલ્હીએ રાજસ્થાનને પરાજય આપ્યો હતો. સેહવાગે સતત પાંચમી ટ્વેન્ટી-૨૦માં અડધી સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. ટ્વેન્ટી-૨૦માં ઓવરઓલ અત્યાર સુધી કોઇ ખેલાડી સતત પાંચ મેચમાં અડધી સદી નોંધાવી શક્યું નથી. અગાઉ આ રેકોર્ડ સંયુક્ત રીતે ડેન્લી, કાર્સેલ્ડીન અને ટ્રેસ્કોથીકના નામે છે.ડેન્લીએ કેન્ટ તરફથી ૨૦૦૮માં આ સિધ્ધિ નોંધાવી હતી. જ્યારે કાર્સેલ્ડીને ક્વીન્સલેન્ડ તરફથી ૨૦૦૯માં આ રેકોર્ડ નોંધાવ્યો હતો. ઈંગ્લેન્ડના માર્ક ટ્રેસ્કોથીકે ૨૦૧૦માં સમરસેટ તરફથી ઈંગ્લેન્ડની કાઉન્ટી ટ્વેન્ટી-૨૦માં સતત ચાર મેચમાં અડધી સદી ફટકારી હતી.

 

ભારત તરફથી સેહવાગની ૨૦ બોલમાં અડધી સદીના રેકોર્ડ અગાઉ યુવરાજ અને ઉથપ્પા ઝડપી અડધી સદી નોંધાવી ચુક્યા છે. યુવરાજે આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-૨૦માં ત્રણ વખત અનુક્રમે ૧૨, ૨૦ અને ૨૦ બોલમાં ૫૦ રન કર્યા છે. જ્યારે ઉથપ્પાએ પંજાબ સામેની ૨૦૧૦માં બેંગ્લોરમાં રમાયેલી મેચમાં ૧૯ બોલમાં જ અડધી સદી નોંધાવી હતી.