મને કોઈ સાચું રિપોર્ટિંગ કરતા નથીઃ મુખ્યમંત્રીની મનોવ્યથા

 

- ધનદાનમાં લક્ષ્યાંક કરતા બદનામી વધુ

 

- વાસ્તવિકતાથી દૂર ભાગશો તો તમે દૂર થઈ જશો

 

ગાંધીનગર, બુધવાર

 

આજે ગાંધીનગર ખાતે મળેલી ભાજપની બેઠકમાં વિવિધ કાર્યક્રમોમાં પાંખી હાજરીનો મુખ્યમંત્રીના પ્રવચનમાં પડઘો પડયો હતો. તેમણે પ્રદેશના આગેવાનો, જિલ્લાના હોદ્દેદારો સહિત સહુને ઠપકાની ભાષામાં પક્ષમાં જે ચાલી રહ્યું છે તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

 

કોઈ પણ કાર્યક્રમ યોજાયા પછી તેમને મળતા રિપોર્ટિંગમાં ક્યાંય એક સૂર જોવા મળતો નથી તે અંગે તેમણે વિવિધ દાખલાઓ આપીને જણાવ્યું હતું કે, પ્રભારીનું રિપોર્ટિંગ અલગ હોય, પક્ષમાંથી મળતું રિપોર્ટિંગ અલગ હોય છે અને જ્યા હું જાતે હાજર હોઉં છું ત્યાં મને જુદુ રિપોર્ટિંગ મળે છે. એટલું જ નહિ સમાચારોમાં તેનાથી પણ જુદું રિપોર્ટિંગ વાંચવા મળે છે. કોઈ વાત ક્યાં સુધી છુપાવી શકશો અને એ વાસ્તવિકતાથી દૂર ભાગશો તો તમે જ દૂર થઈ જશો. વાસ્તવિકતા જ્યાંની ત્યાં જ રહેશે. આ બેઠકમાં 'ધનદાન'નો તમામ હિસાબ દરેક જિલ્લામાંથી મેળવી લેવામાં આવ્યો હતો. બાકી બચેલી કુપનો, હિસાબના ચોપડા વગેરેના પોટલા પ્રદેશ કાર્યાલયમાં જમા લેવામાં આવ્યા છે. ધનદાનમાં લક્ષ્યાંક તો સિદ્ધ ન થયો પણ બદનામી વધુ મળી તે અંગે પણ ટકોર કરવામાં આવી હતી. જૂન મહિનામાં શરુ થનારી મતદાર સુધારણા કાર્યક્રમમાં જોડવા માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ઉપરાંત કેન્દ્ર સરકાર સાથેના કાર્યક્રમો કરવામાં આવશે.