ગુજરાતની ૧૨૦ કંપનીઓએ ૧૩૦૦ કરોડનો નફો વિદેશ મોકલી આપ્યો

 

- ટ્રાન્સફર પ્રાઈસિંગમાં ૧૦૦થી ૪૦૦ કરોડના નફા ટ્રાન્સફર કરાયા

 

- નફો અન્ય દેશમાં ટ્રાન્સફર કરી વેરાની જવાબદારી ઓછી કરવા ચાલી રહેલી કવાયત

 

અમદાવાદ,બુધવાર

 

ગુજરાત સહિત પશ્ચિમ ભારતના રાજસ્થાન સહિતના રાજ્યોની અંદાજે ૧૨૦ જેટલી કંપનીઓએ કાયદાકીય જોગવાઈઓને ખોટો લાભ ઊઠાવીને અંદાજે રૃા. ૧૩૦૦ કરોડનો નફો જુદી જુદી મોડસ ઓપરેન્ડી અપનાવીને દેશની બહાર મોકલી આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ કંપનીઓને આવકવેરા ખાતા તરફથી નોટિસ પણ ઇશ્યૂ કરી દેવામાં આવી છે. તેમાંથી ઘણી કંપનીઓએ એપેલેટ ટ્રીબ્યુનલમાં અપીલ પણ દાખલ કરી દીધી છે.

 

૨૦૧૦-૧૧ના નાણાંકીય વર્ષ દરમિયાન પશ્ચિમ ભારતના રાજ્યોની કંપનીઓએ મળીને અંદાજે રૃા. ૫૫૦ કરોડનો નફો ટ્રાન્સફર કર્યો હતો. આ નફો ટ્રાન્સફર કરતાં પૂર્વે તેમણે ભારત સરકારને ચુકવવાનો થતો ટેક્સ ન ચુકવ્યો હોવાનું બહાર આવ્યું છે.

 

વિદેશથી માલ લઈને ગુજરાતમાં આવતા જહાજો ગુજરાતના બંદરોએ માલ ઉતારી દે પછી તેમાં ગુજરાતમાંથી કરાતા નિકાસ સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા પોતાના માલની નિકાસ કરવામા આવે છે. આ નિકાસ કરવા માટે તેમણે જહાજોની માલિક કંપનીઓને ચાર્જ ચુકવવા પડે છે. આ ચાર્જ પર દસ ટકાને દરે ટીડીએસ કરવો ફરજિયાત છે. સંખ્યાબંધ શિપિંગ કંપનીઓને કરાતી ચુકવણી પર ટીડીએસ કરાયો નથી. આ ટીડીએસની રકમ ભારત સરકારને જ ચુકવી દેવાની હોય છે.

 

ચીનની શૅન્ગડોન્ગ જેવી કંપનીઓને પ્લાન્ટ બનાવવાના કામકાજની સર્વિસ પેટે ચુકવવામાં આવેલી ટેકનિકલ ફીની કરવામાં આવેલી ચુકવણી પર પણ દસ ટકાના દરે સર્વિસ ટેક્સ જમા આપવામાં આવ્યો નથી. આ રકમ પણ જમા દર્શાવાઈ નથી. તેમ જ વિદેશી કંપનીઓ કોન્ટ્રાક્ટ લઈને જે આવક અહીં કરે છે તે સંપૂર્ણ આવક પર ૪૦ ટકાના દરે ટેક્સ લાગે છે. આ ટેક્સ પણ ઘણી કંપનીઓએ જમા કરાવ્યો નથી. આ સિવાય પણ ઘણી બધી કંપનીઓએ કરોડો રૃપિયાનો નફો અન્ય દેશોમાં ટ્રાન્સફર કરી દીધો હોવાનું ઇન્ટરનેશનલ ટેક્સેસન ડિપાર્ટમેન્ટને જાણવા મળ્યું છે.